હાં ખુદગર્ઝી હે..

0

જો મેં ઐસા જાનતી, પ્રિત કરે દુઃખ હોય,
નગર ઢંઢેરા પિટતી, મોસે પ્રિત ના કીજો કોય…

કહીં ઇ-શ-ક દી મરજી હે, કહીં ર-બ-દી મરજી હે,
તેરે બીન જીના જૈસે હાં, ખુદગર્ઝી હે…

..પણ એ ગાતો રહ્યો! બેફીકર થઈને ગાતો રહ્યો. અમદાવાદ-ઇન્કમટેક્ષના ડામરના રસ્તાઓ અને લીલોતરીના રસ્તાઓ પર, એ માણસ બુટપોલીશ કરવાનું પતાવીને, પોતાના ક્લાયંટ(!)ની સાથે જ વાતે વળગીને અચાનક ગાવા માંડ્યો હતો. વૈશાખી વાયરા જેવો કોઇ કવિમય કે સાહિત્યિક શબ્દ કોઇએ બોલ્યો નહોતો પણ, વૈશાખની લું અનુભવે સમજાતી હોય છે. એ ગાતો રહ્યો. ગળું ખેંચીને, આસપાસના લોકોને પોતાની ગાયકીથી નવાઈ લગાડીને, ક્રિયાપદો અને ભાષા બંધારણોના જર્જરીત નિયમોને ઓવરટેક કરીને એ ગાતો રહ્યો. ગીત કોઇ ફિલ્મી જેવું હ્તું, એના લિરિક્સ કોઇ બિજાના હતાં.

એના શ્વાનવત્ત સંબંધો હશે જે પાટીદારોના આંદોલનો સિવાય પણ અનામત માંગવાને લાયક થતા હશે. એની ગ્નાતી/કૌમ અને સમાજની રિતીરિવાજો મુજબ દારૂં ઢીંચીને પોતાના બૈરાંની ધોલાઈ કરતો હશે, અને રોજ સવારે બંને ધણી-બાયડી એ જ ઝગડાની મારામારીના રોમાંસને પોતાના સરાઉન્ડીંગમાં જાહેર કરતાં હશે. અને સુધરેલી(!) પબ્લિક એને શોઇંગ અફેક્શન પબ્લિકલી જેવા શબ્દો વડે ફીફાં ખાંડતી હશે. પણ “અડધી કટીંગ” ના ખાલિ કપને રમાડતો રહીને એ ગાતો રહ્યો. આસપાસના કોર્પોરેટીય ઓપિ-સરો(!) ને જોઇને માથું નમાવીને, જાતે જ અહોભાવથી નમીને ગાતો રહ્યો. ઇશારાથી બુટપોલિશના બ્રશ વડે બુટપોલિશ કરાવવાની ઓફર કરતો રહ્યો! આફ્ટરઓલ, પેટની ભુખ અને વિજાતીય શરીરની ભુખ , આ બે અંતિમો વચ્ચે આ કહેવાતા ભગવાનના સર્જનનો વહેવાર ચાલે છે! ભુખ વડે જીવાય છે, મરાય છે, જીવાડાય છે, મારી નંખાય છે. સંસ્કારો અને માનવતાના ભ્રમ પળાય છે. ભુખ જ હોય છે એ જે આ બધાંને જકડી રાખે છે. અને આ વાસ્તવિકતા જાણ્યા/સમજાયા પછી ગરમાગરમ ટીફીનની સુગંધથી એક ચિતરી ચઢી જાય છે. લસણની ચટનીની સુગંધ ને ટેસ્ટ ફીક્કો લાગે છે. ડુંગળી કાકડી ટામેટાના સલાડમાંથી સુગંધ અને સ્વાદ બંને મરી પરવારે છે. કોઇ ગિફ્ટમાં આવેલી મિઠાઈઓના બોક્સને આસપાસમાં રમતાં બાળકોમાં વહેંચી દેવાય છે. આ એક દંભ છે, અને સંન્યાસ લઈ લેવાનું એક કાયરતાપુર્ણ કાર્ય લાગે ત્યારે…ત્યારે મિજાજ ફાટતો હોય છે. કો-રિલેશન એનો કમાલ બતાવે છે અને છેલ્લા અક્ષરો ઘુમરાતા રહે છે. બધી જ…બધી જ..તમામ અર્થછાયાઓમાં એ શબ્દો ઘુમરાતા રહે છે…હાં ખુદગર્ઝી હે…હાં ખુદગર્ઝી હે..ખુદગર્ઝી હે..

દુનિયાની હકીકત જાણી ગયા પછીય ખુશ થતાં રહેવાના કારણો શોધ્યાં કરવા એ કદાચ, ગાંડપણ હોઇ શકે છે અથવા પરમતત્વને પામી ગયાની કોઇ નિશાની હોતી હશે અથવા..એને જ જખ મારવી કહેવાતું હશે. અને આવા લવારા કરવાને સ્ટેટસ અપડેટ કહેતાં હશે! કોને ખબર.. ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: