મેરી સી કોઇ નેક કમાઇ ,મેનું ગુરુદ્વારે લે આઇ

0

“ઝમિન કો દેત..ઝમાન કો દેત ..”- એવા એને છોડવું અઘરું તો હતું. એના આભામંડળમાંથી છુટવું એમ સહેલુ નહોતું. એની શખ્શિયત બહુ મહાન હતી અને એટલે એના વિશેની માન્યતાઓ બહુ દ્રઢ હતી. પણ એને મને છોડ્યો નહોતો કદાચ. શ્રધ્ધાના એક ધ્રુવથી બિજા ધ્રુવ સુધીનું મેટામોર્ફીઝમ જોવું હશે એને , કદાચ એ આકર્ષાયો હશે ,એણે મને દાઢમાં રાખ્યો હશે, એણે મારી ઉપર નજર રાખવી હશે એણે કોઇ કટ્ટર હરિફની જેમ મને “જોઇ લેવો” હશે ! કેમકે નહી તો, એ મારી આસપાસ ના રહ્યો હોત, એણે સવાર/સાંજ/દિવસ/રાત મારી આસપાસ ના રહ્યા કર્યું હોત. મંદીરને અડોઅડ આવેલા મકાનોમાં રહેવાનું બન્યું છે, રોજ એ જ જગ્યાઓએ અવરજવર આ આપી હોત જ્યાં આરતી અને ભજનોનો ધીમો પણ મધ્ધિમ અવાજ સંભળાયા કરે, મસ્જિદોના “ફઝર” થી “ઇશા” સુધીના પાબંદી મુસલમાનોને દોસ્તો બનાવીને ના મોકલ્યા હોત, છેક ભુજ-કચ્છના એક ગુરુદ્વારાથી લઈને અહિં અમદાવાદ સુધી એણે એકસરખા મોજીલા સરદારો રોજ મેળાવી ના આપ્યા હોત..અને બીજી બાજુ..જુની ઢબના ભજનો તરફ એણે લગાવ આપ્યો કોઇક રીતે તો “શિવ મહિમ્ન સ્ત્રોત્રમ” ની એક છુપાયેલી “સુફી” અસર એણે ઓળખતાં શિખવાડી દિધી, ઉચ્ચારો ચાહે “શિવ તાંડવના” હતાં કે “શ્રી રાત્રી સુક્તમ” ના એણે મારી તોતળી જીભને એની આદત કરાવી દિધી હતી, જે વર્ષો પછી મને “ગુજરાતી”ના બદલે “સંસ્કૃત” શબ્દકોષ તરફ લઈ જવાના હતાં અને ધર્મગ્રંથોના સાચા શબ્દાર્થ વડે તાજગી આપવાના હતાં ! ફેંકાતી/પછડાતી/હાલાકીઓ અને ફુલગુલાબીઓ અને અવસાદ અને ગ્લેમર બધં આવતું રહ્યું પણ હરહંમેશ એવા જ મકાનોમાં રહ્યો છું જ્યાંથી “અઝાન” સંભળાઈ શકે છે, વહેલી સવારે “આરતી” નો ટંકારવ ના સંભળાયો હોય એવો કોઇ દિવસ નથી જતો, અને સાલા દરેક જગ્યાએ કોઇ “અનામી ગાયકો” હોય છે બધાં જ “બુત ખાના” માં જે અફલાતુન રીતે અઝાન ગાય(!) છે અથવા વહેલી સવારે નક્કર સ્વરે આરતી ઉચ્ચારે(!) છે ! એણે કોઇ ગજબની “આસ્તિકતા” બતાવી છે મારા “નાસ્તિક” અસ્તિત્વ તરફ !!

મેં એની સામે ગુસ્સો કર્યો હતો, ગુસ્સો રાખ્યો હતો. કંઈક તિખારાઓને મેં પાળ્યા હતાં, મને કયાંક કોઇક વિશ્વાસઘાત અનુભવાયો હતો. ક્યાંક એનો જ કોઇ વાંક હતો ક્યાંક મારો જ કોઇ દોષ હતો પણ પછી વાત વણસી ગઈ હતી. ક્યાંક પછી એક સમયે મારી હટી(!) ગઈ હતી એની ઉપર. “સકામ- નિષ્કામ શ્રધ્ધા” ની જેમ
“સકામ અ-શ્રધ્ધા” નો વિચાર નહી સ્વિકારી શકવા જેટલો સંકુચિત તો ના હોવો જોઇતો હતો એ.જુની ઢબની/નિષ્કામ ધર્મભિરુતામાંથી જ સળગતો નાસ્તિક ભાવ પ્રગટે છે, એ વાતનો હું સાક્ષી બન્યો હતો. ખૈર..વહેલી અંધારી સવારમાં કોઇ હમણાં જ ખુલેલી ચ્હાની લારીએ , માંડ ૩-૪ જણા હોય અને “શુભ દિવસે” બહુ જલ્દી પરવારીને/તૈયાર થઈને , કારમાંથી બહાર પગ લટકાવીને કોઇ હમઉમ્ર “સરદાર” આવીને સિગરેટ માટે લાઇટર માંગે અને કારમાં મ્યુઝિક પર વાગતી એક બહુ જુની અને થોડી અસ્પષ્ટ સમજાતી “ગુરૂબાની” નો વોલ્યુમ મોટો કરે ત્યારે, ટેકનોલોજીની નવી શોધખોળોથી હટીને ગુરૂબાનીની વાતોની પણ મઝા પડી જાય છે ! એણે શરું કર્યું હતું – “ઝમિન કો દેત..ઝમાન કો દેત,..” – થી અને મને બહુ ગમતી આવા જ પ્રકારની અમુક લાઇન્સ વળી એની પણ પસંદિદા નિકળે –

“બાબા નાનક દુખિયાં દે નાથ વે, રૈવે સર પે મેરા તેરા હાથ વે,
મેરે અપને તે છડ ગયે સાથ વે..બાબા નાનક દુખિયાં દે નાથ વે,”

..પછી વાતો ઔર નિકળે અને એ સરદાર વળી આપણાં જેવો નિકળે તો એણે પુછવાનું અનિવાર્ય થઈ જાય કે – “..તો આવી જગ્યાએ રહેવાનું ફાવે છે ?” – અને ઘરથી ત્રણ અલગ અલગ દિશાઓમાં લગભગ એકસરખા અંતરે એક “વૈષ્ણવ” મંદિર હોય અને એક “ગુરુદ્વારા” હોય અને એ બંનેની વચ્ચે એક “મહાદેવ” નું મંદિર હોય તો મારા જેવો નાસ્તિક “અદાવત” યાદ રાખીને શું કહે ? મેં જવાબ આપ્યો..- “મેરી સી કોઇ નેક કમાઇ..,મેનું ગુરુદ્વારે લે આઇ..” !!

સાલી, હવે તો ખરેખર “મિર્ઝા ગાલિબ” જેવી ફિલિંગ આવે છે !

“મસ્જિદ કે ઝેર-એ-સાયા ઇક ઘર બના લિયા હે,
યે બંદા-એ-કમિના હમસાયા-એ-ખુદા હે..”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: