દિલફેંક દોસ્તી !

3

એકવાર કોલેજમાં એક દોસ્તે કહ્યું હતું કે “..તારે ક્યાં કોઇ ને ઈમ્પ્રેસ કરવાની છે (છોકરી!) મારે યાર..તકલીફ થાય એમ છે “..અને મેં એક આખા કાવતરાંનો ભાર વેંઢાર્યો છે – હતો ઘણાં લાંબા સમય સુધી અને ઘણાં લોકોને આજે પણ એની ચોખવટ નથી આપી શકયો. ક્યારેક કોઇ દોસ્તના પ્રેમ પત્રો માટે અને કોઇ ફિલ્મી એડવેન્ચર માટે(!) પોતાના હાથ ઉપર નવી નક્કોર બ્લેડ મારીને લોહી વડે વેલેન્ટાઈસ-ડે ના ગ્રીંટિંગ કાર્ડ લખી આપ્યા છે. ;) બે-એક વાર કોઇ દોસ્તના પ્રેમલગ્નોમાં છુપાઈને “આડકતરા/પરોક્ષ પૃથ્વીરાજ ચૌહાણ” ની ફરજો નિભાવી છે, બેવકુફ જેવા મારામારી/ઝગડાં કર્યા છે અને લોકો આજે પણ કહેવાનું ચુકતાં નથી , ખાસ તો પોતાની ઈનકમ્પીટન્સીને ડાયલ્યુટ કરવા માટે અને ક્યાંક થોડીક ઇર્ષ્યાથી કે “..તારે ચાલે ..તારે કયાં કોઇ જવાબદારી છે “! હમણાં “જાંબુઘોડા” ના ટેકરાઓ ચઢતાં જમણો પગ મચકોડાઈ ગયો હતો. અને પંદર દિવસ સુધી મેં એકલાએ મારી રૂટીન દિનચર્યા કોઇની મદદ લીધા વિના જ ચલાવી છે..બલ્કે સાતત્યને એના શરૂઆતના તબક્કામાં પહોંચાડ્યું હતું અને બિજા કામો તો એ’ય ને રહ્યાં જ કરતાં હોય છે. પણ..કોઇ દોસ્ત પોતાની પત્નીને લઈને નથી આવ્યો એમ કેહવાને કે “..હમણાં તારું જમવાનું મારે ત્યાં રાખજે..”! આ એ લોકો છે જેમને મેં નેટવર્કિંગના પાઠ શિખવ્યા હતાં, કોઝિઅલ કેબલ અને ફાઈબર ઓપ્ટીકલ્સની એ સમજ આપી હતી જે ટેક્સ્ટ બુક્સમાં નહોતી આપેલી અને જેમના કારણે મેં જાતે લેક્ચર છોડીને કેંટિંન માં એમને “તૈયારી” કરાવી હતી. જેમના ઝગડામાં પોતાના શર્ટના બટન તોડાવ્યાં હતાં અને ગાલ/કપાળ ઉપર ઢિમચાં ઉપસાવ્યાં હતાં જેમના કારણે કોઇના હોઠને ફુલાવી આપ્યા હતાં અને પોતાના હોઠની અંદરની બાજુએ ચિરાઓ પડાવ્યાં હતાં. જેમનાં “બૌવ એટલે બૌવ જ અઘરા” પ્રોજેક્ટને મેં જાતે ચાર-પાંચ કલાકમાં કોડ કરી આપ્યાં હતાં અને મેં એનું ક્યારેય કોઇ ક્રેડિટ નથી માંગ્યું. નાસમજ દિલ!

ખૈર,જીવનનો ફલક હજુ એટલો મોટો તો થયો જ નથી કે એમ કહી શકું કે -“હે ઇશ્વર એમને માફ કરી દે એ લોકોને ખબર નથી કે એ શું કરી રહ્યા છે ” – આપણે સાવ શુધ્ધ નથી હોઇ શકતાં ક્યાંક ગ્રે-કલરનું આવી જવું અનિવાર્ય છે અને એજ વાસ્તવિકતા છે કેમકે આપણે મરચાંઈ ધુણીનો સ્વભાવ રાખીએ છીએ જેનો ગુરૂર છે, ક્યાંક અફસોસ પણ છે. આપણે મોં-તોડીને વાત કરવાના આદી છીએ અને એના પરિણામો ભોગવીએ છીએ. આપણે વિવેકી છીએ પણ વિવેકમાં દોસ્ત–દુશ્મનનો ભેદભાવ(!) નથી રાખતાં. દુનિયાદારી દોસ્ત આ બધામાં શીખવાની રહી જ ગઈ, સાવ જ રહી ગઈ અને આપણને પાછો એનો ગર્વ પણ ખરો. ” જીંદગીસે યું ખેલે જૈસે દુસરે કી હૈ “! અને સાલી હરામખોર ઉધ્ધતાઈ ના હેંગઓવર વાળી વિવેકતા નું કોકટેલ તો હવે કોઠે પડી ગયું છે. અને એ દોસ્તોને આજે ટાઇમ નથી.-“..હું બિઝી છું હમણાં ” અને વાસ્તવિકતા એ છે કે એમના લોકો કરતાં મેં કંઈક ગણાં વધારે જવાબદાર હોદ્દાઓ સંભાળ્યા છે. ખૈર, દોસ્ત હતાં..છે..હતાં..છે..છે..હતાં રહેશે હતાં..અને ” કુછ લોગ મને કાફિર કૈવેં હૈ “. આ પણ એક મજા છે.

ખૈર, મિત્ર હિતેશ જોશી..તમે દોસ્તીની વાત કરી હતી તો હવે “આશકા માંડલ” પતે કે ના પતે “ફાંસલો ” એના બંને ભાગ જરૂર પતશે એનો ઓનલાઈન ઓર્ડર મુક્યો છે. બે-એક દિવસમાં આવી જશે. પેલા ગધેડીનાઓ ને ટાઈમ નથી અત્યારે અને કદાચ “વાઢાંઓ” પણ એટલા જ અપશુકનિયાળ હોતાં હશે જેટલી અપશુકનિયાળ “માં નહી બની શકનારી સ્ત્રીઓ” ગણાતી હોતી હોય છે, અને એમની જેમજ શુભ/માંગલીક પ્રસંગોએ તમને “ટાળવામાં” આવતાં હોય છે, એની’ય એક ગમગીન-દિલફેંક દાસ્તાં હોય છે. એ ફરી ક્યારેક. ;)

..પણ બિજી બાજુ આપણાં જેવા લોકો જે અંતરના દરેક પરિમાણને અતિક્રમીને દોસ્તી નિભાવતાં હોય છે તમારી જવાનીની શરૂઆત હતી અને મારી ખાનાબદૌશ જવાની પુખ્તતા તરફ ટર્ન લઈ ચુકી હતી અને એ “સાગા/ગાથા” શરૂ થઈ હતી..ઓરકુટના અમુક ફોર્મલ સ્ક્રેપ-મેસેજથી અને એ ચાલી..મારી અનિયમિત હાજરી આ સોશિયલ સાઈટો ઉપરની અને છતાંય એ ચાલી ચાલતી રહી. અને એ’ય તે..લગભગ સાત-આઠ વર્ષો સુધી!

..અને હવે તો ખૈર પેલી મર્દાના રિતરસમો નથી રહી, નહી તો જમણાં હાથનાં અંગુઠાની ચામડીને ચિરીને લોહી વડે તમારા–દોસ્તોના કપાળે લોહીનો લાંબો તિલક કરતો અને મસ્તમૌલા “શરાબી”-બચ્ચનની જેમ કહેતો દોસ્તીના નશામાં કે, “દોસ્તી હો તો આપકી જૈસી વરના ના હો ” ;) અને બિજા પણ અમુક નામો છે..જેમને _આ બ્લોગની પહેલી પોસ્ટ_ વખતે જ યાદ કર્યાં હ્તાં પણ કેટલું લખી શકિશ ?!

આ ઓનલાઈનિયા દોસ્તો માં હજુય અમુક નામો છે જેમના માટે અલગ-અલગ પોસ્ટ જોઇશે..અને એક “પેઇન ભાઈ ” છે જેમની જોડે ગિરના જંગલોમાં ભટકવાનું બાકી રહી જાય છે, .અને આજે “ફરી એકવાર” હું અને “જાગ્રત ભાઈ” રૂબરુ મળતાં-મળતાં રહી ગયાં લિલ્લાહ શબો-રોઝ કી ઉલઝન સે નિકાલો. અને એક દોસ્ત મારે નિભાવવાની હતી એવી એક વ્યક્તિની દવાખાનાની માંદગીની જવાબદારીઓ ઉથાવવા/નિભાવવા તૈયાર થયાં હતાં ઓરકુટના સમયમાં ગુજરાતી અને બક્શી કોમ્યુ.ની વૈમનસ્યભરી(!) કોમેન્ટોના દૌર માં ;)

એક દોસ્ત છે IRC ચેનલ ઉપર..મારી જેમ ભટ્કતો. કદાચ એ “આડેધ વય” નો છે પણ ક્યારેય કહેતો નથી! મને આજથી લગભગ દશ વર્ષ પહેલાં મારી ભાંગેલી તુટેલી નવીસવી “કોમ્પ્યુટરિયા” સમજની, ગેરસમજો કોઇ સ્વાર્થ વિના દુર કરી આપી હતી. મારી જેમ જ IRC ઉપર એ ગમે ત્યાં હોય છે અને અમે લોકો બ્રહ્માંડમાં ઈન્ટર-ગેલેક્સીના પ્રવાસીઓની જેમ અલગઅલગ અવકાશી ખડકો પર મળી જઈએ છિએ. “Look , kid..” – આવી શરૂઆત વાળો એનો એક પહેલો-પ્રાઈવેટ મેસેજ આવ્યો હતો ત્યારે હું કોલેજના પહેલાં મહિનાઓમા હતો અને લગભગ સાત વર્ષ પછી “you are already in the elites haxor..” (!) – ની એક વાતથી એ દિવસનો મેસેજ પુરો કર્યો હતો એણે. એકબીજાની પ્રગતિનો અહેવાલ અમસ્તાંજ આપ્યાં કર્યો છે. એ બ્રાઝિલનો છે અને હમણાં ફરી એકવાર પેલા “એનોનિમસ” ની બબાલ વખતે મને પુછ્યું હતું એણે – “તારું કમાન્ડ સેન્ટર કયા કન્ટ્રિ માં છે ” અને વગેરે. નવાસવા મને એણે સમજાવ્યું હતું કે ટેકનોલોજી ઉપાયો માટે હોય છે અને એના “પ્રભાવીપણાં” ને કારણે નહી પણ એની “પ્રસ્તુતતા” ને કારણે જ જે તે ટેકનોલોજી પસંદ કરવી જોઇએ! :)

અને..અને એકવાર બે દોસ્તો સાથે એક કેમ્પ માં એક મેજર જોડે ઝગડો કર્યો હતો , કારણ ? વટ , તુમાખી , સત્યને વળગી રહેવાનો અને એવી હિંમત હોવાનો કેફ! પછી..

નખત્રાણાની આસપાસના લાલ પથ્થરોવાળા વગડામાંથી અમે ત્રણ જણાં કોઇ કમાન્ડો મિશનની જેમ ભરબપોરે કેમ્પના મેદાન વચ્ચેથી પોતાના સામાન સાથે કેમ્પ છોડીને નિકળી ગયાં હતાં. જુના કબ્રસ્તાનો અને ઝાંખરામાં આખી રાત બેઠા રહ્યા. એકબીજાને ભુતો અને આત્માઓની વાતો સંભળાવી ડર્યા અને ડરાવ્યા –” કબર ઉપર પગના મુકાય .!” – એવા સુચનો હતાં અને -“..મેં ક્યાં પગ મુક્યો છે ખાલી ટેકો લીધો છે ” – ના ખુલાસા હતાં ;) અમને કેમ્પમાંથી શોધવા નિકળેલા બિજા કેડેટ્સ ને જોઇને એમનાથી બચવા થેલાંઓ ઉંચકીને એકબીજાને ટેકો આપીને અમે ભાગ્યાં હતાં. બોરડી અને ગાંડા બાવળના કાંટાઓ આખા શરીરે દોસ્તીની એક નિશાની આપી ગયાં હતાં. પછી ?! ભુજ તરફ આવવા નું સિધા રસ્તે શક્ય નહોતું કેમકે બસ-સ્ટેશન ઉપર બિજા કેડેટ્સ અને ટ્રેનર્સ પહોંચી જાય એ અનિવાર્ય હતું, અને અમે “પાકિસ્તાની સૈનિકો” ના ચુંગાલમાંથી ભાગેલા કમાન્ડોની જેમ અવળી દિશામાં ગયાં. કંઈક નવા નવા ગામો જોયા. મોટી વિરાણી નાની વિરાણી,બાવજા,ભગાલી.. જ્યાં નકશાઓ ખોટા પડતાં હતાં. એક ગામમાં પહોંચ્યા ખોટેખોટી (!) વાર્તાઓ કહી અમે. એક ટ્રકમાં બેસાડવામાં આવ્યા ગાંધિધામ ઉતર્યા કેમકે _વાર્તા_ અનુસાર અમારે માટે એ જ જગ્યા મંઝિલ હતી! ત્યાંથી ફરી ટ્રક પકડી, અંજાર આદિપુર અને એક શાકભાજીના છકડામાં સવારે ભુજ પહોંચ્યા મિશન પુરૂ થયું ! રાતના અંધકારમાં શિયાળવાની બુમો સાંભળવાની અને નાના અવાજો ઉપર ચોંકી ઉઠવાની, પરસેવે રેબઝેબ થવાની મજા આવી હતી અને થોડાંક મહિનાઓ પછી ફરી બિજા કેમ્પ માં ફરી એજ મેજરને આ આખી રામકહાની કોઇ વિરગાથાની જેમ સંભળાવવાની પણ એક મજા આવી હતી કેમકે પેલાં કાંટાઓ દોસ્તોને પણ વાગ્યાં હતાં અને મારા પરસેવા અને લોહીના ડાઘામાં એમના લોહીના ડાઘામાં કાંટા એક જ સરખા વાગ્યા હતાં. ઉફ્ફ કેટલું આપી શકે કોઇ દોસ્ત એકબીજાને.

..અને સાતમાં ધોરણમાં સાથે ભણતાં એક દોસ્ત ના ખબર મળ્યા કોલેજ વખતે એ કોઇ છોકરી સાથે ભાગી ગયો હતો અને આબુ-તરફ ના કોઇ અવાવરું ઝાંખરામાંથી એની અને પ્રેમિકાની લાશો અડધી ખવાયેલી હાલતમાં મળી આવી હતી અને મને લગભગ બે-મહિના પછી સમાચાર મળ્યાં હતાં અને કુદરત..આ નિયતિ સાલી હરામખોર ,નાલાયક સંયોગો કે એ દોસ્તના-એની લાશના માથામાંથી વાળ પણ ઉખડી ગયાં હતાં. અને છાતી વચ્ચે આપણને કેવું થાય કે જ્યારે એ દોસ્તની એક ખીજ પાડેલી હતી – “ઉજલે-ચમન “. નિયતિની ક્રુરતા ને સમજવા માટે એ એક જ બનાવ/સંયોગ કાફી હોવો જોઇએ અને બે-ચાર દિવસ પછી કોલેજમાં “ઓરેકલ” ભણાવતાં એક ઉધ્ધત મેડમને મેં તમાચો મારી દિધો હતો — ” નિકળ અહિંથી હું ભણાવિશ બધાંને ઓરેકલ ” – નિખિલ શુક્લ ઉવાચ ! અને લોકો કહે છે કે ” નિખિલ લાગણી શૂન્ય છે!” – “.સુરજમેં લગે ધબ્બા ફિતરત કે કરિશ્મે હૈ ..બુત હમકો કહે કાફિર અલ્લાહ કી મરજી હૈ ” ;)

કોણે શું મેળવ્યું / આપ્યું ની કોઇ વાત જ નથી વાત એટલીજ કે કોણે શું મેળવી લીધું અને એ પણ કોઇ કિંમત વગર અને કોણે શું આપી દીધું કોઇ જ પ્રસ્તાવ વગર ?!
પ્રોમિસ – વચન – વાયદો – કોલ નિભાવવા માટે , એ આપવા જરૂરી નથી હોતાં!

દોસ્તીનો એક નશો હોય છે..અને એ કોઇ વિજાતિય-પ્રેમ જેવો હોય છે. અને એમાંય પોતાના જેવાજ બુધ્ધીશાળી કે પોતાના જેવાજ મુર્ખાઓ જોડે થાય ને તો તો ખુદા ખૈર કરે. આવારગી હોય છે એમાં અને ગુસ્તાખીઓ નથી હોતી, દોસ્તની પત્ની જેવો કોઇ વિવેકી/દુનિયાદારીનો ભારેખમ શબ્દ નથી હોતો અને “દોસ્તની બૈરી”(!) એક સારી મિત્ર હોય છે, બલ્કે બની જાય છે આપોઆપ! એની ચિંતા હોય છે પણ એ જોખમોથી રૂબરુ થાય તો સાલું રોમાંચ આપણને થાય છે.

ખૈર, આપણે નાના માણસો છીએ બહુ મોટી વાતો આવડતી નથી પગમાં પડેલું અને ગળામાં સાપે છછુંદર ગળ્યું હોય એવી પરિસ્થિતીઓને ઉજવતાં જઈએ છિએ કેમ્પ-ફાયરની રાતોની જેમ કભીના હારો..કભી ના રુકો..કભીના થકો હો..હો..હો , જીંદગીની ઈન્સાસ-રાયફ્લને બંને હાથો વડે ઉપર તરફ ઉંચકીને જોરથી કદમતાલ કરીને સાવધાન અને “આરામ સે” ની મુદ્રામાં , સેલ્યુટ મારીને ..યસ સર..બોલીને..એનોનિમસને કંઈક કામ લાગીને અને એકાદ નોવેલ ને તાત્કાલીક ઓનલાઈન બુક કરાવીને ! છોટ્ટે લોગ..છોટ્ટી છોટ્ટી બાંતાં ;)

..અને એક દિવસ બધાંએ મરવાનું હોય છે નજીકના કોઇ જ સ્વજનના મૌત ઉપર હું રડ્યો નથી. સિવાયકે મારા દાદા. પણ દોસ્તોના મૌતને સહન કરવાની શક્તિ ની કોઇ તાલિમ નથી હોતી, સ્પેશ્યલ ટ્રેનિંગમાં પણ દોસ્તોના મૌત ઉપર હસવાનું નહી..ઉદાસ થવાનું શીખવવામાં આવ્યું છે. પ્રિયપાત્રના સ્વજનના મૌતને તમે જીવતાં રહીને તર્પણ આપી શકો પણ, દોસ્તના મૌત માટે સૌથી પવિત્ર તર્પણ છે ઝુર્યા કરવાનું ! દોસ્તોના મૌત પછી પણ જીવતાં રહેવામાં “રક્સ-એ-બિસ્મિલ્લ” નો અર્થ છાતી સોંસરવો સમજાઈ જાય છે.

ખૈર હવે અટકવું પડશે કહ્યુંને કે દોસ્તીનો નશો હોય છે.અને નશામાં અટકવું મુશ્કેલ હોય છે

પિયું શરાબ અગર ખુંગર ભી દેખ લું દો ચાર,
યહ શીશા-ઓ-કદા-ઓ-કુજા-ઓ-સુબુ ક્યા હે ?

રહી ના તાકત-એ-ગુફ્તાર, ઔર અગર હો ભી,
તો કિસ ઉમ્મિદ પે કહીએ કે આરઝુ ક્યા હે,

હુઆ હે શાહ કા મુહાસિબ, ફીરે હે ઇતરાતા,
વાગાર્ના શહરમેં ’ગાલિબ’ કી આબરુ ક્યા હે…

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

3 Comments

  1. અને હાં…. આ લોકોને અને બિજા પણ અમુક દોસ્તો જેમના નામ હું સ્વાભાવિક કારણોથીજ ટાળવા ઇચ્છું છું.. (એ બધાં ગુસ્તાખી માફ કરે !)…એમને બધાંને અર્પણ…. Smile Vs Pain , Hitesh Joshi , Zakal Zakaal , Rajni Agravat , Jagrat K Shah . :)

  2. …અને હાં આ Asit Shukla નામના બંદાને હું નાનો ભાઈ ગણું કે દોસ્ત ગણું…એ હજુય છેક ઓરકુટ ના સમયથી નક્કી નથી કર્યો શક્યો….અલ્લાહ આ ઉલઝનથી પણ બહાર કાઢે. :) ;)

  3. …મુળે ફેસબુક ઉપર કોમેન્ટ લખવાની શરૂઆત કરી હતી….પણ નશો કોને કહેવાય !! , દોસ્તોની યાદગીરિઓમાંથી/વડે કોમેન્ટ થનારા શબ્દો, આખી બ્લોગ પોસ્ટ બની જાય એને ! ;)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: