લુત્ફ-એ-મહેફીલ..

0

“હઝરાત..યે મિસરે સુનના , મુઝે બડે અઝિઝ હે…બડે પસંદ હે..” – પછી એ કોઇ અજાણ્યા શાયરનો અજાણ્યો શેર બોલે છે,અમુક સેકંડ્ડ્સ મહેફિલ અટકે છે, તબલા અને તાળિઓ અટકે છે, “વણાકબોરી” ની નજીક પસાર થઈ અને “થર્મલ પાવર સ્ટેશન” માં પાણી આપતી “મહિસાગર” ના હિલોળા રાત્રીના સુનકારમાં હવે આછા પણ સ્પષ્ટ સંભળાઈ જાય છે, તમરાંઓનો અવાજ અચાનક મોટો લાગવા માંડે છે, “મહા મહિસાગર” ની સૈકાઓ પહેલાની આહુતીઓમાં ખપેલા માનવોના પ્રેતો અને એમની લોકવાયકાઓ પણ અટકી હશે,”પેરેલલ યુનિવર્સ” ના કોઇ ડાયમેન્શનમાંથી કદાચ કોઇના આર્તનાદો પણ મહિસાગરના પાણીમાં એબસોર્બ થયા હશે, પણ એ ચાંદ કાદરી પોતાના ગૌરવર્ણા ચહેરા ઉપરથી જરા વાંકડીયા અને ઘણાં લાંબા જુલ્ફાંને હટાવીને અમુક પળ અટકી રહ્યો,નજીકમાં દેખાઈ રહેલા લિલા કલરના ઝંડા અને ચાંદ તારાની નિશાનીઓ અને એ જ આકારમાં બનાવેલી સિરિઝની લાઇટને જોઇ રહ્યો,કંઈક ભેદી હસ્યો, ચહેરાના હાવભાવ બદલાયા,આંખો જરાક ઉદાસ થઈ અને જરા મોટી થઈ અને દુ…ર કદાચ કોઇ “ચોક્કસ દિશામાં” આવેલા રેગિસ્તાનની ગરમ હવાઓને શ્વાસમાં લેતો હોય એમ ઉંડા શ્વાસ લિધા અને એક સેકંડમાં કોઇ આવેશ/આક્રોશ થી …

“જબ તલક કી વાયઝ સે ના કર લુ અના સરેઆમ,
બઝ્મ-એ-મહેફિલ મે મુઝે લુત્ફ આતા નહી..” !

પણ લુત્ફ-એ-મહિફિલનું આવવું જરૂરી છે. મહેફિલને રોશન કરતી શમાઓ અને હોલવાઈ ના જવા માટે છટપટાતી શમાઓની એમની પોતિકી મઝાઓ જરૂરી છે. લાઇફમાં મોંફાટ હોવું જરૂરી છે અને એની સજાઓ જરૂરી છે. એલફેલ લોકોનું મળી જવું પણ એક મઝા છે લાઇફની અને એમાં ભેરવાઈ પડવું પણ એક લિજ્જત આપે છે. ખાનાખરાબીઓની હાલાકિઓ નો એક અલગ છંદ છે અને એમાં પણા મુસ્તાક રહેવાનો કુ-છંદ પણ એક લાબયાં અનુભવ છે. ..પણ, એ સેકંડ , એ ચોક્કસ ક્ષણ , સમયના અંતરાલ અને ગર્ભમાંથી નિકળેલી એ “ટાઇમ ટિ.વન સેકંડ” ને , એ મનોભાવો અને ચહા-પાણીના પડેલા અંતરાલમાં થયેલી ચર્ચા અને વહેલી સવારના એણે જણાવેલી એક ઇચ્છા – મક્કા અને અમરનાથ ની જાત્રા કરવાની !- ના ગુઢ ઇરાદાઓને, એના ચહેરાની રેખાઓમાં આવેલા ફેરાફારને..શબ્દોમાં સંપુર્ણ વ્યાખ્યાયિત કરવું અશક્ય છે , એ અનુભુતી ની વાત છે.

..અને એ અનુભુતી જ હતી જેમાં “હું કાર” હતો. અલેલટપ્પુઓના “સનાઓ ભાંગવાને” જ્યાં રોજ ભંગાતો હતો. ચાપલુસી કરવી ન ફાવવી અને ગમે તેના ખોળામાં બેસી જઈને ગુલબાંગો હાંકવાનું ના ફાવવાની પણ એક અનુભુતી હતી. ભટકાઈ જવાનું અને ભેરવાઈ જવાનું એ એક સિમાચિહ્નો હતાં. જ્યાં રોજ એક નવો મુદ્દો અને મુસદ્દો બનતો હતો અને જ્યાં રોજ કોઇને કોઇ ચુકાદો આવતો હતો. કોઇના પાળેલા થવું ના ફાવવાની પણ એક મઝા હતી અને એમ બે કોડીના લોકોના અળખામણાં થઈ જવાની પણ એક લિજ્જત હતી. અને એને પણ શબ્દોમાં ઢાળવી અઘરી હતી. ત્યાં શબ્દો નથી રહેતાં માત્ર આનંદ હોય છે, અને એ તામસિક હોય છે. હરામી લોકોને હેરાન થતાં જોવામાં એક આનંદ મળે છે. અને એમની બેચેની જો આપણાં કારણે આવી હોય તો તામસિક આનંદમાં એક લિજ્જતદાર વિકૃતિમય આનંદ ઉમેરાય છે. અને એ પણ અનુભુતીનો એક લય છે.

સસ્તા બે કોડીના સુવિચારોનો સસ્તો મુજરો દરેક સસ્તો માણસ કરી જ લે છે, પણ જીવન એમ સસ્તું નથી હોતું. જેમણે પોતાની ગર્ભગૃહી સલામતી નથી છોડી એમણે બહુધા બિજાના ઉછીના સુવાક્યો વડે જ સડેલા જીવનને જીવ્યા કર્યું છે. અટકી પડેલું પાણી પણ ગંધાઈ ઉઠે છે તો આ અસ્તિત્વને તાજું રાખવા માટે તો હાડમારીઓ લેવી પડે છે. પડીને ઉભા થવાની જીદ હોય એવા લોકોને જીવન શોભે છે અને વાસ્તવિક દુનિયામાં ટકે છે એક જ વાત – વટ્ટ/તુમાખી અને જતું ના કરવાની જીદ ! બાકી, આજ મહાન ભારતવર્ષમાં બહેન-દિકરીઓ-પત્નીઓના સૌદા કરીને દલાલીમાં પોતાની જાત બચાવીને બહાદુરીનો ફાંકો રાખનારા નપાવટો પણ હતાં પણ એ બહાદુરી નથી કે ના હોઇ શકે. બહાદુરી સ્વયં માંથી ઉદભવે છે અને એની તમામ હાડમારીઓ સાથે ઉદભવે છે.

ખૈર, બઝ્મ-એ-મહેફિલ માં જલસો..કાયમ રહે ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: