ઉદાસ નહી થવાનું વરદાન !

0

..ટુંકી ચડ્ડી પહેરીને..આંખોમાં મેસ/કાજળ આંજીને..સવારના બાલમંદિરમાંથી બપોરે છુટીને..પલંગ/હિંચકા/સોફા કે એમ જ ઓટલા ઉપર ફર્શ ઉપર ઉંધા સુઈને..બંને હથેળીઓ ઉપર હડપચી ટેકવીને..મેં “ચંદન/ચંપક/છકો મકો/વિક્રમ વૈતાળ/પંચતંત્ર” અને ઉખાણાં/ભુલભુલામણી/જાણવા જેવું/માઇકલ ફેરાડે અને ન્યુટન અને ગેલેલિયો ની વાતો વાંચી હતી ! સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્ર હતું એ જાણ્યું હતું અને..મહાત્મા ગાંધી તો ગુજરાતના જ થયા ! – એ વાતનો અચંબો પામ્યો હતો ! રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ અને ભગતસિંહ અને ચંદ્રશેખર ’આઝાદ’ અને બાળ હનુમાનના સુર્યને ગળી જવાના પરાક્રમો અને અર્જુન/એકલવ્ય/કર્ણ ના કારસ્તાનો વાંચ્યાં પછી હું અચાનક ક્રિકેટ રમવા જતો રહેતો અને નાના શરિરમાં આવેલા આડ્રેનાલિન વડે એવો તો છક્કો-ચોક્કો મારતો કે…હું એ કહેતો – હું તો કપિલદેવ છું ! ;) ;)

..એ વાર્તાઓ/હકિકતોએ આપ્યું કે ના આપ્યું પણ..દાદા..ખોળામાં કે હિંચકામાં બાજુમાં બેસાડીને વાતો / વાર્તા કરતા.. ખબર નહી એ વખતે હું કેટલો સમજતો પણ દાદા વાત કરતાં..એક ક્ષણમાં જીવી લેવાની ખુમારીભરી વાર્તાઓ અને બોધપાઠની વાતો..મહાભારત અને રામાયણ અને રાવણ અને પરશુરામ અને કર્ણ અને અર્જુનની વાતો..પ્રકાશ અને કાચના પ્રતિબિંબોની વાતો…એ ઉખાણા પુછતાં અને જવાબો કહેતાં અને બિજી કેટલીય વાતો..અને જાણકારો કહે છે એમ કે એનાથી પણ નાની ઉંમરે હું અડધી રાત્રે જાગી જતો અને દાદાને જગાડતો અને કહેતો તોતળી ભાષામાં કે – દાદા..આજની વાત કહો !!! – ;) ..અંગત જીવનમાં સારા વક્તાની / લિડરશીપની / પોતાના મિજાજની …તમામ લાયકાત એમણે મારા ઉછેર માટે ખર્ચી નાંખી હતી ! અને એ વિચારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે ! અને હાં,મને દાદા જ માત્ર કહેતાં – નિખું – !

“..રિસેશમાં પેલા ને વાગ્યુ હતુણ..તો એને દવાખાને લઈ ગયા હતાં…પછી..આમ તેમ…આ…તે..એટલે સ્કુલમાં પાછા ના ગયા..” – દાદાએ જવાબ આપ્યો હતો કે – “તુ એમ કહે છે તો બરાબર છે..ગમે તેને કામ લાગવાનું..ડોક્ટરને પૈસા આપણાં ઘેરથી આપવાના..પણ જો ખોટું બોલ્યો તો ખૈર નથી ! ” – જોકે દાદાને ખબર હતી કે હું ખોટું બોલતો હતો !! પણ આજીવન શિક્ષક અને એક આદર્શ શિક્ષક કંઈ એમ જ ઉકળી તો ના જ પડે ને ! દાદાએ એક અપવાદને બાદ કરતાં ક્યારેય મારી ઉપર હાથ નથી ઉઠાવ્યો..અને એ એક અપવાદ આટલા વર્ષો પછી પણ..ગાલ ઉપર મારેલો તમાચો..ફોટોગ્રાફિક મેમરી નિ જેમ યાદ છે મને ! અને એના જેટલી હિણપત મારી જાત ઉપર ક્યારેય થઈ નથી મને !

..પણ દાદા વાત કરતાં..એક બે ને ત્રણ કરી નાંખવાની…નમતું નહી મુકવાની અને “વાંક હોય તો બહુ ચપચપ નહી કરવાની..” – સલાહ આપતાં..અને “વાંક ના હોય તો આચાર્યને પણ થપ્પડ મારી દેવાની” – પુરક વાત પણ કરતાં અને એ વાત કરતાં કે -“ગાઇડો નકામી છે…આવડતું હોય તો આવડે જ..”- અને હું આજીવન ગાઇડો/અપેક્ષિતો વગર જ પરિક્ષાઓ આપતો રહ્યો , બલ્કે પાછલા ધોરણના વેકેશનમાં જ આગલા ધોરણનો સિલેબસ પતાવી દેતાં શીખી ગયો હતો , જે ક્રમ કોલેજ સુધી રહ્યો અને કોલેજ પછી જિંદગીમાં પણ રહ્યો! પણ..જીવન બહુ અલગ હતું..અને એની વાસ્તવિકતાઓનો અભ્યાસક્રમ બહુ પેચિદો હતો અને..દાદાએ કદાચ આવનાર અનાગત કે કોઠાસુઝથી જ કહ્યું હતું એ બધું કદાચ..

..કોઇપણ હાલત/સ્થિતિ/સંજોગોમાં અટકવાનું નહી..-“..ખાડો આવે તો ખાડામાં પડીને પણ બહાર નિકળી ને આગળ જવાનું..આપણે ચાલવા થી મતલબ રાખવાનો..” – !!

આજે મારામાં કંઈક પણ સારું હશે કો સદગુણ હશે તો એ દાદાનો વારસો છે , બાકી તમામ ખરાબીઓ મારી છે , ખુબીઓ એમની છે અને ખામીઓ મારી છે..હું થાકતો નથી એ એમની તાલિમ છે અને હું જેન્ટલમેન નથી બની શક્યો એ મારી તાસિર છે !

“..મુઝમેં જો કુછ અચ્છા હે સબ ઉસકા હે….મેરા જિતના ચર્ચા હે સબ ઉસકા હે…”

..નવું ઘર મળી ગયું આખરે અને એના સામાનમાં..વર્ષો પહેલા ઘર છોડતી વખતે માત્ર ચોપડાંના ભરેલા કોથળા અને નાના મોટા સર્ટિફિકેટ્સ અને માર્કશિટ્સ અને બે જોડી કપડાંની સાથે…મેં ચુપકીદીથી સેરવી લિધેલો (!) અને આટલા વર્ષો સુધી કોઇ અકસ્યામતની જેમ જાળાવી રાખેલો દાદાનો એક ફોટો અચાનક હાથમાં પકડીને તમે ચોક્કસ કેટલી નંબર-ઓફ-મેમરિઝ ને વાગોળી શકો ?!?! અને નજીકમાં નવા પાડોશીઓના કોઇ ઘરમાં એક ગીત ચાલી રહ્યું છે..અને દાદાની જ તાલિમનો કોઇ ઇલમ/ચમત્કાર હશે કે આ મને બહુ ગમે છે..અને ઉદાસ લાગતાં “નાઝાયઝ” ના આ ગીતની દરેક પંક્તિમાં મને હતાશા નહી.ફરી ઉભા થવાની તપિશ દેખાય છે !

“અભી જિંદા હું તો જી લેને દો…ભરી બરસાતમેં પી લેને દો,

આજ કી શામ બડી બોઝિલ હે..આજ કી રાત બડી કાતિલ હે..,
દિલ સે આગ બુઝેગી દિલ કી..મુઝે યે આગ ભી પી લેને દો…,

મુઝે લમ્હોમેં નહી જીના હે..કતરા કતરા તો નહી પિના હે,

આજ પૈમાને હટા દો યારો…સારા મયખાના પિલા દો યારો…,

મયકદો મેં પિયાં કરતા હું..ચલતી રાહો મેં ભી પી લેને દો….”

..ક્યારેક જ્યારે નાનપણમાં હું સુતો હોઇશ ત્યારે તારા-સ્નાન કરતાં વહેલાં ઉઠેલા દાદાએ કોઇ શુભ પ્રહર/ચોઘડીયામાં.. નાનપણમાં મારા લાં..બાં વાળની લટોને ચહેરા ઉપરથી હટાવીને માથે હાથ મુકીને…પોતાના તમામ તપોબળ અને નૈતિકતા ના તપ વડે..ઉદાસ નહી થવાનું કોઇ વરદાન આપી દિધું હશે કદાચ !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: