એ ગધેડો સ્થીતપ્રગ્ન હતો !

0

“..ગધેડીના..ગધેડા જેવો..ગધ્ધા મજુરી..ગધેડાનું વૈતરું..ડફણું…” અને “ગોલા કરતાં ગધેડાં ડાહ્યાં”! એ વિચારતોં હતો કદાચ કે આમાંથી કઈ વાત/શબ્દ સમુહ/કહેવત વધારે બંધ બેસતી હતી ? કઈ વાત વધારે એને પોતાના જેવી લાગતી હતી ? પછી કદાચ એને પોતાને વિચાર આવી ગયો કે આમ આવી વાતોમાં વિચારે ચડી જઈને નકામી વેઠ કરવી અને એ જ વિચારે રસ્તા વચ્ચે ઉભા રહિ જવાને જ તો ગધેડા જેવા નહી કહેવાતા હોય ને ?!

એની આંખો સ્થિર હતી, હ્રદયના ધબકારાને એણે કદાચ વર્ષોના અનુભવે ધીમા કરી રાખ્યા હતાં. એણે નિષ્કામ અને સકામ સાધના/ઉપાસનાઓનો ફર્ક સમજી લિધો હતો કદાચ. એણે આસપાસ જોવા ચાહ્યું પણ..ના જોયું ! એણે બે-ત્રણ વખત પગ ઉપાડ્યા પણ..પછી ના ઉપાડ્યા. એને કદાચ વિચારમગ્ન રહેવાની મઝા આવવા માંડી હતી. કદાચ એણે ખરેખર એમ લાગવા માંડ્યું હતું કે એ પોતે જ ગધેડા જેવો છે. અને અચાનક..સદીઓથી સમાધીમાં/તપસ્યામાં બેઠેલા કોઇ ઋષિમુનીના દિવ્ય તેજથી એણે જરાક હલન ચલન કર્યું. સદીઓને ધુળ ખંખેરી જાણે કે ! દ્રઢ/નિશ્ચલ/સમાધિસ્થ અવસ્થાને એણે જરા દુર હડસેલી. સ્થિતપ્રગ્ન મનુષ્યના તમામ લક્ષણો અને એટિકેટને સાચવ્યા કરીને એણે જરાં આંખો આમ તેમ ફેરવી, અલબત્ત માથુ સ્થિર રાખીને. પણ પછી છવટે એણે પગ ઉપાડ્યા. જરાક ચાલવા માંડ્યું અને હાં..યશકલગી સરિખી ટુંકી પુંછડીને હલાવતા રહેવાની રિધમ પણ જાળવી લીધી.

એ ગધેડો..ગધેડું..એ ગદર્ભ આત્મા કદાચ અલગ હતો , એના સમાજથી ,કેમકે એનામાં તમામ અ-ગદર્ભિય લક્ષણો હતાં!

એ નજીક આવે છે. હું જરાક સાવધ થઈ જાઊં છું સિગરેટ અને બાજુમા પડેલા ચ્હાના કપને એના કોઓર્ડીનેટ્સ સાથે મગજમાં અંકિત લિધાં મેં કે જેથી ઘડીના છઠ્ઠા ભાગમાં બચાવી લેતા ફાવે. ;) પણ એ આવે છે છેક નજીક, અને ગધેડાની જેમ નહી પણ કુતરાની જેમ મારા બુટને સુંઘવા પ્રયત્ન કરે છે. અને ઉંચુ જોવે છે..ફરી એજ રીતે..અનિમેષ રીતે ! એ શું કોઇ આજકાલ જથ્થાબંધના ભાવે મળતા “દિક્ષાપાત” ના કાર્યક્રમની બહાર ફરીને આવ્યો હતો ?! એ ફરી આમ તેમ ફરે છે આજુબાજુ લોકો અને હું એ ગદર્ભની આ હરકતો જોઇ રહ્યા હતાં. કંઈક હસતાં હતાં. કોઇએ એના શરીરે ધબ્બો માર્યો..કોઇએ એને પુચકારી અને જરાક ફટકારી જોયું..તો વળી કોઇએ એને પાણી આપ્યું..કોઇને એને વડાપાંવ આપી જોયા..ચ્હા વાળા ભાઈએ..એક પ્લાસ્ટિકના પહોળા વાસણમાં એને ચ્હા આપવા ચાહી..છેવટે કંટાળીને દુધ આપ્યું..કોઇકે ગમ્મત કરી કે – ફલાણો બકરો બિડી પિતો હતો..આ ગધેડાને પણ આપી જુઓ !

..પણ એણે કંઈ ના લીધું..બધું જોયા કર્યું..સુંઘ્યા કર્યું અને છેવટે તાક્યા કર્યું. લગભગ દરેકના ચહેરાને એણે જોયા કર્યા પણ એ શાંત હતો! અમદાવાદ અને હવે મોટાભાગના મેટ્રો શહેરોમાં શાંત રહી શકવું એ એક ઉપલબ્ધી છે , જેની શહેરી-ગમારોને ખબર જ નથી ! પણ એ શાંત રહી શક્યો હતો. એને કદાચ કોઇ આઘાત લાગ્યો હતો ? કદાચ એ સવાયો ગદર્ભ હતો..કદાચ એણે કોઇ બિજા ગધેડાને ધારીધારીને જોયો હશે આજે ?! એણે કદાચ મજુરી નહી મહેનત કરવાનો નિર્ણય કર્યો હશે ?! એ કદાચ ગધેડો બનીબનીને થાકી ગયો હશે ?! એણે કુતરાની જેમ સુંઘવાની આદત કેમ કેળવી હતી ?! એણે માણસની જેમ વિચારમગ્ન/શુન્ય થવાની કવાયત કેમ કરીને શિખી હશે ?! કે પછી એવું તો નહોતું ને કે એ હવે ગધેડો નહોતો રહ્યો ?!

..કદાચ આજે મારી પાસે કંઈ જ નથી વહેંચવા જેવું એટલે એક ગધેડાનું શબ્દાલેખન કર્યું હશે..કદાચ આજે ચ્હામાં કંઈક ભેળવી દિધું હશે કોઇએ..કદાચ એ ગદર્ભ ખરેખર કંઈક વિચારતો હશે..કદાચ..

ખૈર,ખબર નથી ! મને કંઈ જ ખબર નથી ! કદાચ એ ગધેડાને કંઈક ખબર પડી ગઈ હતી-હશે, એટલે જ એ ટિપિકિલ ગધેડો નહોતો રહ્યો !

;) :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: