કુદરત નગ્ન જ હોય છે !

0

.આજથી લગભગ એકાદ દશક પહેલાં એક ઉદાસ/ગમગીન/જરા ઠંડી સાંજે મારા મમ્મી થોડાં ચંદન અને બિજા લાકડાંઓથી સુશોભિત ચિતા ઉપર સુઇ રહ્યા હતાં. પશ્વિમે ડુબવા જતાં સુર્યના સાક્ષીએ ઉત્તરક્રિયાઓ થઈ રહી હતી. અને હું જોઇ રહ્યો હતો. એક કુટુંબી-વડીલ આવ્યા અને મારા હાથમાં ચોખ્ખા ઘી નું મોટું પાત્ર પકડાવી દીધું! મમ્મીના શરીરે લગાડવાનું કહેવામાં આવ્યું મને. હું સૌથી મોટું સંતાન હતો. મેં શરૂઆત કરી..સહસા હું ચોંક્યો..અટક્યો..”કંઈક” કળી ગયેલા પેલા વડીલે મારા ખભા પાછળથી કહ્યું -“..ના..ના, એવું ના હોય, ભ’ઇ! મમ્મી છે ને એ તો ..આપણે નાના જ રહેવાના..” – !

એ એક મૃતદેહ હતો. હું સજીવ હતો અને એ એક મૃતશરીર સાથે મારે લોહીનું સગપણ હતું/છે. પણ એ શરિર ઉપર અંતિમક્રિયા વખતે મમ્મીની છાતીની ઉપર હાથ મુક્યો હતો. અનાયાસ બાળપણનો સમય યાદ આવ્યો. મારા પરાક્રમો કહેતી મમ્મી અને બિજા લોકો યાદ આવ્યા. પણ હું અસ્વસ્થ થઈ ચુક્યો હતો! સ્વસ્થતા જાળવીને હું થોડો દુર ગયો. ઘી નાંખેલા અગ્નિની આંચ તો જેણે અનુભવી હોય એને જ ખબર પડે! પણ હું ઘણો નજીક હતો ચિતાથી અને હું વિચારે ચઢી ગયો હતો..

..ગંદકી એટલે શું? કુડો/કચરો/ઉકરડો/ગટર/ખબોચિયાં ? ગંદકીનો વ્યાસ આટલો જ છે ?! તમામ દુન્યવી બાબતોની જેમ શું માનસિકતા પણ ગંદકીની સિમાઓ માં ન આવી શકે ?!

શુધ્ધતા/પવિત્રતા/મર્યાદા એટલે શું ? ખજુરાહોના ઉન્નત સ્તનો અને કામસુત્રની લિંગવર્ધક ચેષ્ટાઓ? કે પછી નવરાત્રી અને વરઘોડાઓમાં ફળીયાની છોકરીઓ અને બૈરાંઓની ખુલ્લી બેક સાઈડ જોયા કરવી એ?! “સવિતા ભાભી” ના મહદઅંશે ફેન્ટેસીના સેક્શનને લગતી (અને ક્યારેક વિકૃત પણ ખરી !) વાર્તાઓ કે આજુબાજુ ના માસી અને આંટીઓ અંગે કોમનપ્લોટમાં ચાલતી રંગિન ચર્ચાઓ/મનોભાવો?! શિષ્ટ શું છે? નિતંબો કે કુલા કે બમ કે બુટી કે..?! વિવેક શેમાં છે? સ્તન કે છાતી કે નિપલ કે બુબ્સ..કે ઉપ્સ ?! ;)

કોઇએ નગ્ન ચિત્રો દોર્યાં..કોઇએ નગ્ન ફિલ્મો જોઇ લિધી..કોઇએ નગ્ન વાત કરી..કોઇએ નગ્ન જોક કહ્યો..કોઇએ એને સાંભળ્યો..કોઇએ એને વહેંયો..કોઇએ કોઇકને એકાદવાર ચુમી લીધું તો કોઇએ કોઇને ચુંટલો ભરી લીધો. કોઇએ આમ કપડાં પહેર્યાં કે કોઇએ કાનમાં બુટ્ટી પહેરી લીધી. કોઇએ ટેટું કરાવ્યું, પાછું પરમેનન્ટ કરાવ્યું. કોઇએ મહેંદી મુકી. કોઇએ નાક/કાન સિધાં કરાવ્યાં. કોઇએ ગાલ તો કોઇએ ગાં..વેલ નિતંબો સિધા કરાવ્યાં! ;)

નગ્નતાની ચોક્કસ વ્યાખ્યા શું? એના પેરામિટર્સ અને ઓબ્જેક્ટિવ્ઝ શું છે? સાથળો થી લઈને નિતંબો સુધી ફેલાતા ટેટુ કે “હગ મી” લખેલા ટાઇટ ટિશર્ટ્સ? નવદંપતિ એકબીજાની હાજરીમાં કુદરતી હાજતોએ જતાં શરમાય એ નગ્નતા કહેવાય કે શરમાળપણું કે ઔચિત્ય કે મનોરોગ કે કોઇ હજુ જાણવાનો બાકી રહેલો ફોબિયા? કોઇના ક્લેવેજ દેખાય જાય એ? કે કોઇના બ્રાની આછેરી ઝલક દેખાઈ જાય એ?! ઝભ્ભો/લેંઘો/ચણિયો/બ્લાઉઝ ને સ્પર્શી જવાય એ ?!

માનવિય શરીર અફલાતુન હોય છે. આહલાદક, મનોરમ્ય! કરોડો વર્ષોની ઉત્ક્રાંતિ પછી એ શું માત્ર સડી જવા આટલું વિકસ્યું છે? આ પાંચેન્દ્રિયો, આ જ્ઞાનતંતુઓની ગિચતા શું કામ છે? એને સંવારવું, એને એક ઘાટ આપવો, બલ્કે ઇચ્છા મુજબ વળાંકો આપવા, એને “એનહેન્સ” કરવું, ખુદ પોતાને ગમે એ અખતરાં અને પ્રયોગો અને ક્રિડાઓ આચરવી એ કોઇ સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય છે? એવો કયો સજીવ છે આ સચરાચરમાં જેને માણસની જેમ સજાવી શકાય છે ?!

કંઈ જ નગ્ન નથી! બલ્કે કુદરત નગ્નતાને પ્રાધાન્ય આપે છે! રક્ષા અને બચાવ માટેના આવરણો કુદરત પોતે જ આપે છે અને જરૂર પુરી થયે લઈ પણ લે છે. પછી એ પાનખર હોય કે પાકાં ફળનું ખરી પડવું હોય કે વૃક્ષોની છાલ હોય કે રસદાર ફળો અને વનસ્પતિઓના આવરણો હોય કે બોડી-પેઇન્ટિંગ હોય કે ન્યુડ-ફોટોગ્રાફિ હોય!

સ્તનોની, એ યુગ્મ ગોળાર્ધોની પાઈ-વેલ્યુમાં શું ફરક હોય છે?! શિશ્નનો કાટખુણો માપવા માટે અથવા કોઇ મેરુદંડ તરીકેનો ઉપયોગ કલાત્મક હોઇ શકે છે. એક મોસંબીની પેશીઓને આખા ગોળાકાર સમુહમાં અકબંધ રાખીને એની છાલ ઉતારી જુઓ! એને સ્ત્રીની પ્રસવક્રિયાના એક નિર્દોષ ઉદાહરણ તરીકે બાળકોને સમજાવી શકાય છે. એક તડબુચની કઠણ છાલને ઉતારીને નિચેનો જરા સફેદ-લાલ માવો બતાવીને માનવિય શરિરની ચામડી અને લોહિનો દાખલો આપી શકાય છે. આવા કુદરતી સંકેતો ને સદંતર ના જોઇ શકવાને કદાચ નગ્નતા કહિ શકાય! કુદરતી નગ્નતા ને માણવા માટે પણ કદાચ દુનિયાદારીની નગ્નતા ઓઢવી પડતી હોય છે! અને આવા સમાજો નગ્ન હોય છે ! ;)

કુદરત ઇચ્છે જ છે કે આ બધું અનુભવાય આપણને! ઝાડપાન ને આવરણ નથી હોતા એમના શરીરો માટે. પશુઓને કુદરતી પરિસ્થિતિઓની સામેના કુદરતી બચાવ માટેના વાળ પણ ઉત્ક્રાંતિમાં વિકસેલા છે, એ કોઇ ઇશ્વરીય ભેટ નથી. માનવીય શાખાઓના (!) સજીવોના ગુપ્તાંગોની આસપાસ કોઇ આવરણ માટે જ માત્ર કેશવાળીઓ નથી હોતી. કુદરતને કોઇ શરમ નથી હોતી, એ નિર્લજ્જ હોય છે! પુર આવે..માટી આવે ..ધરતીનું પેટાળ ફાટે..દરિયો એની સિમા ઓળંગી લે અને પહાડો રસાતલ જતા રહે. લોકો/સજીવો મરાય..બળી જાય. રાખ અને ક્યારેક વરાળ થઈ જાય, છુંદાઈ જાય, ઓગળી જાય, કુદરત નિર્લજ્જ જ હોવી જોઇતી હતી અને એ એમ જ છે! કુદરત પાસે કંઈ હોતું જ નથી. ના દયા, ના માયા મમતા/અનુકંપા/લાગણી/સુખ-દુઃખ/ હાસ્ય / રૂદન કંઈ જ નહી અને નૈતિકતા નહી, પ્રામાણિકતા નહી, શેહશરમ નહી કોઇ સાડાબારી નહી ! એક જ બાબત માત્ર હોય એ કુદરત પાસે..સાહજિકતા! જે જેમ છે એને એમ જ ચાલવા દેવું, બસ!

ફાટવું/તુટવું/ખતમ થઈ જવું..ગમે તે થાય પણ પેલું સાહજિકપણાં નું સાતત્ય ન અટકી પડે ! કદાચ આ સાહજિકપણાંને જ આદિમાનવોએ કુદરત – નામ આપ્યું હશે ! ;)

સ્તનો..શિશ્નો..સાથળો..હોઠની સ્નિગ્ધતા..ચામડી અને એનું લાસક્ય અને લસ્તપણું. દબાવીને મસળીને ચુંટલો ભરીને, મુઠ્ઠીમાં કચકચાવીને ભરી લેવાતી માદકતા અને એ ઉષ્ણતામાન માનવીય માંસનું..અને એ સાથે જ દાંતોમાં જડબાઓમાં આવી જતું ખુન્નસ. સડકતી દાઢ કોઇ લેપર્ડ કુળના શિકારી પશુની જેમ અને એ ભીનો/ચિમળાયેલો/ભેજવાળો સ્પર્શ કોઇ નવજાત શિશુના ચહેરાનો..એ પ્રવાહિ દ્રવ્ય એના દાંતવિહિન જડબાઓમાં થી વહ્યા કરતું..એ થુંક..એ લાળ..એ પરસેવો સૃષ્ટિની આદિમ જંગલીયતભરી બદબુનો વારસદાર જેવો..એ ચિકાશ કંઈક આદિકાળના એકકોષિય સજીવોના ચયાપચયની ક્રિયાઓના સ્ત્રાવ જેવો. એમિનો એસિડનું બંધારણ ઘડાવા પહેલાની નર્ક સમી આ વસુધાની ઝાંખી કરાવતી અને કોઇ ક્રુર મઝાકની જેમ સૃષ્ટિના સૌથી સુંદર સર્જન એવા મનુષ્યની વિષ્ટા/મળની ભયંકર બદબો. શિયાળાની સવારે વરાળ નિકળતો પેશાબ અને એ ખુલ્લી હવાઓની સવારમાં ધુમ્મસથી પણ વધારે સ્વપ્નિલ અને કૈફદાર, વધારે જાજ્વલ્યમાન એવો સિગરેટની વાસથી તરબતર ઉચ્છ્શ્વાસ. લોહી ખારું અને ચિકાશયુક્ત..આંસુ ખારા અને નોન-સ્ટિકી !

આ આટલું બધું વૈવિધ્ય રંગ/ગંધ/સુગંધ/આકારો/અનુભવો/સ્પંદનોનું માણસ સિવાય બિજા કયા સજીવને માટે છે?

..નગ્નતા ! આ શબ્દ પોતે જ થોડો કૈફી-કૈફદાર છે! આ કે તે કે પેલું કંઈજ નગ્ન નથી. કુદરત છે અને એનું સાહજિકપણું છે અને એનું જ એક સાતત્ય છે આસપાસ. કોઇ બંધનો ન હોય એને નગ્નતા ન કહેવાય ઓ સુગિયા લોકો..એને મુક્તિ કહેવાય! પછી એ મુક્તિ વડે ખુશ રહેવું..દંભ અને ગંદકીઓ થી દુર રહેવું કે જાતને ફાટીને ધુમાડે લઈ જવી એ જાતે નક્કિ કરવાનું.

મને લાગે છે કે નગ્નતાનો ફલક હજુય વધારવો જોઇએ..શારિરિક નગ્નતા થી વધીને માનસિક અને સામાજિક નગ્નતા જેવા શબ્દો પણ આવવા જોઇએ અને સ્વ-નગ્નતા જેવો શબ્દ મઝાનો થશે ! ;)

..કંઈક હજુ પણ ખુટતું લાગે છે..કંઈક અસ્પષ્ટ..જોઇશું ક્યારેક ગોઠવાશે મગજમાં તો ! ..નહી તો જે રહી જ જાય એને રહી જ જવા દેવાનિ નગ્નતા પણ આહલાદક હોય છે ને ! ;)

[ સાતત્ય ઉપર એક નવો ટોપિક – નગ્નતા ! , પેલા મકબુલ ફિદા હુસૈન અને જય વસાવડાની તરફેણ કે વિરોધ કે શેરલિન ચોપરાની વાતો કરવા આવી જવું નહી ! ..તમારી જેમ અમે પણ નગ્ન જ છીએ ! :D :D ]

———–

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: