કળા, સર્જનકક્ષ, અભિવ્યક્તીઓ !

0

ફર્ક હોય છે.. કર્મભુમીમાં અને કર્મોના “શો કેસ” માં ! બહુ મોટો ફર્ક હોય છે !

કોઇ મુવીનો સેટ/લેખકના કાગળો,પેન,કોમ્પ્યુટર/ચિત્રકારના કલર-ટ્રે અને પિંછીઓ/અમારા જેવાઓ માટે ફ્રેમવર્ક્સ અને કોડ્સ અને બેકઅપ અને મોચીની સોય અને હથોડી.. મોચી/લુહાર/કડિયા/ચ્હાની લારીવાળા/રિક્ષાવાળો/પાણીપુરીનો ભૈયો અને ડેટાસેન્ટરનો એન્જિનિયર અને..વોર્ડબોય અને નર્સ અને નગરપાલિકાનો કોર્પોરેટર કે સફાઇવાળો કે..વિશ્વની સૌથી મોટી લોકશાહિનો વડાપ્રધાન કે ..આ બ્રહ્માંડના રચયિતા સ્વયં ઇશ્વર પોતે કે બ્રહ્માંડ પોતે !!

..અને અહિંની એની પોતાની આચારસંહિતાઓ હોય છે. એકલા પડવાનું હોય છે એમાં, પોતાના માપદંડોને ઉંચા રાખવા પોતાને જ શિક્ષાઓ આપવાની હોય છે, પોતે જ પોતા ઉપર ગુસ્સે થઈ જવાનું હોય છે,.. કપાળ પરથી, કાનની પાછળથી રેલાઈને આવતા પરસેવાની ખારાશ ચાખવાની હોય છે હોઠોના ખુણાઓ ઉપર, આંખોમાં એની બળતરા પણ આવી જાય છે..અને ચશ્માના કાચ ઉપર આવી જતા એના ટિંપાઓ.., માણસે થોડા ક્રુર થવું પડે છે પોતાની જાત જોડે, થોડા અભિમાની થઈ જવાતું હોય છે, ગુમાન અને ઘમંડના પરચાઓ મેળવવાના હોય છે,

આવડત/કાર્યક્ષેત્ર/કારિગરી/પ્રતિભા/બુધ્ધિધન..આ બધાંનો એક સર્જન-કક્ષ હોય છે ! જ્યાં બધું વેરવિખેર પડ્યું હોય છે, અવ્યવ્સ્થિત/તુટલુ ફુટલું/અનિયમિત/કદરૂપુ/બિભત્સ..કાગળના ટુકડા/ટેમ્પરરી ફાઇલ્સ/જુના કોડ્સ/આઉટડેટેડ ફ્રેમવર્ક્સ/તુટલી સોય/ઇંટોના ટુકડા/સિમેન્ટના લોચા/ઘસાઈ ગયેલા ઓજારો અને પિંછીઓ અને દોરા અને ..પરસેવો/લોહી/ચિરાતી ચામડી અને તુટી જતી આંગળિઓ અને એમના નખ અને..ખેંચાતા વાળ..દુખી જતી આંખો..કણસતી આંખો અને કાંડાના સાંધા અને અકડાઈ જતી કરોડરજ્જુઓ..દુખી જતી ગરદન અને દુખતા ઢિંચણ ..મેકઅપના બ્રશના સતત વપરાશથી કુમળા ગાલ ઉપર ઘસરકા અને એની બળતરા અનુભવતી કોઇ સુપર મોડેલ હોય કે કોઇ બ્રાન્ડેડ કંપનિના મશ્કરા અને લિપસ્ટિકથી ઘાતક એલર્જી ધરાવતો અને તોય કામ કરતો કોઇ મેકઅપ આર્ટિસ્ટ હોય..કે અલ્ટ્રાસોનિક વેવ્ઝ વડે છાતીના વધી જતા ધબકારાને કાબુમાં રાખીને કામ કરતો કોઇ વ્યક્તિ હોય..શિયાળાની મોડી રાત્રિઓ ઠંડી હોય અને બરફની ફેક્ટરીમાં કામ કરતા મજુરો હોય અને..બધી જ ખાનાખરાબી હોય છે , બરબાદીઓ અને એમની વજહો હોય છે, સિગરેટના ધુમાડામાં ડુબેલા કે પછી સસ્તી વ્હિસ્કીના સ્ટિલ/પ્લાસ્ટિકના પ્યાલામાં બનાવેલા “સાગરો” કે બેકગ્રાઉન્ડમાં વાગતી ઘેરી/ઉંડી ગઝલો કે..૧૩૫ કાચી સોપારીના મસાલાઓ અને જડબાઓ વચ્ચે કલાકો સુધી દબાવી રાખેલા ગુટખાના અવશેષો કે..ભુખ્યુ પેટ કે સુકાતું ગળું કે..હવે થાકેલી આંખો.. અને એ સિવાય..કંઈ કેટલુંય જેને કોઇ વાસ્તવિક અસ્તિત્વ નથી હોતુ ! ..મનોરથો/પ્રયત્નો/કોશિશો/ઉજાગરા/અકળામણ/ઉમળકાઓ/નિરાશાઓ/હર્ષનાદો અને ગળે બાઝતા ડુમાઓ અને નિષ્ફળતાઓ..એકલતાઓ/ફરિયાદો અને પડઘાઓ અને..

અહિં એ ફુલગુલાબીઓ નથી જેની કવિઓ અને પત્રકારો વાતો કરે છે, અહિં એ દ્રશ્યો જ નથી જેને કોઇ મહાન ફોટોગ્રાફર ઝડપી લેવા ઇચ્છે, બલ્કે અહિંના દ્રશ્યો..મેગા-પિક્સલમાં નથી હોતાં, એ નેનો-પિક્સલમાં હોય છે !

..ખૈર, આ __સર્જન કક્ષ__ છે !

..પછી ?!, પછી એના એ ઉપરની તમામે તમામ ખુવારીઓના અવસરો/ઉત્સવો/આનંદો હોય છે ! , મસ્ત પાગલના જલાલ જેવી ફાટફાટ ખુશી હોય છે, સ્વિકાર/પ્રશંસા/વાહ વાહીનો ગાંડો આનંદ હોય છે..હર્ષના અશ્રુઓની ભિનાશ હોય..ટિકાઓના તણખા હોય..પ્રતિસ્પર્ધીઓના વાકબાણ હોય અને એમના આપણાંથી ચડીયાતા અથવા ઉતરતા , સંપુર્ણતાના માપદંડો હોય. એની ખુશી હોય અને ના હોય..કેમેરાના ફ્લેશ હોય અને આમંત્રીતોની ભીડ હોય..દુનિયા સાલી બહુ રંગીન / જીવવા જેવી લાગતી હોય પછી તો..પણ..

..અને એ સ્વપ્નસમી દુનિયાને રામ-રામ કરીને, ગુલાબીઓ અને બિજા બધાંને બાજુ પર રાખીને , કૃતગ્નતાથી/વિવેકથી/શાલિનતાથી તમારે એ મહેફિલોને છોડવાની હોય છે અને ફરી પેલા..દોજખ જેવા..સર્જન કક્ષમાં પાછા જવાનું હોય છે. સમાધિસ્થ થવા કે હેરાન થવા, થાકી જવા, ગુસ્સે થઈ જવા..હારવા..જીતવા..અકળાવા કે આપઘાત કરવા !

..એક વાત સમજ દોસ્ત.. સર્જન એ હંમેશા વ્યક્તિગત હોતું હોય છે. સર્જનની સુંદરતા/ઉપયોગો/ઉપલબ્ધિઓ ને વહેંચી શકાય કદાચ પણ સર્જન તો એકલવાયું જ થાય છે ! જે બિજાને બતાવવા થાય છે એ દેખાડો/દંભ હોય છે, જે પોતાની મસ્તી/તુમાખી/અભિમાનમાં થાય છે એ જ સાચું સર્જન હોય છે ! અને સર્જનકક્ષનું એક્ઝિબિશન નથી હોતું , નથી થઈ શકતું. અને એ જ એની યથાર્થતા છે.

..અને તો પછી, સાવ મફતમાં મળતા કે બે-પાંચ હઝારમાં ખરિદિ શકાતાં પેલા..વેલ..બ્લોગ/પ્લેટફોર્મની તો શું વિસાત છે ?! અને એમાંય તે પેલા બુધ્ધિના બારદાન જેવા કદરદાનો અને લાઇક્સ અને કોમેન્ટ્સ અને..વગેરે પરચુરણ વાતોની તો વાત કરીએ , એ જ સર્જનનું અપમાન છે !

તમને ખબર છે દોસ્ત ?! .. થોડાંક અમુક હઝારમાં જાતે જ લેખક/પબ્લિશર/માર્કેટર બધું થઈ શકાય છે. અને છતાંય આ કિડિયારું ઉભરાય છે, ઓનલાઈન બજારમાં..અને તો પણ ..બધાં ઠેરના ઠેર છે ! ના સ્વતંત્ર વિચાર છે આ ઉઠાવગી કવિઓ/લેખકો/શિક્ષણશાસ્ત્રીઓ/સમાજ સુધારકો ..અને આ બધાંના ચમચા/ચમચી જેવા લોકો પાસે. કેમકે..એમને સર્જનની હાડમારીઓ નથી જોઇતી પણ કોઇ સાવ લુચ્ચા માણસની જેમ સર્જનની વાહવાહી જોઇએ છે ! એ જુઠ્ઠા લોકો છે, મફતિયા સાલા ! એમની કળા માત્ર દંભ છે. કોઇ માપદંડો નથી પરફેક્શનના, ગુણવત્તાના કોઇ ધારાધોરણો નથી. છે તો બસ એક જ વાત ! – ભીખમંગા/ભુખડી બારસ માનસિકતા !!! મને લાઈક આપો, કોમેન્ટ આપો..હું તમને આપીશ ..તમે મને આપો..અને..એમ જ એમની આ કહેવાતી કળા/સર્જનની પથારી ફરી જાય છે ! બુધ્ધિના લઠ્ઠ જેવી પબ્લિક સાલી !

કોઇ તારા/તમારા બ્લોગ પર ના આવે તો શું ?! તમે લોકો માટે લખો છો કે પોતાના માટે ?! અગડંબગડં બોલતા લોકોને બે-ચાર લોકોએ સેલિબ્રિટિની જેમ ઝંડે ચઢાવી દીધા એટલે તમારે પણ સેલિબ્રિટી થઈ જવું છે , એમ ?! , કઈ લાયકાત ઉપર ?! સ્વિકૃતિની ભીખ માંગી શકવાની લાયકાત ઉપર ?! અને એને લાયકાત કહેવાય કે લાયકાતનો દુકાળ કહેવાય ?!

..દુનિયા સાલી જખ મારવા જાય. પોતાના માટે અને પોતાના વડે જ કામ કરો/લખો/બોલો એની પ્રસંશા અને ટિકાઓની જવાબદારી લો. ઘણીવાર પેલા કોલેજના છોકરાઓ અને નવા નોકરીએ લાગેલા છોકરા/છોકરીઓને હું સલાહ આપવાની ગુસ્તાખી કરું છું , એ તમારી આગળ પણ કરું કે.. ગુણવત્તા અને પરફેક્શન અને પ્રોફેશન્લિઝમના માપદંડો પોતે જ તૈયાર કરો, અને કોઇ ગાંડાની જેમ એને વળગી રહો ! ચિલાચાલુ દુનિયાદારી/પ્રોટોકોલ્સ/નિયમો આ બધું બકવાસ છે ! તમારું સર્જન નવું/નવિન છે તો..એના પેરામિટર્સ પણ નવા હોવા જોઇએ ! વગેરે.

..આ પેલા ઉભડક/અર્ધ શિક્ષિત એક બે તંત્રીઓ મળ્યા હતાં મને..બે જણાએ તો વળી ઇમેલના કોઇ રિપ્લાય પણ નથી આપ્યા અને બિજા એક તંત્રીશ્રી..વેલ..નરેન્દ્ર મોદી કરતાં વધારે બિઝી છે ! .. અને મેં અગાઊ કોઇ છાપાં માં લખ્યું નથી એનો બહુ રંજ હતો એમને..અને એ જ મારી ગેર-લાયકાત હતી , એમના છાપાં/મેગેઝિનમાં કોલમ નહિ લખી શકવાની !! .. તો હું શું કરું ?! .. અરે એ તંત્રીઓ જ મુર્ખા છે સાલા. ગામડિયાંઓ. હું છું અને મારી અભિવ્યક્તિ છે. મારા માટે કરું છું..લોકો આવે અને વાંચે તો ..સરસ ! અને ના આવે તો ?!..હા હા.. મારા બ્લોગ ઉપરની લગભગ તમામ પોસ્ટ્સ માં કોઇ કોમેન્ટ્સ નહોતી..અપવાદ સિવાય. અમુક લોકોએ વાટકી વ્યવહાર કરવા ધાર્યો..મને ના ફાવ્યો.., તો ના કર્યો ! બ્લોગ મારો હતો..હું મારા માટે લખતો હતો..લખીને ભુલી જતો હતો..કોમેન્ટ્સ..લાઇક્સ..વિઝિટ્સ..આ બધું તેલ લેવા જાય ! ..

..મારી અભિવ્યક્તિ..મારી જ ભાષા..મારી જ સ્ટાઈલ..મારી જ રીત..કેમકે..આ સર્જન મારું છે ! ચણા-મમરા જેવા તંત્રીઓ કે બે કોડિના વિવેચકો કે મંદબુધ્ધિ ચમચા/ચમચીઓ નક્કી કરશે કે મારી ગુજરાતી કેટલી શુધ્ધ છે ?!

..આ જે આજકાલ બહુ મોટા ફાંકા મારે છે ને, એ લેખકો/કવિઓની જરા જુની રચનાઓ/લખાણો જુઓ તો..સમજાશે કે એમણે કેવી કેવી બિજી મહાન રચનાઓનું સમારકામ કરીને એને પોતાના નામે ચઢાવી છે !.. અજાણી વેબસાઈટો ના લેખોના આર્ટિકલ્સને તોડી મરોડીને પોતાના વિશ્લેષણ તરીકે મુક્યુ છે ! .. અને કવિતાઓ/લખાણોના કોપિરાઈટ અંગે સાવ હલકી કક્ષાના દાવાઓ કરતાં આ લેખકો/કવિઓ..બિજાના બનાવેલા ફોટાઓ ને કોઇ ધુતારાઓ/ચોરોની જેમ વાપરી લે છે ! ..કેટલો દંભ છે આ ! તમારે આમ થવું છે ?

અને હાં,. ઓ બાઘા અને બાઘિઓ.. તમારા બ્લોગ ઉપર દેખાતી નંબર ઓફ વિઝિટ્સના આંકડાઓ માત્ર લોકોના નથી હોતા. બબુચકો..એમાં ગુગલ બોટ્સ/સ્પામર્સ/બોટ્સ/ફેસબુક ઉપર લિંક શેર કરી હોય તો બ્લોગ અને ફેસબુક વચ્ચે પાસ થતાં સિગ્નલસ..વગેરે.. આ બધું પણ હોય છે , અને એનો આંકડો તમારી ધારણા કરતાં બહુ મોટો છે ! .. બાકી કંઈ કચરા જેવી કવિતાઓ/વાર્તાઓ/લેખો ઉપર એમ જ હઝારો વિઝિટર્સ આવી જાય એટલી તમારી લાયકાત હોત તો..અહિં શું જખ મારો છો ?! કે ભીખ માંગવું એ પેશન છે તમારું ?! .. હવે ખુશ થાઓ..નંબર ઓફ વિઝિટર્સના આંકડાઓ જોઇને !

..છોડો બધું યાર..મારે તમારી ખામીઓ નથી શોધવાની..અને મારી કરમ કહાણી નથી કહેવાની. વાત એટલી જ કે..

“એટલે જ દરવખતે આ જખ્મો બતાવું છું,
દોસ્ત, હું તારી હિંમત વધારું છું..” __?!

..અને તો દોસ્ત, આ ફર્ક છે. સર્જનકક્ષમાં અને મહેફિલોની વાહવાહીમાં ! તમે નક્કી કરો તમારે શું જોઇએ છે ?! .. સર્જનકર્તા થવું છે કે..ઉછિના ગીતો ઉપર , ઉછીના ડાન્સ સ્ટેપ્સ વડે ઉછિના ઠુમકાઓ મારતી કોઇ સસ્તી ડાન્સરની જેમ વાહવાહી ઉઘરાવવી છે ?!

બિજા નંબરની વાત માં તમને ઘણાં સાગરિતો મળી આવશે, રસ્તો સહેલો છે, વળી એકલો પણ નથી. હાં, પહેલા નંબરના વિકલ્પમાં..ઉપરની હાડમારીઓ છે, અને એ ચોક્કસ છે.

..નજીકના બે-ત્રણ પ્રતિભાશાળી મિત્રો જોડે આ મુદ્દે વાત નિકળતી રહે છે ક્યારેક..આજે ફરી નિકળી તો..એ બધાંને એક સાથે અહિં કહિ દિધું ! ..ગમે તો ગમાડો..ના ગમે તો..હું મારા સર્જન(!) સાથે કોઇ સમાધાન નથી કરતો એ તમે જાણો છો ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: