જાહેર જીવન અને જવાબદારી

0

આખા સોશિયલ મિડિયામાં “શાહરુખ ખાન” ની તરફેણ અને વિરોધ બંને કરી લેવામાં જ જાણે કે સત્યના પારખાં થઈ જવાના હોય એમ પબ્લિક મંડી પડી છે ! હવે, બેખબર કે સામાન્ય માણસને તો જે દેખાશે એ બોલશે . એ કોઇ ચિંતક નથી કે ના તો રાજકારણી છે કે દાવપેચ માંડે , પણ મોટા અથવા જાતે જ મોટા સમજતા લેખકોએ પણ એ જ પિપુડી વગાડી નાંખી શાહરૂખ ખાનના બચાવમાં. જાણે કેમ શાહરૂખ ખાન કોઇ કચરાના ડબ્બામાં મળી આવેલ લાવારિસ નવજાત બાળક હોય ! કેમ ભુલી ગયા ? કે આ એ જ શાહરૂખ ખાન છે જેણે, “પેલા સ્ટેડિયમ” માં એક સામાન્ય સિક્યોરીટી ગાર્ડને પોતે કેટલો મોટો સ્ટાર છે એમ કહીને – તું નાનો હું મોટો – જેવી અદભુત માનસિકતાનો તમાશો કર્યો હતો. જુઓ,એ એક ઇન્ટરવ્યુ હતો અને એમાં ઇન્ટરવ્યુની એક ચાલુ રિધમમાં એ કંઈક બોલી ગયો એ ઉપર આટલો હોબાળો બહુ શોભતો નથી. પણ…

આપણી પબ્લિક છે જ “નકારાત્મક માનસિકતા” ની. એને બગીચો ગમે એનાથી વધારે ઉકરડો ખટકી જાય છે. રસ્તે ચાલતા કોઇ જણના ગબડી પડવા પર નહી, કોઇના મૃત શરીર અને ઇજાઓ જોવા ટોળા ભેગા થઈ જાય છે. આટલી બધી નેગેટિવિટી ?! ખૈર, શાહરુખ , એ વ્યક્તિ તરીકે કેટલો મહાન છે એ કે એના વિધાન ઉપર બહુ કંઈ કોમેન્ટ કે ઓપિનિયન આપવા જેવું નથી. ધ્યાન આપવા જેવી વાત કંઈક બિજી જ છે.

શાહરૂખ ખાન અને “બોલિવુડના બધાય ખાન” ભેગા થઈને પણ જેને પડકારીના શકે એવા એમના પોતાના જ કળાના ક્ષેત્રનો દિગ્ગજ “કમલ હસન”, એણે આ આખી ઘેટાચાલમાં નહી પડીને પોતે કોઇ એવોર્ડ પાછો નહી એવો નિર્ણય જાહેર કર્યો છે. આ વધારે સરાહનિય કે ધ્યાન આપવા લાયક નથી લાગતું કોઇને પણ ? અને બિજી બાજુ “કપિલ દેવ દા જવાબ નહી” જેવી વાત એમ કે ,મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલી બાબતે એણે પોતાના “વડ અને ટેટા” યથાવત રાખ્યા અને કહ્યું કે મને જેમ લાગ્યું એમ કહ્યું હવે જેમ કરવુ હોય એમ કરો !

જેટલી એવોર્ડ પરત કરનારા લેખકો અને સમર્થકોને સ્વતંત્રતા છે પોતાનો પક્ષ પકડી રાખવાની એટલી જ સ્વતંત્રતા અહિં પણ છે. અને ઘેટાચાલમાં નહી જોડાવાનો મનસુબો/વિરોધ/એટિટ્યુડ પણ સરાહનાને પાત્ર છે. લોકશાહી એટલે માત્ર વિરોધ/દેખાવો/સરઘસો/ટિકાઓ માત્ર જ નથી હોતું. લોકશાહી એછે જ્યાં દરેક વ્યક્તિ પોતાનો મત બિજા કોઇની સાડાબારી રાખ્યા વગર જાહેર કરી શકે અને એને વળગી રહે. એનું આવું વર્તન કેટલુ કાયદેસર છે કે નથી એ કામ કાયદો/બંધારણ નક્કી કરશે, અને એ તો અલગ જ મુદ્દો છે. પણ વ્યક્તિગત ધોરણે પોતાના દ્રષ્ટીકોણને વળગી રહેવાનો અધિકાર પણ લોકશાહીના જ પાયાગત સિધ્ધાંતોમાં છે.

જાહેર જીવનમાં રહેવાનો/મહાલવાનો/બોલવાનો/લખવાનો/ચમકવાનો બહુ ચસકો હોય તો જરાક જવાબદારી પણ સ્વિકારવી રહી. અને એ કોઇ “એડ ઓન પેક” નથી એ તમારી ફરજમાં આવે છે. શું કામ નકારાત્મક સમાચારોને જ આટલું પ્રાધાન્ય આપવું જોઇએ ? સમાજના પત્રકારો/આગળ પડતા લોકો/ ચિંતકો એ લોકો શું કામ બળતામાં ઘી હોમતા હશે , વારું ?! એમણે તો કંઈક સકારાત્મક અભિગમ આપવો રહ્યો કે નહી ? “અમૃતા પ્રિતમ” ની “રેવન્યુ સ્ટેમ્પ” માં કદાચ ક્યાંક હતું કે – “….જ્યાં સુધી જાહેર જીવનમાં છપાતા લોકો પોતાની જવાબદારી નહી સમજે ત્યાં સુધી ઘણું નકારાત્મક/ના છપાવા જેવું પણ છપાતું રહેશે….” – !! ખૈર, એક વાત કહો કે…સિગરેટ પીતાં પિતાં પણ “અમૃતા” ને આ મહાન “ધુમ્ર ગ્નાન” લાદ્યું હતું તો સ્વાસ્થ્યવર્ધક ફાકીઓ ખાઈને તમને બિજું કંઈ ના મળ્યું ?! ;)

અને સામાન્ય/ભોળા(!) વાંચકગણને પુછવાનું મન ખરું કે – બબુચકો , તમારી બુધ્ધિ નથી ચાલતી કે જે વંચાય એ બધું સાચું માની લો છો ? અને ગમે તેવા ઐરા ગૈરા નથ્થુ ખૈરા – ને તમે આદર્શ માનીને આંખો મિંચીને ઉપડી પડો છો ભારતમાં નવનિર્માણ કરવા ! જે વ્યક્તિ/નેતા/સેલિબ્રિટી કે કોઇપણ તમને માત્ર “રવાડે” ચઢાવતા જ શિખવે એને વહેલી તકે અનુસરવાનું બંધ કરી દેવું માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત લાભપ્રદ છે.”દિખાવે પે મત જાઓ અપની અકલ લગાઓ – ની સુવર્ણ ભસ્મ” નું નિયમિત સેવન કરવાથી ઘણા કારણ વગરના રક્તચાપને અટકાવી શકાય છે, અને એ પચવામાં કનિષ્ઠ અને સ્વાદમાં કડવી અને જીવન માટે સુપાચ્ય છે. ;) માત્ર નકારાત્મકતા જ ફેલાવનાર વ્યક્તિ/બાબત સેલિબ્રિટીના હોય , બલ્કે ના હોવો જોઇએ. એવાઓને જ્યાંના ત્યાંજ રાખીને આપણે આગળ વધી જવાનું ,અને એમ કરવાને “સમર્થકો ની બેવફાઇ” નથી કહેતાં !અને એમ જો કોઇ સેલિબ્રિટી વગરનાં (!) થઈ જાઓ તમે તો ભલે થવાય. ;)

“હાં તો નહી ખુદા પરસ્ત, જાઓ વો બેવફા સહી,
જીસ કો હો દીન-ઓ-દિલ અઝિઝ ઉસકી ગલી મેં જાએ ક્યું ?” _”મિર્ઝા ગાલિબ”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: