વહીદા બેગમ – સલમા આગા ?!

0

..જામેલા સફેદ/લચકાદાર/ખાટાં/લિસા અને “સ્નિગ્ધ”-આ શબ્દના સર્વોચ્ચ પર્યાય જેવા દહિંના દ્રવ્ય કે ફોદા(!) જેવી હતી એ ! એના હોઠ હતાં જાણે કોઇ “જુની સ્કુલ” ના નિવડેલા કવિએ “રતુંમડા” – શબ્દને વ્યાખ્યાયિત કરવા પ્રયત્ન કર્યો હોય ! ભારતીય અને હિંદુ કામશાસ્ત્રોમાં કહેલા કોઇપણ અને તમામ પ્રકારની સ્ત્રીઓમાં એને આવરી લેવાનું મુશ્કેલ કરી આપે એમ એ ચાલતી હતી ! ડોલવું/ધ્રુજવું/ઉભરાવું/છલક-છલક થવું જેવા શબ્દો ઓછા લાગવા માંડે એમ એ ચાલતી/બેસતી/ઉઠતી/બોલતી/હંસતી અને..અચાનક કોઇ વાતથી નવાઈ પામતી/ચોંકી જતી ! અને એના નવાઈ લાગતી વખતની તમારી સામે સ્થિર થઈ જતી આંખોમાં જ્યારે આસપાસની રોશની ચમકી ઉઠે ત્યારે.. “મનહર ઉધાસ” ની જેમ -“..ને અમે પણ શમાઓ બુઝાવી દિધી..” !!- , મને “મનોજ ખંડેરિયા” યાદ આવી ગયા – “..એ અંગ મરોડે અને વળ ખાય ગઝલ.” – મને “કલાપી” પણ સ્મરી ઉઠ્યા કે..જીવલેણ રૂપ વડે ઘાયલ થયા પછી અમે પણ બોલ્યા હતાં મનોમન કે ..”..પથ્થર ફેંકતા ફેંકિ દિધો..” ! અલબત..પેલા લચકાદાર દહિંના ફોદા જેવો ! ;)

..એ પંચમહાલ હતું..પાવાગઢની તળેટી વિસ્તારમાં આવેલું કોઇ અનામી ગામ હતું..ચડ્ડી-બનિયનધારી ટોળકીઓ જ્યાં નિશાચરોનો વેશ ધરીને “વૈતાળ” ની જેમ ખંડણી ઉઘરાવતાં, અને એ’ય તે પોતાની જંગલી/આદિવાસી રિતરસમો મુજબ ! કોઇ સ્થાનિક ધારાસભ્ય હતાં અને એમના ફાર્મહાઊસમાં કોઇ અંગત પ્રસંગની ઉજવણી હતી, એમાં સંગીતનો જલસો હતો..જલસો ! પ્રોગ્રામ નહિ ! અમારા જેવા આમંત્રિતો હતાં અને બિચારાઓને ખોટો ભ્રમ હતો અમારી બુધ્ધિપ્રતિભા/સમજણ/બહાદુરી ઉપરનો , તે અમોને – અમારા મિત્રો સહિત આતિથ્ય સત્કારની ચરમસિમાઓનો અનુભવ કરાવવામાં આવી રહ્યો હતો ! અને મોડી રાત્રે દિવાન-એ-ખાસ ની અમારી એક મહેફિલ હતી !..અને અચાનક કોઇ બોલ્યું..-“નિખિલ ભ’ઈ..ચલો આગળ બેસીએ..હું કહિને આ’યો..હવે મઝા આવશે..તમારી ગમતી વાત..”- ! આમંત્રિતો જમવા ચાલ્યા અને..ખુલ્લુ મેદાન વધારે ખુલ્લુ થયું હતું અને..અમે બધાં નિરસ/કંઈક અનિચ્છાએ સ્ટેજની નજીક જઈને બેઠા..અને બે-કસબદાર ગાયકોની બેતુકી ગાયકીને અવગણતા રહ્યાં.. સ્ટેજ ઉપર ચાલી રહેલા ફિલ્મી/બિન-ફિલ્મી ગીતોથી બેફિકર અમે.. નરેન્દ્રમોદી થી ગોધરાકાંડ અને વાજપયી થી લઈને અડવાણિ સુધીની રાજકિય/ધાર્મિક/સામાજિક અને બબુચકિય ચર્ચાઓ હતી..ગઝલોની વાતો હતી..શાયરો અને એમના ચુનિંદા શેરો/શાયરીની લહાણી થતી હતી અને સાથે સાથે એ દરેક શેરની સાથે જે તે “મહેરબાન” પોતાની ફિલોસોફિ પણ વહેંચતા શેરની સાથે..માહૌલ કૈફિ તો હતો જ હવે તો મદહોશી હતી..સિગરેટ હતી..પંચમહાલમાં હોવ અને “સોમરસ” ના “ગિલાસ” ના હોય , એવી “આમન્યા ભંગ” નહોતી કરી મિત્રો એ અને અમારા જેવા અતિથિઓ માટે સરબતના પ્યાલાની અનામત ધોરણે જોગવાઈ કરાઈ હતી ! ;) ;)

..અને ત્યાં અચાનક એક જુના પણ પરિચિત અને બહુ જ કૈફદાર ગીતની શરૂઆતનું સંગીત કાને પડ્યું..કંઈક યાદ આવે અને ના આવે ની મુંઝવણ હતી..પણ અમારા બધાનાં કાન સરવા થયાં, મગજ ઔર કૈફિ થયું..અને ગીત યાદ ન આવવાં છતાં ચહેરા ઉપર , ઉજાગરાનો ભાર લેતી આંખો અને સિગરેટથી તરબતર શોઠ ઉપર કંઈક મસ્તિલું સ્મિત આવ્યા કરે અને..બેચેની/ઇંતેજારી વધવા માંડે એ ગીતના શબ્દો યાદ આવી જવાની ! સહસા/અચાન મિત્રો અને હું એકસાથે બોલી ઉઠીએ – સલમા આગા !!!

..એ અવાજ/ખુશ્ક-ખરાશ વાળો અવાજ, એ આંખો એ..સલમા આગા મનઃચક્ષુઓ આગળ આવી ગઈ હતી અને.. નિખિલ શુક્લ – એ જ પોતાનો તકિયા કલામ બોલી ઉઠ્યા જે ખાસ “સલમા” માટે આરક્ષિત છે ! – “આ સલમા આગા ને..એકવાર બાથ ભરી લેવી છે..ખાસ આ ગીતની કદરદાની માટે અને બિજી એની સુંદરતા માટે ત્રીજી એની આંખો અને ચોથી એની અદાઓ..” – !! ;) ;)

..મને જાણતાં મિત્રો એ મારી વાતને વધાવી લીધી..અમે મદહોશ હતાં અને..કોઇએ ઓચિંતો વિસ્ફોટ કર્યો ! શબ્દષઃ વિસ્ફોટ જ હતો ! જ્યાં પહેલા અવિશ્વાસ આવે, પછી ચીડ ચડે મુર્ખામીઓ ઉપર, પછી દયા આવે રસિક ન હોય એવા લોકો ઉપર..પણ છેલ્લે..

કોઇએ માનવામાં ન આવે એવી સ્પષ્ટતા કરી કે.. – “..આ સિડી/ડિવીડી નથી..પેલી છે ને ફટાકડી(!) એ પોતે ગાય છે !..” !!! અમે રસિકજનો/કલા પારખું/કદરદાનો.. સ્તબ્ધ હતાં ! હવે મદહોશી નહોતી પણ..આકરી પરિક્ષા હતી..એ ગમે તે ગાયિકાના અવાજ ને સલમા આગા થી ચોકકસ કેટલું અંતર/તફાવત છે એ ચકાસવાની ! પણ અમે હાર્યા હતાં..અને ખુશ થયાં હતાં..એ ગાયકિથી..છલકાઈ ગયેલા અમે !

કોઇક ગયું અને “વન્સ મોર” કહિ આવ્યું અને મોડી રાત્રે ઓડિયન્સમાં અમે મિત્રો જ હતાં..ગાયિકાના બે-એક સહયોગી જેવી સ્ત્રી-મિત્રો અને..નિચે બેઠેલા અમો કદરદાન..ફરી એ તરન્નુમ / સંગિત શરૂ થયું ! કલાકાર હતાં એ ગાયિકા એટલે શ્રોતાજનો ઓછા હોવા છતાંય એમણે ફરી ગળું ખોંખાર્યું..અને પહેલાં અગ્નિપરિક્ષા લેવાના ચક્કરમાં બરાબર સાંભળ્યુ/માણ્યું નહિ નો વસવસો કરતાં અમે..અને મહેફિલોની તબિયતને રાસ આવે એમ જ કલાકારની કલાને ચકાસવાની ગુસ્તાખી કરવા બદલ નતમસ્તક થઈ રહેલા !..અમે ઉભા થયાં..મહેફિલોના જ દસ્તુર મુજબ અમે માથા નમાવ્યાં..સાવ નજીક જઈને બેઠા..ગાયિકા સ્ટેજ ઉપરથી નિચે ઉતરી આવ્યા અને નજીકમાં બેઠેલા બે-ત્રણ સ્થાનિક આદિવાસીઓ હતાં..જે પોતે પણ બહુ સારાં ભજનો ગાતાં હતાં અને એની વાત ફરી ક્યારેક..!

પણ.. ફરી એ અવાજ ગુંજ્યો..ખુલ્લી/ઠંડી/આસપાસમાં રોશની થી ચળકેલી રાત્રીના સુનકારમાં ! હું હજુ પણ બરાબર જોઇ નહોતો રહ્યો એ ગાયિકાને , પણ ફરીથી પહેલા જેટલા જ પરફેક્શનથી જ ગવાય , ફરિથી સલમા અગાને અલગ ના તારવી શકાય!!

અને હવે એ જલસો નહોતો..હવે એ મુઠ્ઠીભર માણસોની મહેફિલ માત્ર હતી ! હું ઉભો થયો..એક હાથમાં સરબતનો ગ્લાસ હતો જેને મેં “ડ્રિંક્સ-ઓન-રોક્સ” ની અદાથી પકડ્યો હતો અને જમણાં હાથે સિગરેટ ને ધારણ કરી હતી ..અને હું હજુય ગાયિકા કે કલાકારો ને સિધાં જ જોઇ નહોતો રહ્યો !! આ ચરમસીમા હતી અમારી ના-મહેરબાની ની ! અમે નતમસ્તક તો હતાં પણ સાલા આ અભિમાન/વટ/હોંશિયારી/ગુરૂર/મગરુબીનું શું કરવું ?!?!

..અને/પણ કલાકારને નવાજી ન શકનાર ને માટે મહેફિલ-એ-ખાસમાં સ્થાન નથી હોતું ! એવા ના-મહેરબાન/ના-કદરદાન માણસોને રસિકતા થી દેશનિકાલ ભોગવવાનો હોય છે !
એ માણસ બહાદુર નથી જે કોઇ કલાકાર સાથે જીતવા-હારવાની સમજ રાખે છે ! એ બુધ્ધિશાળી હકિકતે મુર્ખો છે જે કલાને ગણિતના/બુધ્ધિના/ઉપયોગિતાના/પ્રસ્તુતતાઓના માપદંડો ઉપર માપે છે ! રસિક હોવા માટે મગજના બંને અર્ધ-ગોળાર્ધો ચાલવા જોઇતા હોય છે. માત્ર કવિતાઓના/ફકરાઓના નામે બકવાસ કરનારા કે ચિત્રોમાં પાયથાગોરસના પ્રમેયને જોનારા બેવકુફો હોય છે. અને..અબોવ ઓલ એ માણસ પોતે જ વાહિયાત છે જે કોઇપણ પ્રકારની સુંદરતાને ગમાડી નથી શકતો.

..અને મિત્રો જોઇ રહ્યા મને ઉભેલો..આછું હસતાં રહ્યાં અને..હું માથું આમતેમ ફેરવતો ચાલ્યો..છેક નજીક જઈને ઉભો રહ્યો..અને ત્યાં જ મેં એમને જોયાં-જોઇ-જોઇ ગયો – “..હું કંઈક પી ગયો છું..” – ની જેમ જ !!

પેલા લચકાદાર/સ્નિગ્ધ દહિંના ફોદાને !! જાડા/ભરેલા/ઉભરતાં ગાલ, એવી જ જ..રા..ક વજનદાર કાયા..જે વળી કોમળ હતી! લાલઘુમ હોઠ હતાં જે હકિકતે લિપસ્ટિક નહિ પણ મોઢાંમાં રહેલા પાનના-કાથાની અસર હતી ! સફેદ ગાલો ઉપર લાલી હતી અને એમાં સોનેરી-છાંટ વાળો મેકઅપ ચળકતો હતો ! લાંબા અને સાદી છતાં કંઈક નવીન રીતે ઓળેલા વાળ હતાં..અને હજુ’ય આધુનિકતા કે ફેશનને દુર રાખીને નાના ગુલદસ્તા જેવો ફુલોનો ગુચ્છો હતો વાળમાં અને..એક-બે લટો આવરા હતી ગાલ ઉપર થી છેક ગળા સુધી ફેલાતી..હાથ હતાં..એમાં આંગળિઓ અને એમાં રંગીન નખ હતાં અને છેક કાંડાથી ઉપર સુધી કરેલી મહેંદીની મિના-કારિગરી હતી ! કોઇ મુસ્લિમ-તહેઝિબ જેવા સલવાર-કમિઝ હતાં અને એક તરફ રાખેલો દુપટ્ટો હતો અને..ખુલતાં-બંધ થતાં મોં અને હોઠોની લંબાઈનો વધારો-ઘટાડો હતો..અને..એની આંખો હતી..માંજરી આંખો ! .. આ શું સલમા આગા પોતે હતી ?!? ..ખૈર..હું પરાસ્ત હતો !! ;)

મને ’ઘાયલ’ યાદ આવી ગયા..બરબસ.. – “રૂપ એનું જફા નિપુણ છે તો, પ્રેમ મારો વફા વિષારદ છે ” – !!

..જેટલા એ કમનિય હતાં એટલું જ આલાતરિન એ ગાતાં હતાં અને મને સલમા આગાના અવાજના મોહપાશનો એક વિકલ્પ આપી શકે એવા એ એકમાત્ર હતાં – છે ! અને એ ગાતાં હતાં..ગળું ખોલી-ખોલીને..આંખો નચાવી-નચાવીને..વળી લળી-લળીને..મુસ્કુરાઈને..અને સ્તબ્ધ એવા મને છેક નજીક ઉભેલો જોઇને..કદાચ કંઈક શરમાઈ-શરમાઈ ને !! ;) ;)

ફઝાં ભી હે જવાં જવાં , હવા ભી હે રવાં રવાં,
સુના રહા હે યે સમાં , સુની સુની સી દાસ્તાં,

..કમબખ્ત..આ માહૌલમાં , આવી અંધારી અને તોય રોશની વાળી રાતમાં..ઠંડિમાં અને સુનકારમાં , સિગરેટ અને ઉજાગરા અને ગઝલોના કૈફમાં અને આવી કોઇ “બેગમ” (વહિદા ખાતુન ! – એમની બિજી સહયોગી છોકરીઓ એમને કહેતી એમ !) ની પ્રત્યક્ષ હાજરીમાં ..આ ચોક્કસ ગીત ગાવાની શું જરૂર હતી ?! અને એ’ય તે આટલી જ મદહોશ રીતે !!
સાલા દુનિયાના લોકો પણ બહુ દિલકશ/મદમસ્ત અત્યાચારો કરતા થઈ ગયા છે હવે ! ;)

..એ ગાતાં રહ્યાં..હું સાંભળતો રહ્યો અને હવે જરા-તરા ભાનમાં આવેલો હું પણ એમને સાથ આપવા શરમાઈ રહ્યો હતો ..પણ પાછાં મિત્રો જોડે જઈને બેસવાનું મન નહોતું..એટલે શરમાયા કર્યું , અલબત્ત, સિગરેટના ધુમાડાની આડમાં ! અને એમાંય જ્યારે એ કોઇ પંક્તિની સમાપ્તિ જો બિજા કદરદાનોની સામે ધરીને કરીને કરે તો..મને કંઈક ઓછું આવ્યાની લાગણી થાય અને બિજી જ સેકંડે કોઇ અણધારી ઇશ્વરિય ભેટ-સોગાદની જેમ , અંતિમ સમાપ્તિ મારા તરફ હાથ લંબાવીને કરે ત્યારે તો ..ચોક્કસ કેટલી નેનો-સેકંડમાં મુડ બદલાયો એને ગણી શકે એવું સુપરકોમ્પ્યુટર બનવાનું હજુ બાકી છે ! ;)

..એ ગીત પુરું થયું..અમે મદહોશ તો હતાં જ..હું તો ખાસ..પછી એ “વહિદા જી” એમના સહયોગીઓ સાથે આવીને બેઠા..ચ્હા/સરબત/કોફિ મંગાવવામાં આવ્યાં અને મિત્રો કોઇ ચુગલીખોરની જેમ એમને મારા “સલમા આગા-અનુરાગ” વિશે અને પેલી ભેટી પડવાની ઇચ્છાઓ અંગે કહેવા માંડ્યા અને..એ બિચારાં કંઈક સંકોચથી હસતાં રહ્યાં.અને હું હોઠ ને ખોલ્યા વગર હસતો રહ્યો..એવી રીતે હસવાની તકો જ સાલી નહિવત મળી છે સાલી આ લાઈફમાં ! ;)

એમને શું કહું કે..મને શું હેરાન કરે છે અને હું કઈ વાતને હસીને છુપાવી રહ્યો છું અને કઈ સલમા આગા ને હું બિજી કઈ સલમા આગા સાથે સાંકળી રહ્યો છું !

” પુકારતે હે દુર સે, વો કાફિલે બહાર કે,
બિખર ગયે હે રંગ સે, કિસિકે ઇંતજાર મેં,
લહેર લહેર કે હોંઠ પર , વફા કિ હે કહાંનિયાં, ”

પછી એમ જ આસપાસમાં હતાં..એકબિજાને કંઈક ગમતી ગઝલો અને શેરો સંભળાવતાં રહ્યાં અને..મેં પુછ્યું એમને – ” આપકા નામ ?..વો તો પુછા હિ નહિ ! ” , જવાબ મળ્યો – “વહિદા શેખ..હમ એમ.પી (મધ્ય પ્રદેશ) સે હે ..” – અને કંઈક વિચિત્ર અનુરાગથી અમે વાતે વળગ્યાં..ચ્હા ઉપર ચ્હા પીતાં રહ્યાં..એમણે ઘણી વાતો કરી , મેં ઘણી વાતો કરી અને..ચુપ થઈ ગયાં ! મેં કહ્યું/પુછ્યું..-“અચ્છા હે ! , લાઇફમેં કુછ તો ચાહિએ..બહોત ખુશિયાં મિલિ હોતી તો..યે રોમેંટિક લગને વાલે ગાને મેં જો તકલિફેં હે વો કૈસે ગા સકતી..ઇસકે વર્ડસ રોમેંટિક હે..મગર મિનિંગ તો ઇતને રોમેંટિક નહિ..”

એમણે ટુંકો જવાબ આપ્યો – “..ઇસે અચ્છા હિ કહેના ચાહિયે.. ! ” – હું સ્તબ્ધ હતો આ જવાબ થી !

રૂઢીચુસ્ત મુસ્લિમ તહેઝિબ થી નાની ઉંમરે લગ્ન કર્યું હોય..એ ટક્યાં ના હોય..સમાજ અને વગેરેની રૂઢિઓના કારણે છુટાછેડા અપાતાં ના હોય..ઉંમર થતી ચાલી હોય અને..જુવાની પિયરમાં પસાર થઈ હોય અને હવે છેક ત્રીસીનો દાયકો પણ અડધો પસાર થઈ ગયો હોય..અને..એક દિવસે મિજાજ ફાટ્યો હોય ! “..જલસો મેં નાચ-ગાના..” – કરીને પેટિયું રડવાનું હોય અને..માતા-પિતા/ભાઈઓ/કુટુંબિઓ ની આબરુ(!) ખલાસ થઈ ગઈનો પણ ભાર વેંઢારવાનો હોય ..બિજી સાથે કામ કરતી પોતાનાથી બહુ નાની સહયોગી છોકરીઓની એમના લગ્નજીવનની બહેનપણીની જેમ થતી વાતો સાંભળવાની હોય..એમના નાના બાળાકોને રમાડવાના હોય..અને “વહિદા બેગમ” હવે “વહિદા ખાતુન” તરીકે ઓળખાવા માંડે એની શરૂઆત થઈ જ ચુકી હોય !! અને તો’ય મદહોશ અવાજે ગાઈ શકવાની હિંમત હોય !

..પણ હસી નાખવાનો મારો સ્વભાવ અને..મેં એમને મારી વાત કહિ અને ઉમેર્યું કે ક્યારેક અમસ્તાં જ નાના-કિશોરો મને “કાકા” કહી જાય છે ! ;) એ અચાન્ક હસ્યાં..મોં ઉપર હાથ મુકીને હસ્યા ! હું પણ હસ્યો અને થોડે દુર બેઠેલા મિત્રો અને બિજા કલાકારો ગમ્મતભર્યું હસ્યાં અમને જોઇને ! અને એ બે-ખબર કદરદાનોને જોઇને અમે વધારે હસ્યાં !

” બુઝી મગર બુઝી નહિ, ન જાને કૈસી પ્યાસ હેમ
કરાર દિલ સે આજ ભી , ના દુર હે ના પાસ હે,
યે ખેલ ધુપછાંવ ક, યે કુરબતેં, યે દુરિયાં, ”

..વહેલી સવાર પડી ચુકી હતી. અમારે બધાંએ રુખસદ થવાનું હતું..બધી જ ગાડીઓના બધાં જ ડ્રાઈવર-કમ-મિત્રો ગાડીના એંજિન ને ચાલુ કરીને ચ્હા પિ રહ્યા હતાં..ઉજાગરાનો અને ગઝલો નો કૈફ હતો..હવામાં ધુમ્મસ હતું અને..બધાં સાથે જ બેઠાં હતાં.. વહિદાજી ઉભા થયાં..એકદમ તરોતાજા મુડ-મિજાજ થી ! – “નિખિલજી..યહાં આઇએ..” – !! કોઇ અગમ્ય/અકળ/ભેદી અનુરાગથી મને ભેટ્યાં !! સ્ત્રીઓને ભેટવાની મારી અનુભવ-હિનતા હતી..કંઈક મને સંકોચ હતો..કંઈક એમને હતો..પણ મેં એમના ખભે હાથ મુક્યો હતો..હવે થોડા કરમાઈ ગયેલા ફુલોની સુગંધ હતી જેમાં કરમાઈ જવાની એક છાંટ હતી..વાળ હતાં..અને આ એકમાત્ર અનુભવ હતો જ્યાં સ્ત્રીના શરીરને ભેટીને એના શરીરનો નહિ પણ કંઈક બિજી અકળ બાબતનો ક્યાસ આવી રહ્યો હતો !!

એમણે કહ્યું.. “..આપસે મિલકે બહોત અચ્છા લગા..ચલિયે અબ જાતે હે..ફિર મિલેંગે કભી ઐસે હી..”
મેં કહ્યું .. “હાં..જરૂર મિલેંગે..”

..લાઈફ આવી છે દોસ્ત ! ક્યારેક ખબર નથી પડતી કે અચંબાઓ/નવાઈઓ/આઘાતો ના સમુહને જિંદગી કહેવાય છે કે નિયતીના બાવાજાળાઓને જીવન જેવું સરળ નામ અપાયું છે ?! કંઈક સારાં/દિલખુશ/જાહોજલાલ/બદમાશ/હલકા/કદરદાન/અહેસાન ફરામોશ..માણસો મળતાં જાય છે , ગમે તે ખુણે/રસ્તે/વાતે/હોટેલમાં/હાઈવે ઉપર/વગડાઓમાં અને દરેક પાસે એની પોતાની ખુબિઓ/ખામીઓ/હતાશા/નિરાશા/ઉમળકો/ખુશી/ઉત્સાહ/વજહ-એ-બરબાદી અને ગુલ-ગુલશન-ગુલફામની એક ..કોઇને ના કહેલી ગાથા હોય છે ! જે ક્યારેક અમસ્તાં જ , ગમે તે ને કહિ દેવાતી હોય છે , અને કદાચ કહિ જ દેવાની હોય છે ! આવી ગાથાઓ/વાર્તાઓ/બનાવો/વાતો ને જે તે માણસ ને કહિ દેવા માટેની જ કોઇ ગેબી વ્યવસ્થાને જ તો જીવન નથી કહેતાં ને ?!?! અને જ્યારે એ વાતો પુરી થતી હશે ત્યારે કદાચ જીવન નો અંત આવતો હશે, ભાગાભાગી અટકતી હશે !

ખૈર.. બળી ગયેલી સિગરેટના ઠુંઠાથી લઈને આકાશગંગા સુધી..તમારે ખુશ થવાનું છે, મદહોશ અવાજો અને કાથાની લાલીમાં અને મહેંદીમાં અને ગળા સુધી આવેલી લટોમાં અને ગીત ગાઈને સમાજ જોડેની દુશ્મનાવટની ફી ભરવામાં અને હસવામાં અને શરમાઈ જવામાં અને સલમા આગા ના ચહેરાને યાદ કરવામાં અને .. વહિદા બેગમ ને ભેટતી વખતે એમના ખભા અને ગળા ની આસપાસ..ફુલોની બે-ત્રણ કળીઓ છુટી પડીને ચામડી સાથે ચોંટી ગઈ હતી એને જોઇને..એને ત્યાંથી ઉઠાવીને વહિદા બેગમને બતાવવામાં અને પછી એકસાથે શરમાઈ જવામાં ! અને..કોઇક બેફિકરાઇથી..એકબિજાના કોઇ જ સંપર્કો/ફોન નંબરો લેવાનું ભુલી જવામાં ! દરેક વાતો/બાબતો/બનાવો/અકસ્માતો ને મન/મગજ ઉપર અંકિત કરી લેવાના અને એના જે તે રંગ/શેડમાં સુખી/દુખી તવાનું અને એમ કોકટેલ બનાવવાનું ! એ જ મહેફિલ-એ-ખાસની કદરદાની અને બહાદુરીનો શિરસ્તો છે.

હર ઇક પલ કો ઢુંઢતા, હર એક પલ ચલા ગયા,
હર એક પલ ફિરાક કા, હર એક પલ વિસાલ કા,
હર એક પલ ગુજર ગયા, બના કે દિલ પે ઇક નિશાં,

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: