યે હે મુંબઈ મેરી જાન !

0

..અને બહુધા લોકો ત્યાં કોઇ ટ્રાફિક કોન્સ્ટેબલની હાજરી વગર પણ પોતાની મેળે રસ્તાની સાઈડ અને ખુલવાને ચલાવતાં જોયાં હતાં ! અને તોય અમદાવાદની જેમ ત્યાંય સાલી બાઘી અને ગમાર જેવી પબ્લિક ટ્રાફિકમાં આવી જ જતી હતી એ મનદુખ પણ હતું જ ! જ્યાં સ્ત્રીઓને પોતે સાલા બૈરાં છે એ વાતે નાની નાની સવલતો મેળવતાં અને ચાલાકીઓ કરતાં નહોતા જોયાં પણ..આ કચકચ કરવી એ તો એમનો જન્મસિધ્ધ અધિકાર હતો એ જોયો હતો! જ્યાં ડોસા-ડોસીઓને બિચારા દયામણાં ચહેરે દુકાનો/મંદિરો/ટ્રેનો/હોટેલો/ચ્હાની લારીઓ કે પાણીપુરીના ખુમચાઓની લાઈનમાં “સિનિયર સિટિઝન્સ” ના લાભો લેવા કરગરતા નહોતા જોયાં ! જ્યાં કિશોરો અને કિશોરીઓ એટલી નાદાન અને નાસમજ નહોતા ! લોકોને ભાગતા જોયાં , વડિલોને સામાન ખરિદતાં અને સાવ ૯/૧૦/૧૧/૧૨ માં ધોરણના બેબી-બાબાઓને ડેટિંગ કરતાં જોયાં ! જ્યાં ચ્હાની લારી વાળાઓ “છુટ્ટે નહિ હે” – નો હવે તો રાષ્ટ્રિય સ્લોગન બનવા માંડેલો ડાયલોગ બોલતા તો સાંભળ્યા જ પણ..સાવ અજાણ્યા માણસના પૈસા બાકી રાખતા પણ જોયાં ! જ્યાં રિક્ષાવાળાઓ અમદાવાદથી વધારે કચકચિયા અને બદત્તર હતાં પણ..અડધી રાત્રે ઉંધમાંથી ઉઠીને કોઇ સરનામું કહેવાનો કંટાળો/ચીડ નહોતા કરતાં , પોતે “મિટર સે આયેગા..સાબ !” -નું પ્રોફેસ્નલિઝમ બરકરાર રાખીને પણ..”ના” સાંભળિને જે મ્હોં નહોતા ચડાવતાં ! મેં સ્ત્રીઓ/છોકરીઓને જોઈ હતી જે સ્ત્રી સશક્તિકરણ/ઉત્થાન/પુન:જાગરણની વાતો નહોતી કરતી પણ..-“એ ભૈયા ! ..બાજુ હટીએ !” – ની સાવ સરળ વાત જાણાતી હતી ! મેં પુરૂષોને જોયા હતાં સ્ત્રીઓ આસપાસમાં હોય તો પણ નાની-અમથી ગાળો બોલતાં અને જરૂર પડે ખિસાના પૈસા ખર્ચીને અને -“..પુલિસ કા લફડા..” – ને અવગણિને યથા યોગ્ય મદદ કરતાં !

..મેં “ગુગલ”ની ઓફિસમાં લોકોને પોતાના ગામડાંની વાતો કરતાં જોયા હતાં ! ગુગલ “ફન લોંજ” ના કોરિડોરમાં બધા જ સોફિસ્ટિકેશનને “ગારબેજ કલેક્ટર” ને “બાય રેફરન્સ પાસ કરીને” , શબ્દષ: ટોમેટો સોસમાં નિતરતાં વડાપાંવનું “ભક્ષણ” કરતાં જોયાં ! એક માણસ મળી ગયો હતો જે ખાસ ગુજરતથી અહિં સુધી જાણે કે માત્ર “જેક ડેનિયલ” માટે જ આવ્યો હતો ..પણ..”રાસ્પબરી પાઈ” સાથે એની જોડે કરેલી ટેકનિકલ ગોષ્ઠી કરી શકનાર અમદાવાદમાં હજુ મળ્યો નથી , હાં,જડબાંઓમાં સસ્તી “વિમલ ગુટખા” ચાવતાં ચાવતાં પોતાને ટેકનોક્રેટ કહેનાર ઘણાં મળ્યા છે, જે લિનક્સ કર્નલ ને રિ-કંપાઈલ કરવાની વિધીને – “આપણું પોતાનું લિનક્સ..અલા !” – તરીકે ઓળખે છે ! ;)

..અમસ્તાંજ રખડવા નિકળ્યો હતો અને યાદ આવ્યું કે મેં સાંભળ્યું હતું કે “છત્રપતી શિવાજી” નું એક નાનુ અમથું મ્યુઝિયમ છે..અને એ જોવા હું “શિવસેના” ના કાર્યાલયે પહોંચી ગયો હતો ! ..નજીકની એક લારી ઉપર ચ્હા અને સિગરેટના બંનેના ધુમાડા વચ્ચે દુરથી હું એ “ભવન” ને જોતો રહ્યો અને નજીકમાં જ છાપું વાંચતા એક માણસે વાત શરૂ કરી.. “..કુછ કરને કા ન’ઇ હે..સાલો કો..ખાલિ ફુગટ જ.. ..” – પછી મારી સામે જોયું..વાત નિકળી..એ ત્યાંજ શિવાજીના કહેવાતા મ્યુઝિયમમાં કંઈક ઓફિસ કામ કરતાં હતાં..મને -બહારકા આદમી- ને જોયો..મારો ઇરાદો જાણ્યો..અને..સપ્રેમ મને આવકાર્યો..ગયાં જોયું ..આમ તેમ લોકોને મળાવ્યા અને ..વગેર વગેરે થયાં પછી હું બહાર આવ્યો..મને તો એ લોકો એવા ના લાગ્યા જે “બહારના લોકોનો” તાલીબાની ઢબે વિરોધ કરતાં હોય ! વળી એ મોટાભાગના લોકોને જરાતરા ગુજરાતી વાક્યો/શબ્દો સમજાતાં હતાં ! અને હાં..હું “હાજી અલી” તરફ ગયો તો હતો..પણ “અંદર” નહોતો ગયો ..નાસ્તિક લોગો એમ નથી જતાં..એ જાણિને એમણે કહ્યુ પણ હતું કે.. – “આપ તો પઢે લિખે હે..ક્યા ક’ઉં..પર..જાને કા બાબા..સિગરેટ પીને સે તો અચ્છા હિ હૈ ના.. હ..હા..હા..” ! – ;) ;)

બોંબ બ્લાસ્ટ પછી પણ લોકો જ્યાં લાવારિસ સામાનને “બાબુરાવ ગણપતરાવ આપ્ટે” સ્ટાઈલમે – “યે થ’ઇલા કિસકા હે રે..” – કહિને કલાકો સુધી સામાનને સાચવી રાખતાં હતાં ! જ્યાં.. અમદાવાદના હજુ પણ જુના સમય/સંસ્કારો/રિતિઓ/વ્યવહારને સચવી બેઠેલા “નદી ની આ પાર” ના લોકો અને જબરજસ્તીથી માત્ર દેખાવા માટે મોર્ડન થઈ જવાનો સ્ટ્રગલ કરતાં “નદીની પેલી પાર” ના લોકોનો “નવી અને જુની” માં સાક્ષાત્કાર થતો હતો ..જુનીમાં લોકો હજુ પણ જાણે કે અમદાવાદની પોળોની ગિચતા અને વસુધૈવ કુટુંબકમ ની એક હવે ક્યારેક ખટકતી આબોહવા હતી અને જુની માં સેટેલાઈટ/નવરંગપુરાની કોઇની કોઇ વાતમાં બહુ કચક્ચ નહિ કરવાની ખુલ્લાદિલી પણ હતી ! અને હાં ગુજરાતીઓએ જ્યાં વણકહ્યે કોઇક છુપી મોનોપોલી જાણે કે મેળવી લીધી છે અને એ મોનોપોલીનો કોઇ વિરોધ નથી એ પણ જોયું હતું ! એક સામાજીક/નિર્દોષ/નિર્ભેળ મોનોપોલી !

..”લોકલ” કી ભાગાભાગી અને ભીડ હતી અને “બૌ’ત કામ હે..સાંસ લેને કા ટાઇમ કિધર એ’” – ની ઉતાવળ હતી..ક્યાંક ક્યાંક “ધિમી લોકલ” અને “ફાસ્ટ લોકલ” માં મુસાફરી કરવાનું દુખ અને સુખ હતું, અને હાં ગણપતિ બાપા મોરયા – ના ફોટો પગ નીચે આવી જાય તો લોકો ગામડિયાઓની જેમ રસ્તા વચ્ચે પુજાપાઠની વિધિ કરવા નહોતા બેસી જતાં ! ;) .. લોકની ભીડમાં “આઇફોન” ધારકો પણ હતાં અને “ગેલેક્સી ટેબ” ને બે હાથે પકડિને માત્ર ભીડના આધારે ટેકો લઈને ફરતી પબ્લિક પણ હતી..જ્યાં ટ્રેનના બારણાં આગળ જ ઉભા રહેવાનો અને બહાર ડોકું કાઢીને રાખવાનો હજુય એક વણકહ્યો વિશેષાધિકાર ગમે તે ને લઈ લેવો હતો..

..અને બંને સંસ્કારો ધરાવતાં અમો શ્રી..કોઇ લખાણ લખવા નહિ બસ અમસ્તાંજ અનુભવ કરવા કોઇ ખાલી લોકલને પકડીને ચઢી ગયાં હતાં ..રાતની કે દિવસની ગમે તે ટ્રેનમાં..ખાલી હાથે અને ટ્રેનોમાં બારણાં આગળ ઉભા રહીને સિગરેટ પીવાની જાહોજલાલી લુંટવા ! ..અને જરાક મોડી રાત્રે ટિટિ આવે છે..-“ટ્રેન મેં બિડી ન’ઈ પિને કા રે..!” – હું સહસા ચોંક્યો..સહસા બોલી પડ્યો..-“અરે..બિડી નહિ હે..સિગરેટ..” – પછી અચાનક હસી પડ્યો..પછી જવાબ મળ્યો..-“અચ્છા તો સિગરેટ ભી ન’ઇ પિને કા..ખી..ખી..ખી”- ખૈર પછી એમણે પણ ટિટિના કોટમાંથી એક સિગરેટ કાઢી અને દિવાસળી નહિ પણ મારી અડધી સિગરેટમાંથી ..શમા રોશન કરી ! જુજ મિનિટો પછી ગયા.. ;)

..”યહાં થુકું નકો” અને “મેડિકલ આણી દુકાન” – જેટલું અક્ષરગ્નાન જ્યાં વધી ગયું હતું ! અને “નવી” ના “બાર” અને “વ્હિસ્કી લોંજ” માં લોકો ઉઅદાસ બેસતાં હતાં અને જ્યાં લોકો ખડખડાટ હસતાં હતાં..અને કંઈક ઘેનમાં બિલની રકમને ધ્યાનથી ચેક કરી લેતા હતાં. જ્યાં કાચના જ ગ્લાસ નહિ..પ્લાસ્ટિકના ગ્લાસમાં પણ લોકો બાઈક ઉપર બેસીને પેગ મારી લેતા હતાં, એવા પ્લાસ્ટિકના ગ્લાસ જેમાં અમદાવાદમાં પાઇનેપલ જ્યુસ અને શેરડિનો રસ અને હાં, દારૂ પણ પીવાય છે ! ;)

..દરિયો હતો..શહેરની વચ્ચોવચ્ચ ઉંચાનિચા ટેકરાઓ હતાં..સોસાયટિઓ અને હાઉસિંગ કોમ્પ્લેક્સો હતાં..સાડિઓ/સ્કર્ટ/લેંઘા/જીન્સ/ધોતિયા/ટોપી/ફ્રોક/ટિશર્ટ હતાં..નાકમાં નથણી પણ હતી અને હાથમાં ફ્રેંડશીપ બેન્ડ પણ હતો..બાઈકની દેમાર સ્પીડ પણ હતી અને લારીઓ ખેંચતા મજુરો પણ હતાં..ભિખારીઓ હતાં અને..રેલ્વે સ્ટેશનો ઉપર મવાલીઓ પણ હતાં અને..હાં, કોઇ જ ઓળખાણ વગર નજીક આવીને વાતે વળગી જવા પ્રયત્ન કરતાં..ક્યારેક તો ખરેખર રૂપાળા/સુંદર લાગતા પેલા લોકો પણ હતાં..જે ગમે તે ને -“હાઆઅય્ય્ય્ય..ચિકના..કહાં જાના હે આપકો..” – કહિ શકવાનો જન્મજાત અધિકાર ધરાવતાં હતાં અને પછી સ્ત્રી શરીરમાં પુરૂષ અવાજે ખડખડાટ હસી પડતાં હતાં ! મોડી રાત્રે કુંવારા અને કંઈક ઠીકઠાક લાગતાં પુરૂષોએ માત્ર આ એક જ ભય સ્થાનથી બચીને ચાલવું એવું સ્વાનુભવ કહે છે ! બાકી માહોલ ઠીક હે.. :D :D

..ખૈર..હવે આતિથ્ય સત્કારનું શ્રેય લેવા દો મને..વેલકમ ટુ આમચી મુંબઈ !

કેટલાય વખતથી બાકી રહેલી વાત છે આ અને હું હજુય કહિ શકું છું લાંબી લાંબી વાતો..પણ..કેટલું કહાશે ! અનુભવોના આર્ટિકલ નથી હોતા કે ના તો લખી શકાય છે ! એની માત્ર વાતો જ હોઇ શકે..તો કરી લીધી બે ચાર તમારી જોડે !

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: