સજ્જનતા એક અભીશાપ છે

0

..ફરી એકવાર અમે લડવાની દુનિયામાં પદાર્પણ કર્યું. ફરી એકવાર બધાંય સૌજન્યને દર-કિનાર કર્યું. ફરી એકવાર એ બધીય ખરાબીઓના અટકી પડેલા અનુસંધાને વાત આગળ ચલાવી. ફરી એકવાર ગાળો બોલાવાનું શરું થયું. ફરી એકવાર ઉધ્ધતાઈના કીર્તીમાનો શરૂ કર્યા અને ફરી એકવાર એ બધું જ શરું કર્યું જે આ દુનિયાને માટે લાયક હતું. અહેમદ અતા, એક શેર માં કહે છે એમાં આ બધું જ ક્યાંક ગોઠવાઈ જાય છે કે, પછી અમેય નિચા હોવાના ઉંચા(!) કીર્તીમાનો સ્થાપ્યા. પા એટલે કે પગ અને પોશ એટલે કે, એની સાથે વળગેલું/જોડાયેલું વગેરે! એટલે કે પગ લુછણીયાની કક્ષાએ જઈને અમે દુનિયાને જવાબ આપ્યો! (પા પોશ હુએ!) અને અમે દુનિયાને ડગલે-પગલે દેખાવા લાગ્યા, જાહેર થયા, મશહુર થયા અને લોકો અમને પુછતા આવ્યા! અમે નામદાર – જેનું નામ જ પરિચય બરાબર છે- થયા ! પગ અને પગલે-પગલે! અનુસંધાન જુઓ!

ઔર ફીર હમ કસી પા પોશ કા પૈબંદ બને,
ઔર ફીર અપને ભી ચર્ચે સર-એ-અફ્લાક હુએ,

..બસ, એક ખલિશ, એક તીખારો શમતો નથી. આ એ દુનિયા નથી જેને મેળવવાની હતી. આ દુનિયાને મેળવવામાં કંઈ મઝા પણ નથી. આ બે-માની/બેમુરવ્વત દુનિયામાં એવું કંઈ નથી જેને માટે કોઇ બલિદાન અપાય. “કેપ્ટન જેક સ્પેરો” કહેતો હતો એમ, “જેટલું લુંટાય એટલું લુંટી લો” – એજ એક લુંટારાને માટે એનું કર્મ(!) છે! દુનિયા અંતતઃ, લુટાવાને માટે હોય છે. એને લુંટીને એને પાયમાલ કરી શકાય તો એને જીવનનો મર્મ સમજ્યા કહેવાય. બાકી, બધું ગ્નાન, ઔચિત્ય, સજ્જનતા નકામું છે!

વસુકી ગયેલા જાનવરો પોતાના જનનાંગો ચાટ્યા કરે એમ, સજ્જનો પોતાની સજ્જનતાને પંપાળ્યા કરે છે અને હાંસીને પાત્ર ઠરે છે. અને એટલે જ એ હાસ્યાસ્પદ હોતા હોય છે. એ શાંત અવાજે વાત કરે છે, એ ચુપચાપ સાંભળવા ઇચ્છે છે. એ માનવમાત્રમાં કરુણા જુએ છે, અને છેવટે પોતાના જનનાંગો ચાટ્યા કરે છે.

સજ્જનતા એક અભીશાપ છે. ગયા જન્મના પાપકર્મોએ આ જન્મમાં સજ્જનતા મળે છે. અને જો એથીય વધારે પાપકર્મો હોય તો, તમને એ સજ્જનતાનો કીડો(!) ચઢી જાય છે મગજમાં! પણ, એનુંય એક સમાધાન હોય છે. કોઇ બહુરુપીની જેમ, જાણી જોઈને કરાતી સજ્જનતા કરતા ઉઘાડેછોગ થતી ઉધ્ધતાઈ નૈતિક ધોરણે વધારે પવિત્ર હોતી હોય છે. કમસે કમ એમાં જાતને છેતરવાની નથી હોતી! અને આ સમજણની સાથે જ એક અદુન્યવી આનંદ ઉભરાય છે. એ બેવકુફીની રમતો અને વિશ્વાસો ઉપર હસવું આવી જાય છે. એનાથી મુડ સારો બની જાય છે. એ નકામી વાતો. એ નકામી રિતો અને રિવાજો. એ માન્યતાઓ અને એ ગ્નાન! હાસ્યાસ્પદ સાવ! પછી એનેયે સિગરેટના ધુમાડામાં ઉડાવી દેવાનું. મોટા/મહાન અને કોઇ પર્વત જેવા અવિચળ (કોહ-એ-ગિરાં) લાગતા આદર્શોની નિરર્થકતા સમજીને , એની તણખલા બરાબર (ખસ-ઓ-ખાશાક) મહતા સમજીને હસી પડવાનું પણ આખરે મહાન પુરૂષોની નિયતીમાં હોય છે.. ;) :D

ઔર ફીર યાદ કિયા, ઇસ્મ પઢા, ફુંક દીયા,
ઔર ફીર કોહ-એ-ગિરાં ભી ખસ-ઓ-ખાશાક હુએ,

..અને છેલ્લે મહેફિલ-એ-ખાસ કાયમ રહે છે. સિગરેટના ધુમાડામાં, ઠંડા થઈ ગયેલા ટીફીનમાં, એ.સી. ની ઠંડી હવામાં, ફ્રીજની ચાલુ બંધ થતી લાઈટમાં..સિગરેટના ધુમાડાના ગોટાઓમાં મહેફીલો જ નહી મન પણ જાહોજલાલ થતાં હોય છે.

ફીર રક્સ કીયા..ધુલ ઉડી..ખાક હુએ,..જીક્ર છીડા..શામ હુઇ..રંગ ઉડે, જામ બને..ફીર શેર કહે..ધુલ ઉડી..ખાક હુએ..પાક હુએ..થોડે સે ગમનાક હુએ..

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: