મિર્ઝા અસદુલ્લા ખાં ગાલિબ !

0

..પણ વિનાશિકાઓ/ડેસ્ટ્રોયર્સની જેમ જીવનની જંગમાં પણ એક શબ્દ હોવો જોઇએ – વિભિષિકાઓ !

એ ચપળ હોય, જ્યારે જીવન એની તપિશની ચરમસિમાએ હોય ત્યારે જ એ આવી ચઢે એવી વક્ત-પાબંદ હોય , માણસને તોડવો/હરાવવો/થકવી નાંખવો એને ખુવાર કરવો એની ખુમારીના ગાભાછોતરાં કાઢી નાંખવા આ બધાં એના પરમ કર્તવ્યો હોય ! હવે હું એવું માનતો થઈ ગયો છું કે…નિષ્ફળ માણાસમાં બહુ પ્રબળ જીજીવિષા હોતી હોય છે ! પહાડો જેવા મનોબળો સુખોના ગાલિચાઓ પર ચાલીને નથી વિકસતાં, અપમાનો/હાડમારીઓના હડસેલા ખાઈ ખાઈને બાકી રહેલો માણાસ કદાચ વધારે જનુન/ખુન્નસ થી જીવતો હોય છે ! કદાચ એટલા માટે કે….પછી જીવવાનો કોઇ અભરખો નથી હોતો, પછી તો માત્ર “બતાવી દેવાના મિજાજ” માં જીવાતું હોય છે ! સવાર પડે , સાંજ પડે, દિવસ બદલાય, તારિખ/વાર/મહિનાઓ/વર્ષો બદલાય..પણ….જેણે સંઘર્ષ-રત રહેવાની અમાનુષી મઝાઓ ચાખી છે એને પછી દુન્યવી મઝાઓ અર્થહિન લાગે છે , લાગતી હશે અથવા લગાડવી પડતી હશે !

પછી એ ફરિયાદો નથી કરતો, દુખની/દર્દની દુહાઈઓ નથી આપતો, એ લમણે હાથ મુકીને કે ઢિંચણો વચ્ચે માથુ ટેકવીને કે આકાશ સામે જોઇને આંસુ નથી સારતો, પછી એ “સનમ-ખાને” માં ઇબાદત નથી કરતો, એ સ્કુલની ચોપડીઓને પગ અડકી જાય તો પગે નથી લાગતો, એ નોબલ -પ્રાઇઝનું લિસ્ટ યાદ કરીને ભુલી જાય છે, શાંતિના વિશ્વખ્યાતિ-પ્રાપ્ત ઇલકાબો એને મન ક્ષુલ્લક થઈ જાય છે, પછી શાહરુખ ખાનમાં “રાહુલ” નથી દેખાતો, “મન્નત” માં નામ નહિ ગુલામી દેખાય છે, “સિલવેસ્ટર સ્ટેલોન” અને “આર્નોલ્ડ” બહુ બાલિશ લાગે છે, પણ “બ્રુસ વિલિસ” ગમે છે..પછી હાઇવે ઉપરના અજાણ્યા માણસોથી સાવચેત નથી રહેવાનું હોતું અને…મસ્ત મઝાની મુસાફરીમાં ગમે તે અકસ્માતોથી કોઇ આઘાત નથી લાગતો ! બારીનો કાચ વાગે છે તો ઘણા દિવસે લોહી ચાખ્જવા મળ્યું એનો આનંદ હોય છે ! ચિરાયેલી ચામડીની નિચેના પોતાના ગુલાબી-આછા લાલ અસ્તિત્વને નિરખવાની મઝા આવે છે ! મિલકત/પૈસા ખુટી જવાની કોઇ છુપી બિક નથી રહેતી અને ..સંપન્ન થયા પછી પણ મસ્તમૌલા/આવારા/બદમાશ/ખાનાબદૌશ થઈને ફરવાની નાનપ નથી રહેતી …હવે અસ્તિત્વને માણવાની નહિ…એને પછાડતા રહેવાની મઝા આવે છે ! લોકો છુટે..સંબધો તુટે…ઇચ્છાઓ મરે…આશાઓ ઠગે…બસ એક જ વાત રહિ જાય છે સાથે….એનો ઘમંડ ! એ ગુમાની – બદગુમાની…એ વટ્ટ…અને સમાજથી એ આભડછેટ ! મહેણાં-ટોણાં અને વાકબાણો અને તિરછી નજરો અને કાનાફુસી અને ઇર્ષ્યા …અને..એક છુપો લલકાર સ્વયં જીવનની સામે બાથ ભરવાનો…મહાભારતના યુધ્ધ પછી જીતેલા પાંડવોમાં “દુશાશન” ની છાતી ચિરિ ચુકેલા ગદાધારી ભીમને , ભિંસી નાંખવાના મનસુબા વાળા “પરાજીત હસ્તિનાપુર નરેશ – ધૃતરાષ્ટ્ર” ના ખુન્નસની જેમ !!

“ફિર ઉસી બેવફા પે મરતેં હે,
ફિર વહિ ઝિંદગી હમારી હે…

ફિર ખુલા હે દર-એ-અદાલત-એ-નાઝ,
ગર્મ બાઝાર-એ-ફૌઝદારી હે..”

“શાહજહાનાબાદી બલ્લિમારા” માં એ ફરતો હશે…અંધારા ઓરડાઓ અને સાંકડી/ભીડવાળી ગલીઓમાં અને હવે જીર્ણોધ્ધાર થયેલા એના “મકાં” માં..”હવેલી” માં અને જેના એક નાના અમથા ભાગમાં ..એ રહેતો હતો…બાકિનું બધું સાર્વજનિક હતું ! હવેલીની આમન્યા હતી…અને અણઘડ પત્નિ હતી…અને દુનિયા તો આમપણ કોને નથી નડતી હોતી ! અને …હવેલીની આમન્યા રખિને ..સાવ અડોઅડ આવેલી મસ્જિદની હાજરીમાં પોતાના નાસ્તિક અસ્તિત્વ વડે એણે એક દિવસે કંટાળિને લખ્યું હશે….કદાચ ખુદાને પણ ભિંસી નાંખવાનો મિજાજ હતો એ માણસમાં !

“મસ્જિદ કે ઝેર-એ-સાયા એક ઘર બના લિયા હૈ,
યે બંદા-એ-કમિના હમસાયા-એ-ખુદા હૈ…”

લગ્નજીવનથી ત્રાસેલો, પૈસેટકે ખુવાર થયેલો, મૌલિકતા અને અભિવ્યક્તિ માટે તરછોડાયેલો અને બદગુમાની /બદમિજાજી ફિતરત માટે પંકાયેલો હતો એ..અને…પછી એ લગ્નેત્તર પ્રેમ કરે…વળી ખાનાખરાબીઓ વહોરી લેવા સુધી કરે..વળી નિરસ પત્નિને સાચવી રાખીને કરે…પોતાના સંતાનોને મોટા થતાં પહેલા જ એમને દફનાવવા પડ્યા…બાપ ગુમાવ્યો..ભાઈ ગુમાવ્યો… પણ એ દારૂ પીવે..મહેફિલોમાં લથડાતો પાછો આવે…ત્યારે….મહેફિલોમાં બધાંને પરાસ્ત કરીને ચઢેલો નશો…અણગમતાં ઘરમાં અણગમતિ પત્નિ આગળ જતાં જતાં કેવો ઉતરતો હશે ?! …અને તો’ય એને વટ્ટ હતો…આવડતનો..મિજાજનો…સમાજ અને એની બદીઓ સામે ચઢવાનો કોઇ અદમ્ય એબ હતો એને….અને…..મોડી રાત્રે દિલ્લીની સડકો પર કદાચ એ એકલો જ બડબડતો હશે…અલબત્ત…બદ-ગુમાન થઈને !

“થી ખબર ગર્મ કિ ગાલિબ કે ઉડેંગે પુર્ઝે,
દેખને હમ ભી ગયે થે, પર તમાશા ના હુઆ..”

…મને આ માણસ ગમ્યો ! એની એ અદાઓ ગમી. એની બદગુમાની ગમી, એની મિજાજી ગમી..નિયમો સાહિત્યના હતાં કે ગઝલોના ક્લે ઉર્દુના કે ભાષાના…કે સમાજના… એણે એ બધું ફગાવ્યું જે એને મંજુર નહોતું અને તો’ય એ જંગલમાં જઈને ધુણી નહોતો ધખાવી બેઠો હતો ! … એ કદાચ એક ઉદાહરણ હતું કે……વટ/હોંશિયારી/નિયમો/આદર્શો ની એક કિંમત ચુકવવી પડતી હોય છે. અને જે એ ચુકવે છે એ જીવી શકે છે…ખુલ્લો થઈને, બેફિકર થઈને નહિ…બેપરવાહ થઈને ! એ કદાચ સાધુ/સુફિ-ઓલિયો બનવાનો હતો અને કદાચ કોઇ અજાણ્યા કારણસર “બાઝાર-એ-દુનિયા” માં આવી ચઢ્યો હતો ! એને કદાચ સમાજના દિશાસુચક બનવાનું હતું એ અંધારા સમાજમાં પણ કદાચ એ કોઇ અગમ્ય આદર્શોમાં ગુંચવાઈ પડ્યો હતો…એ બહુ મજાકિયો/મશ્કરો બનતો …પણ કદાચ અંગત જીવનની તકલિફોએ એને જરા કડવો કરી નાંખ્યો હતો. એ મિજાજે બાદશાહ હતો અને છેક જીવનપર્યંત એની પાસે પોતાનું ઠેકાણું નહોતું… અને કદાચ તા-ઉમ્ર એ પોતાની એ સંભવિત નિયતિને શોધતો રહ્યો….અને એની હારમાંથી જ એણે એક …. ઉદાસ/ગમગિન/બોઝિલ વિનોદવૃતિ વિકસાવી લિધી હતી ! પોતાનિ જ નિરાશાઓને નહિ તો આમ…જોકરની જેમ કહેવું બહુ સહેલું નથી હોતું !

“પુછતે હે વો કે ગાલિબ કૌન હૈ,
કોઇ બતલાઓ કિ હમ બતલાયે ક્યાં ? .”

…અને એમાં જીદગીના એ માહૌલમાં એ લખતો હતો..અનાયાસ ઉર્દુને અને ગઝલોને સંવારતો હતો…રાત આખી જાગીને દિવાના અજવાળે એ શબ્દોનો પ્રકાશ ફેલાવવા મથતો હતો… અને આજે આટલા વર્ષો પછી’ય …એના ઉજાગરાઓ જ્યારે આપણાં ઉજાગરાઓ સાથે મળતા હોય ત્યારે….સમયનું આયામ કેટલું સાપેક્ષ છે એ સમજવું અઘરું નથી રહેતું ! અને…જીવનની જેમ જ…એણે મૌત સાથે પણ ગમ્મત કરી લીધી કદાચ એ પણ ખુન્નસથી ! … દુનિયા આખિમા પ્રેમના દિવસ એવા – ૧૪-ફેબ્રુઆરી , પછી તરત…૧૫-ફેબ્રુઆરી !
;)

અને હવે ગાલિબ જેવા વ્યક્તિત્વોની વિગતો તો ખુટે નહિ એટલી આપી શકાય પણ….એમ કરતાં કરતાં હુ ક્યાંક ગાલિબને આલેખવાનું શરૂ કરી દઈશ અને/પણ….ગાલિબને આલેખવાનું આ નિખિલ શુક્લ જેવાઓની ઔકાત બહારનું કામ છે, અને એ એમ જ હોવું જોઇએ !

ખૈર, તમે ગાલિબના ચુનિંદા શેર માણો…

“હેરાં હું તુમકો મસ્જિદ મે દેખકર ગાલિબ,
ઐસા ક્યા હુઆ કિ ખુદા યાદ આ ગયા…!”

“રાહ-એ-ખુલુસ મેં પૈદા દુસ્વારિયાં ના કર,
ચાહત નહિ તો હમ સે અદાકારિયાં ના કર, ”

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: