છેલ્લું અંતિમ આખરી છેવટનું !

0

જીવન/સમાજ/દુનિયા/પ્રમોશન/પ્રેમ અને નફરત અને ઝગડો અને તમામ બાબતોમાં પહેલું – પહેલા નંબરે આવવું એટલે શું ? અને છેલ્લે હોવું એટલે શું ?

કોઇપણ જગ્યાએ છેલ્લે હોવું એ કોઇ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય છે? છેલ્લે હોવું એટલે શું અસ્તિત્વ બે-માનિ/અર્થહિન હોવું? વિશ્વના ઘણાં મહાપુરૂષો અને વૈજ્ઞાનિકો પોતાના માતાપિતાના ઘણાં સંતાનો પૈકીના છેલ્લાં હતાં! હઝારો અખતરા પછી વિજળીની શોધ થઈ શકી એ પ્રયત્ન/અખતરો છેલ્લો હતો! પેલો પ્રાચિન વૈજ્ઞાનિક જે કારણે “યુરેકા..યુરેકા” બોલવા વિવશ થઈ ગયો એ દળ અને વજન અંગેનો એનો છેલ્લે આવેલો વિચાર હતો! પાર્વતિપુત્ર ગણેશ માં-બાપની પ્રદક્ષિણા કરીને સંતોષ માનીને “ડાહ્યો ડમરો” સાબિત થાય છે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની મુળ સ્પર્ધાને સ્વિકારીને “કાર્તિકેય” છેલ્લે પડ્યો હતો, મોડો નહી! એ છેલ્લુ સફરજન હતું જેણે ન્યુટનને વિચારતો કરી નાંખ્યો હતો..અને એ છેલ્લો ઇલેક્ટ્રોન/પ્રોટોન હતો જેણે ભૌતિકશાસ્ત્રનો પાયો નાંખ્યો હતો. એ છેલ્લો દર્દી હતો જેના રહસ્યમય મૃત્યુ/બિમારીએ નવી દવાઓ અને ઉપચાર પધ્ધતિઓ અંગે લોકોનું ધ્યાન દોર્યું હતું. એ છેલ્લો વિક્ટિમ/હતભાગી હતો જેણે અન્યાય સામે શિંગડા ભરાવ્યાં હતાં અને એ છેલ્લી બુલેટ હતી જેણે યુધ્ધનો અંત આણ્યો હતો અને એ છેલ્લો અણુંબોંબ હતો જેણે આપણને હજુ સુધી બિજીવાર એમ કરતાં અટકાવી રાખ્યા છે.

છેલ્લો ઘા જ જીવલેણ હોય છે. છેલ્લો શબ્દ જ દુશ્મનીના મુળીયાં નાંખે છે. છેલ્લો પ્રયત્ન..છેલ્લો શ્વાસ..છેલ્લી જાહોજલાલી..છેલ્લો બોલ..છેલ્લો ગોલ અને એ છેલ્લો કોલ, છેલ્લો વાયદો અને એ છેલ્લો કમાન્ડ/કોડ/એક્સપ્લોઇટ હતો જેનાથી સર્વર “રૂટ” થયું હતું! છેલ્લો તો નિઃસાસો પણ હોય છે ફરી એકવાર ઉભા થતાં પહેલાનો અને એ છેલ્લો જ લલકાર હોય છે ખુવાર થઈ જવા મેદાન વચ્ચે કુદી પડવાનો..

..અને એ છેલ્લો સજીવ હતો ઉત્પતિ અને ઉત્ક્રાંતિમાં જેને આપણે માણસ કહીએ છીએ અને ગુલામીમાંથી આઝાદ થયા પછી જવાબદારી પુર્વક વિશાળ/મહાકાય/ભયંકર હદે ફેલાયેલી લોકશાહીના વિચારને પચાવી જાણનાર ભારત પણ છેલ્લો જ દેશ છે! છેલ્લું..અંતમાં..છેવટનું છેવાડાનું..અંતિમ સીમાઓએ વસેલું..આ બધું જાહોજલાલ હોય છે, ઝળહળતું..જાજ્વલ્યમાન!

સાલું, નાહકની આખી જિંદગી પહેલા આવવામાં ખર્ચી બેઠા અથવા ખર્ચીએ છીએ. કદાચ છેલ્લા આવવાની મઝાઓને માણી શકવા માટે આપણ હજુ નાના છીએ, નાસમજ છીએ. આપણને અંતમાં આવવાનું ગમતું કરવાનું શીખવવું જોઇએ. અને હવે પેલો ડાયલોગ નથી ગમતો કે -“..હમ જહાં ખડે હોતે હે લાઈન વહિં સે શુરૂ હોતી હે”!

જો તમે કે હું કે કંઈપણ અંત/છેલ્લે છીએ તો શરૂઆતે – પોતાએ શરૂ થઈને મારા સુધી પહોંચવાનું છે, શરૂઆતે મારી પાસે આવવાનું છે પોતાની હયાતી – શરૂઆત – સાબિત કરવા માટે! હું શરૂઆતની હયાતીનો પુરાવો છું અને હું એકમાત્ર છું! મારા પછી કંઈ નથી, નવી શરૂઆત પણ જો હોય તો પણ મારા વગર એ અધ્યાહાર રહી જવાની છે! હું અસિમિત બાબતોનો પ્રત્યુત્તર છું અને બ્રહ્માંડની દરેક બાબત – રજકણો થી આકાશગંગાઓ સુધી – એ મારા સુધી એટલે કે અંત સુધી આવવાનું છે. મને પામવા સિવાયની એમની નિયતીનો કોઇ અંત નથી. જ્યાં સુધી એ છેલ્લે નહી પહોંચે, અંત નહી પામે ત્યાં સુધી એમને – મૃત્યુલોકના ક્ષુદ્ર જીવનના પર્યાય જેવા જીવનકાળના આરોહ અવરોહને સહન કરવાના છે. હું છેલ્લે છું અને મોક્ષ – એ શબ્દ/વિભાવના પણ મારો જ સમાનાર્થી શબ્દ છે.

જે છેલ્લે હોય છે એ અંતિમ પસંદગી હોય છે, નિરાધારનો આધાર અને છેલ્લો વિકલ્પ હોય છે. એનો કોઇ વિકલ્પ નથી એ સ્વયં અંત છે અને એને શરૂઆતની બીક નથી..અંત આવી ગયો એટલે બધું આવી ગયું , છેલ્લે પહોંચ્યા પછી ક્યાંય પહોંચવાનું નથી હોતું.

“..હમ વો હે ..જો જહાં ખડે હોતે હે .લાઈન વહિં ખતમ હો જાતી હે !!” વાહ! ;) :D
————–

[ #saatatya – છેલ્લું-અંતિમ-આખરી-છેવટનું — અત્યાર સુધીનો છેલ્લો ટોપિક !!! ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: