કશું’ય ભુલાતું નથી !

0

તુને સુરત ન દિખાઈ કભી..વાદા કરકે,
મર ગયે હમ ઉસી વાદે પે ભરોસા કરકે..

એમ જ અમસ્તાં જ આજે “ચાંદ કાદરી” ની ગાયેલી એક કવ્વાલી-કમ-ગઝલ મનમાં રહી રહીને આવતી રહી..”..તેરી યાદ આતી રહી..”- ની જેમ કંઈક અસંબધ્ધ ઘટનાઓ, વેરવિખેર સ્મૃતિઓ, તુટક તુટક દ્રશ્યો, ભુલી જવાને મોકુફ રાખેલી વાતો, આછાં થતાં રહેતાં થોડાંક ચહેરાઓ , “ડોપ્લર ઈફેક્ટ” ની જેમ ધીમાં સંભળાતા અમુક વાક્યો અને જુની નોટો, “નિયમિત રીતે અનિયમિત” લખાતી “ડાયરી”..એના સફેદ કાગળો ઉપરની પીળી છાંય..

માણસ કેટલું યાદ રાખી શકે ? અને કેટલું બધું યાદ રહી જાય છે! ઘણાં વખતથી અધધધ ડેટાને સ્ટોર કરવા માટે “હોલોગ્રામ” ની એક ટેકનિક વિશે શંશોધનો થયા છે અને એકાદ નાના ટુકડામાં પણ તમામે તમામ માહિતિને સંઘરી શકવાની શક્યતાઓ અસિમિત છે પણ, માણસના મગજમાં આવું હોલોગ્રામ જેવું, એક ટુકડામાં સમષ્ટિને સમાવી લેવાનિ “સ્ટોરેજ મિકેનિઝ્મ” વડે ખબર નહી ભગવાન કઈ મસ્તી કરી ગયો છે ?! કશું’ય ભુલાતું નથી. થોડા સમય માટે એ તરફ ધ્યાન હટી જાય એટલું જ!

રસ્તે પડેલો માણસ અને જીવ પર આવેલો માણસ બે’ય તાત્વિક રીતે એકસરખા હોતાં હોય છે. અને હાં, રસ્તે આવી પડેલો માણસ આપોઆપ જીવ પર આવી જાય છે! દુનિયા સમાજ લોકો ના મંતવ્યો/સલાહો/બંધનો/માનસિક લઘુતા આનાથી વધારે મોટું કોઇ “ટોર્ચરિંગ” નથી હોતું ક્યારેય. શારિરિક સિમાઓ કરતાં માનસિક સિમાઓ ઓળંગવી/ઓળંગી જવી ક્યાંય કપરું હોય છે.અને એક દિવસે એક અણધારી ક્ષણે માણસ અને સંજોગોની કશ્મકશ આપોઆપ પુરી થઈ જાય છે.

ઘણાં માણસો નથી લડી શકતાં , એ ડરપોક હોય છે કે નહી એમ નહી પણ એમ લડી લેવું એમને નથી ફાવતું, એ એમનો સ્વભાવ નથી હોતો. અને એ લોકો તરફ એક છુપી/ઉંડી સહાનુભુતી રહેતી હોય છે આપણને. અને એવા લોકો નસીબદાર હોતા હોય છે કેમકે, મૈદાન-એ-જંગ ની બર્બરતા થી રૂબરૂ થવાથી બચી જાય છે.

પણ અમુક લોકો નથી ચુપ રહી શકતાં એ લોકો ઉંઘ વેચીને ઉજાગરા લેવાના સૌદાગર હોતા હોય છે, લડી લેવું એ એમનું પ્રથમ અને અંતિમ પગલું હોય છે, અને એવા લોકો કોઇ તોફાની કાનુડાની જેમ હેરાન કરતાં હોવા છતાં’ય ગમતાં રહે છે! એણે બુમ પાડી હતી, એ ઉભો થઈ ગયો હતો, એણે ઘાંટો પાડ્યો હતો..એ સામે થયો હતો અને એ જીત્યો હતો કે પછી હાર્યો હતો પણ..એ લડ્યો હતો. અને એવા લોકોને કલિંગના હત્યાકાંડ પછી અશોક ની જેમ હ્ર્દયપરિવર્તન ની સુવિધા નથી હોતી.

આ કશ્મકશના એક તબક્કે માણસે એક સમયે નક્કી કરી જ લેવું પડતું હોય છે કે..એણે સામે થઈને હેરાન થવું છે કે વટલાઈ જઈને શાંતી મેળવવી છે, એણે પાઘડી બચાવવી છે કે માથું બચાવવું છે. એણે સમાજની સાથે રહેવાની એક તાંત્રીક વિધીની જેમ પોતાની સ્વતંત્ર માનસિકતા ને બલી ચડાવવાની છે કે શિવભક્તોની જેમ કમળપુજા/શિશ પુજા કરવાની છે.

ખૈર, અમુક નાદાન/નાદાર/અ-દુનિયાદાર લોકો કમળપુજા કરવાનું નક્કી કરી લે છે ! ઘણાં બધાં જાકારાઓ સામે એકાદ આવકાર માટે એ જાંનિસાર સૌદો કરવા તૈયાર થઈ જાય છે. અને ત્યારે જ, એ જ ક્ષણે એ પોતાને ફના કરવા માંડે છે. બેફીકર રહેવું એ સ્વભાવનો એક ભાગ બની જાય છે કેમકે ફીકર કરવું તો દુનિયાદારી છે,એ દુનિયા જેની સાથે અણબનાવ છે, મસ્તમૌલા રહેવું એ પણ એક અભિન્ન અંગ હોય છે કેમકે એનો એક નશો હોય છે જે દુન્યવી પ્રહારોને માટે “પેઇન કિલર” નું કામ કરે છે.

માર્શલ આર્ટમાં એક વિભાવના હોય છે-“મેટલ શિલ્ડ”. એક સર હતાં “કમાન્ડો રાઠોડ સર” એંમણે બહુ ઉંડી સમજ આપી હતી. પોતાના શરીરના સૌથી નબળા હિસ્સા/ભાગને રોજેરોજ માર આપો,એને તકલીફ આપો, મુક્કા સહન કરો, ધીમે ધીમે એ ભાગને એની સહનશક્તીની હદ સુધી પહોંચાડી દો અને પછી એ તમારો “વિક પોઇન્ટ” એટલો મજબુત/સખત થઈ જાય છે કે સ્પર્ધામાં તમે કોઇપણ ઘાવ/પ્રહારની સામે શરીરના એજ ભાગને આગળ ધરીને વિરોધીને ચકિત કરી નાંખો છો! કેમકે વિરોધીએ ઈજા કરવાના ધારેલા ભાગને તમે પોતે જ કોઇ વિકૃતિની જેમ ઇજાઓ આપી આપીને એને નિષ્ઠુર કરી નાંખ્યો છે..અને એ ચકિત થયેલા વિરોધીને..વન..ટુ..થ્રી..નોકઆઉટ !

એ નિર્ણય ડહાપણ ભર્યો હોય કે મુર્ખામિની ચરમસીમા હોય, એ પોતાનો હોય છે. કંઈક ગુલામીઓને નહી સ્વીકારવાની સ્પર્ધામાં જીતેલો કાંટાળો તાજ હોય છે. અરે હું છું જ આવો, બદમાશ હોવાના તમામે તમામ વિક્રમો મારે નામ છે, આડા ફંટાવું મારામાં ઓગળી ચુક્યું છે..ઘમંડી અને છેક છેલ્લી કક્ષાની ઉધ્ધતાઈ એ મારો ટ્રેડમાર્ક છે! અને ત્યારે “ચાંદ કાદરી” ના અવાજમાં ગવાયેલી આ પંક્તિઓ કચકચાવીને યાદ આવી જાય છે..

“..ફિક્ર મેરી ના કરું તો ઇક દિવાના હું..ક્યું ન બન જાઉં તમાશા મુઝે રુસવા કરકે..”

[સાતત્ય માં મહેફિલ-એ-ખાસ માંથી કોપિ પેસ્ટ !]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: