બંજારાનામા !

0

..હું બહુ મોટી તોપ છું! અને ઘણાંય ભડાકા કરેલા છે. એકવાર નાનપણમાં ડોકટેર કહ્યું હતું કે..”નિખિલને થોડીક અસ્થમાનિ અસર જેવું લાગે છે..જો કે હજુ મોટો થશે એટલે સારૂં થઈ જશે..”- અને એમના “મોટાં” થવાના ઉંમરના આંકડાઓ આવે એ પહેલાંજ એ ડોક્ટરે મને પુછી લીધું હતું..”હવે તો મોટો થઈ ગયો ને બાબલા..હવે કેવું છે …” , મેં કહ્યું “સ્કાઉટમાં નેશનલ-જાંબોરીમાં જવાનો છું અને હમણાંજ બે એવોર્ડ મળ્યા સ્કાઉટમાં સ્ટેટ-લેવલના !” ડોકટર બિચારા સુખદાશ્વર્ય માં હસી પડ્યા!

“નેશનલ ડીફેન્સ એકેડેમી” માં હું જઈ ન શક્યો. છેક છેલ્લા ઇન્ટર્વ્યુમાંથી બહાર આવ્યો. મારી ઉંમર લગભગ અઢી-ત્રણ મહિના વધારે થતી હતી અને એનું કારણ એક અલગ ગાથા છે. પણ એ પહેલાના તમામ તબક્કાઓમાં, લેખિત પરિક્ષામાં હું સારા રેન્ક સાથે પાસ થયો હતો અને ફિઝિકલ ફિટનેસમાં મને A+ ગ્રેડ મળ્યો હતો બલ્કે, મેં લઈ લીધો હતો !

એકવાર સાલાઓ કોલેજમાં કોઇ મને નવા નવા C language નો કોડ બતાવવા આનાકાની કરે અને એક દિવસ એક મારી ફ્રેંડલીસ્ટ માં આજેય છે એવા એક સરે કહી દીધું કે..-“આ શું વારેઘડીએ પુછવા આવી જાવ છો..”- ખલ્લાસ! આજે પણ એ સર સાથે કોઇ દુશ્મનાવટ નથી પણ એ ફર્સ્ટયર ના નવાનવા દિવસો પછી એ સર ને ક્યાંય કંઈ નથી પુછ્યું! મે કેન્ટિનમાં ઉભરો ઠાલવ્યો હતો..”તમે લોકો શું કોડ કરો છો..કોડ તો એક દિવસ હું કરીશ..અને એ હું નહી બોલુ..ઈતિહાસ બોલશે..હા..હા..હા” – બધાં હસ્યા..હું પણ હસ્યો. વેલ..મને ખબર છે કે આજે મારી સાથેના બિજા કોઇ કરતાં હું વધારે પ્રોગ્રામિંગ લેન્ગ્વેજ જાણું છું અને નવાનવા નામો ઉમેરાતાં જાય છે..

Windows/solaris/linux/unix/bsd..કોઇપણ ઓપરેટીંગ સિસ્ટમ હોય કે કોઇ પણ ડેટાબેઝ હોય કે કોઇપણ પ્રોગ્રામિંગ હોય. મને બધું પરિચિત લાગે છે. કોઇપણ એડિટર હોય/IDE હોય..સબ ચલતા હૈ. લોકોને કોઇ ટેસ્ટ-સર્વર બનાવતાં પણ ઘણીવાર એકાદ અઠવાડીયું લાગે છે અને મેં એવા ઘણાં સર્વર ઘણીવાર સવારથી બપોર કે બપોર થી સાંજ સુધીના અડધા દિવસમાં તૈયાર કરી નાંખ્યા છે. કોઇ એક માણસ માટે અઘરા કહેવાય એમ એકસાથે એક કરતાં વધારે અને વિભિન્ન પ્રોજેક્ટ્સ ઉપર એકસરખી રીતે હું ઓળઘોળ થઈ શક્યો છું અને..ઘર છોડ્યું ત્યારે “હું સિધો(!) થઈ જઈશ..” – એવા સમાચાર હતાં જે પછી અફવા થઈ ગયાં! મારી જાણમાં મારાથી સારો બાઈકર નથી અને બાઈક ઉપર 104/105 ના આંકડાઓ હું ક્યારનોય વટાવી/પહોંચી ચુક્યો છું..વાહ !

શું લખું મારા વિશે ?! કેટલું લખું !? શબ્દો નહી ભાષાનું બંધન હશે કદાચ. જે સારું/સાચું લાગ્યું એ ધરાર કર્યું છે ગમે તે વિરોધ હોવા/થયા છતાં અને જે ખોટું ગણ્યું છે એ તમામ અનુકુળતાઓ હોવા છતાંય નજીક નથી આવવા દિધું. હું બેમિસાલ છું. મારા વિશે દંતકથાઓ બનવી જોઇએ.

..મને ખબર છે કે જે જીવન હું જીવું છું એ સ્વપ્નકથાઓ જેવું છે. લોકો એવી રીતે જીવવા ઇચ્છે છે પણ, એ જીવનની હાલાકીઓથી ડરીને એનિ ખુશીઓ નથી મેળવી શકતાં.

..પણ..પણ..ક્યારેક રાત્રે મોડા બે-ત્રણ ટર્મિનલમાં સ્ક્રોલ થતાં લોગમાં કે કેપ્ચર થતાં પેકેટ્સના આઊટપુટના ડમ્પ માં હું સ્થીર જોઇ રહું છું. ક્યારેક ચશ્માના કાચની આરપાર તો ક્યારેક ચશ્માના કાચની ઉપરની કિનારી ઉપરથી તો ક્યારેક ચશ્મા વગર. નગ્ન આંખોથી નગ્ન સત્ય જોઇ રહું છું..આ “આલ્ફા-ન્યુમરિક કેરેક્ટર્સ” ની દુનિયાનું.

..અને અચાનક કોઇ હ્યદયરોગના હુમલાની જેમ વિચારે ચડી જાઊં છું કે શું અર્થ છે આ પરિશ્રમનો ? કોણ મારી નોંધ લેવાનું છે ? અને કોઇ શું કામ એવી નોંધ લે ? અને બિજુ કોઇ નોંધ લે કે ન લે હું કરીશ શું આ બધાનું ? એકદિવસે થોડાંક લાકડાં ઉપર સુઈ જવાનું છે અને એમની સાથે જ રાખ થઈ જવાનું છે. અને મારા શરીરની રાખ અને લાકડાંની રાખનું બંધારણ પણ કદાચ અલગ નહી તારવી શકાય. પુરેપુરું નહી બળેલા હાડકાનાં ટુકડાઓ મેં જોયા છે અને એ બરછટ હોય છે..વજનમાં હલકાં હોય છે. તો જીવન આખું આ બધું ભારેખમ શું કામ વેંઢારવાનું ?

આ ગઝલો/કવિતાઓ/લખાણ/વાંચન/ચોપડીઓ/સીડી/ડિવિડિઓ/મેગેઝિન/કોડ/કંપાઈલર્સ/બેકઅપ..શું કરીશ આ બધાં ને જ્યારે મારે રાખ થવાનું હશે ? હું મૌતના ઓબ્જેક્ટ્સને કેવી રીતે ડિસ્ટ્રોય કરીશ ? કે પછી મૌત અને જિંદગી વચ્ચે કઈ કન્ફ્યુગીરેશન ની ફાઈલ્સ ને એડીટ કરી શકીશ ? આ મારા “..સ્મરણોના રાજપાટને..” ,”ભગવતી કુમાર શર્મા” ની જેમ હું પણ નહી સાચવી શકું. બધું હવા થઈ જશે અને એને એમ ન થવા દેવા માટે એક્સિલરેટર વડે હું કેટલી “એસ્કેપ વેલોસીટી” મેળવી શકીશ ? આ ખજાનો મારી આવડતનો , મારી ખામીઓ અને ખાસિયતોનો, આ વાંચન , આ ઉજાગરા ના આંકડાઓ ના સિમાચિહ્નો..મારા પછી શું થશે એ બધાંનું ? લગભગ ૧૫૦૦ સેન્ટિગ્રેડની આગમાં કેટલું બચશે ? અને ત્યારે “નજીર અકબરાબાદી” યાદ આવે છે..

“મગરુર ન હો તલવારોં પર મત ભુલ ભરોસે ઢાલો કે,
સબ પત્તા તોડ કે ભાગેંગે મુંહ દેખ અઝલ કે ભાલો કે,
ક્યા ડિબ્બે મોતી હીરોં કે ક્યા ઢેર ખજાને માલો કે,
ક્યા બુક્ચે તાશ, મુશજ્જર કે ક્યા તખતે શાલ દુશાલો કે,
સબ ઠાઠ પડા રહ જાવેગા જબ લાદ ચલેગા બંજારા,”

..આપણને મૌતથી બીક નથી લાગતી બીક હોય છે મેળવેલી સિધ્ધીઓ અને ઉપાધીઓ ને છોડવાની! જીવનને છોડવાનો નહી પણ મનગમતું નહી જીવી શકવાની એષ્ણા માંથી કદાચ મૃત્યુનો ડર આકાર લેતો હશે. દરબદર ભટકીને જોયેલા ગામો, શ્વાસમાં લીધેલી ખુલ્લી/જંગલી હવાઓની સુગંધ , બચીને નિકળી ગયેલા અને પડી ગયેલા ખાડાઓ ની પેર્ટન, એ પથ્થરો અને ઘાસનો સ્પર્શ, એ સોલ્વ કરી લીધેલા ગણિતના કોયડાઓ , સિમ્બોલિક કોપ્યુટેશનના તારણો, અને ફંક્શનલ પ્રોગ્રામિંગની ફિલોસોફી, મચકોડાયેલા હાથના સણકા અને મુઢમારથી સુજી ગયેલા શરીરના ભાગોના દુખતાં અને મજા કરાવતાં સ્પંદનો, પ્રેમનો કરેલો એકરાર અને નહી આવેલો જવાબ અને..એક ચુભન સાથે પોતે નહી આપેલા એક એકરારનો જવાબ, અને એ બંનેની વચ્ચે રહીને પ્રેમને વ્યાખ્યાયીત કરેલી મારી વ્યાખ્યાઓ..કેટલું બધું મેં ભેગું કર્યું છે. એને એમ તો કેમ કરીને છોડી દઊં ? મારી-મારા હોવાની એ બધી બાબતો વાસ્તવિકતા પણ છે અને નિશાનીઓ પણ છે. પણ પછી એ મુંઝવણો ઔર બહેકી જાય જ્યારે નજીર અકબરાબાદી એમ કહિને મીઠું ભભરાવે કે..

“યે ધુમ ધડક્કા સાથ લીયે ક્યોં ફિરતા હે જંગલ જંગલ,
ઇક તિનકા સાથ ન જાવેગા મૌકુફ હુઆ જબ અન્ન ઔર જલ
ઘર-બાર અટારી ચૌપારી ક્યા ખાસા, નૈનસુખ ઔર મલમલ,
ક્યા ચિલમન, પરદે ફર્શ નયે ક્યા લાલ પલંગ ઔર રંગ મહલ,
સબ ઠાઠ પડા રહ જાવેગા જબ લાદ ચલેગા બંજારા,”

…અને આપણે અવાચક કે તો પછી સાલી આ જીવનની રીત શું છે ? એ કેમ છે ? એના આમ જ હોવાનું પ્રયોજન શું છે ? ઇશ્વર નામની વિભાવનામાં જરૂર ક્યાંક કોઇ ખામી છે અને એ ખામી જીવનની રીત-રસમોને ખલેલ પહોંચાડે છે.પણ છેવટે જીવનનો અર્થ શું હશે ? કે પછી કોઇ અર્થ છે જ નહી ?!

દરેક માણસનું જીવન કદાચ અર્થહીન જ હોતું હોય છે, પછી જે તે માણસે એમાં પોતપોતાના અર્થો ઉમેરવાના હોય છે અથવા ઘટાડવાના હોય છે. છેવટે માણસ છીએ, એમ જ કોઇ અસર વિના પસાર થઈ જવું એ આપણી પ્રકૃતી નથી રહી ક્યારેય. આખા બ્રહ્માંડમાં એક માણસ જ છે જે ઇરાદાપુર્વકના પરિવર્તન લાવે છે. બ્રહ્માંડના સત્યોને એ પોતાના સત્યો વડે નવી વ્યાખ્યાઓ આપે છે. સમયનાં અસંખ્ય/અગણિત અંતરાલો જેટલા જુના/જર્જરિત/જરી-પુરાણા આ બ્રહ્માંડમાં એક માણસ જ તો કંઈક નવાજુની કરે છે, જો માણસ એમ કરતાં અટકી જશે તો બ્રહ્માંડ વાસી થઈ જશે.

..અને એ બ્રહ્માંડ બગડી ન જાય, એને સડો ન લાગે એટલે જ કદાચ માણસ કોઇક આંતરમન/સુષુપ્તમનના કોઇ અદ્ર્શ્ય કોડ ને એક્ઝિક્યુટ કરતો રહે છે. આ શાંતીથી બેસી ન જવું, હરહંમેશ કંઈકને કંઈક ગડમથલ/દડમજલ કર્યા કરવી એ કદાચ માણસમાં “હાર્ડ વાયર્ડ” થયેલું છે. એને દોડતાં રહેવામાં જ શાંતી મળે છે, પોતાના અસ્તીત્વને એ તો જ એક વજુદ આપી શકે છે જો એ અ-સ્થીર હોય,ચલિત હોય. માણસ જ આ સચરાચરને નવપલ્લવિત કરતો રહે છે. એ સુનામીમાં તણાઈ જશે, ધરતીકંપમાં દટાઈ જશે, વાવાઝોડાઓમાં ફુંકાઈ જશે, કોઇ અજાણ્યા ગ્રહના વાતાવરણમાં ભઠ્ઠી થઈ જશે કે પછી સુર્યમાળાની પેલે પાર બરફ થઈ જશે..પણ અટકવું એ નહી શીખે.

પણ જો આ જ માણસ હોવાની નિયતી છે તો પછી કદાચ..એ આમ જ બરાબર છે. કેમકે માણસની આ જીવનભરની રઝળપાટ એ સ્વભાવ છે અને ઇચ્છાઓ તો સ્વભાવગત નથી હોતી. અને કદાચ એટલે જ બહુ વિચારીને “..માત્ર કર્મ જ તારું છે ..” – કહું હતું શ્રીકૃષ્ણએ.

હંમમ..તો કદાચ વાત આમ છે કે જો તમે માણસ છો તો જીવનભરની રઝળપાટ તો નક્કી છે અને જો બધું જ સાચવી લેવામાં આવે તો..આવનારી પેઢીઓ શું કરશે ? દરેક યુગના સત્યને વર્તમાન અસત્ય સાથે ઝઝુમવું પડતું હોય છે. અને આ બાબત/ઝઝુમવું દરેક વર્તમાનનું કર્ત્વવ્ય છે અને દરેક ભવિષ્યની નિયતી પણ છે. અને કેમકે આ જ જો નિયતી છે તો એના હોવા ન હોવા અંગે નો કકળાટ નિરર્થક છે. એ છે જ સનાતન સત્યની જેમ અને માણસનું હોવું પણ તો સનાતન જ છે ને.

..તો પછી વાંધો શું છે ? કંઈ નહી ! કદાચ કોઇ વાંધો જ નથી. માણસની બુધ્ધી, એનો અજંપો એને ભ્રમિત કરે છે. સાચો જવાબ કે સાચું સ્વરૂપ આ સંસાર નું આ જ છે કે જીવનભરની રઝળપાટ એટલા માટે છે કે કેમકે જીવન પોતે પણ છે જ! જીવન ન હોત તો જીવનની રઝળપાટ ન હોત પણ એ છે તો એની લાગતીવળગતી બાબતો પણ છે. વાહ !

..મને જીવનની જવાનીનું રહસ્ય સમજાઈ ગયું લાગે છે ! સાથે સાથે માણસ અને તમામ બાબતોનું હોવાપણું પણ હવે સ્પષ્ટ છે. અને સાથે સાથે એની રઝળપાટ અને ભાર નું પણ. મારે સાથે કંઈ નથી લઈ જવાનું, કેમકે એ આવનારી પેઢીઓ માટેનો નકશો છે. ભુલો/ઉપાયો બધું જ મારે આવનારા અનાગતને સોંપવાનું છે, જેમ મને સોંપાયું હતું અને એમ જ ફરી બીજી પેઢીઓને સોંપવાનું છે. અને એમ આ “હોવાપણું” ચાલતું રહેવું જોઇએ. મારી અધુરી મુકેલી ગાથાઓને કોઇક બિજાએ આગળ ધપાવવાની છે અને એના માટે મારે આ બધું ભેગું કરવાનું છે, અને એ તબક્કાના આવતાં પહેલાં મારે મને સોંપવામાં આવેલી ગાથાઓને આગળ ચલાવવાની છે.

હાં, હવે કોઇ સંતાપ નથી. હું કોઇ બેનમુન અસ્તીત્વ નથી પણ મારા જેવા અસ્તીત્વો વડે એક બેનમુન કલાકૃતી બનવાની છે. માણસજાતની હોવાપણાં ની કલાકૃતી! મારા જેવા કેટલાંય ધુનીઓ મારા પહેલાં આવી ચુક્યા છે એમણે એમની રઝળપાટ કરી લીધી છે , હવે મારે કરવાની છે અને ભવિષ્યના બિજા ધુરંધરો માટે એને સાચવી રાખવાની છે.

“ગર તુ હે લખ્ખી બંજારા ઔર ખેપ ભી તેરી ભારી હૈ,
એ ગાફિલ તુઝસે ભી બઢતા ઇક ઔર બડા બ્યોપારી હૈ,
ક્યા શક્કર, મિસરી, કંદ, ગરી ક્યા સાંભર મીઠા-ખારી હૈ,
ક્યા દાખ, મુનક્કા, સોંઠ, મિરચ ક્યા કેસર, લોંગ સુપારી હૈ,
સબ ઠાઠ પડા રહ જાવેગા જબ લાદ ચલેગા બંજારા,”

_નજીર અકબરાબાદી [બંજારાનામા]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: