સામ્રાગ્નીઓની અદાઓ !

0

એચસીજી કેન્સર સેન્ટર -અમદાવાદ ની બહાર થોડે દુર હું એક મિત્રના બહાર આવવાની રાહ જોતો હતો. ઓફીસે જવા ઉતાવળા નોકરીયાતો અને કોલેજ જતાંઆવતાં યંગસ્ટર્સ અને થોડાં અમદાવાદની ભુગોળથી અપરિચિત દવાખાને આવેલા લોકો હતાં. માનુનીઓ હતી બાળકોને સ્કુલમાં લેવા-મુકવા જતી, જવાન વિરાંગનાઓ હતી ક્લેવેજના રમણીય દર્શન વડે અભીભાવકોના ટોળાઓને પોતાની તરફ જોવા ફરજ પાડતી, અમુક તમુક જણાંના હાથમાં મેડીકલ રિપોર્ટ્સની ફાઇલો હતી અને..હું હતો. જરાક શરદી જેવું કંઈક વાઇરલ ઇન્ફેક્શન હતું..અને હાથમાં સિગરેટ અને ચ્હા હતી.

..અને એક મજુરી કરતાં વપરાય એવી ત્રણ પૈડાં વાળી સાયકલ આવી. એમાં જોરજોરથી 1980-90 ના દાયકાના બહુ ટપોરીછાપ અને અમુક બહુ ગમતીલાં ગીતો વાગતાં હતાં. એક હજુ માંડ પચીસી પુરી કરેલો પુરુષ હતો, એ પતિ હતો. એક એનાથી નાની સ્ત્રી હતી એ પત્નિ હતી અને એ સિવાય પાંચ-છ વર્ષની એક છોકરી હતી જે આ નાના કુટુંબના ત્રિકોણને પુરું કરતી હતી.

..પછી એમણે ઓવરબ્રીજની નિચેના છાંયડામાં રસ્તા ઉપર ખીલા ઠોક્યા. ડંડાઓ વડે એક માંચડા જેવું બનાવ્યું. દોરડાઓ બાંધ્યા. મજબુતાઇ અને ચોકસાઇની ખાતરી કરી. ગીતો વાગતાં રહ્યાં..લોકો આવતાં જતાં ઘડીભર જોઇ રહ્યા..એમ્બ્યુલન્સ આવે અને જાય સાથે એ.એમ.ટી.એસની બસો આવ જા કરતી રહી. માનુનીઓના દુપટ્ટા અને સાડીઓના પાલવ ઉડતા રહ્યા. પુરુષોની ધંધા વ્યવહારની મસલતો ચાલતી રહી. બોયફ્રેન્ડ્સ અને ગર્લફ્રેંન્ડ્સ એકબીજાને મળતાં રહ્યાં. અમદાવાદ એની રિધમ મુજબ ચાલતુ રહ્યું.

..પેલી નાની બાળકી દોરડા પર ચડી. એના પિતાએ ટેકો આપીને પકડી રાખી. મમ્મી આસપાસની બિજી ઓક્યુપેશનલ હેઝર્ડ્સ જેવી બાબતો ને સાચવતી અને દુર કરતી રહી. કાંકરા અને ઝીણી ખીલીઓ. ગુટખાના કાગળીયા અને સિગરેટના ઠુંઠાઓને નાના ઝાડુ વડે હટાવતી રહી અને અચાનક..જેના બંને પગના પંજા મારી હથેળીમાં સમાઈ જાય એટલી બાળકીએ પાતળા અને તંગ બાંધેલા દોરડા ઉપર કરતબ બતાવવા શરુ કર્યા !

એ ચાલે..અટકે..આમ નમે ..તેમ નમે..મેસ/કાજળ આંજેલી આંખો ચકળવકળ થયા કરે, કામ કરતાં કરતાં આસપાસની ગાડીઓ અને બીજી એની ઉંમરની બેબીઓને પણ જોઇ હશે અને એમની સાથેની આયાઓએ સ્કુલબેગ ઉંચકી રાખેલી છે એ પણ જોયું હશે. એણે મોટ્ટા(!) લોકોને જોયા કર્યા. પણ રિધમ જળવાતી રહી. એણે અચાનક કુદકો માર્યો અને ફરી દોરડા ઉપર જ રહ્યા કર્યું, એણે સમતોલન જાળવવાના લાંબા વાંસને પણ છોડી દીધો! નીચે ઉભેલા અને સતત ઉપર જોઇ રહેલા પપ્પાએ એ બધું સાચવી લિધું અને હવે એ બેબી મુડમાં આવી હતી. એણે પ્લાસ્ટીકના કપમાં પગ મુક્યા અને પછી માટીના વાડકામાં પગ મુક્યા પછી સાઇકલની રિંગ પણ આવી અને નાના નાના પગને એકબીજાની આંટીઓ પણ મારી અને દોરડા ઉપર એણે ઓલિમ્પીકના જિમ્નેશિયમ જેટલી મોકળાશ અંકે લિધી ! આ આત્મવિશ્વાસ હશે અથવા તો બેફિકરપણું, નહી તો પડી જવાનો એ બેબીને અનુભવ પણ હશે અને જોખમો એણે જાણી જ લીધા હશે પણ..બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું રહ્યું..

“અપને તો સાથ હે કાલી યે રાત હે..અપના નહી હે ઉજાલા..અપના ખુદા હે રખવાલા..”

પણ એક વાત વિચીત્ર હતી ! એ લોકો કોઇની પાસેથી પૈસા કે ભીખ નહોતા માંગી રહ્યા ! બેબી એના કર્મસ્થળ ઉપર ગુલતાન હતી, પપ્પા એની જ સાવચેતી માટે મટંકુય માર્યા વગર ઉપર તરફ જ ડોક ખેંચીને બેબીની સાપેક્ષે આગળપાછળ ચાલી રહ્યા હતાં, અને મમ્મીએ બીજા નાના કામો ઉપાડ્યા હતાં. પણ આ લોકો પૈસા કેમ નથી માંગતા ?! થોડીવાર પછી ઘરડા ખચ્ચરો જેવા ડોસાઓ જેમનો વાંક જ કાઢ્યા કરે છે એવા જુવાનીયા કોલેજીયનોએ એક પછી એક 10/20/50 રુપિયાની કરન્સી નોટો ઉભા થઈને આપવા જવા માંડ્યું! બધી ગર્લફ્રેંડસ પણ સાથે જોડાઈ એમાં અને છેક એ પછી બીજા બધાંએ પણ એમ કર્યું..મેં પણ ખીસામાંથી એક 10 ની નોટ કાઢીને શર્ટના ખીસામાં મુકી રાખી..પણ. અચાનક ખેલ ખતમ થયો હતો. થોડીવાર ઉભેલા લોકો વિખેરાયા હતાં અને હવે પૈસા ના આપવા પડે એમ વિચારીને દુન્યવી ચાલાક લોકોએ આજુબાજુ જોવા અને ખસવા માંડ્યુ હતું. પણ..એ તમાશબીન પરિવારે તો પોતાની બધી જ માયા સંકેલી લિધી હતી. અને હાં , પોતાની લિલા સંકેલતા પહેલા એમણે ડામરના રસ્તામાં ખોડેલા સળીયા ખેંચી લિધા અને એના કારણે પડેલા કાણાંઓને એના જ કપચી અને ડામર વડે પાછા ગોઠવીને હથોડા વડે જૈસે-થે કરીને ગયાં ! અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન.. સુન રહા હે ના તુ ?! ;)

ખૈર એ પછી એમણે ત્યાં જ લારી ઉપરથી ચ્હા લીધી , બિસ્કીટ અને ખારી લિધાં , બેબીને બેસાડીને ચ્હા માં બોળીને બિસ્કીટ અપાયા અને ખારી એણે જાતે પ્લાસ્ટીકની ડીશમાં લઈ લિધી. પણ..બધાંના મનમાં એક જ સવાલ ખુદ તમાશા કરતાં વધારે હેરત પમાડતો હતો કે.. સાલા, આ કમીના લોકો ભીખ કેમ નથી માંગતા ? એ લોકો કાપડની ઝોળી લઈને બધાંની પાસે પૈસા લેવા કેમ નથી જતાં ? દુનિયા આખી પૈસા માટે જ તો યેનકેન રીતે ભીખ માંગે છે તો આ વળી કયા ખેતરના ભાજીમુળા ? દુનિયા વળી ભીખ માંગવાને પણ દુન્યવી ડહાપણમાં ખપાવે છે તો આ વળી કયા સિકંદર છે ? આસપાસ લારીઓ વાળાઓ અને ઠાવકા લોકો આ બાબતે કાનાફુસી કરતાં રહ્યાં. કેમ..કેમ..કેમ ?!

પણ પછી પરિવારના પપ્પાએ બિડી સળગાવી અને થોડે દુર ખસ્યા, મારા તરફ નજીક હતાં. અમસ્તું એ હસ્યા, મે હસ્યું. અછડતી વાત થઈ. બંને તરફ ધુમાડાનો કૈફ હતો, અને મેં આવારગીની ફિતરતના શિરસ્તા મુજબ છેવટે ધીમેથી પુછી લિધું કંઇક તુટક તુટક રીતે – “આમ..સામાન્ય રીતે બધાં જતાં હોય છે..પૈસા લેવા માટે..તમે..તમારા ત્રણેયમાંથી કોઇ ગયું નથી..લોકોએ સામેથી..બેબી પણ એકદમ એક્સપર્ટની જેમ..” – વગેરે

“..આપણે ભીખ નહી મોંગ’તા સાયેબ્..જે આવડે એ કરવાનું, મેં તો 4 વર્શે જ ખેલ કરેલા. મારા ઘેરથીય (પત્ની) આ બધું આવડે..બાટલી ગગડાવે અને એના પર ચાલે..પણ માંગી માંગીને ના જીવાય..લોકો એમની મેળે ખુશ થઈને કશું આલે તો લેવાનું નકર બીજે જવાનું ” – તડ ને ફડ ! એની માને..આને કહેવાય વટ્ટ !

મેગાસીટીના કહેવાતા એટીકેટ અને દુન્યવી દુનિયાદારી પણ સાચવવાની હતી અને પણ..અમે સ્પેશિયલ ટ્રેનિંગમાં શિખ્યાં હતાં એમ કે , કદરદાની કરવા લાયક બાબતો કોઇની ગરજવાન નથી હોતી. અને..મારે કોઇ શેઠિયાની જેમ તકિયાને અઢેલીને બેઠાં બેઠાં બખ્શીસ નહોતી આપવાની. કદરદાની ની રીતરસમ નિભાવવાની હતી અને એટલે મારે – મહાન નિખિલ શુક્લએ, ઉભા થવું અનીવાર્ય હતું. હું અમસ્તાં જ ઉભો થયો શર્ટના ખિસામાં થોડીવાર પહેલા અલગ રાખેલી એક દશ રૂપિયાની નોટ મેં ધરી એમના તરફ પણ..આ તમાશબીન માનવશ્રમનો ઉપાસક જ હતો ને, એણે પણ બેઠાંબેઠાં કોઇ દાન-રહેમની જેમ નહી, પણ ઉભા થઈને એ પૈસા લીધાં. બે હથેળીઓની વચ્ચે દશની નોટ દબાવીને હાથ જોડીને એ ગયો.

ઇશ્વર/ભગવાન/અલ્લાહ/કુદરત/પરમ તત્વ એનું જે કંઇપણ અસ્તીત્વ હોય પણ એની મહેરબાની છે કે મને આવો બેફામ સ્વભાવ આપ્યો છે અને એના કારણે કંઇક જાહોજલાલ બનાવોનો સાક્ષી બનાવ્યો છે અને..કમાન્ડો રાઠોડ સર્ કહેતાં એમ્..”..સિખલાઇ મે યે ભી સામિલ હે..”

થોડીવાર પછી મમ્મી અને બેબી સાયકલમાં પાછળ બેઠાં અને પપ્પાએ બેફીકરાઇથી સાઇકલને પેડલ માર્યા અને ગરીબરથ ને હંકાર્યો. અને પાછળ એક પગને ઢિંચણેથી વાળીને ઉભો રાખીને, એના ઉપર કોણી ટેકવીને બેઠેલી મમ્મી હતી અને રમતમાં કમરે હાથ મુકીને ઉભેલી બેબી હતી..સામ્રાગ્નીઓની અદાઓ આવી જ હોય! અને હું જરાકવાર વિચારતો રહ્યો, નમસ્કારની મુદ્રામાં જોડેલી એ બે હથેળીઓ વચ્ચે એણે મારા જેવા કેટલાય વટ્ટના કટકાઓને સાતમા આકાશમાં જતા અટકાવી રાખ્યા હશે!

ખૈર્, એ વટ્ટદાર પરિવારને આ અર્પણ..

“અઝલ સે બસ ગઈ હે સરબુલંદી મેરી ફિતરત મેં,
મુઝે તુટના આતા હે, ઝુક જાના નહી આતા..” __?!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: