હમિન અસ્તો…હમિન અસ્તો !

0

..અને મેં ફુલોને જોયાં હતાં..જંગલી ફુલોને ,એમના કાંટાઓથી અલંકૃત થતાં ! ફાફડાથોર અને આકડાને અને કડવા લિમડાનાં “મોરવાં” ને , નાળિયેરીના બરછટ થડ ઉપરથી ફસડાઈ/ઘસડાઈ/લસરી પડિને…પહેરેલા જિન્સ પેન્ટની નીચેની સાથળોની ચામડી પણ જ્યારે છોલાઈ ગઈ હતી ત્યારે, ખિસામાં હાથ નાંખવા માત્રથી થતી બળતરામાં એક રોમાંચ અનુભવ્યો હતો ! ખેતરમાં પાળિઓ ઉપર ઉગેલા “ડાભ” ના ઘાસની કિનારીએ જ્યારે નવી નક્કોર બ્લેડની જેમ હથેળી અને આંગળિઓની ચામડીને ચિરી નાંખી હતી ત્યારે…અનાયાસ ગ્રહણના દિવસોમાં પાણિમાં મુકાતાં ડાભના માયનાઓ યાદ આવી ગયાં હતાં ! કાચી કેરી બહુ તુરી અને કડવી હોય છે, કાચું પપૈયું અને કાચી દાડમ મિઠી નથી હોતી ! ..કાચી “ગોરસ આંબલી” ગળું ભરી દે છે, અને ….”કાચાં કોઠાં” વડે જ્યારે ગળે શ્વાસ રુંધાયો હતો ત્યારે કોઇ…માનસિક વિકૃતિની જેમ મઝા આવી હતી ! બાઈક સ્લિપ થઈ હતી તો..મચકોડાયેલા કાંડાએ જુની હિંદી ફિલ્મોની “ગાંવકી ગોરી” ની જેમ ટહુકો કર્યો હતો..છોલાઈ ગયેલા ઢીંચણે ચાલવાની એક અનંત મઝા આવી હતી…નાની વાતોમાં જ્યારે દોસ્તોને ખોટું લાગ્યું ત્યારે મુસ્તાક થઈને અટ્ટહાસ્ય કરેલું અને એની તકલિફોએ આખિ રાત કેફમાં રાખ્યો હતો…જ્યારે ખિસામાં પૈસા ખુટી ગયાં હતાં ત્યારે…અવનવી/અણઘડ/વિચિત્ર વાનગીઓ બનાવીને ચુપચાપ ખાઈ લેવાની મઝા આવી હતી અને એના જેવા વિચિત્ર ટેસ્ટ પછી કોઇ ખરાબ રસોઇ, ખરેખર એટલી ખરાબ નથી લાગી !

રાત્રે કોમ્પ્યુટરની સાથે ટિ.વી. ચાલુ હોય અને અનાયાસ..કોઇ સી/બિ-ગ્રેડ ની ફિલ્મ અચાનક શરૂ થઈ જાય..અને એમની સી-ગ્રેડની હિરોઈનો વિશ્વસુંદરીઓ કરતાં વધારે સુંદર/હોટ/ઇરોટિક/સિઝલિંગ લાગે ! છેક નેવુંના દશકામાં આવતી એમ.ટિ.વી ની બિચ-પાર્ટિ આજે પણ ના સમજાય/બેતુકી લાગે પણ..એ યાદ રહિ જાય ! લિઝા-રે ..નુસરત ફતેહલીના ગીતમાં પણ એટલી જ “આફરિન…આફરિન..” લાગે જેટલી એ …કિમો થેરેપી પછી મુંડાવેલા માથે ફોટો સેશન કરે ! ક્યારેક એની સુંદરતા/નઝાકત ગમી હતી..ક્યારેક એનો જીવન સામેનો જંગે ચઢેલો એટિટ્યુડ ગમી ગયો હતો ! હિટલરની મુંછો એટલી ભદ્દી નથી જ લાગતી અને… મોહનદાસ ગાંધી એટલા દયામણા પણ નથી લાગતાં…જવાહર નહેરુ કંઈ એટલા પણ રસિક નથી અને સરદાર પટેલ કંઈ સાવ સુગિયો માણસ નથી લાગતો ! “બ્રાડ પિટ” તો ટપોરી લાગે પણ હાં, “બેન એફ્લેક” સોહામણો જરૂર લાગે છે ! , અને “જહોની ડેપ” કેમ કોઇ કારણ વગર ગમે છે ?!… રૂત્વિક રોષન ખરેખર મંદબુધ્ધિ જ લાગે છે, પણ….અમિતાભ બચ્ચન જ્યારે એમ કહે કે..”કાંચા…” ત્યારે ધમકી અનુભવાય છે !

સૌથી ઘેરી/ઉંડી/બોઝિલ/ભારેખમ ગઝલો વધુ સારી રીતે સંભળાય અને સમજાય છે અને “યો યો હનિસિંઘ” ..વેલ દેખાવમાં તો સોહામણો જ લાગે છે ને ! પછી ભલે લિરિક્સમાં એની મા પૈણાવતો હોય ! “અર્થ” ફિલ્મની “શબાના આઝમી” કરતાં “મંડી” ની શબાના વધારે પ્રતિભાશાળી લાગે છે ! “અલ્તાફ રાજા” બટકો/કાળિયો જ લાગ્યો છે..અને એને રુબરુ માં જોયા પછી તો દિવસો સુધી જમવાનુ નહોતું ભાવ્યું..;) ;) ..પણ..એના અવાજમાં કોઇ ના-ગમે-એવું તત્વ ક્યારેક અનાયાસ ગમી જાય છે ! ..બિજી કોઇ સિંગર કે એક્ટ્રેસ નથી કે “ઉશા ઉથ્થુપ” ની જેમ કાંજીવરમની સાડી અને કપાળ વચ્ચે મોટા લાલ ચાંદલા અને આંખે પહેરેલા ચશ્મા અને ઘોઘરા અવાજ વડે “અંજન ની સીટી..” બજાવી નાંખે !
“પિયુષ મિશ્રા” અને “કે.કે.મેનન” જેવો કોઇ બિજો માણસ કેમ નથી દેખાતો/ગમતો ?! અને…”મનોજ વાજપયી” કેમ “સત્યા” કરતાં વધારે સારો લાગે છે ?!

તુટેલા કાચ વડે કોઇ મોર્ડનાઅર્ટની પેર્ટન બની જાય છે, અને સિગરેટના ધુમાડાની અનંત રચનાકૃતિઓ હોય છે…બગિચામાં સુકાયેલા / મુર્ઝાયેલા પાનાઓ બહુ ચમત્કારિત રીતે ગોઠવાઈ જાય છે અને..લજામણીનો છોડ…ગમે તેવી હવા/વવાઝોડામાં અડિખમ રહિને પણ..એક નાની ફુંક વડે પણ સંકોચાઈ જાય છે ! શિયાળાની સવારે ફુલછોડમાં અપાતાં પાણીમાં અચાનક હાથ-પગ-મોં ધોઇ લેવાનું અને થથરી/ધ્રુજી જવાનું કેમ મન થઈ આવે છે ?! ઉનાળામાં ભરબપોરે જ રખડવાની ઇચ્છાને શું કોઇ પ્રાગૈતિહાસિક અનુસંધાન હશે કે પછી એ કોઇ માનસિક ખામી હશે , પોતાને જ તકલિફ આપવાની ?!

..પણ, મઝા છે ! કદાચ આ બધું ઉપરનું બહુ વેરવિખેર છે એટલે જ મઝા છે..મન દુભાય/દુખ આવે/તકલિફો પડે/હાલાકિઓ આવી ચઢે/નવા નવા મોરચા ખુલતાં જાય/પડે-વાગે-તુટે-બટકે…આ બધાં કદાચ કોઇ “હિડન પેરામિટર્સ” હોય છે માણસના મગજના કોઇ અજાણ્યા ખુણાઓ કે કોષોના ! એ ત્યારે જ મહેકી અને મહોરી ઉઠે છે જ્યારે કંઈક અનુકુળ નથી હોતું ! એ ત્યારે જ બહેકે છે , મસ્તીમાં , ગેલમાં આવે છે જ્યારે..એ પિસાય/છુંદાય છે ! અને..માનવિય મગજ બહુ પેચિદું / અળવિતરું છે..એ તકલિફોમાં પણ ક્યારેક રોમાંચ અને રોમાંસ શોધી લે છે, અને એ કમાલ બેમિસાલ છે !

જીવનના આ બહુઆયામી અને બહુરંગી અને બહુરૂપી જેવી તાસિર હોય અને, માનવીય મગજ જેવી જટીલ સંરચના હોય તો….ખૈર..

“ગર ફિરદૌસ રુહે ઝમિન અસ્ત… ..હમિન અસ્તો…હમિન અસ્તો…હમિન અસ્તો..!”

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: