ભુખનો સ્વાદ !

0

ટીફીન ચાલુ કરાવી લિધું છેવટે અને રોજ સાંજે ઘેર આવુ ત્યારે બહાર મુકેલું હોય છે ઓટલા ઉપર..એક ખુણામાં..અગાશીમાં જવાના પગથીયાની બાજુમાં..અને કોઇ હોંશીયારી વગર હું એને કોઇ “રામધુન” ના ભોજનની સ્થીતપ્રગ્નતાની જેમ ઉઠાવી લઊ છું એમ આશા રાખીને કે આજે તો કોઇ બિલાડી કે કુતરાએ કોઇ રમત નહી કરી હોય ટીફીન સાથે ! ;) ટીફીન લઊ પછી તાળું ખોલુ..બુટમોજા નિકળે..કપડાં બદલાય..દુધ અને ટામેટાં અને કાંડા ઘડિયાળ એની જગ્યાએ મુકાય..નહાવાનું પતે..વગેરે ચાલ્યા કરે.

હમણાં 5-6 દિવસ પહેલા એક બિલાડી ટીફીન સાથે રમી રહી હતી. આગળ પાછળ ફરતી હતી..હું આવ્યો..એ ખસી નહી! હુ નજીક આવ્યો..એ ત્યાંજ રહી..છેક નજીક જઈને હું ઉભો રહ્યો..બિલાડી ચાર ડબ્બાના ટીફીનની આડશમાં ઉભી રહી..એનાથી ઘણા મોટા શરીર અને ક્ષમતાઓ અને ઉત્ક્રાંતિનું પરમપદ ભોગવવાનો શું આનંદ હતો મને. એક ક્ષુલ્લક સજીવને હું લાત મારીને ઉડાવી શકવા કેટલો શક્તીમાન હતો..હું સજીવોમાં પરમસ્થાને હતો ! પણ મેં જરાક પગનો પંજો પછાડ્યા જેવું કર્યું..બિલાડી હટી નહી..મે જરાક વધારે અવાજ કર્યો અને લગભગ લગોલગ રહેલી બિલાડી ત્યાંજ રહી..છેવટે મેં નિચા નમીને ટીફીન લઈ લિધું અને બિલાડીની આડશ હટી ગઈ. ધીમેથી એણે મારી ઉપર જાણે કે નહોર ભરવાની તૈયારી કરી લિધી હતી..પણ એણે દુર જવાનું કર્યું પણ માત્ર બે-ત્રણ ડગલાં..આ બહુ અસાધારણ વર્તન હતું એનું, એય તે શિકારી કુળના એક સજીવનું ! અને અચાનક હું સમજી ગયો..બધું જ સમજી ગયો..સાફ..સ્પષ્ટ એકદમ.

ભુખ્યા રહેવાની એક અમાનુષી/પૈશાચિક કમળપુજાના ઘાવ હજુ યાદ છે મને. અને મને ખબર છે કે ભુખનો સ્વાદ બહુ સ્વાદિષ્ટ હોય છે. અને છતાંય એને ફરી ચાખવાની ઇચ્છા નથી હોતી. જેણે એક વખત ભુખનો સ્વાદ ચાખ્યો છે એને બિજા કોઇ સ્વાદની ગુલામી નથી નડતી. અને આ વાનગી લારીઓ કે પિઝાહટ માં વેચાતી નથી, દોસ્ત.

..પણ, મેં બુટ કાઢતા પહેલા એને 3-4 ભાખરી અને ઉપર થોડુંક શાક જુના કોઇ ન્યુઝપેપર ઉપર મુકીને બાલ્કનીમાં મુકી આપ્યું. ઉત્ક્રાંતિએ બિલાડીને પણ એટલી સમજ તો આપી જ છે કે એને મારું આ વર્તન સમજાઇ જાય. એને ખાતાં જોયા કર્યું થોડીવાર પછી બહુ ઇમોશનલ નહી થવાના અંગત ન્યાયે હું મારા બીજા કામે વળગ્યો અને બેકગ્રાઉન્ડમાં વેલ..સ્વાદિષ્ટ ભોજન અને ક્ષુધાતુર જીભના ચટકારા/લપકારા/સબડકા સાંભળતો રહ્યો..

ગઈકાલનો એક ભુખ્યો રખડતો સજીવ આજના એક ભુખ્યા રખડતા સજીવની સાથે થોડા કોળીયાં વહેંચી લે તો એને આરોગ્યશાસ્ત્ર કે ફીલોસોફી કે દુનિયાદારી શું નામકરણ કરે છે, એ એમને ખબર. મને એટલી જ ખબર છે કે, એકવાર ભુખનો સ્વાદ ચાખ્યા પછી મેં મારી ક્ષમતામાં હોય ત્યાં સુધી ,મારી હાજરીમાં બિજા કોઇને એ સ્વાદ નથી ચાખવા દિધો. અને બાકી બધું તો ઠિક વગેરે વગેરે છે..હતું અને રહ્યા કરશે.

..પણ આ સવા નવ વાગ્યાની આસપાસ આજનું ટીફીન હજુ ખોલ્યું નથી એવામાં બારણે ટકોરા પડે છે. હું નહાવા જવાનું અટકાવીને બારણું ખોલુ છું. એક 13-15 વર્ષની કુમારિકા જીન્સ-ટિશર્ટ ને બહુ સૌજન્ય સભર રીતે પહેરેલી, અને ઉંમર સહજ ચપળતાથી સિધું જ મારા હાથમાં એક પ્લાસ્ટીકનું પડીકું પકડાવી દિધું જેમાં તીખી રતલામી સેવ હતી! મેં પુછ્યું -“કોણ છો ? આ શું છે ? બાજુમાંથી આવો છો ? ..પ્રસાદ ક્યાંનો..”-

જવાબ મળ્યો કે -“..શાકમાં નાખવાનું ભુલી ગઈ’તી..એટલે..આમતો હું ના ભુલુ પણ..પછી પપ્પાને ખબર પડી ગઈ..એટલે ..”–!

..ફરી ઉંમર સહજ એ દોડી ગઈ. હું ઘરમાં આવ્યો. ફોન ઉઠાવ્યો એના પપ્પાને ફોન કર્યો..–”..તમારી બેબી આવી હતી પેલી સેવ આપવા..અને આ શું છે યાર! આમ થોડું હોય. રાત્રે નવ વાગ્યે તમે આટલી વાત માટે છોકરીને દોડાવો છો..ફરી આમ મોકલતા નહી..” – વગેરે બસ.

એ બેબીના પપ્પા – મણીનગર તરફ પોતાની સેવાભાવી પ્રવૃતીઓ ચલાવે છે, એ બોલ્યા –”..સાહેબ..હું જોડે હતો જ બેબી જોડે. એ બહાને એને ઘર તમારું બતાવી દેવાય..અને રસોઇ બની ગઈ એ પહેલા ધ્યાન જ ના ગયું..અમને મનમાં દુઃખ થાય કે લોકો સાંજનું જમવાનું બહારથી મંગાવે તો કોઇ તકલીફ /કારણ હોય તો જ મંગાવે એમાં આમ ના ચાલે..રાત્રે બજારમાં જમવાનું બિજું કંઈ મળે અને ના પણ મળે. હવે ફોન મુકવો પડશે..હજુ બધે બાકી છે..કોઇ બિચારા જમી લે એ પહેલા જતો આવું બધે..”–!

કમીટમેન્ટ/કૃતગ્નતા/સમર્પણ/ભાવના..શબ્દો ઘણાં ફેંકી શકાય પણ નથી ફેંકવા આજે. બસ એટલું જ કે..આ આવા લોકો જ છે જે મને પ્રેરણા આપે છે અને આવા લોકોના કારણે જ હજુ સુધી મને સુપર હ્યુમન હોવાનો ભ્રમ નથી થયો. ;)

પણ વાત એટલી જ કે, અહીં એક બેબીને એનો બાપ જીવનની મોટામાં મોટી કેળવણી આપી રહ્યો છે, એય તે જાતે અમલમાં મુકીને, તો તમે ને હું તો શું ફીફાં ખાંડીએ છીએ, કવિતાઓ, આર્ટીકલો, લેખો ઢસડી મારીને !

બસ. આજે આટલું જ.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: