દુઃખો અસ્તિત્વનો આકાર !

0

..અને દુઃખો આવવા જોઇએ લાઈફમાં ! છેવટે એ ભાન રહે કે હજુ કેટ્લું “પાણી” છે આ અસ્તિત્વમાં એના લિટમસ ટેસ્ટ માટે પણ દુઃખો આવવા જોઇએ ! માતાના ગર્ભમાં તરલ/પ્રવાહી દ્રવ્યોની ગુંગળામણથી લઈને એ જ પ્રવાહિમાં ઠરીઠામ થવા સુધી અને એને છોડતી વખતની વેદનાથી જ તો આ ઇન્દ્રધનુષી જીવનની શરૂઆત થાય છે. તો પછી કેમ દુઃખો ને હિનદ્રષ્ટિએ જોવામાં આવે છે ? આ દુઃખો જ તો હોય છે જે અસ્તિત્વનું ભાન કરાવે છે, માણસ હોવાની ઉપલબ્ધિઓથી રૂબરૂ કરાવે છે. એ ઉભા કરે છે , પછાડે છે, રડાવે ,હસાવે..શુન્યમનસ્ક કરી નાંખે કે પછી “…મસ્ત પાગલનો જલાલ..” બતાવ્યા કરે છે !

દુઃખોનો વાંક શું છે ? એજ કે એ આપણી સામાન્યતઃ અનુકુળતાઓને હડસેલી દે છે ? કે પછી એ આપણી અ-ક્ષમતાઓ અને ઇનકમ્પિટન્સીને ખુદ આપણી આગળ ઉજાગર કરી આપે છે ? કે પછી આપણા અભિમાન અને વટ અને હોંશિયારી નું “ટાંય ટાંય ફિસ” કરી નાંખે છે એટલા માટે ? કે પછી માણસના સર્વશક્તિમાન હોવાના ગુમાન – અભિમાન નહિ – ને પડકારે છે ? કે પછી એટલા માટે દુઃખો ત્યજાતા હોય છે કેમકે, એ “બાય ડિફોલ્ટ” સડી જવાની નિયતી વાળા જીવનને છંછેડે છે ?!

દુઃખો/જખ્મો/અવસાદ/દુઃખો/ચુભન ની એની પોતાની એક જીવલેણ મઝા/આનંદ/અતિશયોક્તિ-યુક્ત દમામ હોય છે અને એ દમામ માર-માર હોય છે! “..ઉસ રંગ કો ક્યા જાનો પુછો જો કભી પી હે..”!

ગર્ભમાંની એમ્બ્લિકલ કોર્ડ અને પ્રસવ પીડા થી લઈને છેલ્લા શ્વાસોના હિબકાં સુધી, ચહેરાની માંશપેશીઓને હાસ્યથી રૂદન સુધીની કવાયત સુધી, જન્મ અને મરણ અને વિસાલ અને વફાત સુધી, કરૂણ અને રૌદ્ર જેવા માનવીય ભાવો સુધી, કોઇને મળવાની-મળી જવાની ગમગિની થી લઈને છુટા પડવાની ફાટફાટ ખુશીઓ સુધી, અણુઓની શિવતાંડવ જેવી અફરાતફરીથી લઈને..બ્રહ્માંડના ટકી જવા સુધી દુઃખોનું અધિકારક્ષેત્ર બહુ વિશાળ છે, અને સનાતન છે. મગજના ન્યુરોન્સને ઝડપી ચહલકદમી કરવા વિવશ કરે છે એ દુખ છે. અને એ દુઃખો જ તો જીવનને /માનવીય અસ્તિત્વને સવાંરે છે, એને તપવે છે, પ્રજ્વલિત કરે છે. ભડકો થઈ જવાની અને એબ્સોલ્યુટ ટેમ્પરેચર ઉપર ઠરી જવા સુધીની શક્યતાઓ માત્ર દુઃખો જ આપી શકે છે. સુખ..સુખી જીવન..એકધારું સુખી જીવન માણસના અસ્તિત્વને વાસી કરી નાંખે છે ! પછી જીવવાની એ બોઝિલ/ફકિરાના/બેફિકરાના/માયુસ/ઉદાસ/ઢળતી સાંજ જેવી અને ભડભાંખરાંની/ ઝાકળની કેફિયત નથી રહેતી ! સુખો જીવનને શુષ્ક કરી નાંખે છે..અને દુઃખો જીવનના જીર્ણોધ્ધારની અસીમ તકો પુરી પાડે છે.

એ શનિ ગ્રહની પનોતી હોઇ શકે છે અથવા સાડાસાતી નામે કોઇ ભ્રમણા હોઇ શકે છે. મંગળ અને બુધ અને સુર્ય અને ગુરૂની કોઇ અળવિતરી યુતી હોઇ શકે છે અને રાહુ-કેતુ ની કોઇ મસ્તીખોર જુગલબંધી હોઇ શકે છે, એ મુફલિસિનો હેંગઓવર હોઇ શકે અને કુટુંબ વિહોણા હોવાની જાલિમ જયાફતો હોઇ શકે છે. એ પ્રેમભગ્ન હ્રદય હોઇ શકે છે અને..કોઇનું ખુન કર્યા પછીનો સ્મશાન-વૈરાગ્ય હોઇ શકે છે ! પણ દુઃખો સનાતન હોઇ શકે છે. “..સુખ એ અમારા દુખનો ગુલાબી મિજાજ છે…”!

દુઃખો સારાં હોય છે કેમકે એ જીવતાં રાખે છે, સડવા નથી દેતાં, અસ્તિત્વને કોહવાઇ જતાં રોકે છે. જીવનની/આવડતની/હોંશિયારી અને અભિમાન અને ગુમાનના અન-નેસેસરી લેવલ માટે દુઃખો કોઇ પેસ્ટિસાઈડ્સનું કામ કરે છે! દુઃખો માણસને ફાટીને ધુમાડે જતાં અટકાવે છે. શું કરવું જોઇએ એનાથી વિશેષ શું ન કરવું જોઇએ ની એક કાતિલ સમજણ આપે છે. દુઃખો મોંફાટ હસતાં શિખવે છે. સ્થિતપ્રગ્ન અવસ્થાએ પહોંચાડી શકે છે. દુઃખો કર્મયોગી થવાની અનુકુળતાઓ આપે છે. દુઃખો નાસ્તિક બનાવે છે. એ સાડાબારીઓ અને અવળચંડાઇઓ ને ફટવી મારે છે. દુઃખો લઘુતાગ્રંથીને ગુરૂતાગ્રંથીમાં તબદિલ કરી શકે છે. દુઃખો ભગવાન/અલ્લાહ ને મેદાન વચ્ચે ખેંચી લાવવાની હિંમત બક્ષે છે અને દુઃખો..એકલપંડે ઝઝુમ્યા કરવાની તાકાત આપે છે.

આંખો/ઇશારા/ટર્મિનલમાં સ્ક્રોલ થતાં લોગ્સ/લોકો/અડધી-કટિંગ ચ્હા ના છુટ્ટા ૬-૭ રૂપિયાની મથામણ/ખાસ બ્રાંડની સ્પેશિયલ સિગરેટની અવેઇલેબિલિટિ અને સ્કુલ-કોલેજના નવાસવા નાજુક નમણાં ચહેરા અને અચાનક મરાતી બ્રેક અને સામસામે અપાતું કટુતા સભર હાસ્ય અને તાપ અને પરસેવો અને લૂ અને ગરમી , હેંડપંપના પાણીની છાલકો, હાઇવે ઉપર એકધારાં ચાલ્યા જતાં ઉંટો અને ગધેડાઓ અને ટ્રકો અને ધુમાડો..ઉડતી ધુળ અને સિગરેટનો ધુમાડો..આ બધાંની એક મઝા છે..કેમકે દુઃખોએ ખુશીઓ ઉપર ટેક્સ લાદ્યો છે અને આપણે ક્રાંતિકારી છીએ ! એટલે “નમક કા કાયદા તોડ દિયા..” -નો હક ભોગવવો હોય છે અને..

ખૈર..દુઃખો વડે શણગારેલું જીવન સુખો વડે ઉબાઇ ગયેલા જીવન કરતાં વધારે સુવાસિત હોય છે , સુખો વડે ઘેરાયેલું જીવન એક ગુલાબિ ઉદાસી આપે છે અને દુઃખો વડે નવપલ્લવિત થયેલું જીવન ફાટફાટ / રંગબેરંગી પાનખર આપે છે ..સુખો જીવનને શક્યતાઓ આપે છે માત્ર પણ દુઃખો અસ્તિત્વને આકાર આપે છે !

“ઇસ કદર અંધેરે કુંએ મેં ઝાકને સે ક્યા દિખેગા…
..કોઇ પથ્થર ઉઠાઓ ઔર ફેંકો…
..પાની હોગા તો ચિખ ઉઠ્ઠેગા….” _?!

..તમને દુઃખોએ કઈ ઉપલબ્ધિઓ વડે નવાજ્યા છે ? એ કહો જરા !

[ સાતત્યમાં એક નવો ટોપિક – દુઃખનું સુખ ! ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: