નવા ઘરમાં હિજરત-ગૃહપ્રવેશ !

0

આપાધાપીની મનોમન થતી હસાહસીમાં..નવા ઘરમાં હિજરત/સ્થળાંતર/આગમન/ગૃહપ્રવેશ કર્યા પછી પણ શાંતિથી બેસવાનો ટાઇમ જ ક્યાં હજુ શિફ્ટ થઈ શક્યો હતો , દોસ્ત ! ઉલટાનું એ પછી પણ અમુક દિવસો તો ગેસ્ટહાઉસમાં ગુજાર્યા એ વળી લટકામાં ! ;)

લોકો છુટ્યાં..કેટલિક અફસોસ કરવાને લાયક નહી એવી મિત્રતા અને મિત્રો છુટ્યાં..સારાં અને ખરાબ દિવસો પસાર થયાં…પરમ ઉંચાઈઓથી …દુર્ગમ ગર્તાઓ સુધી ..બધું આવતું ગયું અને…હું સડસડાટ એક્સિલરેટર વડે જાણે કે ભાગતો રહ્યો….કોઇ મંઝિલ વગર જ કદાચ…પણ..અને મારો સામાન રહ્યો છે મારી સાથે ! બધી જ હાલાકીઓ અને અય્યાશીઓમાં..ચડતી અને પડતી માં…મારી નાલેશી અને સિધ્ધિઓમાં..હોંશિયારીઓ અને જરાતરા નમ્રતાના સાક્ષી બન્યો છે એ સામાન…દાઢી કરવાનું એક ક્યાંક ખોવાઇ ગયેલું રેઝર મળી આવ્યું અચાનક અને…નવા રેઝર સાથે એને પણ મુકી દિધું…જુની બ્લેડ્સ અને પાણી પિવાના અમુક ખાસ ખરિદેલા ગ્લાસ મળી આવ્યા..જે ખાસ હતાં પણ…જીવનની હડિયાપટ્ટીમાં એ ભુલાઈ ગયાં હતાં ! ક્યારેક…”વ્હિસ્કી કે રમ ” – નો ટ્રાય કરીશ એમ સમજીને એક બહુ જ લાવણ્યમયો કાચનો ગ્લાસ ખરિદ્યો હતો…૨૦૧૦ ના અરસામાં ! ..ખૈર..વ્હિસ્કી અને રમ તો આવ્યા નહી પણ..એ પ્યાલાએ બહુ ધીરજ ધરી..આટલા વર્ષો ક્યાંક અમુક પુસ્તકો વચ્ચે દબાઈ રહ્યો અને એ પણ ટુટ્યા વગર એણે કમાલ કરી નાંખી ! બાઇકને માટે એક સરસ ટુલબોક્સ લાવ્યો હતો…હું વર્ષોથી જાતે જ એને સર્વિસ કરતો હતો…પછી સમયની પ્રતિકુળતાઓમાં સર્વિસ સ્ટેશને મુકતો થયો…અને..એ ટુલબોક્સ મારી અને બાઈકની અઘોર પ્રતિક્ષા કરતું રહ્યું હશે..એ વિચારે કંઈક ક્ષણિક ખિન્નતા અનુભવાઈ..પણ…એની યાદગીરીઓએ વળી ખુશ કરી મુક્યો મને !

અને એમાં..એ’ય ને કોથળાઓ ભરીને પુસ્તકો…સિમેન્ટની પ્લાસ્ટિકની ખાલી થેલીઓ ભરી ભરીને જાતજાતનાં મેગેઝિન્સ…વળી બિજા કોથળાંઓ માં અમુક ગમેલા અને જે તે સમયે પ્રિન્ટ્સ/ઝેરોક્સ કઢાવીને રાખેલા ..ક્યાંક આખેઆખા ચેપ્ટર્સ/ફકરાઓ/વિભાગ/પાનાંઓ…! સાથે ઘણી બધી જગ્યાએ મેં મારા હસ્તાક્ષરમાં કરેલી નોંધો – અને જેની ઉપર કરાઈ હોય એ ચબરખીઓ એ પણ બહુ ઉડાઉડ કરીને નવા ઘરને વધાવ્યું હતું જાણે કે ! કોથળાઓ અને પુસ્તકો અને પાનાંઓએ..રસ્તામાં આવેલી અને લાગેલી અમદાવાદીય-ધુળ ને પોતાની પર પડેલી રહેવા દઈને…કોઇ ધ્યાનસ્થ ઋષીની જેમ બહુ સરસ રીતે મલાજો જાળવ્યો હતો…મારી હિજરત નો !

..બોલપેનો/પેન્સિલો/કોરા કાગળો…સ્ટેપલર્સ અને એની પિન્સના નાના ખોખાંઓ / બોક્સમાં પણ થાક વર્તાયો હતો…કોમ્પ્યુટરના કેબલ્સ અને ૪-૫-૬ કિબોર્ડસ/માઉસ અને સ્પેરમાં રાખેલી હાર્ડડિસ્ક અને ગઝલો સંભળાવી સંભળાવીને પોતાને જ આલાતરીન ગઝલકાર સમજતાં થઈ ગયેલા સ્પિકર્સ પણ કદાચ ખુણાંમાં પદ્યા પડ્યાં કોઇ મુશાયરાની શરૂઆતી-તૈયારીઓ જોઇ રહ્યા હતાં…અને…હઝારો વર્ષોથી રાહ જોઇ રહેલા..પ્રખર સહેરામાં તડતડી ગયેલા અને હિમશિલાઓના પ્રગાઢપણાં અને આર્કટિક સમુદ્રની તળિયાની સપાટીના સાક્ષી બની ચુક્યા હોય જાણે કે…એમ બેઠાં હતાં…પેલા..મોટાં વજનદાર..ભરાવદાર…માત્ર એક જ હાથે/પંજામાં સળંગ ૫-મિનિટ જેમને ઉંચકી ના શકાય એવા..દળદાર પુસ્તકો ! પિઢ..અનુભવી..ઝમાના અને સમય નો માર ખાધેલ..જાણકાર..વરિષ્ઠ પુસ્ત્કાત્માઓ !

મને એવા જ ઘરો ગમ્યા છે જેમાં હું કામ કરતાં કે રાત્રે પથારીમાં પડીને પણ ઇચ્છા થાય ત્યારે…ખુલ્લુ આકાશ જોઇ શકું ! થોડાં ઝાડપાન જોઇ શકું…અડધી રાત્રે પવનની દિશામાં અને એની સાથે જ જે તે વૃક્ષો/છોડવાઓની સુગંધ/વાસ આવે…અને એમાંય જો હું એ બધાંને ઉભા થઈને તરત જ સ્પર્શી શકું..એના થડ/ડાળખીઓ/પાનાંઓને તો તો…ઉપકાર છે કુદરતનો !

..અને અહિં આ નવા ઘરમાં મારી જંગલી/ફકિરાના/પુરકૈફ/બદહવાશી/ઉધ્ધતાઈ થી ભરેલા આત્માને બહુ મઝા પડી ગઈ છે ! નાની ગેલેરી/બાલ્કની ને સાવ અડીને એક ઠીકઠીક ઘટાદાર પીપળો છે !! અને ગઈકાલ રાત્રે મેં નવા ઘરમાં પહેલો રાતવાસો કર્યો અને …એના એ પીપળાના પાનાંઓનો ગુંજારવ…સરસરાહટ…હવા સાથે ઝુલ્યા કરવાના એના સ્પંદનો…અને હાં, – “મુજ વિતતી તુજ વિતશે…ધીરી બાપુડીયા..” – ની સાબિતી આપતાં નવા જુનાં પાનાઓ/કુંપળોની ચહલપહલ…નિચે પડેલા અને સુકાઈને બેવડ વળી ગયેલા પાંનાઓ અને સાવ લિલાછમ/નાજુક હજુ પુરા ખિલેલા નહી એવા પાનાંઓ…અને…સાવ અજાણ્યા મકાનમાં પહેલીવારનો રાતનો માહૌલ… – “દિલકો કુછ કહાંનિયાં યાદ સી આકે રહ ગઈ..” !!

હું કદાચ હજુય મારા આ જન્મમાં પણ હોમોઇરેક્ટ્સ જન્મને ભુલ્યો નથી ! કદાચ, મારા જીન્સમાં ઉત્ક્રાંતિએ ઉંડેઉંડે હજુ એ અનુભવો રાખી મુક્યા છે..કદાચ કોઇ ઇશ્વરિય-બગ હશે મારી સિસ્ટમમાં ! કે કદાચ હું હોઇશ જ જંગલી ! કદાચ મારે આજીવિકા માટેના કોઇ ઓલ્ટરનેટ શોધી લેવા જોઇએ કે કોઇ ફેરફાર કરવા જોઇએ કે જેથી મારી આર્થિક જરૂરિયાતો પુરી થઈ શકે અને હું જંગલોમાં જઈને વસી શકું.. પણ કુદરત….બેર-મેટલ જેવી કુદરત ગમ્યા જ કરે છે ! અડોઅડ કોઇ ઘટાદાર વૃક્ષની હાજરી હોય…કોમ્પ્યુટર હોય…પુસ્તકોના કોથળા હોય…કેટલાય ખુલ્લા મુકાયેલા હોય અને વચ્ચે હું હોઊં હાથમાં બાઇકના ટુલબોક્સમાંથી લિધેલા એક અમુક નંબરના પાનાને એના લોખંડને અનુભવી રહ્યો હોઊં…સિગરેટ હોય..અંધારામાં / આછા ઉજાસમાં ઉડતો દેખાતો ધુમાડો હોય ! બસ….બાકી તો કંઈ નથી વધારે કહેવા જેવું ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: