સારાં જહાં મસ્ત, જહાં કા નિઝામ મસ્ત

0

અને સાલો હેંગઓવર ! ટેકનોક્રેટ હોવાનો,બેફિકર અને બોઝિલ અને મુસ્તાક હોવાનો, પડશે એવા દેવાશેની મદહોશી અને વર્તમાનની સાક્ષીએ રહેલી બદહવાસી અને બદગુમાનિ અને બદ-જવાનિ નો નશો, કૈફ.

મઝા છે નશામાં રહેવાની કૈફદાર રહેવાની, સિગરેટના ધુમાડાને એકદમ સ્વપ્નિલ આકારોમાં ફેલાતો જોઇ રહેવાની અને એ ધુમાડાનો પણ નશો કરવાની!

ઝાડ/જંગલ/પથ્થર/કાંટા/ડામરના રસ્તા/ઉડતી ધુળ/ આવતી જતી ટ્રકોનો હવાનો ધક્કો / હેલમેટના કાચ ઉપર બાંઝી જતાં પાણીના ટિપાંઓ/નિતરતા કપડાં અને હવાઓની થપાટો અને આ બધાંજ નશાની સાથે એક બિજો નશો, ગામડાંઓની હજુ આધુનિક નહી થયેલી અને અસ્તવ્યસ્ત વાળ સાથે હેંડપંપ માંથી પાણીની ડોલ અને માટલાં ભરનારી અને એમ જ કોઇ કારણ વગર ચહેરાની રેખાઓને સહજ રીતે બદલાવા દઈને હસી પડનારી કોઇ એટિકેટ વગરની, બકરીઓ અને ઘેટાં અને વાછરડાંને સાચવતી/ચરાવતી,અલ્હડ થોડી શ્યામ અને પરસેવાથી લસ્ત, સ્ત્રીઓ અને છોકરીઓ ! ;)

અને ઘરઆંગણે જ શરૂ કરેલી નાનકડી હોટેલમાં ચહા બનાવતી અને કંઈક મુંઝવણથી દુર રાખેલા ટિ.વી. ને એના રિમોટ કંટ્રોલ વડે, કંઈક સેટિંગ્સ કરવા મથતી, અને મુંઝાઇ જનારી અને હું એને જોઇ રહ્યો છું એ બાબતે સહસા ખડખડાટ હસી પડનારી એક છોકરી જોઇ અને બરબસ, નુસરત ફતેહઅલી કાનોમાં ગુંજવા લાગે !

પછી, ગરમ કર્યા વગરના દુધની ચહા પીતી વખતે મહાગુજરાતની દારૂબંધી ઉપર હસવું આવી જાય તો નવાઈ નહી લગાડવાની ! ;)

અને પછી તો બાઇક અને રસ્તાઓની નિયતી જેવી જ હસ્તરેખાઓ ધરાવતાં આપણે ઉપડી પડીએ અને ચાલુ બાઇકે હેલમેટની અંદર જ ગુંજતો આપણો પોતાનો જ અવાજ,

“યે જો હલ્કા હલ્કા સુરુર હૈ યે નઝર કા તેરી કુસુર હે , મુઝે શરાબ પીના શિખા દિયા,
તેરે પ્યાર ને તેરી ચાહ ને તેરી બહેકી બહેકી નિગાહ ને મુઝે એક શરાબી બના દિયા ”

નશો એટલે શું અને સુખ કે દુઃખ એટલે શું ? હાડમારીઓની તિવ્રતાને કેમ માપવાની અને એ બધાંથી’ય ઉપર શું વ્યાખાઓ અને વિચારધારાઓ અને મંતવ્યો અને અભિપ્રાયો ? કોણ નક્કી કરશે કે કયા દુખથી દુખી થવાનું વિગતોના ચોક્કસ કેટલા જથ્થાને સુખની પરિઘિમાં ગણવાનું ? જીવનની કોઇ રૂલબુક નથી હોતી એમાં કોઇ આચારસંહિતાઓ નથી હોતી. કોઇ સમયમર્યાદા કે ડેડલાઈન નથી હોતી, “સુખ સપના, દુઃખ બુલબુલા દોનો હે મહેમાન ” – ની જેમ જ, જે કંઈ આવે છે એનું એક પ્રયોજન છે, કોઇક અગમ્ય/છદ્મ પ્રસ્તુતતા છે, નશાની તો આમપણ કોઇ વ્યાખ્યા નથી ને વળી ! અને એમાં’ય જીવનનો અને આનુષાંગિક બાબતોનો નશો તો,બુઝો તો જાને !

“યે શરાબ કૈસી, ખુમાર કૈસા યે સબ તુમ્હારી નવાઝિશેં હે
પિલાઈ હે કિસ નઝર સે તુને, કિ મુઝકો અપની ખબર નહી હે ”

રસ્તે રખડતાં/ જીવતાં ભિખારિઓ અને લાવારિસોને કોઇ તકલિફ નહી પડતી હોય ? અનાથાશ્રમોમાં રહેતાં બાળકોની પાસે નહી હોય ઇચ્છાઓ/અરમાનો/આકાંક્ષાઓની લાશો ? કોઇ ડિવોર્સીને વિતેલી રોમેંટિક ક્ષણો યાદ નહી આવતી હોય ? ભાડાના ઘરને ખાલી કરવાની ચિંતા કયા ભાડુઆતને નથી હોતી ? મોટાભાગનો પગાર હપ્તાઓ ભરવામાં વપરાઈ જાય એ વસવસો કયા મધ્યમવર્ગિય સજીવને નહી થતો હોય ? અને પોતાના જ એક ભાગ જેવા નિહારિકાઓ/નક્ષત્રો/તારાઓને બ્લેકહોલ બની જતાં જોઇને,શું સ્વયં બ્રહ્માંડના મનમાં સુપરનોવા નહી અનુભવાતો હોય ? ” તને પીતાં નથી આવડતું ઓ મુર્ખ મારા,”- બાકી તો સુખોની એકવિધતા અને બોરિંગ-પણાં સિવાય બધું સારું જ છે !

હાડમારીઓ અને જખ-મારીઓ, રણમાં દુરથી પાણી ભરવાનું અને લાઈટ વગરના ઘરમાં રહેવાનું , પંક્ચર થયેલી બાઈકને ખેંચવાની અને એની સાથે મનોમન અલ્ટ્રાસોનિક ફ્રિકવન્સીમાં પાછલી રખડપટ્ટીઓની વાતો કરવાની અને સાથે પરસેવે રેબઝેબ થવાનું, ગરમીથી ગળું સુકાવા દેવાનું અને કોઇ હેંડપંપના હુંફાળા પાણીથી બફારો અનુભવવાનો, રડવાનું/હસવાનું/પેટમાં દુખાડવાનું/કોણી છોલાઈ જવા દેવાની અને સેડલ-સોર નો જલસો કરવાનો..

“સારાં જહાં મસ્ત, જહાં કા નિઝામ મસ્ત
દિન મસ્ત રાત મસ્ત સહેર મસ્ત શામ મસ્ત
દિલ મસ્ત શિશા મસ્ત, સબુ મસ્ત, જામ મસ્ત,
હે તેરી ચશ્મ-એ-મસ્ત સે હર ખાસ-ઓ-આમ મસ્ત..”

જીવનનો એક જ તો શિરસ્તો છે,”બેશ ઓન રિગાર્ડલેસ !” – – જે થાય થવા દેવાનું, જે આવે આવવા દેવાનું, રડવાનું નહી, અફસોસ નહી, વસવસો નહી, વિતેલી રંગીનીઓની દુહાઇઓ નહી અને આવનારી માથાકુટોની બીક નહી,બેફામ રહેવાનું, નિરંકુશ રહેવાનું,જડબાતોડ જવાબ – જેવા શબ્દ ને પ્રાધાન્ય આપવાનું ખુવારીની તૈયારી રાખવાની અને ખુદ્દારીનો નશો કરવાનો, સુખોમાં બે-કૈફ રહેવાનું અને તકલિફોને કૈફદાર બનાવી નાંખવાની. લાઈફને પણ સાલી ખબર પડે કે આપણી જોડે એનો પનારો પડ્યો છે , અને એ બહુ જોરદાર પડ્યો છે ! ;)

“મૈને ઉનકે સામને અવ્વલ તો ખંજર રખ દિયા
ફિર કલેજા રખ દિયા, સબ રખ દિયા સર રખ દિયા
ઔર અર્ઝ કિયા, મેરે બાદ કિસકો સતાઓગે,
મેરી વફાંએ યાદ કરોગે રો રો કે ફરિયાદ કરોગે
મુઝકો તો બરબાદ કિયા હે, ઔર કિસે બરબાદ કરોગે..”

તમે ખૈર,મને અત્યારે અસ્તવ્યસ્ત યાદ આવી રહેલી એ કવ્વાલીની અમુક પંક્તિઓનો નશો કરો ! ;)

યું તો સાકી હર તરહકી તેરે મયખાને મેં હે
વો ભી થોડી સી જો ઇન આંખો કે પયમાને મે હે,

સબ સમઝતાં હું તેરી ઇસ્વ-કારી એય સાકી
કામ કરતી હે નઝર નામ હે પયમાને કા

મેં અઝલ સે બંદા-એ-ઇશ્ક હું , મુઝે ઝોદ-ઓ-કુફ્ર કા ગમ નહી,
મેરે સિર કો દર તેરા મિલ ગયા મુઝે અબ તલાશ-એ-હરમ નહી,

મેરી બંદગી હે વો બંદગી જો મુકિદ-એ-દૈર-ઓ-હરમ નહી,
મેરા એક નઝર તુઝે દેખના બા ખુદા નમાઝ સે કમ નહી,

તુમ્હે ઇતના હોશ થા કબ કહાં ના ચલાઓ ઇસ તરહ ઝુબાં,
કરો મેરા શુક્રિયા મહેરબાં, તુમ્હે બાત કરના શિખા દિયા,

—–
ઇસ્વ-કારી=ચપળતા
મુકિદ-એ-દૈર-ઓ-હરમ = ધાર્મિક/પવિત્ર સ્થાનો સાથે સંકળાયેલું/જોડાયેલું

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: