એક જોખમી બાજી રમવાની હતી

0

..પણ પછી એક જોખમી બાજી રમવાની હતી ! જીતવા અને હારવાની ગતાગમ ને ભુંસી નાંખીને રમવાની હતી. આર યા પાર જવાની નહિ પણ મેદાનની વચ્ચોવચ્ચ રહેવાની જીદ કરવાની હતી. માત્ર પૈસા કમાવા માટે જ કોડ નહોતો કરવાનો બસ, એમ જ જીવવા માટે કોડ કરવાનો હતો ! openBox Desktop manager ને માત્ર એટલા માટે રિકંપાઈલ કરવાનું હતું અને ફુલિ-વર્કિગ Gentoo ને એટલે રિઇન્સ્ટોલ કરવાનું હતું અને ..કોઇ વિકૃત/ગાંડા/ભેજાગેપ/ચસકેલા/ભ્રમિત માણસની જેમ …આખો કોડ મોડ્યુલ ડિલિટ કરીને ફરિથી કોડ કરવાનો હતો….બાઈક લઈને ક્યાંય પહોંચવાનું નહોતું બસ, ક્યાંય અટકી ન જવાય એટલે એક્સિલરેટર આપ્યા કરવાનું હતું ! અમસ્તાંજ ક્યાંક ઉભા રહીને કોઇ બાકી રહેલા ફોન કરી લેવાના હતાં અને એમ જાણીને ઘેર પહોંચવાનું મોડું કરવાનું હતું અને …કોઇ કારણ વગર અજાણી જગ્યા/હોટેલ/ઝાડ આગળ ઉભા રહિને ગમે તેવી ગંધાતી ચ્હા પી લેવાની હતી અને સિગરેટને લેપટોપની બેગમાંથી કાઢીને ફુંકી નાંખવાની હતી ! કોઇ મંદબુધ્ધિ વ્યક્તિની જેમ એના ધુમાડાને ચ્હાનો કપ હાથમાં લઈને જોયા કરવાનો હતો..હવામાં ફેંકાતો…લપેટાતો…વલોવાતો..સ્વપ્નિલ આકારો રચતો !

ખુલ્લા વગડાઓમાં કોઇક સંગિની/સાથિદાર સાથે ભટકવું હતું…એના પાલવને ખેંચી લેવો હતો પણ પછી એ અવસર ના રહ્યો અને સંગીનીઓની કલ્પનાઓ જ કલુષિત થઈ જવા દેવાની હતી…મુંમ્બઈ રહેવા માટે શિફ્ટ થઈ જવાનું હતું પણ પછી એનું કોઇ કારણ ના રહ્યું..એક નવું ઘર ભાડાપટ્ટે લઈ લેવું હતું પણ પછી એનું પણ કોઇ કારણ ના રહ્યું…કોઇક અજાણી જગ્યાએ જતા રહેવું હતું પણ પછી કોઇ જગ્યા અજાણી ના રહી ! ખોવાઈ જવું હતું એક અબજની વસ્તીમાં પણ પછી અચાનક જાણે કે મહાન દૈવી ભારતવર્ષની વસ્તી વધતી જ અટકી ગઈ હતી ખાસ મારા માટે ! મુર્ખા/નાદાન/બાઘા થઈ જવું હતું પણ નાની અમથી બુધ્ધિનો મસમોટો અભિશાપ જીરવતા જવાનો હતો…કંઈજ કર્યા વગર સુષુપ્ત અવસ્થામાં સરી જઈને વિલિન થઈ જવું હતું અને એમ એક અંગત સમાધી લઈ લેવી હતી પણ પછી સમાધી અને સમિધનો ફર્ક સમજાઈ જવાનો હતો. સુખડના લાકડા થવાના અભરખા હતાં અને ભયંકર સરિસૃપોની સાથે ગોષ્ઠી કરી લેવી હતી પણ ખરબચડા ઓરશિયા ઉપર ઘસાતા જવાનું હતું !

…LxTerminal નુ વિચિત્ર બિહેવિઅયર અને native BASH shell જોડેની આત્મિયતા અને DotNet ના ડિફોલ્ટ IDE ની અનુકુળતાઓની પ્રતિકુળતાઓ અને સેટેલાઇટ-અમદાવાદમાં સાલા ઓવરબ્રિજ બનાવીને હરામખોરોએ મારા દુખોની યાદગીરીઓને બગાડી નાંખી એનો કંઈક હાસ્યાસ્પદ અફસોસ અને મનોમન કોઇ વર્ચ્યુલ રિયાલિટિની જેમ આજેય એ “ફન રિપબ્લિક” ની સામે ઉભા રહિને વર્ષો પહેલાના ટ્રાફિક/દ્રશ્યો ને અનુભવવાના અને ફરિથી ચુપચાપ નિકળી જવાનું..ભાનમાં રહેવાનું..ઠાવકાં રહેવાનું..હસતાં રહેવાનું અને આસપાસમાં અને મેસેજબોક્સમાં મશ્કરીઓ/મઝાકો કરતા રહેવાનું અને હોશોહવાસ અને બદહવાશી ને અલગ રાખતા જવાના…ગુમાન અને બદગુમાનીનો નશો કરવાનો..સરળ રહેવાનું અને ઉધ્ધત રહેવાનું અને સહેલા રહીને લોકોને અઘરા વિચારો કરતા કરિ દેવાના…રસ્તા/પથ્થરો/સ્પિડબ્રેકર/સુસવાતો પવન અને ઉઠતા વંટોળિયાઓ અને ધુળિયા રસ્તા અને જંગલી ઝાડ અને ગાંડા બાવળ અને કિડી-મંકોડા અને જીવડાઓના દર વટાવતાં/કુદતાં/બચાવતાં..માત્ર અનિમેષ/અસ્ખલિત/અકારણ/અ-આરંભ/અ-અંત વ્યસ્ત રહ્યા કરવાનું હતું !

..કેમકે… – “..સુહાનિ ચાંદની રાતેં હમે સોને નહિ દેતી..” !!

પણ આ સાલી જીદ્દી ફિતરત કોને કહિ છે ! એ મરવા નથી દેતી ,એ જીવાડે રાખે છે, છેક છેલ્લા રાઉન્ડ સુધી બેઝકેમ્પમાં રાયફલ ઉંચકીને દોડતા હતાં એ પરસેવો અને નિચોવી નાંખતો થાક આજેય અનુભવાતો દેવાનો..સળંગ કેટલાય દિવસો સુધી પહેરી રાખેલા મિલિટરી બુટમાં અંગુઠા અને ટચલી આંગળીના નખ ઉખડી જતા હતાં એને આજેય ઉખડતા જવા દેવાના..હાથની કોણિઓ અને કાંડાઓ અને પંજાઓ સુજી જતા અને જમવામાં ઉડતાં જીવડાં પડી જતાં ત્યારે અને દિવસો સુધી નાહવાના પાણીની વ્યવસ્થા નહોતી થતી ત્યારે અને પાંચ માણસોની જગ્યામાં પંદર માણસોએ સમાવેશ કરવો પડતો ત્યારે..પગ મચકોડાતો ત્યારે..લોહિ નિકળતું ત્યારે…પડી જતાં અને કરોડરજ્જુમાં મુઢમાર વાગતો..ગળામાંથી અવાજ નહિ નિકળી શકતો ત્યારે..ત્યારે..ત્યારે…અને બિજી ગમે તેવી અને કેટલીય આફતોમાં “કમાન્ડો રાઠોડ સર” વારંવાર કહેતાં એમ જ..- “શિખ લે બચ્ચે..સિખલાઈ મેં યે ભી સામિલ હે..” -!

આ બચ્ચું આજેય શિખતું રહે છે ! અને એનો એક અસિમ/અમર્યાદિત આનંદ છે ! મઝામાં રહેવાનું પણ સિખલાઇ માં સામિલ હતું !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: