જુની ચોપડીઓમાં કંઈક મળી આવે છે !

0

જુની ચોપડીઓના કોથળા/ખોંખાં જ્યારે ખુલે છે ત્યારે ઘણીવાર કચકચાવીને “કંઈક” મળી આવે છે ! અને તમે હાથ પર લીધેલા કામો કોરાણે મુકીને , સમયને અટકાવીને વાંચવા મંડો..પછી ભાનમાં આવો અને કામે વળગો પણ..આ બિલિયન્સ ઓફ ન્યુરોન્સ ચુપ રહેતાં શિખ્યા નથી હોતા !
આજકાલ કંઈક હાલાકિઓ ભોગવવાની જાહોજલાલી મળી આવી છે અને ભોગવી રહ્યો છું, બલ્કે..જનાબ, માણી રહ્યો છું..કંઈક નોસ્ટેલ્જિક થઈને અને..

..જીવન કાચની કે ફુલોની પથારી કે કાંટાળો રસ્તો કે શ્વાચ્છોશ્વાસની આવન જાવન કે યાદોની નક્કાશી કે સ્મૃતીઓની કારિગરી કે જીવનની ધુપછાંવ કે ચડતી કે પડતી કે ઉછળતી..આ મારા શબ્દો જ નથી ! અને જીવનના તો બિલકુલ નહિ. કદાચ શબ્દકોષની “ચરબી” વધારવા માટે જ આ શબ્દો / ઉપમાઓ / રૂપકો હોય તો ભલે ! અને આ શબ્દો બહુ બેતુકા/બેહુદા છે !

ઇતિહાસ શબ્દોનો નથી હોતો ક્યારેય એ અનુભવો અને એમના મિઠા/કડવા/ખારા/તુરા/તીખા અનુભવોનો હોય છે. શબ્દો બહું ટુંકા હોય છે જીવનને સમજવા માટે અને જીવવા માટે તો સાવ નકામા. પણ કોઇ ખાનાબદૌશ હોય અને હૌશોહવાસ થી બેફિકર હોય એવા ગુમાન/ઘમંડ કે મિજાજ થી બધું જીવાતું જાય છે અને એની એક મઝા છે ! અને જીવનની મઝાઓ કે પીડાઓમાં કોઇ ડિસ્કાઉન્ટ નથી હોતું !

પણ આપણે આજ તો થવાનું હોય છે, ફાટફાટ થતા અટ્ટહાસ્યો લેવાના હતાં, ઢગલે ઢગલા દુખો સહન કરવાના હતાં..પડવાનું હતું અને એનું વાગવાનું હતું, ઉભા થવાનું હતું અને દોડવાનું હતું અને ..ભગવાનને નહિ માનવાની એક વર્ષો જુની જીદ્દ હતી અને ખુદ એ ભગવાનથી રિસાઈને બેસઈ જવાનું હતું..કેમ્પમાં શીખેલા મંત્રોચ્ચાર અને સર્વધર્મ પ્રાર્થના અને શિવ મહિમ્ન સ્ત્રોત્રમ અને અઝાન ને જાણી જોઇને ભુલી જવાની એક “કિટ્ટા” કરી લેવાની હતી..અને પછી અનાયાસે “શીવ તાંડવ” નો રચયિતા રાવણ ક્યાંક કંઈક અલગ રીતે પસંદ આવવાનો હતો..અને.. અમદાવાદ ગાંધીનગર વચ્ચેના હાઈવે ના કોઇ એકાકી પણ ઘટાદાર ઝાડ નિચે ઉભા રહીને સિગરેટ પીવાની હતી..અને જરા તરા ઠંડી હવાની લહેરખીઓ અને ઝાડના પાંદડાની સાક્ષીએ શુન્ય થવાનો એક નાનો અમથો અખતરો કરવાનો હતો..

..પણ લાઈફમાં કંઈક ને કંઈક કરતાં જ રહેવાનું જ તો ઇચ્છ્યું હતું ! પોતાના કામો જાતે કરી લેવાથી લઈને પોતે જ પોતાના જખ્મોને ભરી લેવા સુધી..કુદરતી હાજતો માટે કામચલાઊ વ્યવસ્થાઓ કરવાથી લઈને સાઠિકડાં ને ખાડામાં રાખીને ચુલો બનાવવા સુધી ! અભ્યાસક્રમો થી અલગ અને આગવો સિલેબસ કરવાનો અભરખો પણ લઈ લિધો હતો અને..સારાં નહિ સાચાં માણસ થવાની ખેવના/ઇચ્છા/મહેચ્છા/કામના/મહત્વાકાંક્ષા ઓ પાળી પોષી હતી ! ક્યાંક મસ્તી કરવી હતી ક્યાંક લડી લેવું હતું..ક્યાંક કોઇકના ખભે હાથ મુકવો હતો ક્યાંક શુન્યમનસ્ક થઈને બેસવું હતું..ક્યાંક દોડી જવું હતું અને ક્યાંક પહોંચી જવું હતું..ઘરથી ભાગી નિકળવું હતું અને ..ક્યારેક પોતાનું ઘર બનાવવાનું ઇચ્છયું હતું..

..અને જીવન કોઇ કલ્પવક્ષની જેમ જ્યારે એ બધું આપતું જાય ત્યારે ?? ..વેલ.. પરાક્રમી થવું હતું તો એના જોખમો લેવા રહ્યા..ઇમાનદારીની બહુ ખંજવાળ આવતી હોય તો ..વલુરાઈ જવાની તૈયારી રાખવી જોઇતી હતી..દોડવું હતું તો પડવાની પણ ઇક ઇચ્છા ને પોષવા જેવી હતી ! કિંમતો જોઇતી હોય તો..કિંમતો ચુકવવી પણ જોઇતી હોય છે ! અને એટલે જુ તો લાઇફ સાથે હિસાબ ચુકતે કરી નંખવાનો વટ્ટ હોતો હોય છે ! આ બધું આમ જ હોવું જોઇતું હતું..આ જ સત્ય અને બ્રહ્મના સનાતન સ્વરૂપો છે.
અને આ જ એની તાસિર છે..અને..આપાધાપી માં જ એક નામ નિકળી આવે અને..જનાબ “ઇબ્ન-એ-ઇન્શા” , શેર મહંમદ ખાન ! અને એમનો એક કલામ યાદ આવી જાય..

“દિલ ઇશ્ક મેં બેપાયાં, સૌદા હો તો ઐસા હો,
દરિયા હો તો ઐસા હો, સહેરા હો તો ઐસા હો, “

દરિયાઓ/કિનારાઓ/રણો અને જંગલો..આ જ તો જોઇતું હતું તમારે તો પછી આ રઘવાટ શું કામ થવો જોઇએ ?! અહિં લોકો મરી જાય છે ઇચ્છાઓ પુરી ના થવાનો રંજ-ઓ-ગમ લઈને અને તમને મોં માંગ્યુ વરદાન મળ્યું તો આ નકામી હાય-વોય શાના માટે છે ?! પ્રામાણિકતા માત્ર રસ્તે પડેલા એક રૂપિયાના સિક્કને નહિ લેવામાં જ સિમિત નથી હોતી, એ ક્યારેક પોતાની જ છાતી ઉપર વળતો ઘા કરવામાં પણ હોય છે ! વટ્ટ અવળો નિકળી જાય છે ત્યારે એ માત્ર બે વિકલ્પો આપે છે..કાં તો ગભરાયેલા કુતરાની જેમ બે પગ વચ્ચે પુંછડી દબાવીને ભાગી છુટવાનો અથવા માતેલા સાંઢની જેમ..લોહિલુહાણ માથા અને તુટેલા શિંગડા વડે..ફરી એક જીવલેણ ટક્કર આપી દેવાની ! અને હાં તમે ક્યારેક કુતરાની વફાદારીને ગમાડી હતી તો ..હવે સાંઢના મિજાજને પણ ગમાડો !

“એ કાઇશ-એ-જુનુન પૈશા , પિન્હાઇ-એ-દો આલમ
વહેશી હો તો ઐસા હો, રુસ્વા હો તો ઐસા હો,”

..અને પ્રેરણાદાયક વાતો/વચનો/વાર્તા/કરમ કહાણિઓ થી ક્યારેય કોઇ કંઈ પામ્યુ નથી તો.. શબ્દો/અક્ષરો/શબ્દ સમુહો/રુપકો/ઉપમાઓ નો શબ્દ-વિલાસ , છાપેલી વાતો અને સાંભળેલી કથાઓ વડે સસ્તી મહેફિલોમાં રંગરેલિયા કરી શકાય ! એનાથી જીવન નથી જીવાતું. બેનમુન શબ્દ વૈભવ વડે એક ઉડી ગયેલા લાઈટના ફ્યુઝને બાંધી નથી શકાતો. મન/કર્મ/વચન વડે સત્સંગનો કોઇ સાત્વિક નશો કરી શકાય, એનાથી વાસ્તવિકતા ની ઠોકરો ઓછી પીડાદાયક નથી થઈ જતી. શિવ ખેરા કે ચોપરા કે મહેરા કે આ બધાના પપ્પા-શ્રી જેવા ડેલ કાર્નેગી ગોખી નાંખવાથી કે ઓનલાઈન મિડીયામાં દુખોની વાર્તાઓ કહેવાથી , દુખો ઓફલાઈન નથી થઈ જતાં ! દુખોને ઓફલાઈન કરવા પોતે ઓનલાઈન આવવું પડતું હોય છે !
કેમકે..એક દિવસે ભ્રમને ભાંગી નાંખવાને પણ ઇચ્છ્યું જ હતું ને ?! .. સત્ય અને વાસ્તવિકતાથી રૂબરુ થવાની પણ એક અભિલાષા હતી..તથ્યો અને મિથકો વચ્ચે “મિથ બસ્ટર્સ” થઈ જવાની પણ લાલચ પાળી હતી ..તો.. હવે જ્યારે એ કરવાનું છે તો..આ નાસીપાસ-પણું કેમ દેખાઈ જાય છે ? ..અને પેલી પણ એક કામના કરી હતી તો એને પણ ન્યાય આપો – બ્રિન્ગ ઇટ ઓન ડુડ !! કેમકે નહિ તો..પોતાની જ જાત સાથે કરેલી અ-પ્રામાણિકતાની ચોટ બહુ હલકી કક્ષાનિ હોય છે !..ખૈર..તમે

“હમ સે નહિ રિશ્તા ભી , હમ સે નહિ મિલતા ભી,
હે પાસ વો બેઠા ભી, ધોકા હો તો ઐસા હો, “

..અને લોકો દુનિયાના વરદાનો/કૃપા/મહેર ઇચ્છે છે, ભગવાન/અલ્લા/પરમતત્વની ..પણ આ રોજેરોજ જીવાતી લાઈફ જેટલો મહેરબાન તો ભગવાન પણ નથી ! રોજ નવા ફંડા , નવા લોકો..નવા મુદ્દા..નવા ઇસ્યુ અને એ બધાંની પેર્ટન વડે બનતી એક આકસ્મિક/આતંકિત/આત્યંતિક લાઈફ પોતે પણ એક મહેરબાની જ તો છે કુદરતની ! એક પથ્થર અહિં ગબડ્યો..એક કાંટો ત્યાં વાગ્યો એક હાથ ત્યાં છોલાયો , એક જરાક લોહી નિકળ્યું..થોડું જરાક હસવું આવ્યું..સહેજ દુખ આવ્યું..આવ્યું/ગયું/ચાલ્યુ/અટક્યું..અને નિખર્યું/ઉભર્યું/સંવાર્યુ..! અને સાલી આજ કોઇ મહામુલા વરદાન જેવી જિંદગીને ..કોસતાં રહ્યા આપણે ! લાઇફમાં કોઇ સોગંદનામા નથી હોતા..કોઇ બરછટ/ગંદા/વિચિત્ર/ભદ્દા ..આદિવાસીઓના ગામડાના શિકારી આદીવાસીઓ જેવી હોય છે જિંદગી ! પથ્થર થી લઈને પોતાના માથા સુધી જે હોય એ વધેરીને પણ ટકવાનું છે..હાથ બચાવવો હોય તો..જંગલી જાનવરના મોંમાં પોતાનો જ પગ ચવાઈ જવા દઈને હાથ છોડાવી લેવાનો..માથુ બચાવવું છે..તો આંખોને નહોર વડે ફુટી જવા દેવાની..અને સહિસલામત પાછા આવવું છે તો..સહિસલામત રહેવાની ચિંતા નહિ કરવાની !! ..અને પાછા આવવાનું ..બદસુરત થઈને / જીત્યાની ચિસો પાડતા કે અમાનુષી ઇજાઓના બરાડા પાડતા/તુટેલા દાંત લઈને છુંદાયેલા હાથ પગ લઈને અને..પછી એ યાદ કરીને..હસવાનું..બિભત્સ થઈ ગયેલા ચહેરા વડે, તુટેલા દાંતની ખાલી જગ્યાઓમાંથી..બિહામણી થયેલી આંખોમા પાણી આવી જાય એટલું હસવાનું ! અને ..આ બધી જ શક્યતાઓ હોવા છતાં જો જીવનમાં કંઈક ખુટતું લાગ્યા કરે તો.., જીવનના માલિક હોવાની ઇચ્છાને માન આપીને , જીવનનો અંત લાવી દેવાની જવાબદારી પણ લઈ લેવાની ! સ્વયં જીવનથી જ ખટકો રાખીને જીવવા કરતાં જીવનનો જ કાંટો કાઢી નાંખવો વધારે બહેતર નથી ?!

વો ભી રહા બેગાના, હમ ને ભી ના પહેચાના,
હાં એ દિલ-એ-દિવાના, અપના હો તો ઐસા હો,

ઇસ દર્દ મેં ક્યા ક્યા હે, રુસ્વાઈ ભી લઝ્ઝ્ત ભી,
કાંટા હો તો ઐસા હો , ચુભતા હો તો ઐસા હો,

..ખૈર..હું જરા કોઇ બિજી જ ઓરબિટ માં પહોંચી ગયો કદાચ ! ;) ઇશ્કે-હબિબી અને ઇશ્કે-મિજાજી નો ફરક સમજવાની પણ એક ઇચ્છા હતી પણ ઇશ્કે-સુફીના કલામને , રશ્કે-સુફિ કરવાની પણ એક ઇચ્છા હતીને..અને ..એમ કોકટેલ કરવાની પણ ઇચ્છા હતી અને..તો..આ સુફિ કલામના ગાભા છોંતરા કાઢી નાંખવા બદલ અમુક દોસ્તો ની મારા તરફ કંઈક બિજી પણ ઇચ્છાઓ સળવળે(!) એ પહેલા..લો આ એક બિજો શેર..બાકાયદા એ જ શક્યતાઓથી ભરપુર સ્વયં જીવન ને અર્પણ.. :)

હમને યહિ માંગા થા, ઉસને વહી બખ્શા હે,
બંદા હો તો ઐસા હો, દાતા હો તો ઐસા હો,

:)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: