મુંબઈથી આવતો હતો..

0

..મુંબઈ થી આવતો હતો, ફરી એકવાર ખાનાબદૌશ જીવનના નવા તબક્કાને કોઇ રાની પશુની જેમ, એક રિધમ/લય/કોઇ ખુન્નસમાં મારી તરફ આવતા જોઇ રહ્યો હતો. અને હું કંઈક બેફિકર રહીને એનાથી અજાણ હોવાનો બને એટલો ડોળ કરીને વચ્ચે વચ્ચે આગળ જોઇને રહ્યા કરતો હતો. આવતાં અને જતાં, “ગુજરાત એક્સપ્રેસ” અને “દુરન્તો એક્સપ્રેસ” ની સુપરફાસ્ટ ઝડપે , મોડી રાત્રે બારણામાં ઉભા રહીને , “ટિકિટ ચેકર” સાથે સિગરેટ ની આપ-લે કરીને , ટ્રેનના ચાલવાની રિધમ સાથે જરા જરા ડોલતા રહીને ઉભો હતો.., “ટીટી”ની પાછળ વોશ-બેસિનના અરિસામાં સહસા મારો પોતાનો ચહેરો જોઇ લેતો હતો વારંવાર/કેટલીય વાર/અનેકવાર. “ટિટી” નું જવું જરૂરી જ હતું, એ જતા રહેતા અને હું નિચે બારણાં આગળ બેસતો, પિઠ રહેતી બારણાંની એક તરફ અને એક પગ સામેની તરફ અને બિજો પગ પગથિયા ઉપર બહાર રાખીને બેસી જતો..પણ સ્થિર/સજ્જડ/મજબુત રીતે. ડોલવાનું હતું. દશે દિશાઓમાં માથાના ઘેરા/કાળા અને સફેદીની શરૂઆતને રોકી રાખેલા વાળ ઉડતાં રહ્યાં, “બાઇનરી રિસ્ટવોચ” ના વિકલ્પ તરીકે લિધેલી , કેસીઓની કાંડા ઘડીયાળના આંકડાઓને જોઇ લિધું એકાદવાર, સિગરેટને મારાથી વધારે હવા “કન્ઝ્યુમ” કરી રહી હતી અને પેકેટમાં હજુય અડધો ડઝન સિગરેટ બેકઅપ(!) માં હતી. અને બેસતાં પહેલા નવો લિધેલો “નેક્સસ-૫”/સિગરેટનું પેકેટ/દિવાસળિની ડબી/હેડફોન્સ/પાછલા ખિસામાંનું વોલેટ, બધું ચોકસાઈપુર્વક એની જે તે જગ્યાએ ગોઠવીને.. -“તૈયાર રહો..રહો તૈયાર..” – ટ્રેનિંગની અસર ક્યારેય ગઈ જ નહી, સાલી !

..ગુજરાત શરૂ થઈ ચુક્યું હતું/અમદાવાદની જાણે કે મહેંક આવવા માંડી હતી. અંધારામાં બાજુમાં નિચે ટ્રેનના ડબ્બાઓની લાઇટ્સના પ્રકાશિત ચોરસ આકારો દેખાઈ રહ્યા હતાં. .સવાર પડવાની તૈયારી જ હતી, રાત્રીના છેલ્લા પ્રહરો હતાં, અને એક ચ્હા વાળા ભાઈ નિકળ્યા, અને રાતની “વધેલી” પણ ગરમ ચ્હા લઈ લિધી બિજા હાથમાં. એ કંઈક વિચિત્ર રીતે જોતાજોતાં ગયાં. પણ હું કૈફમાં હતો. ઘણી વાતો કરવાની રહી ગઈ હતી , ઘણીવાતો યાદ જ ના આવી, ઘણો બધો સમય જ નહોતો પણ.. -“બાદ મુદત્ત કે મિલેં હે દિવાને..કહેને સુનને કો બહૌત હે અફસાને..” – ના એ શબ્દો ઘુમરાયા કરતાં હતાં. પણ, સમય નહોતો એના કૈફમાં રહેવાનો.કેમકે અમદાવાદ આવી રહ્યું હતું. અને પોતાની સાથે એક ખાનાખરાબીઓની એક વાર્તાને બિજીવાર હું આવતાં અનુભવી રહ્યો હતો. અને એને અનુભવવાનોય પુરતો સમય નહોતો. કેમકે હું રાની પશુને આવતાં જોઇ રહ્યો હતો.

એ વખતે ત્યાં બેસીને અમસ્તાંજ કોઇ અગમચેતીથી , કોઇ પુર્વાભાસ , કોઇ ખુન્નસ/દાઝ/ગુસ્સાથી , પોતાના જ અસાધ્ય ઘાવોને જાતે જ ખોતરી નાંખતા કોઇ પાગલ દર્દીના ઝનુનથી મારે બરાડો પાડિને ગાળો બોલવી હતી કે… “એની માની તો….” – પણ, મગજ ભલે ઉધામા કર્યા કરે, કલેજું ઠંડું રાખવાનું હતું. “કમાન્ડો રાઠોડ સર” કહ્યા કરતાં હતાં એ વાત. અને મેં કેટલાય શબ્દો લખી લખીને ડિલિટ ડિલિટ કરીને પછી બહુ કચકચાવીને આ નિચે શેર કરેલું એક સ્ટેટસ લખ્યું હતું. જે જાહેર નહી પણ “સ્વગત” વધારે હતું ! અને સ્ટેટસ ટાઇપીને મેં જરાક હસી લિધું હતું ! અને કોઇ વસવસો નથી, બિજી જેટલી પણ વાર આમ હસવાનું થાય, હસી લઈશું, મઝા આવશે એની. હકિકતે સંઘર્ષ એ લાઈફને આરસપહાણની જેમ કંડારવાની/ઓપ/ઘાટ/આકાર આપવાની એક પ્રોસેસ છે, પ્રતિમા આખિ બને કે અધુરી રહે એ અલગ વાત છે, પણ એ પહેલા કરતાં વધારે ઉઠાવમાં તો જરૂર હોય છે.

“યું હેરતભરી નિગાહસે દેખા ના કર મુઝે,
મેં આસમાન હું…સિર ઝુકાયે બૈઠા હું…” __?!

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: