જામ-એ-જિંદગી !

0

અને જીવનમાં ખાલિપો નથી અનુભવાયો ક્યારેય. હાં, એકલતા રહી કંઈક અંશે પણ ખાલિપો ક્યારેય નહી. હંમેશા છલોછલ/ઉભરાતો/બહેકતો/મદમસ્તાતો(!) એક અહેસાસ કોઇ જુની યાદગીરીની જેમ સાથે જ રહ્યો છે! એ કદાચ અસ્તિત્વની સાથે “હાર્ડ વાયર્ડ” થઈ ચુક્યું હતું – છે!

..જીંદગીનો જામ હંમેશા છલક છલક રહ્યો છે! ફાટી જવું,વિખેરાઈ જવું,ખાનાબદૌશ થઈ જવું અને તહસનહસ થઈ જવું, અણુએ અણુમાં વ્યાપી જવું અને દરેક રજકણની સાથે દોસ્તીના કોલ-કરાર કરી લેવા, હાથમાં વાગેલા કાચના ટુકડાઓ અને પગમાં ખુંપી ગયેલા કાંટાઓ અને ખીલીઓની સાથે કોઇ તાદાત્મ્ય સાધી લેવું આ બધાં પેરામિટર્સ હતાં જીવનના બેફામ હોવાના અને બેફામ રિતરસમોથી જીવવાના પણ!

પણ ઘણું બાકી રહી ગયું! નાનપણથી NDA નો ઉમેદવાર રહ્યો હતો, ચડ્ડી પહેરવાના દિવસોથી આર.એસ.એસ/વી.એચ.પી અને સ્કાઉટ/એન.સી.સી. અને ગાંધીવાદી-ક્રાંતિકારી જીવન જીવી ચુકેલા “દાદા” ના ઉછેર નીચે મારું કંઈક(!) અપરંપરાગત હોવું/બનવું/થવું અનિવાર્ય હતું. બલ્કે એ એક ઉપલબ્ધી હતી! અને મેં એને માણી હતી, માણી રહ્યો છું! બાલમંદિરની ઉંમરે લખતાં-વાંચતા શીખી ગયો હતો હું અને માંડ પાંચમાં ધોરણમાં આવતામાં કેમ્પમાં ટાંચા સાધનો વડે પણ જમવાનું રાંધતાં શીખી ગયો હતો હું. “સ્વાધ્યાય પરિવાર” ની સૌથી પહેલી મુલાકાત લિધી ત્યારે સાંયકાળ ના સમયે હું પુરા પંદર વર્ષનો પણ નહોતો અને લોકો/બુઢ્ઢાઓ/ડોસા-ડોસીઓ/અને પાછલા આડેધ ઉંમરના સ્ત્રી-પુરૂષો બહુ ગેલમાં આવીને વાતો કરતાં હતાં – “..આજે દાદા (પાંડુરંગ શાસ્ત્રી) એ આમ કહ્યું..તેમ કહ્યું…” – પછી “દાદા” ગયા અને “દીદી” આવ્યા..પણ વાતો એની એ જ રહી! સ્વાધ્યાય પરિવારને એના જે તે મકામે પહોંચાડનારાઓએ માછીમારોને ગીતાના શ્લોકો મોઢે કરાવી નાંખ્યા અને અહિં આ લોકો એના ગુણગાન ગાવાને જ સ્વાધ્યાય કહી રહ્યા હતાં! અને મારા સદનસીબે હું સમજી ચુક્યો હતો કે આવા વાતોના વડાં કરવાની પ્રવૃતીને હું આજીવન “સત્સંગ” નહી કહી શકું! અને મને બહુ ગર્વ હતો એ વાતનો, અલબત્ત, કિશોરાવસ્થાનો ગર્વ! ;)

..અને પોતાની જાતની આપબડાઇઓ કહેતાં કોઈ થાકતું નથી! પણ વાત મારી ઉપલબ્ધીઓ કે મારા માની લીધેલા માન/અકરામો/ઉપાધીઓ અને સિધ્ધિઓની બિલકુલ નથી જ, વાત જે તે વિચારધારાઓની સાર્થકતાની છે!

સાલાઓ, “ક્રોસવર્ડ” (મિઠાખળી છ રસ્તા, અમદાવાદ) ના બારણે ઉભા રહીને બુધ્ધિજીવીના ફાંકામાં, કોઇના બેસણામાં આવ્યા હોય એમ પુરૂષોએ સફેદ વસ્ત્રો ધારણ કર્યા હતાં, અને સ્ત્રીઓએ સફેદ વસ્ત્રોમાં પીઠ ઉપર તો ઠીક છાતી ઉપરના વસ્ત્રોને પણ ફેલાવા દઈને..સામેથી અંતર્વસ્ત્રોની આખી ડીઝાઇન દેખાય એમ ફેશન શો – વેશ ધરીને કોઇ ચિલાચાલુ ધાર્મિક પુસ્તિકાઓ વેચવાનું (વહેંચવાનું નહી!) શરૂ કર્યાનું તો ધ્યાનમાં હતું પણ..નકામી/અર્થહીન/બાલિશ/ગંધાતી દલીલો કરવાનું ક્યારથી શરૂ કરી દિધું છે ?! આવા નાટકો માટે કર્ણાવતી અને રાજપથ ક્લબ ઓછા પડી ગયાં હતાં ?! કે સેટેલાઈટ અને શિવરંજની ના ચાર રસ્તાઓ ઉપર હવે ઘરાકી નથી મળતી ?! કે ટાઉનહોલ અને ગાંધી આશ્રમ માં હવે મઝા નથી આવતી ?! કે લો-કોલેજની આસપાસ હવે પાનીપુરીના ભૈયાઓ એ રસ લેવાનું છોડી દિધું છે ?! ખૈર, ફરી આવો એક કકળાટ કર્યો અમોશ્રીએ અને વગેરે વગેરે..

હાં, તો હું મુસ્તાક હતો કે મેં સ્વાધ્યાય પરિવાર અને એના જેવા બિજા (બ્રહ્મા કુમારિઝ/દારૂલ ઉલુમ / સ્વામિનારાયણની સંસ્થાઓ/ ફલાણા ઢિંકણા મંડળો વગેરે) કહેવાતાં સત્સંગોની પોકળતાને સમજી લિધી હતી અને હું ગર્વાન્તિત હતો કે હું એ અનુભવી/પીઢ/સજ્જનો-સન્નારીઓ કરતાં બહુ સ્પષ્ટ/સાચું(!) માની રહ્યો છું અને એ બધાંથી વધારે એમ કે હું એનું આચરણ કરી રહ્યો છું!

મેં મફતમાં લોકોને ટ્યુશન આપ્યાં છે અને એના બદલામાં થેંક્યુ/આભાર જેવા ઔપચારિક શબ્દો સાંભળવા રોકાયો નથી. હું ભાગતો રહ્યો. મેં હઝારો રૂપિયાની ફી ઉઘરાવી લેવાતા સાયબર સિક્યુરીટી/હેકિંગના લેક્ચર્સ આપ્યાં અને ઔપચારિક ગોષ્ઠીઓના બદલે સિગરેટના ધુમાડામાં અંર્તધ્યાન થઈ જઈને ભાગી ગયો હતો. મેં ફંડફાળા ઉપર ચાલતાં શિક્ષા-મંદીરોમાં જમવાનું બનાવ્યું પણ છે અને પિરસ્યું પણ છે અને નાના/ગરીબ/દલિત/નિચા વર્ગના બાળકો કે જે ગાળો બોલતાં ગળથુથીમાંથી જ શિખ્યા હતાં એમને જે તે ગાળોનો અર્થ સમજાવ્યો હતો- બાળ ચિકિત્સકો/બાળ કલ્યાણકારીઓ માફ કરે પણ, ચિકિત્સાઓના પુસ્તકોથી વધારે જટીલ છે વાસ્તવિક બિમારીઓ! – અને એમ એમને બોલતાં અટકાવ્યા હતાં. એકવાર એક “સ્વામિનારાયણ” સંસ્થા વડે ચાલતી સ્કુલમાં એના જ સ્વામી જોડે ઝગડયો. એક-બે-ને સાડાત્રણ કરી નાંખી હતી એ સ્વામી ની – “..તમારું આ ખેસિયું પણ દાન-ધર્માદામાં મળેલું છે..મારો તો આ ફોન (Microsoft Pocket PC O2!) પણ મારા પૈસાનો છે…મને ના શિખવાડો…તમે પેલા પ્રિન્સિપાલને પણ ગ્રાઉન્ડમાં તું-તારી કરીને બોલાવો તો એ તમારા સંસ્કાર છે…આ સ્કુલ છે, મંદીર નથી..મને કંઈ કહેવાનું નહી… ” -! ;) ;)

..અને હાં, મને ઉચ્ચક-ધોરણે આપેલા ૬-હઝાર રૂપિયાના ચેકની સામે મેં, કોઇ ફિલ્મી સ્ટાઇલમાં ૬-હઝાર-એકસો-એક રૂપિયાનો ચેક આપ્યો હતો. એ જ જગ્યાએ..એ જ વખતે..એજ સેકંડે સહી કરીને! એ *** ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મિડીયમ સ્કુલ ને દાન કર્યું હતું મેં! સાલા ભીખના પૈસે લંડન ફરીને આવતાં સ્વામીની અને એના જીહજુરિયાઓની હવા કાઢી નાંખી હતી! એ અભિમાન અને ગર્વ અને ગુમાનનો નશો હતો..અને એ જીવલેણ હતો એટલો જ બેશકિમતી હતો અને મને બહુ પ્યારો હતો અને ૨૩-૨૪ વર્શની ઉંમરે ઘરબાર છોડીને વસેલા હું ની ઉધ્ધતાઈ પણ હશે એ..પણ, સત્સંગ અને સમાજસેવાના નામે દંભ આચરતાં આવડ્યું નથી ક્યારેય અને આજીવન અભ્યાસુ – કર્મયોગી રહેવાના મારા અભરખામાં આ એક અવળચંડાઇ નહી શીખી શકવાનો મને આનંદ છે!

“આ ઉર્ધ્વગામી જ્વાલ જન આદર્શ અમ સૌ ઉચ્ચ હો,
આ રક્તવર્ણા ઇંદ નો જનયત્ન અમ જીવંત હો,

આકુંડનો અગ્નિ દિયો ગરમી સકલ સમુદાયને,
દેજો સુસેવા દેશને વિર બાલિબાલિકાયતે..”

..આ કેમ્પફાયરની પ્રાર્થનાનો ગુંજારવ હજુ શમ્યો નથી અને હું હજુય ઉધ્ધત છું એ વાતે હંમેશા વગોવાઉ છું અને એવી વગોમણીનો મને ડર કેમ નથી લાગતો એવા અ-દુનિયાદાર/અ-વ્યવહારુ પ્રશ્ન નથી થતાં..એ કદાચ કોઇ ખામી હશે અને હવે આ જન્મે તો એ સુધરવાની રહી! અને છોડોને યાર સુધરીને કામ પણ શું છે ?! ;) :D

શ્રધ્ધા/આરાધના/ઉપાસના કે વિચારધારાઓને સમર્પિત થવાનો અર્થ કદાપિ એમ નથી કે તમે એના આડંબરમાં રાચતા થઈ જાવ, આરાધના એ છે કે કોઇનું ખુન કરતી વખતે પણ અને કોઇ ગંજાવર બેંક-લુટ વખતે પણ તમે એટલા જ પ્રામાણિક રહિ શકો જેટલા પોતાની જાત આગળ હોવ છો! અને ઉપાસનાનું એ સર્વોચ્ચ ધોરણ/સ્થાન છે કે જ્યારે તમારા ઇશ્વરોએ તમારી ઉપાસના અનુસાર પોતાનું રૂપ બદલવું પડે ..બલ્કે…તમને કોઇ ઇશ્વરોની જરૂર જ ના પડે!

“યે જો દિલ બસજદા હુઆ કભી..તો જમિં સે આને લગી સદા,
તેરા દિલતો હે સનમ-આસનાં, તુઝે ક્યા મિલેગા નમાઝ મેં..” _!!

—–
ત્રણ વર્ષ પહેલા આજના દિવસે કંઈક ઉભરો ઠાલવેલો અમોએ! ;) :o :D

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: