સિગરેટ ધુમાડો ભગવાન !

0

…મને પણ ઇચ્છા હતી ક્યારેક એનાથી રૂબરુ થવાની ! એની મહાનતાની નિચે ઢંકાઈ જવાની, એ મહાનતાને પોતાની ઉપર હાવી થઈ જવા દેવાની. છેવટે, ટિપિકલ માનવ-પ્રજાતિના લક્ષણો/કુ-લક્ષણો ગળથુથીમાં અપાયા જ હતાં, કોઇ આદિ-અનાદિ રિવાજોની જેમ ! ભક્તિના સંસ્કાર..ઉપાસનાઓનું માહાત્મ્ય..પેલા એક અદ્રશ્ય/અસિમિત/અમાપ/બેનિયાઝ એક બિંદુની સર્વોપરી આમ તો સ્વિકારેલી જ હતી ને ! ગાયત્રિમંત્રના અનુષ્ઠાનોને કરવાનો એક રોમાંચ હતો..હનુમાન ચાલિસા અને શ્રી રાત્રિ સુક્તમ અને શિવમહિમ્ન સ્ત્રોત્રમ અને અને ગીતા અને શિવતાંડવનો એક કૈફ હતો..હું સવ્યસાચી બની જતો..હું સ્વયં રાવણના હિમાલયની નીચે પિસાતા શક્તિશાળી ભુજાઓના રક્તને અનુભવતો..મેં તાંડવ નૃત્યની પદચાપ અને તાલ અનુભવ્યા હતાં…સુર્યનમસ્કાર અને ગાયત્રિમંત્રમાં …સમસ્ત સૃષ્ટિ સાથે એકરૂપ થયો હતો..દુન્યવી શરીઅ છોડીને તંદ્રાવસ્થામાં મેં આકાશગંગાઓને બનતાં જોઇ હતી ! મારા પાર્થિવ શરીરને પદ્માસનમાં બેઠેલો જોયો હતો..પણ..અને… અચાનક મારે આ બધાંની વચ્ચેના એક ગેબી/દૈવી/અનાગત સંબધોને જોવા હતાં ! મારી ઉપાસનાઓના રેડિયો સિગ્નલ્સનું અવકાશમાં પગેરું શોધવું હતું ! મારે મારા કર્મોની દિશાઓ જોઈ લેવી હતી !!

“કભી એ હકિકત-એ-મુન્તઝિર, નજર આ લિબાસ-એ-મજાઝ મેં,
કી હઝારોં સજદે તડપ રહે , હે મેરી જબિન-એ-નિયાઝ મેં, ”

એનું કોઇક તો પગેરું હોવું જોઇએ. એની કોઇક તો વાત હોવી જોઇએ. એના વિશેની કોઇ અફવાઓ સદિઓ જુની નહિ સાવ-નવી હોવી જોઇએ. એ છે તો એના હોવાના પેરામિટર્સ હોવા જોઇએ અને એ પેરામિટર્સની એક વિભાવના હોવી જોઇએ. એને પણ કાર્ય-કારણનો કોઇ સિધ્ધાંત લાગુ પડવો જોઇએ. એ સ્વયં પોતાના માટે અપવાદો બનાવી લે , એવો તો બનાવટી ના હોવો જોઇએ ! મારી ભક્તિઓ / ઉપાસનાઓ નિષ્કામ હતી પણ એ વ્યર્થ ના હોવી જોઇએ !

..ઉપનિષદો અને એની ટિકા-ટિપ્પણિઓની વાત નહોતી ! કોઇ શક્તિશાળી/અંતરયામી પરમતત્વને ના માનવાની કોઇ ગુસ્તાખી નહોતી,એના અદ્રશ્ય અને અ-સ્થાપિત અસ્તિત્વનો કોઇ વિરોધ નહોતો. કોઇ મહામાનવ બનવાના અભરખા નહોતા. કોઇ બાધા/માનતા કે દોરા-ધાગાઓની લાલચ નહોતી. સુખ-શાંતિ અને સમૃધ્ધિની ભીખ નહોતી માંગવી. પરિક્ષામાં પાસ નહોતું થઈ જવું..પણ…દાદા એ શિખાવાડ્યું હતું એમ – હે પ્રભુ મને સન્મતિ આપો..સદ્દબુધ્ધિ આપો..- ના એ દાનવિરને જોવો હતો ! એણે ક્યાંક તો હાજર હોવું જોતું હતું..અને જો એ એમ નહોતો તો પછી …હોવા-ના હોવાની વ્યાખ્યાઓને કોણ બનાવતું હતું ?! “ઇકબાલ” કદાચ આજ કહેતો હતો…એવી ધુનનો અર્થ શું જે વાજિંત્રોના તારમાં છુપાઈ જાય અને એને સાંભળી કે વગાડી ના શકાય ?! હું નાસ્તિક નહોતો…બસ…આસ્તિકતાની વ્યાખ્યાઓ બહુ અણિશુધ્ધ હતી !

“તર્બ આશનાયે ખરોશ હો, તુ નવા હૈ મહેરામ-એ-ગોશ હો,
વો સુરુદ ક્યા કે છુપા હુઆ હો, સકુત-એ-પરદા-એ-સાઝ મેં,”

…અને જ્યારે કોઇ પગેરું નથી મળતું. રેડિયો સિગ્નલ્સ પરાવર્તિત નથી થતાં. કોઇ સંદેશો કે અંદેશો નથી રહેતો ત્યારે એને “ખોવાઇ જવું” કહેવાય છે ! અને એમ એક દિવસે ઉપાસનાઓ વ્યર્થ થવા લાગી. માનવ ક્ષણભંગુર હતો કે નહિ એ સમજાય એ પહેલા ભક્તિઓનું અલ્પજીવીપણું સાબિત થઈ જતું હતું. બ્રહ્માંડ હાજરાહજુર હતું અને એટલે વિશ્વાસુ હતું, અને બ્રહ્માંડનો રચયિતા ખોવાઈ ગયો હતો ! મારી સમજમાં કે મારી અલ્પમતિમાં કે મારા ઉપાસનાઓ-યુક્ત વિચારોમાં …એ મુળતત્વ ખોવાઈ ગયું હતું – ઇશ્વર/અલ્લાહ ! પણ..એ કદાચ મારા જ મન/મગજ/વિચારો/સમજણની કોઇ પેદાશ હતી જેને મેં સર્વોપરી માન્યું હતું ! હું જ કદાચ કોઇ “ડિસોસિએટિવ ડિસઓર્ડર” નો રોગી હતો! મારી અલ્પમતિ બુધ્ધિએ જ કદાચ એ દૈવી પરિબળને સર્વસમર્થ માની લીધું હતું. અને એક પછી એક..માન્યતાઓ ને ગેર-માન્યતાઓમાં તબદિલ થતી જોઇ ત્યારે તો,નાસ્તિકતાના ભેંકાર પ્રદેશમાં આવવું શરૂ થઈ ગયું હતું.

“તુ બચા બચા કે ન રખ ઇસે, તેરા આઇના હે વો આઇના,
કે શિખસ્ત હો તો અઝિઝ-તર , હે નિગાહ-એ-આઇના સાઝ મેં,”

..એ મુળે દિશાવિહિન પ્રદેશ હ્તો. કોઇ જાણિતું ત્યાં ગયું નહોતું. કોઇની અનુભવકથા કે પ્રવાસવર્ણનમાંથી કોઇ માર્ગદર્શન નહોતું મળી શકવાનું. એ નો-મેન્સ-લેન્ડ હતી. અને એના નિયમો અલગ હતાં. એ વગોવાયેલી..પાપ-ભુમી હતી ! ને ત્યાં જનારા બહુધા પાપીઓ હતાં. પ્રશ્નો કરવા..સાબિતિ માંગવી..માનવું નહિ પણ સમજવું..વ્યક્તિ-પુજા નહી વિચાર-પુજા..લુખ્ખા જવાબો નહિ ખુલાસાવાર કારણો… આ બધાં એમના ગુન્હાઓ હતાં. એમનું સામે થવું / ચુપ ના બેસવું / અભ્યાસ કરવો એ એમના પાપી હોવાની પેટા-સાબિતિઓ હતી. અને..ત્યાં પણ એ નકારાત્મક પ્રદેશમાં પણ મેં એને શોધ્યો હતો. એને સારપ અને કુ-રપ(!) માં ધારવા ચાહ્યો હતો. વર્ષોની ઉપાસનાઓ એમ છોડી દેવી સહેલી ક્યાં હોય છે !!

પણ..એક મિનિટ..એને સમજવાના ભગિરથ પ્રયત્નોના નિષ્કામ કર્મોના બદલામાં કદાચ ..એણે જ મને આડકતરી રીતે એક વરદાન આપ્યું હતું ..કદાચ એણે જ આપ્યું હતું ! પોતાના ઇશ્વર પોતાની મેળે બનાવી લેવાનું વરદાન !!

ઉફ્ફ… નિરર્થક પુરૂષાર્થ !! મેં એને ક્યાં શોધ્યો હતો…અને એ ક્યાં મળ્યો !!

“ના કહિં જહાં મેં અમાન મિલી, જો અમાન મિલી તો કહાં મિલી,
મેરા જુર્મ-એ-ખાના ખરાબ કો તેરે ઉફ્વ-એ-બંદા નવાઝ મેં,”

હવે એ ધાર્મિક રિતરિવાજોમાં અડચણરૂપ નથી..કોઇ “સનમ-ખાને” માં એ ગેરહાજર નથી. કોઇ વ્યક્તિ/જીવડું/પાણી/પથ્થર/કાચ/ધુમાડો/સિગરેટ/આગ/પાના/ફુલો/કાદવ/કિચડ/કિડા/હવાઓ/પહાડો/કાંટાઓ..! હવે આનંદ છે કેમકે, મારી ઉપાસનાઓ વ્યર્થ નથી ગઈ. એને સમજવાનો મારો પુરૂષાર્થ દિશાવિહિન નહોતો.

..એ છે ! હાજર છે. એનું હોવાપણું છે. એની સાબિતિ છે. પ્રચંડ પ્રતિદલિલો અને મુર્ખ વિદ્વાનોને ઉતારી પાડતા મારા ઘાંટા/બરાડાઓમાં, એમના તરફની મારી ચીડ અને ધૃણામાં છે. એમને ખોટા સાબિત કરવાના મારા વિજયો માં ઇશ્વર છે. મારી ટેવો-કુટેવો માં છે. ઇશ્વર સાક્ષાત છે મારી પવિત્ર/તેજોમય/અણિશુધ્ધ નાસ્તિકતા માં ..!

“ના વો ઇશ્કમેં રહિં ગરમિયાં, ના વો હુસ્ન મેં રહિં શૌંકિયાં,
ના વો ગઝનવી મેં તડપ રહિ,ના ખામ હે ઝુલ્ફ-એ-અયાઝ મેં, ”

..પણ આમ જ હોવાનું હતું ! કેમકે..દુન્યવી ખુશીઓ/આનંદ/પરાકાષ્ઠાઓ/ચરમસીમાઓ/વ્યસનો/વિકૃતિઓ…કદાચ આપણાં માટે ક્યારેય હતી જ નહિ ! આપણો ક્લાસ અલગ હતો અને આપણે ભણવાના પાઠ અલગ હતાં અને એના ફળ અલગ હતાં. ભક્તજનોને ઇશ્વર મળતો/દેખાતો/સમજાતો નથી..અને મારા જેવા નાસ્તિકો..સિગરેટ પણ ફુંકે છે તો એના ધુમાડાના ત્રસરેણું (!) માં થ્રી-ડી ઇફેક્ટમાં ઇશ્વરનો ચહેરો દેખાય છે ! અને એક પેટા-વરદાન સ્વરૂપે એ ભગવાનનો દુન્યવી ચહેરો …અદ્દલ મારા જેવો છે ! કહે છે કે નાસ્તિક ઇશ્વર ની ઉપાસના કરવાથી અમુક આરક્ષિત અને ખાસ વરદાનો મળતાં હોય છે !

“યે જો સર બ-સજદા હુઆ કભી, તો જમીં સે આને લગી સદા,
મેરા દિલ તો હે સનમ-આશના મુઝે ક્યા મિલેગા નમાઝ મેં, ”

(ઇકબાલ ની પંક્તિઓ છે…અને અહેમદ-હુસૈન ના અવાજમાં સાંભળી..બહુ કર્ણપ્રિય રીતે ગવાયું છે ! ) :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: