અભિવ્યક્તિનું ડેર ડેવિલ્સ ?!

0

ઇશ્વરની સામે,શૈતાનની સામે,દેવો-દાનવોની અને રિતી રિવાજોની બદીઓની સામે, પરિવર્તનની વિભાવનાઓ ક્યારથી શરૂ થઈ હશે એ ખ્યાલ નથી પણ,કદાચ એ હશે જ.

કાળી બિલાડી હતી અને ઉંબરા ઉપર બેસીને પાણી પિધું હશે, અમંગળ ચોઘડિયાઓમાં એણે કાર્યોનો શુભારંભ કર્યો હશે. અને ત્રિભેટે ઉભા રહીને એણે મંઝિલોને વિચારી લિધી હશે. એણે કદાચ પનોતીઓ અને રાહુ-કેતુની સાથે કાંકરીચાળો કર્યો હશે. એણે કોઇ આંકડાને , કોઇ બનાવને, કોઇ વ્યક્તિ/બાબત/ઇશારા/હાવભાવ/હવા/પાણી/શબ્દો પ્રતિકોને અશુભ માની લિધા હશે. શુભ અશુભના આ કોશેટોમાં એને અનાગત ભવિષ્યની અને સુખોની સલામતીની ચિંતા થતી હશે. એને ધ્રુજારી છુટી જાય છે જ્યારે કોઇ અશુભ સંકેતો એને દેખાઇ જાય છે. કંઈક એ જોઇ જાય છે, કળી જાય છે. અને એને સમષ્ટિના ઇશારા સમજીને ગભરાઈ જાય છે. એ કદાચ પછી ક્યારેક “કમ્પ્લઝિવ બિહેવિઅર ડિસઓર્ડર” થી આરામ અનુભવતો થઈ જાય છે. તો ક્યાંક એ ઓબ્સેસિવ સિન્ડ્રોમને કારણે ખુશ થઈને સેકંડો અને મિનિટોના સમયચક્રોનું પુનરાવર્તન કરે છે અને એમ વિતિ ગયેલા સમયને પાછો જીવી લેવાનો, કંઇક સાચવી લિધાનો એક સભાન-ભ્રમ પણ પાળે છે.

ગ્રહણના દિવસે એ ડાભના સ્પર્શ વડે સચરાચરને પ્રવિત્ર કરી લે છે અને રજસ્વલા સ્ત્રીને અ-સ્પર્શીને પણ એ પવિત્રતા જાળવે છે ! એ છીંક ખાઈને પગલું રોકી લે છે અને પાણીના ઘુંટડા વડે તમામ ચોઘડિયાને સુધારીને પગલું ઉપાડી પણ લે છે. એ ડાબા હાથે અપવિત્ર થઈને જમણા હાથે ગંગા નાહવાનું પુણ્ય કમાઈ લે છે અને પહેલી આંગળી થી થયેલા અપશુકનને છેલ્લી આંગળી વડે શુકનમાં તબદીલ કરી લે છે. એ ગૌમુખીને પગ નથી અડકાવી શકતો અને ચરણરજ લેવામાં એને ધન્યતા મળી જાય છે. એ કંઈક કરે છે ,કંઈક નથી કરતો, અટકે છે ,નથી અટકતો..એ છે અને નથી અને થશે અને નહી થાય ના “અર્જુન વિષાદયોગ” જેવી અવસ્થામાં, એ કર્તા / કર્મ / ક્રિયાપદો નું વ્યાકરણ બદલી નાંખે છે. એ માણસ છે. એની બુધ્ધિએ એને સમજ અને ગેરસમજ બંને છુટ્ટા હાથે આપી છે અને એટલે એ આમ કરે છે, તેમ નથી કરતો, કંઈક માને છે, નથી માનતો..અને બધું એમ જ હોય છે અને નથી હોતું હોય છે.

પણ અવળા ફંટાવાની પણ એની એક યુગો જુની આદત અને મઝા હોય છે. એ સામો થશે , એ કકળાટ કરશે. એ પ્રશ્નો કરશે. નહી માને. એ શુકન અને અપશુકનને જ અપશુકન અને શુકન મુજબ વર્ગીકૃત કરશે. અને એમ કરવાને પણ ક્યાંકને ક્યાંક ગોઠવી દેશે!

કોઇ આવો જ શુભ કે અશુભ દિવસ હશે અને કોઇ આવા જ શુકન-અપશુકન થયા હશે અને કોઇ આવા જ શુભ કે અશુભ માણસે એનો વિચાર આપ્યો હશે અને એમ જ એક દિવસે _સાતત્ય_ ની શરુઆત થઈ હશે. અને એમ જ કોઇ શુભ-અશુભ દિવસે એને બંધ થવાનું થયું હશે. પણ આ બધાંથી ઉપર સામે થવા વાળો એ મુળ વિચાર / વિચારધારા આ બધાંથી ઉપર છે.

મેં કોઇને અભિનંદન / આભાર નથી આપ્યા આ #saatatya ના પેજને લાઇક/સ્વિકાર આપવા બદલ અને આમપણ આ પેજ કોઇ સફળતા નથી ને ! હકિકતે આ પેજ એ વાતનો પુરાવો છે કે..

..પત્રકારિત્વ/મૌલિકતા/નવા લોકોને તક આપવી, વગેરે બધી વાતો છે. પબ્લિકને ઉછીના માંગેલા હળદરના ગાંગડે ગાંધી થઈ જવું છે. બે કોડિના લહીયાઓ એ મફતના પ્લેટફોર્મ ઉપર લખવા માટે 100-200 રુપિયા માંગ્યા હતા ! જેમના લખાણો જ ચોરેલા હોય એમણે વળી કોપિરાઈટ અંગે બહુ ઝિણવટભરી પુછપરછ કરી હતી. જેને કોઇ સુંઘતું નથી એવા લોકો ગુજરાતી પત્રકારિત્વના પૃથ્વિવલ્લભ થવાના ફાંકામા આવ્યા હતા. જેમને સ્થાનિક નગરપાલિકાની ખબર નથી એવા બબુચકો એ પૌરાણિક ગ્રંથોની સમિક્ષા કરવાની જુર્રત કરી હતી અને..સાતત્ય – તરફથી એ બધાંને એમની “માણસ તરીકેની લાયકાત” મુજબ જે તે જવાબો ફટકારવામાં આવ્યાં હતાં અને ઘણાં બધાંને ખોટુ લાગવા દિધું હતું. ;)

ખૈર, અભિનંદન અને આભાર તો માનવાનો જ હતો અને હું અને સાતત્યના સમર્થકો આભાર માની જ રહ્યા છીએ, એ તમામનો જેમણે સાતત્યના વિચારને સ્વિકાર્યો હતો અને એના માટે યોગદાન આપી રહ્યા છે, પછી એ યોગદાન કોઇપણ સ્વરૂપે હોય તો પણ અમે આભારી છીએ. :)

..પણ અને એમ જ હું મલકાઈ રહ્યો હતો મંદમંદ રાહ જોઇ રહ્યો હતો 100..200..300 ના આંકડાને અને આજે આ ભેંકાર ઉજ્જડ “સાતત્ય” ના શુકન(!) થયા છે, ન્યુ ટેસ્ટામેન્ટના ડેવિલ્સ ના પ્રતિક સમા 666 ના આંકડાએ પહોંચીને !

અળખામણું ઘણાં ને ખુંચતું પણ, અનિવાર્ય, સાતત્ય પણ ગુજરાતી મૌકિલતા અને અભિવ્યક્તિનું ડેર ડેવિલ્સ જ છે ને ! ખુદા, ખૈર કરે ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: