સચીન ભુલાવાનો છે !

0

..એક ટેણિયાએ મેદાન પકડી લીધું હતું એક દિવસે એ ઝનુની હતો અને ક્રિકેટ એના માટે ઓબ્સેશન હતું. કહેવાય છે કે એની સફળતાનું રહસ્ય એ નથી કે એ ગમે તેવા બોલને સ્ટ્રાઈક કરી શકતો હતો, બલ્કે એ બોલને દિશા આપતો હતો ! ગમે તેવા બોલને , ગમે તે એંગલેથી આવતા બોલને એ પોતાને અનુકુળ આવતી દિશામાં હડસેલી દેતો હતો અને પછી તો બોલ પોતેજ પોતાના વેગમાન અને ન્યુટનના ગતિના સિધ્ધાંતોને વશ થઈને દુર ધકેલાઈ જતો હતો !

એ અબ્દુલ કલામ હોય કે વિશ્વનાથ આનંદ હોય કે મિલ્ખા સિંગ હોય કે પંડિત ભીમસેન હોય, કોઇ એક બાબતને એના સ્થાપિત નિયમો અને માપદંડો થી આગળ લઈ જવા માટે , નવા કિર્તિમાનો બનાવવા માટે નિસંદેહ સંકલ્પયુક્ત પરાક્રમ અપેક્ષિત હોય છે અને જે એ કરી શકે છે એ દંતકથાઓ બની જાય છે. સચિન ક્રિકેટ ના મેદાનની આવી જ એક દંતકથા બની ગયો છે.

અને દંતકથાઓ ભુલાઈ જવા માટે હોય છે ! કેમકે નવી દંતકથાઓએ આવવાનું હોય છે લોકજીભે ચઢવાનું હોય છે. સુનિલ ગાવસ્કરને ભુલાઈ જવાનું હતું કેમકે સચિનને યાદ રાખવાનું હતુ !

આવતીકાલે ફરી કોઇએ આવવાનું છે કેમકે કિર્તિમાનો હંમેશા નવા બનાવવાના હોય છે , જુના કિર્તિમાનો જેવો કોઇ શબ્દ-સમુહ નથી હોતો ! અને કિર્તિમાનો- આ શબ્દ અને વિચારને ટકી રહેવા માટે એવો કોઇ શબ્દ-સમુહ બનવો પણ ના જોઇએ. આમિન.

પીટી ઉષા હતી અને મિલ્ખાસિંગ હતો, કપિલ દેવ હતો અને ગાવસ્કર પણ હતો. જો કોઇ એક જ વ્યક્તિને સમર્પિત થવાનું/થઈ જવાનું હોય તો કળા/એક્સપર્ટિઝ/સ્કિલ્સ/આવડતના ઉપાસકો અને આશારામ ના નામે તોફાનો કરતાં ભગતો માં ફરક કેટલો ?!

સચિનનું ભુલાઈ જવું અનિવાર્ય છે કેમકે એ જ એનિ નિયતી છે, બલ્કે હતી અને એ ત્યારે જ નક્કી થઈ ગઈ હતી જ્યારે સોળ વર્ષની ઉંમરે ડ્રેસિંગરૂમમાં એ બધાંને “અંકલ” કહેતો હતો !

સચિન ક્રિકેટની દુનિયાનો શ્રેષ્ઠ પ્રદર્શનકારી હતો પણ..શ્રેષ્ઠની વ્યાખ્યા શું કરવી ? ગઈકાલે જે હતું આજે જો એનાથી વધારે ઉંચા ધોરણો જળવાય તો પછી આજે જે છે એજ શ્રેષ્ઠ છે. અને એ વ્યાખ્યા વિચલિત નથી એમાં જ એનું સાર્થકપણું છે. કોઇ એક ચોક્કસ તારીખે સચીને ક્રિકેટમાં મહારત નહોતી મેળવી એમ જ કોઇ એક ચોક્કસ તારીખે નથી હોતી સચીનને ભુલવાની. પણ એની નામનાની જેમજ ધીમેધીમે સચીન ભુલાવાનો છે કેમકે ટોચ ઉપર , કોમ્પ્યુટરની મેઇનમેમરી ની જેમ બહુ ઓછી જગ્યા હોય છે !

કિશનલાલ/કપિલદેવ/શાસ્ત્રી/ગાવસ્કર/ગાંગુલી/બ્રેડમેન/લારા..વોર્ન.. બધાંને જવાનું હોય છે કેમકે એ જ એમનિ નિયતી છે.

સચીનને જેટલી વાર લાગી ક્રિકેટના બળિયા બનવામાં એટલી વાર નહિ લાગે એને ભુલવામાં એ એક કડવું સત્ય છે સચિનના ચાહકો માટે, પણ એ કોસ્મિક સત્ય છે !

[ સચિન ફેન્સ.. હુપાહુપ ની પ્રથા બંધ રાખેલ છે ! ;) ]

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: