અતીજ્ઞાની સહદેવનું ડહાપણ !

0

..અને અતિજ્ઞાની સહદેવ ની માનસિક સ્થિતિનો ખયાલ આવી જાય છે. સર્વજ્ઞાતા શ્રીકૃષ્ણની ગીતા કહેતી વખતની મુઠ્ઠી બંધ રાખવાની કાબેલીયત ઉપર કંઈક અનોખું માન થઈ આવે છે જ્યારે, તમે એવી વિગતોથી રૂબરુ થવા માંડો છો જે તમને સ્પર્શતી નથી પણ્..બિજાઓ માટે કદાચ અનિવાર્ય છે. દિવસ રાતના ચૈન/શાંતી/અભિમાન અને સ્વમાન ને અસર કરે છે. અને તમે ચુપ રહો છો, ચુપ રહેવું પડે છે કેમકે, એ શિરસ્તો છે અને ક્યારેક અનિવાર્ય શરત છે ક્યારેક નૈતિકતાની માંગ છે તો ક્યારેક જે તે બાબતની પ્રાઈવસી જરૂરી છે ક્યાંક કાયદો નડે છે ક્યાંક લોકો નડે છે અને..ક્યારેક ડહાપણ પણ છે ! એ ડહાપણ એ દુનિયાદાર-ડહાપણ જેનાથી તમારે પ્રકાશવર્ષોનું અંતર છે ! ;)

કોઇની પત્નિ સગર્ભા છે અને એ કોર્ટમાં/ગ્રાહક સુરક્ષામાં ધક્કા ખાય છે,ઈમેલ કરે છે, અને પુરેપુરો શિક્ષિત એક વ્યક્તિ કોઇ કાયદેસર ચર્ચામાં પોતાની પત્નિને પડતી હાલાકી અને વગેરેમાં “આ લિગલ બબાલ” ના કારણે સાથે ન રહી શકવા બદલ એ પોતે જ પોતાની ફરિયાદ પાછી ખેંચી લેવાનો ઇમેલ કરે અને પોતાના સત્યને , અસત્ય આગળ પાંગળું થઈ જતું જોવે ત્યારે એ વ્યક્તી કેટલો ત્રસ્ત હશે ? કોઇને પોતાના નિવૃતી પછીના પોતાના હકો માટે એવા તો શું ઉધામા કરવા પડ્યા હોય છે કે..વિદેશમાં રહેતા પોતાના પુત્રની વિદેશી પત્નિની કુખે જન્મેલા સ્વદેશ પુત્રના ઘોડિયામાં રમતાં ફોટાઓ પુરાવા તરીકે ઇમેલ કરવા પડે ?

..અને એક માણસ છે. અને એની એક પત્નિ છે. અને બંને એક જ પ્રોફાઈલ વાપરે છે. પણ ફોટો પોતાના એક ૨૮-૨૯ વર્ષના પુત્રનો રાખ્યો છે. એ પુત્ર ભારત આવ્યો હતો. રિપોર્ટર હતો. ક્યારેક નેશનલ જીયોગ્રાફિક મેગેઝીન માટે કામ કર્યું હતું. રખડતો, મસ્તામૌલા એવો એ હિમાલય તરફ ગયો હતો, ત્યાંના લોકો,અઘોરીઓ બાવાઓ અંગે રિપોર્ટીંગ કર્યું હતું. અને પછી એક દિવસે એ ખોવાઈ ગયો હતો. તપાસ સંસ્થાઓ અને વૈશ્વિક રીતે ફેલાયેલી નકામી નોકરશાહીથી હતાશ થઈને છેલ્લા ઉપાય તરીકે ઘરડાં પેલા બે વિદેશી લોકોએ એટલી રખડપટ્ટી કરી નાંખી ભારતમાં અને ભારતીય રેલ્વે, એની ઓફિસોમાં કે..ભારતીય રેલ્વેના ઉચ્ચાધિકારિઓ એ વૃધ્ધ દંપતિને એમના આખા નામથી ઓળખે છે! અને એ વૃધ્ધોની ફાઈલો/ અરજીઓ અસ્તવ્યસ્ત ક્વોલિટિની PDF માં..વેલ્, કોઇ અનામી ftp server ના કચરામાં પડી રહી છે. જેનો ટાઈમ સ્ટેમ્પ છેલ્લા ૫-૭ વર્ષોથી અપડેટ જ નથી થયો !

એક પતિ-પત્નિ સહિયારો ઇમેલ કરે છે. “નેશનલ હાઈવે ઓથોરીટીને” કે – “અમને અમારી એ કાર પાછી આપી દો જે તમે લોકોએ અમુક વર્ષોથી અટકાવી રાખી છે અને એ અમારી સહિયારી કમાણીની હતી અને વિશેષ તો યાદગીરી હતી..વર્ષો પહેલા જે તે ઘટના વખતે અમારી એ યાદગીરી ત્યાં પાર્ક હતી..કોઇ ગુનામાં સંડોવાઈ નથી..એનો કોઇ ઉલ્લેખ નથી..તો માત્ર બે-ત્રણ બબુચક કર્મચારીઓની મુર્ખામીને કારણે અમે એમ જતું નહિ કરીએ..”- અને એ લોકોના ઇમેલ ચેઇન નો લોગ સાલી સરકારો ડિલિટ પણ નથી કરતી અને રિપ્લાય માં કોઇ ઇમેલ પણ નથી દેખાતો કોઇ લોગ્સ માં !

કોઇ ની માંદગી અને ડેથ સર્ટિફીકેટ ઇન્ટરનેટ ઉપર રઝળ્યા કરે છે અને કોઇ ભટકતા પ્રેતની જેમ અચાનક દેખાઈ જાય છે, જે હજુ સુધી ડિલીવર નથી થયું કેમકે અધિકારિઓ હિસાબના તો ચોખ્ખા(!) ને એટલે એની નોંધ કરેલી છે !

અને કોઇ ખુબ જ ગંભીર શાખાઓના સર્વર્સ ઉપર સાલા ટોરન્ટ્સ સાઈટ્સ ઉપરથી ડાઊનલોડ કરેલા પિકચરો પડી રહ્યા છે. ક્રેક કરેલા સોફ્ટવેર અને ચોરેલ આલ્બમ્સ પણ ખરાં ! અને સામાન્ય માણસ એમ વિચારે છે કે સાલા ભારતના સિક્યોર સર્વરમાં પેલા ચાઈના-વાળાઓ ઘુસ્યા કેમ કેમ ?! ;)

..તો કોઇ જગ્યાએ વળી કોઇ જવાબદાર વ્યક્તિના દેવના દિધેલ સંતાનો સિધાં જ જાહેર/લાઈવ સર્વર્સ ઉપર પોતાના ટર્મવર્ક ની પ્રેક્ટિસ કરી રહ્યા છે. અને આવેલી એરર્સ ઉપર પોતે જ કોઇ મહાન વૈજ્ઞાનિક ની અદાથી અલગ ફાઈલમાં કોમેન્ટ્સ કરી છે એ એરર ને કોપી કરીને. એ દેવના દિધેલ સંતાનો જેમને એ ખબર નથી કે કોમ્પ્યુટર લેન્ગ્વેજ “જાવા” માં “સિમ્બોલ નોટ ફાઊન્ડ એરર”- જાવાને રિઇન્સ્ટોલ કરવાથી સોલ્વ નહિ થાય! ;)

કોઇના ટેક્સ રિટર્ન્સના અહિં લીરાં ઉડૅ છે અને કોઇની પોતાની માર્કશીટ માટેની માહિતિ અધિકારની અરજીઓ ઉડ્યા કરે છે. કોઇ બીજાકોઇને નોટિસ આપે છે અને એમાં બધી ઘોર ખોદે છે..તો કોઇકને એ પરવા છે કે રાજ્યસભાના મેમ્બર્સની વેરાઈ/ઢોળાઈ રહેલી આ અંગત વિગતોને કેમ સાચવવી !

અને..મેં -પ્રામાણિકતા/વિદ્રોહ/આદર્શો/નૈતિકતા અને દેશભક્તિના જાણે કોઇ કળિયુગીય અભીશાપથી પીડાતા મહાન નિખિલ શુક્લએ – ભુતકાળમાં ડહાપણથી ઉપરવટ જઈને અમુક લોકોને સામેથી કહ્યું હતું, એમની વલ્નરેબલ સ્થિતિ અંગે, એના જોખમો અંગે, ક્યારેક સામે ચાલીને કોઇ બિનધંધાકિય સંગઠનને કોઇ નાણાકિય કે કોઇપણ પ્રકારના વળતરની અપેક્ષા વગર રિકવર કરી આપવાની તો..ક્યારેક તો સિધો મને જ કોર્ટમાં ખેંચી જવાની ધમકીઓ આપી દિધી હતી ઘણાં દુનિયાદાર સજીવોએ ! ;)

..પણ સિગરેટનો ધુમાડો અને બ્લેક કોફી અને બેકગ્રાઉન્ડમાં વાગતી ગઝલ અને સ્ક્રોલ થતી ટર્મિનલ સ્ક્રિન અને પેકેટ્સ ના ડમ્પ અને એન્કોડિંગ અલગોરીઘમની કરામાતો..જીવવું સહ્ય નથી બનાવતાં, એ એને ઘગઘગતું બનાવે છે !

સમાંતર વિશ્વ! દરેક વ્યક્તિનું એનું પોતાનું એક બ્રહ્માંડ એના પોતાના ભૌતિકશાસ્ત્રિય નિયમો વડે ચાલતું હોય છે જાણે કે! હું નજર કરું છું અને લોકોના માથાં અને એમની આસપાસ જાણૅ કે મને કોઇ થ્રી-ડી ની જેમ એમના આભામંડળ / ઓરા ની જેમ એક અલગ જ બ્રહ્માંડ દેખાય છે ! ;) અને.. કંઈક ગમગીન વિચારોને ખંખેરી નાંખવા માટે પેલા હાસ્યાસ્પદ બબુચકોને યાદ કરવાના જે સોશિયલ મિડિયામાં કોઇને બ્લોક કે અન-ફ્રેંડ કરીને પોતાને સિક્યોર/ઉસ્તાદ/ ટેકનોક્રેટ સમજે છે! ;) અગ્નાનતા એક આશીર્વાદ હોય છે આવા માણસો માટે ! એમના શરીરની આસપાસ દેખાતા આભામંડળમાં જાણે કે એમની અગ્નાનતાની ખુશીઓના રંગીન ડાઘાઓ દેખાય છે મને.

હું ગુનેગાર છું કે ન્યાયાધીશ કે વ્હિસલ બ્લોઅર હોઇશ કે પછી..અવકાશનો કોઇ રખડતા ધુમકેતું હોઇશ કદાચ! લાઈફમાં કોઇ મઝા નથી. દરેક મઝા ઉભી કરવી પડે છે. પ્રેમ/આવેગ/સંવેગ/લાગણી/કરિયર/લોકો/જનતા/લોકશાહી..એના મુલ્યો અને એનો હ્રાસ, બંધારણની ૩૭૦ ની કલમ અને અલગાવવાદ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સીટી અને..કોઇએ કહેલા “આઇ લવ યુ” થી “આઇ હેટ યુ” સુધીના રંગો..બધું જ..બધું જ કોઇ આનંદ, કોઇ મઝા નથી આપતું. પણ…મુક પ્રેક્ષક બનીને જોઇ રહેવાનું અમે શિખ્યા નહોતાં ટ્રેનિંગમાં. “વ્હાય શુડ આઇ ?” નો પ્રશ્ન ક્યારેય થવો નહોતો જોઇતો દેશભક્તોની જમાતને. પ્રશ્ન એક જ શોભતો હતો અમને – “હું કેમ નહી !?”. મોડી રાત્રે જંગલમાં ઇન્સાસ રાઈફલ અને એક બેટરી અને પાંચ રાઉન્ડ ડમી-શેલના સથવારે આખા કેમ્પની વરુઓ/શિયાળવા અને કોઇ આદીવાસીઓથી બચવા ચોકીદારી કરવાની હોય કે કોઇ જુના ભુલાઈ ગયેલા કબ્રસ્તાનમાંથી છુટાછવાયાં લાકડાઓ વડે તાપણું પ્રગટાવવાનું હોય કે, કોઇ ઇજાગ્રસ્ત કેડેટ્સને ટેકો આપવાનો હોય કે અડધી રાત્રે કોઇ કામ માટે ફટાફટ યુનીફોર્મ પહેરીને તૈયાર રહેવાનું હોય કે..કોઇ દિવાસ્વપ્ન..કોઇ કિશોરાવસ્થાની કોઇ જાંનિસાર અભિલાષાની જેમ..માતૃભુમીની સરહદો ઉપર દુશ્મન હરોળની સામે, બોર્ડર લાઈનની પેલે પાર, ઘાંટા-બરાડા પાડીને એસોલ્ટ રાઈફલ ધણધણાવીને દોડી જવાનું હોય..ક્યારેય પાછા ના આવવા માટે. વિદ્રોહી સ્વભાવ, દેશભક્તીનું એક અસામાન્ય સ્તર હકિકતે જીવવું અઘરું કરી નાંખે છે. પ્રેમ/વિજાતીય આકર્ષણ/ગ્લેમર/અય્યાશીઓ/કરિયર અને જીવનના તમામ મંઝિલ-એ-મકસુદ ના મનોરથો ક્યાંક છુપાઈ જાય છે,એ વણકહ્યા પણ રહે છે અને ખુંચતા રહ્યા કરે છે.

..કોણ..કોને..ક્યારે..કેમ..કેવી રીતે..?! આ બધાંજ પ્રશ્નોના જવાબો સ્વયં પ્રશ્નો જેટલા આહલાદક નથી હોતાં! અને આપણે..અચાનક ઉભા થઈને બે કલાક થી પડી રહેલી અને હવે ઠંડી થઈ ગયેલ કોફીને ગરમ કરવા જવાનું..અને ગેસની આગળ ઉભા ઉભા વિચારે ચઢી જવાનું..ગરમ કરવા મુકેલી કોફી ઉકળી જાય ત્યાં સુધી થોડી ચહલકદમી કરવાની..થોડી સ્વસ્થતા જાળવવાની..અમૃત ઘાયલ અને મરિઝ ના પસંદીદા શેરના વર્ણસંકર વર્ઝન બનાવવાના..અને હવે રજા આપો મને.. મને અંધારા બોલાવે..મને પડવા આવેલી સવારના અજવાળા બોલાવે..ટર્મિનલના એસ્કેપ કેરેક્ટર્સ બોલાવે ! ;)

[ફેસબુક બેક ઓન ધિસ ડે અને પાછલા કોઇ વર્ષે , કોઇ મોડી રાત્રે સાતત્ય – કરંટ અફેર્સ – માં મુકેલી પોસ્ટ ]

અતીજ્ઞાની સહદેવનું ડહાપણ !

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: