એક અસ્તવ્યસ્ત કોલાજ છે..

0

અને વાસ્તવિકતા ક્રુર હોય છે. બુધ્ધિની એની પોતાની આડઅસરો હોય છે. પ્રેમના એના મૌલિક ગેરફાયદાઓ હોય છે,અને મગજની એની પોતાની એક સિમાઓ હોય છે અને નૈતિકતા અને પોતાના માથે પડેલી કે પોતે આવિષ્કાર કરેલી શરતોની કદાચ કોઇ અવધિ હોતી હોય છે ? કે હોતી હશે કદાચ કે પછી હોવી જોઇએ કદાચ કે પછી એવી કોઇ સિમાઓ નહી હોતી હોય કે કદાચ આવું કંઈ હોતું જ નહી હોય !

અને અઘરું હોય છે, એમ ખોવાઇ જવું ! કોઇની લાલાશ કે ગુલાબીપણામાં માં ઓગળી જવું અને એ બહુ મુશ્કેલ હોય છે એમ બદલાઇ જવું .કેમકે વાસ્તવ ક્રુર હોય છે !

ક્યારેક વિચારે ચઢી જઊં છું કે પ્રેમની/લાગણીઓની/સંવેદનાઓની/સંબધીઓની/માર્ગદર્શકની , ગેરહાજરી એટલી દુઃખદ નથી હોતી જેટલી દુઃખદ એના હોવાની ગેરસમજ હોતી હોય છે અને એકલા રહેતાં , એકલા રહેવા લાગેલા લોકો બહુ અઘરાં હોતા હોય છે ! અને એકલા લોકો પહાડ પરથી ગબડતાં પથ્થર જેવા હોય છે. ફુલ ઓફ મોમેન્ટમ ,ફુલ ઓફ એનર્જી અને દિશા એક જ તળેટી અને લક્ષ્ય એક જ જે માર્ગમાં આવે એને અડફેટે લઈ લેવાનું. કાં તો અડચણોને તહસનહસ કરવાની કાં તો પોતે ટુકડેટુકડા થઈ જવાનું. કેમકે ,એ એક પુરૂષ એકવચન છે અને એની પાસે બીજા પુરૂષ એકવચનના બીજા વિકલ્પો નથી હોતાં !

એ એક જ હોય છે અને એક જ હોવાનું હોય છે અને બીજા નંબરની ,બીજા તબક્કાની,બીજા વિકલ્પોની બીજા વિચારની, બીજા ઠેકાણાઓની, બીજા આધારસ્તંભોની એને મનાઇ હોય છે. એ એક જ છે અને એના વિકલ્પો એક જ હોય છે.

અને આવા નમુનેદાર/તુમાખીભર્યા/ઉધ્ધત/મિજાજી/ઘમંડી લોકોએ ચહેરા ઉપર નહી હ્રદય ઉપર ટેટુની નિડલ વડે ચિતરામણ કર્યું હોય છે. સુખ કે દુઃખને એના ફાટી જવા સુધી સાચવી રાખવાની મહારત કેળવી હોય છે. ભેગા કરેલાં અપમાનોની , કટુવચનનોની એક નક્કાશી કરી હોય છે. મરેલી ઇચ્છાઓ અને મનોરથોની એક લોન હોય છે જેના ઉપર ચહલકદમી કરી હોય છે. સત્ય અને વિવેક અને સમજણ અને નૈતિકતા, ચારિત્ર્યની બેમિસાલ વ્યાખ્યાઓ બનાવી હોય છે અને અભિમાન અને ગુમાન શબ્દોના તફાવતોને સજાવ્યા/સંવાર્યા હોય છે અને એક અસ્તવ્યસ્ત કોલાજ હોય છે આછાં યાદ રહેલા ચહેરાઓ અને ઘટનાઓ અને નોટના પાનાઓ ના મનઃચિત્રો વડે બનેલું !

પ્રેમ એ જીવનની એક પુરક બાબત છે અને સ્વયં જીવન નથી એવા કોઇ સત્યને જાણ્યું હોય છે લાગણીઓનું અલ્પજીવી હોવું અને ખોટાં ફેકાંતા રહેતાં સ્મિત અને હાસ્યનો તાત્વિક અને તાર્કિક ફરક સમજ્યો હોય છે અને બેઇમાની અને બે-માની ના અર્થો પચાવ્યા હોય છે અને આવા આ તુંડમિજાજી લોકો મુસ્તાક હોતાં હોય છે એમને અભિમાન હોય છે .જીવનની કઠણાઇઓ ઉપર, એની ધુમાડો થઈ જવાની નિયતી ઉપર, જીવનના ક્ષણભંગુર હોવા ઉપર એ અટ્ટહાસ્ય કરતાં હોય છે. કદાચ મરવું એ એકમાત્ર સહેલો ઉપાય હોતો હોય છે એટલા માટે !

ખૈર,એક અસ્તિત્વ, એક વિચાર, એક જીવન, એક ભડકો, એક ઘાવ, એક દિશા, એક મૃત્યુ અને અનેક શક્યતાઓ !

એકલતાં અને એકલા હોવું એ બંનેમાં ફર્ક છે અને સમાનતાઓ અને ફાયદા અને ગેરફાયદા પણ છે. તમે કેટલા જોયા કે સહ્યા કે માણ્યા ?

[ #saatatya – મુખ્ય ફોરમ. એક નવો ટોપિક અને એક નવી ચર્ચા : _એક અને એકવચન_ ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: