ટેકનોલોજીકલ ગ્લેમર !

0

ગ્લેમર ! ગ્લેમર છે, હતું અને રહેશે. એના રંગ/છટા/આભા બધે ગ્લેમર છે. જ્યારે કાચની વેક્યુમ ટ્યુબ્સ ફાટીને એની કરચો આંખોને વિંધીને મગજમાં ખોંપાઈ જતી હતી અને કલાકો સુધી એ શરિરમાં આંચકીઓ આવીને મરવામાં પણ એક ગ્લેમર જ હતું! અમેરિકા,રશિયા અને યુરોપ અને વિશ્વયુધ્ધોમાં અપહરણિત(!) થઈને પહેરેલે કપડે ખાનાબદૌશ થઈને “નોમેડ્” થઈને બરબાદ થઈ જવાની વાતમાં પણ એક ગ્લેમર હતું. કોમ્પ્યુટર સાયંસના મહાન નામો અને કામોએ ગોપનિયતાના તકાદાને કારણે પોતાની દંતકથાઓ જેવી નામનાને ક્યારેય જોઇ જ નહી શક્યા એ વાતમાં પણ એક અવસાદયુક્ત ગ્લેમર હશે કદાચ. અને, આખું જીવન એને જ સમર્પિત કરી દેવાનું કે જેના રચયિતા હોવા છતાં એના માલિક નહી બનવાની બેફિકર મસ્તીમાં પણ ગ્લેમર જ તો હતું !

ખૈર, કંઈ નથી લખવું -કહેવું અને અગાઊ બહુ લંબાણમાં એ કહી પણ ચુક્યો છું, ઓનલાઇન અને ઓફલાઇન. અને બધુ. અસ્તવ્યસ્ત પણ છે અત્યારે મગજમાં એ પણ ખરું. પણ, ટેકનોલોજીનો એક જ તો અર્થ/સાર્થકતા/ગંતવ્ય/ધ્યેય હતું – માનવજીવનને બહેતર કરવાનું. જે માનવજીવનને એની કુદરતી રિધમ/હાર્મની/સ્પંદનો સાથે જ જો કામ ના લાગે તો, માત્ર અખતરાઓ અને બાયપ્રોડક્ટ રહે છે,અને એને આવિષ્કાર નથી કહેવાતો. ઓનલાઇન મળેલા એક મિત્ર એમના એક બિજા મિત્રને ઓફલાઇન મળે અને એમાં એ અજાણ્યા ચહેરા/વ્યક્તિત્વો માટે ટેકનોલોજી કોઇ સેતુ બને ત્યારે.. મરી ગયેલા ઉપરના બધાં જ ગીક્સ અને ધુની અને હેકરિશ માઇન્ડસેટના લોકોના હજુય લોહીથી ખરડાયેલા ભૂતો અને પ્રેતાત્માઓ બહુ જોરથી હસતાં હશે! અને એમના એ અદુન્યવી, ભેંકાર હાસ્યમાં પણ એક ગ્લેમર હોય છે.

અને માટે જ ઓનલાઈનથી ઓફલાઇન મળતી વખતે સામસામે મિત્રોને આવકારો ત્યારે બહુ ચિવટથી કંઈક, લગાવથી બોલજો કેમકે એ ધ્વનિ ના રેડીયો સિગ્નલ્સ અમર છે અને એ બ્રહ્માંડમાં કાયમ રહેવાના છે, એ અવાજો મરતાં નથી. એ બસ..રહ્યા જ કરશે આ જ બ્રહ્માંડનો નિયમ છે. અને એ પણ તો ગ્લેમર છે!

રક્સ-એ-બિસ્મિલ્લનો અર્થ ગ્લેમર આપે છે ત્યારે અને રક્સ/અશ્ક/અક્સ/રક્ત જેવા શબ્દો વચ્ચેનું કોરિલેશન અને એનું સંકળાઇ જવું પણ એક કોકટેલ બનાવે છે. અને વિચારો રખડ્યા કરે છે, કોઇ પૃથ્વીના ગુરૂત્વાકર્ષણમાંથી છટકીને અંતરિક્ષમાં મુક્ત થઈ ગયેલા અનામી/બેનામી સિગ્નલની જેમ! એના હેડર અને ફુટરમાં પોતાની હયાતીની ઓળખ લઈને એ અનંત સુધી રખડ્યા કરશે બ્રહ્માંડમાં. અને એનુ પણ ગ્લેમર હશે, રેડીયોએક્ટિવ અને બંને અંતિમોના તાપમાનો નું કોકટેલ જેવું. એમ ઓનલાઇન થી ઓફલાઇન કોઇને મળો ત્યારે પોતાના વિષ્કારોથી બદનામ/ત્રસ્ત/હેરાન થઈને મરી ગયેલા એ ગિક્સને મનોમન આભાર કેહવામાંય એક ગ્લેમર હોય છે. ટેકનોલોજીની બિહાઇન્ડ-ધી-સ્ક્રીન બધીય જફાઓ છુપાવીને , ઓન-ધી-સ્ક્રીન જે ગ્લેમર દેખાય છે એ વિરોધાભાસમાંય ગ્લેમર છે.

ખૈર, ગ્લેમર કાયમ રહે !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: