જન્મદિવસ..પ્રોસેસર ઓવરક્લોક !

0

..પંદરેક વર્ષનો હું ઘરમાં દશમાના બોર્ડની તૈયારી કરતો હતો, રાતનો સમય હતો, નજીકમાં જ એક જાહેર તહેવાર હતો અને અચાનક બહાર કંઈક કોલાહલ થયો..હું બહાર ગયો અને જોયું કે એક જોયું કે એક સ્ત્રીને આછા અંધારામાં કોઇક પિધેલા ટપોરીઓએ કોઇ કોમેન્ટ કરી હતી અને એટલે પેલી સ્ત્રીએ અમારા ઓટલા પર બપોરે કપડાં ધોવાઇને મુકેલા ધોકા વડે પેલા બંને ને મારી-મારીને કપાળ/હાથ/પગ સુજાવી નાંખ્યા હતા અને આજુબાજુ થી દોડી આવેલા લોકોએ પેલા ટપોરીને કાઢી મુક્યા હતાં… – ભાવનાબેન શુક્લ – મારા મમ્મી હતાં એ !

કર્ણ બહાદુર અને સક્ષમ તો હતો જ પણ એ પોતાના વ્યક્તિગત માપદંડો ઉપર મહાન પણ હતો. માત્ર દુર્યોધનના પક્ષે રહેવાથી એ ખોટો નથી થતો. અર્જુનના રથમાં ત્રિભુવનનો ભાર લઈને બેઠેલા શ્રીકૃષ્ણને રથ સમેત અમુક-જરાક પણ પાછુ ધકેલવું એ કેમ વધારે મહત્વનું હતું એ અને શિવભક્ત રાવણ થી લઈને પરશુરામ સુધી ના કારણો અને સમિક્ષાઓ અને સાતમા ધોરણમાં પોતાના પુસ્તક-સંગ્રહમાંથી “ગરૂડ પુરાણ/ ગીતા અને કુરાન અને બાઈબલ” ના ગુજરાતી ભાષાંતરો વાંચવા પ્રેરનાર અને હિંચકે બેસીને ન્યુટન અને ગેલેલિયોના અખતરાઓની વાતો કરનાર અને આજીવન તારા-સ્નાન કરનાર દાદા આ બધી વાતો કરતાં ..ક્યારેક તાપણા આગળ મને ખોળામાં બેસાડીને…ક્યારેક ચાલુ હિંચકાએ મને ઉંચકીને હિંચકા ઉપર બેસાડી દઈને અને હાં , બાબરી મસ્જીદની ધમાલો વખતે મુસલમાન અને જૈન/વણિક મિત્રો સાથે કર્ફ્યુ માં ઓટલા ઉપર બટાકાપૌંવા ખાતા ખાતાં..એમણે વિદ્રોહ અને સંઘર્ષ અને નૈતિકતાની વાતો રમતમાં જ શિખવાડી દિધી હતી. એ દાદા હતાં મારા અને પાલક પિતા પણ ખરાં. અને -“નિખુ..(નિખિલ) બહાદુર છે..” – નો હોંકારો કરનાર.

1971 માં મહિસાગર છલકાઈ ઉઠી હતી અને ભર્યા ભાદર્યા ઘર ડુબી ગયા હતાં , મારે તો જન્મવાને પણ વાર હતી પણ, રાતોરાત તહસનહસ થયેલા મામા એ ફી માફિની અરજી કરી હતી, એ નામંજુર થઈ હતી અને કોઇક કામચલાઊ છાવણી જેવી જગ્યાએ મિણબત્તીના અજવાળે કોલેજની પરિક્ષા આપીને આખી કોલેજમાં સતત ત્રિજા વર્ષે પણ પહેલા આવ્યા હતાં.

..નજીકની પિતરાઇ બહેનો અને ભાઇઓ પણ , અમારી આ પેઢી જ આખી આવી નિકળી ! બહેનોએ ભણ્યું , નોકરી કરવા ધારી એમણે એમ કર્યું અને જેમણે પરિવાર પાલક ગૃહિણી બનવું હતું એમણે એમ પણ કર્યું ભણતરના બણગા ફુંક્યા વગર…

..અને આ બધાંથી પણ કંઈક અલગ, પહેલા જે તલાટીમાં નોકરીએ લાગ્યા હતાં અને ઉપરી અધિકારીને કોઇ વાતમાં થપ્પડ ફટકારીને ચોપડાઓનો ઘા કરીને અને આ બદલ પોતાના પપ્પા જોડે ઝગડીને એક માણસ નિકળી ગયા હતાં..પશ્વિમ રેલ્વે માં ટ્રેકની આજુબાજુ કપચી/પથરાં પાથરવાનું કામ કર્યું ..અને એક દિવસે એનજિનિયર બનીને..સિનિયર સેક્શન એનજીનિયર ઓફિસર ના હોદ્દેથી એ રિટાયર્ડ થયા અને ગયા વર્ષે જેમણે જીવલેણ શસ્ત્રક્રિયાને લડત આપી અને શરિરમાંથી લોહી અને બિજા પ્રવાહીને રોજ પોલિથિન બેગમાં જાતે જ ચેક કરી લેતાં ત્યારે ઓળખિતાં ડોક્ટર્સ બોલ્યા જ કરતાં હતાં…કે .- ” કાકાનો વિલપાવર..એમની ઇચ્છાશક્તિ એ જ એમને બચાવ્યા છે બાકી માણસ પેઇનથી જ મરી જાય અને કાકા..પેપર વાંચે છે !! ” – વેલ…ભાઇઓ કા ભાઇ ના ભ્રમવાળા નિખિલ ભાઇ ના બાપ હતા એ. બાપ છે એ !

ખૈર., કુટુંબથી અલગ થયો છું એ અલગ વાત છે, મુળ વાત એ છે કે હું આ -આવા-ઉપરના લોકોનું ફરજંદ છું – હતો- રહિશ. અને એનો વટ્ટ પણ છે અને ગુમાન પણ ખરું. અને એટલે મારું આમ જ બેબાક/બેફામ/બદગુમાન અને આટલા જ વિનયી , વિવેકી થવું અનિવાર્ય હતું. મારા તમામ વડીલોએ જાણે અજાણે મને કદાચ પારિવારિક -પરંપરાભંજક – પ્રકૃતી નો વારસદાર બનાવ્યો હતો. આફ્ટર ઓલ…જે દાદાના એકદમ સ્વસ્થ મૌતને એટલી જ તંદુરસ્ત રીતે, બારમા તેરમા ના દિવસે મિઠાઈ અને પકવાનો બનાવ્યા હોય અને બેસણા માટે વાડીઓ ભાડે રાખી હોય – સામાન્ય રીતે માંગલિક પ્રસંગો માટે રખાતી હોય – એવા મારા વડીલો એ મને પણ એ ખુશમિજાજી અને વિદ્રોહ ઘોડિયામાંથી જ સોંપ્યા હતાં.

…જન્મદિવસો એ આ બધું અનાયાસ યાદ આવી જાય છે. જ્યારે મને રમવા માટે નોટોના બંડલ અને નાની પુજા માટે રાખેલી સોના-ચાંદીની મુર્તીઓ અપાતી , ત્યારથી લઈને હું એક એક પૈસા માટે વલખાં મારતો થયો ત્યાં સુધી, કરિયરના સર્વોચ્ચ સ્થાને પહોંચ્યો ત્યારે પણ અને નવેસરથી એકડો ઘુંટવા જેવો થયો ત્યારે પણ, આ વારસામાં મળેલી ઉધ્ધતાઇ કે મિજાજ કે વિનય કે સંસ્કારો એ મને ટકાવ્યો હતો. ખરાબ અને સારા દિવસોમાં કોઇ દોસ્તને છોડી નહી દેવાનો અને દુશ્મનો ને છોડવાના નહી નો એક સાદો સિધો નિયમ કદાચ ગળથુથી માં જ મળ્યો હતો. એ મિજાજે ઝગડા કરાવ્યા, ગમે ત્યાં ગમે તેની આગળ શિંગડા ભેરવી દિધાં, મગજ તમતમાવી દિધું પણ ..અહિં નો ગુસ્સો બિજે નહી ઉતારવાનો સંયમ આપી દિધો. પ્રતિશોધની આગમાં આખી રાત પડખાં ફેરવ્યાં છે અને જડબાં દુખી જાય એટલું હસ્યો છું પણ…વિદ્રોહી સ્વભાવની પણ એક આંચ હોય છે અંદરોઅંદર બધું રાખ કરી નાખે એવી…

..પણ, ક્યાંક મારું ખરબચડા થવું પણ અનાયાસ આવી જતું હતું. , કેમકે જીવન બહુ મોટી ભુલભુલામણી છે દોસ્ત. મારું એમાં છકી જવું નક્કી જ હતું પણ…દોસ્તો..ઓળખિતા સ્નેહીઓ અને દુનિયા એ ઘણો સાચવ્યો છે મને. અને એટલે જ હું ક્યારેય નથી માની શકતો કે દુનિયા હલકટ છે. એ સારી છે..ખરાબ છે…આમ કે તેમ છે પણ અંતતઃ આપણા જેવી જ તો છે !

એક વડિલ-મિત્ર એ સલાહ આપી હતી… – ” ભાણા સાહેબ (નિખિલ ) ગુસ્સો કરીને લંકાનો ધણી પણ નહોતો જીવ્યો અને આખું મહાભારત પણ ખબર જ છે આપણ ને.. તમે અને હું બહુ નાના છીએ..” – એમની વાત માની હતી મેં.

એક મિત્ર એ વર્ષો પહેલા બેઘર એવા મને ઘર અને ખાવાનું આપ્યું હતું , અને આજે ?! હજુ ગયા રવિવારે જવાહર ચૌક પર બેઠા તો એના બે સંતાનાનો સાથે એણે ફરી ઘેર જમવા આવવાનો આગ્રહ કર્યો. બે લાંબા અંતરાલો પછી પણ એના આગ્રહમાં કોઇ દુનિયાદારી નથી આવી.

એક મિત્ર એ હમણાં જ કિધું , કે – “.. કેટલા રુપિયા જોઇશે…જેટલા જોઇએ એટલા હું વ્યવસ્થા કરિશ. જે કંઈ નવું કરવું હોય એના માટે. તમે મુંઝાતા નહી અને જરુર પડે તો બિજા કોઇને કહેતા નહી..હું છું..” – અને રાત્રે એ જ મિત્ર બધાંથી પહેલા જન્મદિવસના શુભાશિષ વાળો એસ.એમ.એસ મોકલે ત્યારે એના જવાબમાં શું કહિ શકું હું ?!

..અને એક નવા મિત્ર સાથે આજકાલ સુખદુખની વાતો વહેંચવાનું બને છે પણ..એકમિનિટ . મિત્રતાઓમાં સિનિયોરિટી નથી હોતી. યામાહા આરએક્સ 100 ના હારૂનની જેમ જ એક બિજા મિત્રનો યામાહાનો અનુરાગ પણ..એક આશ્વાસન આપે છે મારા જમણા હાથની તુટક તુટક જીવનરેખાને !

પાછલા જન્મદિવસથી આવનારા જન્મદિવસ વચ્ચે લાઇફ બહુ સમજાવી અને બતાવી જાય છે …જેમણે સાવ નજીવા પરિચય માં જ મારા હિતેચ્છુઓ બનવાનો ભાર ઉપાડી લિધો એ પણ મળ્યા અને..મારા જેવા મળ્યા. દોસ્તી અને લાગણીઓના નામે ઉઠાવગીર લોકો પણ મળ્યા અને જેમને હાથ આપીને ઉભા કરવા ચાહ્યા એવા લોકોએ સિધા કલેજા ઉપર નહોર ભરાવ્યા એ પણ મળ્યા..અને મને વિકૃત વ્યક્તિ તરીકે નવાજનારા બહુ દિલફેંક મિત્રો પણ આવી ગયાં..ખૈર “…શમ્-અ હર રંગ મે જલતી હે સહર હોને તક..”

..શું છે આ બધું ?! કંઈ નહી . બસ એટલું જ કે. બે જન્મદિવસો વચ્ચે આ બધાં દોસ્તો સ્નેહીઓ હિતેચ્છુઓ કંઈકને કઈક ઉમેરતા જાય છે મારામાં . એમણે મારા મિજાજને કાબુ મા રાખતા શિખવ્યું છે, ઘણાંએ મારી જ આપેલી સલાહો જરુર પડે મને આપી છે અને એય મારું સ્વમાન ના ખટકે એવી રીતે. કોઇએ હસાવી નાંખ્યો તો કોઇએ ધિરગંભિર બાબતોમાં સાક્ષી બન્યા કર્યું તો કોઇએ સિગરેટ સળગાવી આપી અને કોઇએ બુઝાવી આપી…

કુટુંબિઓથી કંટાળેલો…લડી ઝગડીને દુર ભાગેલો હું કદાચ રિઢો ગુનેગાર બની ચુક્યો હોત. આદર્શો અને વાસ્તવિકતા ના તફાવત ને ના ગણકારી ને કદાચ હું કોઇ વિદ્રોહી-દેશભક્ત-આતંકવાદી બની ગયો હોત..કદાચ મેં જાતે જ મારુ ખુન કરી નાંખ્યુ હોત કદાચ હું ગાંડો થઈ ગયો હોત. પણ આ દોસ્તો-દુનિયા-સ્નેહીઓ હતાં…જે નવા જુના અને જાણ્યા અજાણ્યા હતા…જેમણે અણિના સમયે મને સાચવી લિધો છે. ફોન આવે..રુબરુ મળે..મેસેજ આવે..વાતો થાય..ચહા અને સિગરેટ પિવાય..અને એમ દોસ્તોએ મને ફાટીને ધુમાડે જતાં અને વિખેરાઇ જતાં અટકાવ્યો છે.

જેનું કોઇ જ સાહિત્યિક મુલ્ય નહી હોય એવી મારી આત્મકથા જો હું લખિશ ક્યારેક તો આ દોસ્તોના નામે જરુર બહુ બધી જગ્યા જોઇશે મારે.

ખૈર, લાઇફ ચાલતી રહેશે..સ્પીડોમિટર અને એનજીનની ઘરઘરાટી થતી રહેશે…પ્રોસેસર ઓવરક્લોક થતાં રહેશે…કુદરત અને દુનિયા સાથેનો રોમાંસ અને રોમાંચ પુરજવાનીએ ખિલતો રહેશે…સિગરેટ સળગશે અને બુઝાતી રહેશે.પણ..એક જન્મ દિવસથી બિજા જન્મ દિવસ સુધી…

…હું નિખિલ શુક્લ આ બધાં ઓનલાઇન / ઓફલાઇન દોસ્તોનો આભારી છું. તમને ખબર નથી કે તમે મને શું શિખવાડી ગયા / રહ્યા છો..પણ મને ખબર છે. અને માટે આભારી છું. નતમસ્તક છું.

મારી આસ્તિકતાની વ્યાખ્યાઓને બહુધા નાસ્તિકતા કહેવાય છે, અને એમ ભલે હોય. એ દુન્યવી નાસ્તિકતા ના હવાલાથી બધાં જ દોસ્તો-સ્નેહીઓ-હિતેચ્છુઓ ની લાગણી ને મારા તરફથી આ શેર્…

“યે જો દિલ બસજદા હુઆ કભી, તો જમીં સે આને લગી સદા,
મેરા દિલ તો સનમ આસના, મુઝે ક્યા મિલેગા નમાઝ મેં..” ..

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: