512-Bytes

4

…પણ ગુલઝારની ગઝલો/પંક્તિઓની એક અલગ મજા હોય છે. “દર્દ હોતા હૈ જબ દર્દ ચુભતા નહિ..!”..આબિદાની ગહેરાઈ અલગ છે…બેગમ અખ્તરનો ખેંચાતો અવાજ અલગ મજા આપે છે…સિગરેટના ધુમાડાની   પેર્ટન કોઇ કેલિડોસ્કોપ નહિ બનાવી શકે.. બજાજ પલ્સારની સ્થિરતાની અને હિરો હોન્ડા પેશનની નરમાશની કોઇ તુલના નથી..અને એક સ્મશાન હોય છે..અડધી બળેલી એક ચિતા ગઈકાલ રાતથી બળે છે…અને એનો ધુમાડો આજકાલની વરસાદ વાળી સવારને વગર કહ્યે કોઇ હિલ-સ્ટેશનનો દમામ આપી દે છે..અને..તમે નફ્ફટ છો એટલે જુની મસ્તિઓને ફરી દોહરાવો છો..પેલી ચિતામાંથી જ ધુમાડો આંખોમાં ન જાય એનું ધ્યાન રાખીને ધીમે રહિને ખિસામાંથી કાઢેલી સિગરેટ સળગાવો છો..મનોમન અલખ નિરંજનનો એક નાદ તમે પ્રાતઃકાળ માં મનોમન કરી લો છો…અઘોરી કેવા હોઇ શકે ? – એ પ્રશ્નને તમે ફરી એક નવી વ્યાખ્યા પણ આપી દો છો…ટેકનોક્રેટ અઘોરી કે અઘોરી ટેકનોક્રેટ !?

….ખુલ્લો પવન હોય ખુલ્લી જગ્યા હોય અને મોટ્ટા પથ્થરોમાં ફેલાયેલું જંગલ હોય…પથ્થરો અને જંગલોની એક અનોખી જુગલબંધી કંઈ નવી તો નથી..અને …. પુરાતન કાળથી કદાચ પૃથ્વીની શરૂઆતથી આ પથ્થરો આમ પડ્યા હોય છે…એમ જ હશે…અને..આ એજ તો હવા છે જે આદીકાળથી રહિ છે..અને અનંતકાળ સુધી રહેશે…તમે ખરેખર રોમાંચિત થઈ જાવ એ વિચારથી કે..આટલી પ્રાચિન બાબતોની વચ્ચે તમે સિગરેટને…..

…તમે અચાનક….કોઇ અજાણિ જગ્યાએ હોવ છો….જમીન ધ્રુજે છે…તમે સંતોલન જાળવવા પ્રયત્ન કરો છો…આસપાસ ચારેતરફ અફરાતફરી….સુસવાટાં…તહશનહશ…આકાશમાં તારાઓ અને બિજા પદાર્થો અચાનક મધમાખિઓની જેમ ઝડપથી ભાગતાં દેખાય છે…અથડામણ થાય છે…ભુક્કો નિકળી જાય છે…કંઈક તણખાઓ પડતાં રહે છે..કંઈક લીસોટા દેખાતાં રહે છે..ગડગડાટી માઝા મુકી ચુકી છે….તમે ક્યાં છો ? આ બધું શું છે ? તમે ડરતાં નથી પણ પેલી..ફરી પેલી માણસ હોવાની એક લાક્ષણિકતા તમને ડર ના કારણે નહિ પણ અસંતોષના કારણે વિચલિત કરી મુકે છે…

…અચાનક…અચાનક…તમને સમજાય છે કે તમે જ્યાં ઉભા છો એ ધ્રુજતું ધરાતલ કોઇ જમીન નથી…બલ્કે જમીન પોતે પણ જમીન નથી !, પેલા તારાઓ પણ તારાઓ નથી..પેલા લીસોટા એ લીસોટા જ નથી માત્ર…એ…તારાઓ અને પદાર્થો  ઈલેક્ટ્રોન્સ છે ! પેલા લીસોટા એ ફોટોન્સ છે..આ ધડબડાટી એ શક્તિનો અદ્રશ્ય ધોધ પ્રવાહ છે અને આ ધ્રુજતું ધરાતલ….હં…તમે પોતે જ્યાં ઉભા છો એ જ તો છે…પ્રોટોન ! અને તમારી આસપાસના આ શૂન્ય – અવકાશને કેટલાંક ધુની લોકો – સ્ટ્રોંગફોર્સ કહે છે !

…હવે કોઇ નવાઈ નથી કોઇ રહસ્ય નથી હવે તમે સ્થીર ઉભા રહિ શકો છો..હવે કોઇ અથડામણ બિહામણિ નથી લાગતી..બધુ જ તહશનહશ હવે વિંધ્વંશાત્મક નથી લાગતું , બલ્કે આ જ તો સાબિતિ અને કારણ અને નિમિત્ત છે કોઇ અને દરેક અસ્તિત્વનું…આ સર્જન છે..અને બેશક સુંદરતા છે..ઝીણી ,અઘરી ,ભયભિત કરે ,ડરાવે  આડ્રેનાલીનના સ્ત્રાવ ને વધારે અને …અસ્તિત્વને એના ખતમ થવાની સીમા સુધીનો આહલાદક અનુભવ કરાવે..એવી સુંદરતા, જીવલેણ સુંદરતાં..અને વધતાં ધબકારા એ સુંદરતાંને વળી કંઈક ગણી વધારી આપે…અને મગજનું સેન્ટ્રલ/ફ્રન્ટ કોર્ટેક્સ એને ઉકેલે…પ્રયત્ન કરે….

…એ પ્રયત્ન કરે અને સમજવા પ્રયત્ન કરે ગણિતના દાખલાઓની એક છુપી સુંદરતાને એ ગણિતમાં જ વ્યાખ્યાયિત અને વર્ણવવા પ્રયત્ન કરે….

….object oriented programming નો સૌથી પહેલો વિચાર કરનાર માણસ જરૂર કોઇ “વેપારી માનસિકતા” નો હશે…પણ…symbolic programming ના શરૂઆતકારો નિસંદેહ “સુંદરતાના કલાકારો” હશે !!

બધે જ એક સિમિટ્રી છે , કહો કે એકબિજાના પુરક તત્વો  છે…ઉંચું-નિચું,સપાટ-છિછરું,લીસું-ખરબચડું,ઉપર-નિચે.પહાડો-ખીણો,સુર્ય-ચંદ્ર…..0 અને 1 !!

…સુંદરતા એક કેહવાતી/પ્રચલિત ધારણા/માન્યતા મુજબ “સિમિટ્રી” માંથી આવે છે..પણ..બે-સિમિટ્રી ને જોડવાથી મળતું પરિણામ ઘણી-ઘણીવાર “અ-સિમિટ્રીકલ” હોય છે ! અને એ સિમિટ્રિનો દેશનિકાલ થયેલી સુંદરતાં ને સમજવા માટે મગજના બંને અર્ધ-ગોળાર્ધો અને બંને મગજ સક્રિય કરવા પડે છે….ઈકોનોમી સ્પીડ ઉપર ક્યારેય બાઈકિંગની મજા નથી આવતી ! , ઢીચણો છોલાયા વગર..પગ લપસ્યા વગર…પરસેવે રેબઝેબ થયા વગર…અને હાથપગ મચકોડાયા વગર ડુંગરોમાં રખડવાની કોઇ મજા નથી આવતી અને..પોતાના જ  લખેલા કોડને જ્યાં સુધી ગાળો બોલવાનો તબક્કો નથી આવતો ત્યાં સુધી એ કોડ સાથે આત્મિયતા નથી બંધાતી !!

બે-સિમિટ્રી જોડાઈને ભેગી થઈને એક અ-સિમિટ્રી બનાવે છે..અને એ અ-સિમિટ્રી વધારે સુંદર હોવી જોઇએ. હું બુધ્ધિશાળી (!) છું અને ડાહ્યો પણ છું તો પછી ક્યાંક એક મુર્ખામીનો પણ બ્લોક હોવો જોઇએ, સિમિટ્રી-અ-સિમિટ્રી ! , જીવન હોય તો મૃત્યુ પણ હોય તો પછી અકસ્માતોનો પણ એક અવકાશ અનિવાર્ય છે , સિમિટ્રી-અ-સિમિટ્રી..હાસ્ય છે અને રૂદન છે તો પછી એક બિભત્સ રસ પણ હોવો જોઇએ , સિમિટ્રી-અ-સિમિટ્રી…છે અને નથી ની સાથે કંઈક અધ્યાહાર પણ હોવું જોઇએ…કોડ હોય અને રિઝલ્ટ હોય તો એરર્સ પણ હોવી જોઇએ…ઓપરેટિંગ સિસ્ટમ હોય અને ચાલતી પણ હોય તો….એ ક્રેશ પણ થવી જોઇએ….સિમિટ્રી-અ-સિમિટ્રી !!

…અને એમ ના થાય ત્યારે  બરબસ..ગુલઝાર યાદ આવી જાય “દર્દ હોતા હૈ જબ દર્દ ચુભતા નહિ…” !, કોઇ કોડ-સેગમેન્ટ બધાંજ પ્રયત્નો કરવા છતાં ક્રેશ ના થાય ત્યારે
થતાં અજંપાને આબિદાનો અવાજ સાંત્વના આપે છે…. “દર્દે-ગમે ફિરાક કે યે સખ્ત મરહલે….હેરાં હું મેં કી ફિરભી તુમ ઈતને હંસી રહે….”

…એક નાનો પ્રોગ્રામ હાર્ડવેર ને ચેક કરે અને ખલાસ થઈ જાય… બિજો પ્રોગ્રામ ચેક કરેલા હાર્ડવેરને સક્રિય કરે અને પોતે ખલાસ થઈ જાય…ત્રીજો પ્રોગ્રામ એ નિર્જિવ હાર્ડવેર ને બાહ્ય દુનિયા સાથેનો રસ્તો બતાવે અને પછી પોતે હારાકીરી કરી લે…જીવન-કાર્ય-કારણ-મૃત્યુ….સિમિટ્રી અને અ-સિમિટ્રી ના આવા ચીથરેહાલ જેવી વ્યવસ્થા વડે જે “કંઈક” થતું હતું અથવા મેળવવામાં આવતું હતું એને જ ક્યારેક – ઓપરેટિંગ સિસ્ટમ- કહેવાતી હતી. બલ્કે સમજાતું હતું કેમકે કોઇ ચોક્કસ નામ નહોતું અપાયું આ સિમિટ્રી-અસિમિટ્રી ની હારમાળાને !

…પછી, અચાનક દુનિયા બદલાઈ જાય છે….ઈલેક્ટ્રોન અને પ્રોટોન ને ભુલી જવામાં આવે છે..હવે પેલા લીસોટા નથી હોતાં અને અથડામણો ની સુંદરતાં નથી રહેતી..હવે એને રૂપકડાં નામ અપાયા છે….interrupts,mutexes,semaphores,memory management,inter process communications,bootloader,512 bytes,kernel,real mode,protected mode, drivers,X86 architecture….

..અને/પણ દરેક કોડરના જીવનની એક અભિલાષા , એક ગમતું સ્વપ્ન , એક ધરબી રાખેલી ઇચ્છા , એક વિકૃતી એના સાઈનેપ્સની…હોય છે…કે ક્યારેક જીવનનાં કોઇ એક તબક્કે એક મોડિ રાત્રી અને વહેલી સવારની વચ્ચે ના સમયે એ ફાઈનલ વર્ઝન બિલ્ડ કરે પોતાના પહેલા પ્રેમ જેવા વિચારને વાસ્તવિક સ્વરૂપ આપે..અને વિરોધાભાસની જેમ જેને એ પોતે પણ કદાચ ક્યારેય નહિ વાપરે (!!) એવી….પોતાની અંગત,પોતિકિ એક ઓપરેટિંગ સિસ્ટમને !

…એક ઇચ્છા કોઇ બાળકની ચંદ્રને પકડવાની અને આકાશમાં ઉડવાની અને કોઇ મુગ્ધ પ્રેમી ની…જેને આખી જિંદગી હરતાં ફરતાં, સેલેરી હાઈક લેતાં લેતાં પણ…ભુલી નથિ શકાતી…પહેલા પ્રેમની જેમ વારેવારે યાદ આવીને “અટકી” જતી…બદલો ચુકવ્યા વગરના પરાજયની જેમ…થપ્પડ માર્યા વગરની ખંજવાળની જેમ…જે દરવખતે તમને હલબલાવી જાય…

જો કે એક જુનો અંગત પ્રોજેક્ટ મેં અલગ કરીને મારા રોજિંદા કોમ્પ્યુટરમાં લઈ લીધો છે….મારું નામ જ માત્ર પ્રિંટ કરતી પણ પોતાની મેળે જ કોઇ જ બાહ્ય મદદ લિધા વિના પોતે બુટ થઈ શકતી એક ઓપરેટિંગ સિસ્ટમનો કોડ…મારો..સો ટકા મારા લોજિક અને કોડથી લખેલો, એક અધ્યાય પુરો, હવે બિજો શરૂ.. આઉટપુટની કોઇ એવી ખાસ મજા નથી હોતી…દોસ્ત..બલ્કે…કોડ પુરો થાય છે ત્યારે કંઈક ગુમાવ્યાનો સંતાપ થતો હોય છે….દરેક પુરો થનારો પ્રોજેક્ટ એક નવો વિયોગ આપે છે,એ કોડનો હોય કે ઈમ્પ્લિમેન્ટેશનનો હોય કે રિસર્ચનો હોય ,જ્યારે પુરો થાય છે ત્યારે કોઇ કોઇવાર ભુખ મરી ગઈ છે…એ દિવસે સિગરેટના ધુમાડાને સહન કરવા માટે માત્ર દુધ અથવા જ્યુસ પી લઈને ચલાવી લીધું છે…રાત્રે કોઇ ઉદ્દેશ વગર ઈન્ટરનેટ ફેંદ્યા કર્યું છે….એ દિવસે ગઝલો અને બકવાસ વચ્ચે કોઇ ફરક નથી અનુભવાતો…અને એ દિવસે મને છંછેડવામાં મજા નથી !!  ….મજા કોડ કરતાં રહેવામાં છે…રિઝલ્ટમાં નહિ પ્રોસેસિંગમાં મજા હોય છે.

…ગઈકાલે રાત્રે બેક અપની જુનિ ડિવીડિઓ ને ફેંકી દેવાની હતી નવા બેક અપ ની ડિવીડિઓ બનાવી લીધી..અમુક ને સાચવીને ફરીથી પાછી મુકી દીધી…મારી મુર્ખામિઓ..ઉપલબ્ધિઓ…ભુલો…ખાસિયતો..અર્ધ-બેકારીના દિવસોની યાદો…જુની પિડિએફ ફોરમેટની બુક્સ..મારા પોતાના અળવિતરા કોડસ અને કંપાઈલર્સ..મારું નજિવુંપણું આ કોમ્પ્યુટરની દુનિયામાં અને મારું હોવાપણું…તમે સિગરેટ પી શકો ગમે ત્યાં છડેચોક અને છોડિ પણ શકો…ચ્હા કે કોફિ કે સંબધો કે તકલીફો ના તમે બંધાણી ન હોવ…અને છતાં હજુય અલગ કાઢી રાખેલી જુની અને હવે કામ વગરની ડીવીડિઓને ફેંકી નહિ શકેલો હું !!

નિખિલ ધ ગ્રેટ નો એટિટ્યુડ કોઇ કામ નથી લાગતો જ્યારે પોતાના ઈતિહાસને એક પુર્ણવિરામ મુકવાનું હોય છે…, “બધું સાફ સુફ કરી નાંખવાનો”- અડગ વિચાર પોતે અત્યારે ડગી ગયો લાગે છે…  , એની ફાઈલો અને તમે જાતે બનાવેલા નવા નવા વિચિત્ર અલગોરિધમ અને એના એરર-લોગ ને જોઇને તમને મોં વડે નહિ છાતી વડે હસવું આવ્યું છે ક્યારેય ?!, જુના કોડને જોઇને વિતેલી જિંદગીનો રોજમેળ જોતા હોવાનો અનુભવ થયો છે ક્યારેય ? વચ્ચે વચ્ચે કોડમાં કોમેન્ટ્સમાં હાઈડ કરેલા ઓલ્ટરનેટ લોજિક ના કોડને યાદ કરીને આંખો ભીની થઈ છે ક્યારેય ?! …પોતાના લખેલા કોઇ કોડને જોઇને તમને ક્યારેય ગળે ડુમો ભરાયો છે ?!

….પણ ફેંકવા કાઢેલી જુની ડીવીડિઓ..અને..આ જુઓ…છેક અત્યારે ધ્યાન ગયું કે…સાવ ગંભિર પોસ્ટમાં સ્માઈલી મુકતો રહેતો હું…અહિ સુધી એકપણ સ્માઈલી વગર જ આવી ગયો…મને લાગે છે કે વિશ્વવિજેતા ના ભ્રમમાં રહેતાં નિખિલ શુક્લ , જુની ડિવીડિઓને નહિ ફેંકી શકવાની હાર સ્વિકારી લેશે. અને એ હારનો પણ એક ઉત્સવ હશે ! અત્યારે તો રુખસદ આપો…મેં ઔર મેરી ઓપરેટિંગ સિસ્ટમ બૈઠકે બાતેં કરેંગે…

“ચાલ સાથે બેસીને કાગળ વાંચિયે, વિત્યા વરસોની પળેપળ વાંચિયે,
છે બરડ કાગળ અને ઝાંખા અક્ષરો,કાળજીથી ખોલીને સળ વાંચિયે…” ___

 

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

4 Comments

 1. એરર-લોગ
  interrupts,
  mutexes,
  semaphores,
  memory management,
  inter process communications,
  લોજિક,
  bootloader,
  512 bytes,
  kernel,
  real mode,
  protected mode,
  drivers,
  X86 architecture….
  સાઈનેપ્સ
  symbolic programming
  object oriented programming
  અલગોરિધમ…

  …reasons apart from soothing language..rich verbosity to read ur stuffs..u simply rock mahn..(Y)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: