રાત્રી કાળીડીબાંગ સુંદરતા!

0

“રેખા ભારદ્વાજ” ના – “રાત સે રુખી ક્કોયલ સે કાલી..રાત કટેના હિજરાંવાલી..” થી લઈને “અક્સ” ના “..કાલી ઝહેરીલી રાત.સન્નાટે કી રાત..યે રાત ” – સુધી ઘણીવાર મેં રાત/રાત્રી વિશે કહ્યું છે, રખડ્યો છું રાત્રે હાઇવે થી લઈને વગડાઓ અને સ્મશાનો સુધી. અને..”હારૂન” ની મૃત્યુતિથીએ મોડું થયું હતું તો ગુલાબની ચાદર ચઢાવવા મોડીરાત્રે ગયો હતો કબ્રસ્તાનમાં અને ભડભાખરાં સુધી બેસી રહ્યો હતો હારુનની દોસ્તી અને સિગરેટના ધુમાડા સાથે.. ખૈર, મઝા છે કબ્રસ્તાનની પણ !
———
રાત્રી..મધરાત્રી..સુની..સુનકારભરી રાત્રીઓની એક અખંડ યાત્રા. નિરવતા અને નિર્લેપતા અને નિરાકાર જેવા શબ્દોને ભુમિતિની જેમ આકારો આપી શકાય એવી રાત્રીઓ. સુપર કોમ્પ્યુટર પણ જ્યાં દશાંશ ચિહ્ન પછી બે-અબજ આંકડાઓ ગણી લે છતાં શુન્ય ન મળે એવા “પાઈ વેલ્યુ” ના ભેદભરમો જેવી રાત્રીઓ. અને Mac Os X 10.9 ના સ્ટીવજોબ્સ ને સ્વર્ગમાં જતાં અટકાવતો Hard Link Memory Corruption નો એકાદ એક્સપ્લોઇટ રન થાય અને ઇનફાઇનાઇટ લુપમાં જતાં રહેતાં રેફરન્સિઝ જેવી અનંત રાત્રી. કાળી અને ભેદભરમ વાળી રાત. જ્યાં અંધારાનો સદેહે સાક્ષાત્કાર થઈ શકે એવી રાત્રી.

ખુલ્લા વગડાની કે હાઇવે ઉપરની કે અંધારા માં એકલતાને માણતાં હોવાની કે કોઇ અજાણ્યા વિસ્તારમાં મોડીરાત્રે પંક્ચર પડેલી બાઇકને દોરીને અંધારામાં ચાલ્યા કરવાની રાત કે કોઇ નાના ગામડાનાં રેલ્વે પ્લેટફોર્મ ઉપર બાઇકને રિપેર કરવા માટે સવાર પડવાની રાહ જોવામાં વિતતિ રાત. IRCTC જોડે બથ્થંબથ્થાં(!) કરીને બુક કરાવેલી સ્લિપર બર્થ માં સવાર સુધી સ્લિપ-લેસ રહિને પસાર થતી રાત..સિગરેટને ખુટાડી દેતી અને પાણીની બોટલોને ખાલી કરી નાંખતી રાત..

ઉમદા ગાયકો અને બેફામ ગાયકોના અવાજો અને સુર માં ઓગળતી/ગુંજતી રાત અને “હરિહરનના” જુના આલબમની કોઇ અણધારી ગઝલ વડે સોપો પડી જાય એવી રાત અને ગઝલો વડે જાહોજલાલ થતી રહેતી અંધારી રાત. ઘેરાતા અવાજો અને ગુંજતા ઇન્સ્ર્ટુમેન્ટ્સ ક્યારેય દિવસે આવા નથી ગુંજી શકતાં અને છતાંય, સદાય મહાભારતના “મહારથી કર્ણની” જેમ વિના કારણે ઉપેક્ષિત અને અસ્પૃશ્ય રહેતી રાત. અને તોય “ગંગાપુત્રની” જેમ નિશ્ચલ રહેતી રાત, “કૃષ્ણની” જેમ હરપનમૌલા ઉડતી રાત અને તમામ વાસ્તવિકતાઓને કમશઃ એમના અનુક્રમે એમના ગર્ભમાં જ ઢાંકી દેતી-રાખતી રાત..

કાળી અંધારી રાતોની એની એક અલગ જ સુંદરતા છે. મને હંમેશા અંધારી રાતો કોઇ સ્ત્રી જેવી લાગી છે ! એવી સ્ત્રી જે માત્ર આંખો અને વર્તનથી જ પોતાને કહેવાનું બધું કહિ શકે ! જ્યાં શબ્દો જરૂરી ન હોય બલ્કે, શબ્દોનું અસંબધ્ધ સ્વરો અને વ્યંજનો માં વિઘટન થઈ જાય ! અને ત્યારે રાત ખિલે છે/ફાટે છે, અચાનક હસવું આવી જાય છે, પવનની થપાટો અને લહેરખીઓ અનુભવાય છે , જ્યારે શરિર પરના રૂંવાડા મિલિયન્સ ઓફ સેન્સર્સ ની જેમ વર્ત્યા કરે અને આંખો કોઇ ધ્યાનની સર્વોચ્ચ સિમાએ ખુલ્લી રહીને પણ કંઈ ન જોઇ શકે ! અને એ રાત હોય છે. અંધારી/કાળી/અદ્રશ્ય/અતાગ/અગાથ અને જેને બાથ ન ભરી શકવાની અક્ષમતાઓ અચાનક મોંફાટ હાસ્યમાં તબદીલ થઈ જાય !

..અને રાત્રીઓ બ્રહ્માંડ સાથે જુગલબંધી કરી શકવાની અદમ્ય/અદભુત તકો આપી દે છે. અસંખ્ય પ્રકાશવર્ષ દુરના સુર્યો અને પદાર્થો ની વસ્તી અનુભવાય છે. ધ્રુવ નો તારો હોય છે અને ગુરૂ હોય છે અને મંગળ પણ દેખાય છે અને કંઈક બિજા અનામી તારાઓ અજાણ્યા નથી રહેતા પછીથી. એસ્ટ્રોનોમિકલ સોસાયટીની જેમ એમના નામ નથી પાડવા પડતા, એ બસ ઓળખાઇ જાય, અને ન પણ ઓળખાય અને પ્રકૃતિનું વિશ્લેષણ કરિને ક્યારેય એ સમજાતી નથી એને સમજવા માટે પણ એને અનુભવવી પડે છે..

..અને રાત્રીઓને ચાહવા માટે, એની કાળીડીબાંગ સુંદરતાને આવકારવા માટે માંસ અને લોહિના અમુક તમુક જથ્થાની “હોમો સેપિયન્સ” ઓળખ છોડવી પડે છે. પ્રકૃતિ નબળા મનના લોકોને સૌંદર્ય નથી બતાવી શકતી બલ્કે, નબળા લોકો પ્રકૃતિને જોઇ જ નથી શકતાં. પેલી હોલિવુડની “અવતાર” ફિલ્મમાં એની હિરોઇન કહે છે એમ..”સ્કાય પિપલ કેનોટ લર્ન, યુ ડોન્ટ સી…” ! ;)

ખૈર, તમે કહો કે તમે કેટલી હદે જલસો કરો છો રાતનો..અંધકારનો..?! આ ટોપિક એના માટે જ છે ! :)

[ સાતત્ય – મુખ્ય ફોરમમાં એક નવો ટોપિક ! – “મોડી રાત્રીઓની સુંદરતા” ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: