કીરાયેદાર-નામા !

0

મારો કોઇ ભત્રીજો નથી, કોઇ નાનું બાળક ખોળામાં લઈને હું જોતો રહુ કે એના દાંત વગરના પેઢાઓના લિસાપણાંને જોઇને માનવશરીર જેવી કોમ્પ્લેક્સ સિસ્ટમ તૈયાર થઈ જાય માત્ર નવ-મહિનામાં એનું કૌતુક અનુભવીને જાતે જ ચકિત થઈ જવાની અનુકુળ્તા નથી અને નજીકના ભવિષ્યમાં કે કદાચ દુરના ભવિષ્યમાં પણ નથી. અકારણ એના બોખા જડબાઓ ખુલી જાય અને એ હસે કોઇ જ અવાજ વગર (!) અને એને સાયલન્ટ્લી હસતાં જોઇને હું પોતે ખડખડાટ હસી પડું એ વૈભવ નજીકમાં દેખાતો નથી સિવાય કે..એક નાના “એ.એમ.ટિ.એસ” ના સ્ટેન્ડ ઉપર રાહ જોઇ રહેલા નવાસવા દંપતિ ને હું જોઇ જઊં ! આસપાસના બધાં જ હો-હલ્લા અને કંટાળાથી ફારેગ થઈને એ સાવ જવાન..મારાથી પણ બહુ નાની ઉંમરના દંપતિની ક્રિડાઓ પણ આહલાદક હતી. કીલકીલકારીઓ હતી..જાતજાતના અવાજો અને ઉદગારો કરતા હતાં. એ લોકો માનવીય ચહેરાની તમામ માંસપેશીઓને કામે લગાડીને કંઈક અવનવા હાવભાવ કરી રહ્યા હતાં એ બંને. એક ગુલાબી અને કંઈક લાલ અને નરમ પોચું નાનું, એક માનવશરીર હતું એમના ખોળામાં !

..અને એમના નવાસવા બાળક અને એની ચેષ્ટાઓ/ક્રીડાઓ/હવાતીયાંઓ ને પણ હું જોઇ રહું..દુરથી ..ટ્રાફીક વચ્ચે અને સરેઆમ હોવા છતાં કંઈક છુપાઈને..નજર ત્રાંસી કરીને..સિગરેટના ધુમાડા અને ચશ્માના કાચની કિનારીઓની આજુબાજુ અને ઉપરનિચેથી. કોઇ મને જોઇ ના જાય આમ કરતાં એવુ ધ્યાન રાખીને. કોઇની પ્રાઇવસીને હું ખલેલ પહોંચાડું છું એ વાતને યાદ કરીકરીને ભુલી જઈને. પણ..

..છોડ ને આ બધી જફા ! મારે કોઇ હોય કે ના હોય માનવીય સંબધોના લટકણીયા સ્વરૂપ અને કાયદેસર સાબિતિ પુરતો તો..હું જ કેટલા લોકોનો ભત્રીજો/સંતાન/ભાણો/બાબો/ભાણા ભાઈ અને મારું નામકરણ કરનાર “અભેસિંહ રાઠોડ એટલે કે અભેસિંહ મામા” કહે છે એમ..ભાણા સાહેબ છું! અને મેં કેટલી બધી મઝાઓ કરી હશે બાળોતીયાં પહેરતો હોઇશ ત્યારે ?!–એમ વિચારીને હું મગરૂર થઈ ગયો ! મારું નાનપણ એટલું સમૃધ્ધ હતું કે મારી જાણમાં એવું સમૃધ્ધ એક જ વ્યક્તીનું હતું.. ગોકુળમાં શ્રી કૃષ્ણ નું!

બીજી એક અડધી ચ્હા મંગાવી..અડધી થયેલી સિગરેટ ફેંકી દિધી અને નવી સળગાવી. અને હવે સમસ્ત ટ્રાફીક અને નરેન્દ્ર મોદી પણ કેવા વામણાં હતાં મારી આગળ ?! અને મને અહંકાર..કંઈક સવાયા હોવાનો નશો ચડી જાય છે જાણે કે ભરબજારે!

લોકો બહુ સુગ ચડે એવું જીવે છે. એકના એક ઘરમાં જિંદગી આખી કાઢી નાંખે છે. એ જ ખુણો..એજ બેડરૂમ..એ જ બાલ્કની-કમ-ગેલેરી..એ જ પગથીયાં..કેટલું બોરિંગ છે આ બધું યાર ?! અને એ પણ વર્ષો સુધી..એકધાર્યું..એક જ..એક જ..એક જ..ઉફ્ફ ! લોકો જીવતા કેવી રીતે હશે આટલી એકરૂપતા/સ્થગીતતા સહન કરીને! અને એટલે જ એ લોકો સુગીયા મોઢા વાળા હોય છે..એટલે જ એ આમ છે અને તેમ છે..અને કંઈ કેટલુય છે ! પણ છોડને આ બધી જફા, આપણો જો કેવો વટ્ટ પડે છે!

હજુ પોતાનું ઘર એટલે કે મારા પૈસાથી બનાવેલું ઘર – જેની બહાર પડેલો કચરો પણ મારી માલિકીનો હોય ! – એ નથી બનાવી શક્યો. પણ ભાડે રખાયેલા દરેક મકાન માલિકે મને લાટસાહબ ની જેમ રાખ્યો છે, સાચવ્યો છે! વહેલા સુઇ જવાનું યાદ કરાવવાથી લઈને જમવાનું નિયમિત કરવા સુધીની સલાહો બલ્કે..પ્રયત્નો કર્યા છે મારા માટે. ક્યારેક રાત્રે મોડા આવ્યો છું તો..જમવાનું ગરમ કરી આપવા સુધીની તૈયારી કરી લિધી હતી એમણે. ક્યારેક કંઈક વાગ્યુ છે તો..ઘરના સ્ત્રી/પુરૂષોએ મારી વંઠીને ધુમાડે ગયેલી ખુદ્દારી/ઘમંડને અવગણીને અને ક્યારેક મિઠો ઠપકો આપીને પણ સુશ્રુષા કરવા ખડે પગે તૈયાર થઈ ગયા છે. અને –”તમારા એક માણસના બે-એક જોડી કપડાં/ચાદર અમને વધારે પડવાના હતાં ?! ..આવુ બધું અમને ખરાબ લાગે છે..તમારે અમને આપી દેવાના હોય..” – કહીને મને ઇન્દ્ર ને હરાવવા સક્ષમ મેઘનાથ જેવો સંતોષ આપ્યો છે. એ અલગ વાત છે કે એકલા રહેતા થયાં પછીથી મેં મારા કપડાં કોઇ પારકી સ્ત્રી કે પુરૂષને ધોવા નથી આપ્યા કે ના તો એવી ઇચ્છા પણ થઈ છે! પણ આવું કહેતાં મકાન માલિક..એકાદ અપવાદને બાદ કરતાં મળતાં જ રહે તો..ખબર નહી કયા જન્મના કયા પુણ્ય કર્યા હશે અમોશ્રી એ ! :D

અને ખાલી કરેલા દરેક ઘરમાલીક સાથે સારા સંબધો રહ્યા છે અને/પણ..દરેક ઘરની સાથે ક્યાંક એના ખુણાઓ અને બારીઓ અને બારણાંઓ અને સ્ટોપર સાથે ..હું ક્યાંક મારા આત્માનો એક ભાગ પણ છોડતો આવ્યો છું! ખાનાબદૌશ માણસને..હવે ત્રીસી-એકત્રીસીમાં આવી ગયા પછી તો કદાચ..પોતાના ઘરથી મહોબ્બત વધારે હોય છે કે પોતાના કર્મભુમી જેવા શહેરથી..એ જ નક્કી નહિ થઈ શકતું હોય છે, ક્રીયાપદો અને કર્તા અને કર્મનો , કર્તરી-કર્મણી પ્રયોગનો છેદ ઉડાડીને!

જે આલીશાન અને દમામી ભાડુઆત હતો હું એ તો બધું જીવનની ચડતીના મધ્યાહ્ને તપતા સુરજના દિવસો હતાં પણ..બુટના તળીયા ફાટી ગયા હતાં, અને બુટમાં જ આંગળીઓના નખ ઉખડી ગયા હતાં એટ્લું ભુખ્યા પેટે જ્યાં રખડ્યો હતો, અમદાવાદ સાંકડીશેરીના આઝાદીથીય પહેલાના એક ખંડેરમાં, બિહારી/ભૈય્યાઓ બાવાઓ સાથે રહ્યો હતો તુટેલી છત અને પડતી દિવાલોવાળા અને “અખા ભગતની પોળ” માં અને નામી-અનામી જાહેર બગીચાઓમાં બોઝીલ/શુન્યમનસ્ક/સમસમીને બેસી રહ્યો હતો હું અને જ્યાંથી પેલા દમામી/લાટસાહબ ભાડુઆત સુધી પહોંચ્યો હતો હું..એ રસ્તાઓ/બાંકડાઓ/એ.એમ.ટી.એસ ના પીકઅપ સ્ટેન્ડ્સ અને રખડતી ગાયોના પોદળાઓ અને મોડી રાત્રે પાછળ દોડતાં ડાઘીયા કુતરાઓને જો ના ગમાડી શકું કે એ ભરબપોરે તપતા ડામરના રસ્તાઓથી જો મને મહોબ્બત..કાતીલ/જીવલેણ મહોબ્બત ના થઈ શકે તો..તો હું નમકહરામ કહેવાઉં. અને એટલી ખરાબી હજુ મારામાં આવવાની બાકી છે, હજુ ખરાબ/ચાલાક થવાનું એ સ્ટેન્ડર્ડ નથી મેળવ્યું મેં..એટલો હું નિષ્ફળ ગયો કે હું બાઘો રહ્યો..પણ ચાલે એ તો. ભીખારી સમકક્ષ જીવવાની પણ એક એરિસ્ટોક્રસી હતી દોસ્ત..જે પછી મલ્ટીનેશનલ કંપનીના આપખુદ એમ્પ્લોયી થવામાં પણ નહોતી. બદમાશ જીવનનો એક કુછંદ હોય છે, શ્રેષ્ઠ-તર અને તમ નો તફાવત વટાવી ગયેલો.

..અને હું એટલો ખરાબ નથી થયો. વાહ! પોતાના ઘરમાં એશોઆરામ માં રહ્યો હોત નિખિલ તો આ મઝા આવત ?! ના. તું જોરદાર છે..કે આવા બ્રહ્મગ્નાન મેળવવા સુધી તે પોતાનું ઘર ના બનાવ્યું. અને..અને..મને ખુમાર, નશો ચડતો અનુભવાઈ જાય છે.

અને..પછી..આમ હતું અને એનું તેમ હતું, પછી પેલું હતું અને એમાં ફલાણું હતું..પછી..આમ..તેમ..પેલું..ફલાણું..પણ છોડને આ બધી જફા. ઘમંડી લોકોનું શું,યાર! એવા લોકોને તો ગમે ત્યાં ઘમંડ કરવાનું બહાનું મળી જાય. અને ભાડાના પણ પોતિકાં બની ગયેલા તમામ ઘરો અને લોકોની એક બીજી જ કહાની છે..ક્યારેક એનો અનુભવસંગ્રહ(!) લખીશ..”કિરાયેદાર-નામા”! :D

નજીકમાં ઘણાં સમયે હવે ફરીથી એક નવા ઘેર રહેવા જવાનું છે. જુના ઘેર આત્માનો થોડોક ભાગ મુકતા જવાનું છે. અને અહીં એની શરૂઆત નિમિતે એક લાંબુ/અઘરું/સમજવું મુશ્કેલ/ભાષાશાસ્ત્રીઓનો છેદ ઉડાડે એવું સ્ટેટસ ફટકારતાં જવાનું છે. નવા લોકો..નવી જગ્યા..નવા ચહેરાઓ..નવા સંબોધનો..નવો દમામ..નવા શાકવાળા અને દુધવાળા અને એક બે સિગરેટ વાળા નવા..અવરજવરના નવા રસ્તાઓ..અને હાં રસ્તાઓ અને એમની સાથેની યારી-બહારી-બલીહારી ચલાવતાં જવાનું છે. રસ્તાઓ સાથેની હજુ આજેય તાજી મહોબ્બત બરકરાર છે, કેમકે લાટસાહેબના દમામની નીચે એ જ મારી મુળ ઔકાત હતી–છે.

"જહાં રહેગા વહીં રોશની લુટાયેગા,
કીસી ચરાગ કા અપના મકાં નહી હોતા.."
_મુનવ્વર રાણા

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: