નવરાત્રી…

0

દિવાળીની પૂર્વભુમિકા જેવા દિવસોની શરૂઆત થવા આવી છે. મિઠી-ઠંડી સવાર,એવી જ ઉંઘ, એવો જ ઉજાગરો અને સવારમાં બાઈક ઉપર ઉડતા એવા જ થોડાં અસ્તવ્યસ્ત વાળ.

હવે નવરાત્રી આવી જ જવામાં છે. અને જુની બધી જ યાદો જાણે કે ઉભરાવા લાગી છે. મને ગરબા નો શોખ/ઇચ્છા નથી હોતી,જોવાની પણ નહી. જોકે જોવાની મઝા આવે. પણ ક્યારેક તો ,અમુક ડોસાઓની અમુક વાતોથી “પ્રેરણા” લઈને નવરાત્રીમાં બહાર નિકળતી જોગણીઓ/ડાકણો ને જોવા-શોધવા સ્મશાન માં નવરાત્રીની રાતો ગુજારી હતી.

એક વાત જોકે મને ગમે છે નવરાત્રીની કે અમુક ખુબ જ સારા ગીતો,ગરબા સાંભળવા મળી જાય છે. અને લાઊડ સ્પીકરના કારણે દુર રહીને પણ માણી શકાય છે. “તારા નામની માળા લઈને..”, “રે કાન્હા હું તને..” અને આમ તો “મહીસાગર” ના કિનારે મારાં મુળિયાં છે છતાં પેલું “મહીસાગરની આરે ઢોલ..” જરાક વિચિત્ર જ રીતે વાગતા લાગ્યા છે મને ,લાગતું જ રહેશે !

..અને, ફાળો ઉઘરાવવા આવતાં ટપોરીઓ મને ખાસ ખટકે છે. અને એટલા ખટકે છે કે છેલ્લાં અમુક વખતથી તો નવરાત્રી માં આપવામાં આવતો ફંડ-ફાળો આપવાનું બંધ જ કરી દીધું છે. અને એ ફાળો ઉઘરાવવા આવતાં મોટાંભાગનાં ટપોરીઓ ને ધમકાવી/ઝગડીને આવતાં બંધ કારાવ્યા છે. આ નવરાત્રી અને ગણેશ ચતુર્થી અને એમ જ બધી વખતે ફાળો ઉઘરાવવા આવતાં બધાં પહેલેથી જ લુખ્ખા જેવા હોય છે કે પછી એ કોઇ ફોર્માલીટી હોય છે ?! “માતા” માટે ફાળો ઉઘરાવવામાં અને જુની સી-ગ્રેડ ફિલ્મોના ટપોરીઓના હપ્તા ઉઘરાવવામાં ફરક હોય કે નહી! વળી, એમાંય હવે ફુગાવો એટલો ઉમેરાયો છે કે માટીના ગબ્બર અને અંબે માતાના ફોટા સિવાય લગભગ બધું જ જાણે કે અમેરીકન ડોલરની કરન્સીમાં ખરીદવાનું હોય એટલી હાયવોય હોય છે એમાં.

પણ સૌથી વધારે ત્રાસ હોય છે રિમિક્સ ગરબાં અને ફિલ્મિ ગીતો નો..

“પહેલી નજર મેં ઐસા જાદુ કર દીયા..”,”જર..જરા..ટચ મી..ટચ મી..” અને પુરેપુરી ઉત્સુકતા અને ઇંતેજારી હોય છે એ જાણવાની કે “હોકલિયો ચિયા ગ્યોમ જ્યો’તો…”- ઉપર થી એ લોકો સાલા, શાંત,સુનકાર, ઠંડી રાતોને પણ રિમિક્સ કરી નાંખે છે. આવનારા એ નવ દિવસો રાતોની સુંદરતાં છીનવી લેશે.

ના, કશું ખોટું નથી. નવી રીતો અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ધર્મ, ધાર્મિકતાની વાત આવે એટલે સિધુ સદીઓ પહેલાનો હેન્ગઓવર પહેરી લેવો જરૂરી નથી. નવાં કોચ્યુમ્સ,મ્યુઝીક સિસ્ટમ્સ, ટ્રેન્ડ્સ કે પછી નવી નવી ડાન્સ સ્ટાઈલ અને સ્ટેપ્સ ગરબામાં લાવવામાં ક્યાંય સંસ્કૃતીનો લોપ નથી થતો. ક્યારેક કદાચ એવો પણ દિવસ આવી શકે કે અમેરિકામાં વસતાં ગુજરાતીઓ ઇંગ્લીશમાં કોઇ ગરબો લખવાનો પ્રયત્ન કરશે અને કોઇ ફ્રેન્ચ ગુજરાતી એ ભાષામાં ગરબો લખીને એન.આર.આઇ. ક્વોટા માં ગરબા જોવા આવશે તો, એ’ય ભલે ને આવતો. વાંધો શું હોઇ શકે ?! માત્ર ઘોંઘાટ અને જલેબી ફાફડા અને વ્હિસ્કીના કુંડાળામાં કૈદ થઈને રહી જતા મેળાવડાને તહેવાર નથી કહેવાતા અને એને ભક્તીપુર્ણ તો બિલકુલ નથી કહેવાતા. નવરાત્રીઓની સાચી મઝા અને રંગત જોકે ગામડાઓમાં હજુય સચવાઈ છે. મોડીરાત્રે શાલ ઓઢીને આંખે ઉજાગરો મઢીને થતી નવરાત્રીઓ તો જેણે જોઇ છે એને જ ખબર છે કે એનર્જી/યુવાન લોહીનો ધબકાર કે એ ઉછાળો કોને કહેવાય. બાકી, કોસ્ચ્યુમ્સ અને મ્યુઝીક સિસ્ટમ્સના વાયરોના ગુંચળાતો હવે ગમે તે વાર તહેવારે હોય છે, પણ એને કંઈ નવરાત્રી નથી કહેતાં.

પણ, એ વિચારે મન ખિન્ન થાય છે કે એ નવ-દશ દિવસો ખુણેખાંચરે બનેલા માળાઓમાં કેટલાંય બચ્ચાંઓ ચિસો પાડીને મરી જશે, અને પક્ષીઓ એમને એમ કરતાં જોઇ રહેશે. ભુખ કે તરસ કે કોઇ મોટાં પક્ષીઓ હોત તો કંઈક કરી શકાય પણ આ તો માનવીનો માનવીય તહેવાર શું થઈ શકે ?! કેટલાંય ઇંડાઓ જન્મી જ નહી શકે. કેટલાંય વૃધ્ધો ઘરમાં પણ કોઇ શાંત ખુણો શોધી નહી શકે. અને સાવ નાના શિશુઓના માં-બાપ નક્કી નહી કરી શકે કે ફળીયાવાળાઓ જોડે ઝગડવું કે પછી ” ભય’લુ ” ને છાનો કેમ રાખવો ? અને આ બધું પાછું દીવાળીના ફટાકડા વખતે પણ ચાલતું રહેશે. આધુનિકતા દરેક જગ્યાએ પ્રસ્તુત હોતિ જ હોય છે. એનાથી સંસ્કૃતિનો લોપ થવાની ત્રીજાપુરૂષ એકવચન ની ચિંતાઓ પણ મોટાભાગે પાયા વગરની જ હોય છે.

ખૈર, [રમેશ,રમણિક,જયેશ,પરેશ..] ભાઈ [પંચાલ,પટેલ,શાહ,ભાવસાર] વાતોં કરતાં હશે કે ભક્તિ કંઇ એમ ને એમ જ થોડી થાય છે. લોકો ને અમરનાથ જવું કેવું અઘરું પડતું હશે વગેરે.

કોઇ જ પુર્વગ્રહ વગર હું અંગત રીતે એવું માનું છું કે કોઇપણ ધર્મની વાતોમાં માણસ જેટલો વધારે ભક્તિમય થતો જાય છે એટલી જ એની ધર્મ વિશેની માન્યતાઓ/વાતો બેહુદી/ભદ્દી/ચીંથરેહાલ/ચીતરી ચઢે એવી અને ક્યારેક તો સાવ હલકી થવા માંડે છે. જેટલો એ વધારે ભક્તીમય એટલો જ એ વધારે ઉધમાતીયો આ સત્ય આવા જાહેર તહેવારોમાં ઉડીને આંખે વળગે એવા લક્ષણોમાંથી એક છે.

કંઇ કેટલાંય પ્રેમોત્સુક નવરા-નવરીઓને માટે આ બીજો “વેલેન્ટાઈન-ડે” હોતો હોય છે, કેટલાંય પ્રપોઝ થશે અને કેટલાંત મન તુટશે. અને એ બધું પણ એની જગ્યાએ બરાબર છે. એ સિવાય દરેકે દરેક ફળીયાની એની પોતાની આચારસંહિતાઓ અમલી થઈ જાય છે. “બાઈકો લઈને આવવુ નહી”, “મોટી ગાડીઓ માટે મનાઈ”, અને ગયા વર્ષે અમદાવાદમાં મણિનગર તરફના એક વિસ્તારમાં વાંચવામાં આવ્યું હતું કે..”છેડતી કરનાર ને શિક્ષા કરવામાં આવશે” (શબ્દો માં ભુલચુક લેવીદેવી)!

ક્યારેય આ બબુચકો ને એમ કેમ નથી સુઝતું કે આચારસંહિતાં એવી પણ હોઇ શકે કે “મોઢામાં ગુટખા ઠુંસેલાંઓએ ગરબા માં ભાગ લેવો નહી”,”જડબેસલાક દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ પિને ગરબામાં આવવું નહી”, કે પછી એવું પણ થઈ શકે કે પોતે જ મધ્યમ તિવ્રતા સાથે સ્પિકરો વાપરવા માંડીએ. તહેવારોની ખરી મઝા એના ઔચિત્યપુર્ણ વાતાવરણમાં છે.

..અને, પેલા ચાલુ આરતી-ગરબા માં કોમ્પ્યુટર સાયંસના “કર્નલ પેનિક” ની જેમ અચાનક આવી જતી “માતા ઓ” તો કેમ ભુલાય ?! કંઈ કેટલીયે સવિતા-રમિલા-શાંતા-કાંતા બેન ભુવાની જેમ ધુણવા મંડશે અને “પવિત્રતા” અને “ભક્તિ” ની એક નવી જ વ્યાખ્યા આપી દેશે. અને સવારે ફરી પાછી એજ બની જશે-કજીયાખોર.

પણ યાર,વાત એટલી જ કે દરવખતની જેમ આરતી પછી પ્રસાદમાં બે-ચાર સિંગદાણા વધારેઓછા મળ્યાનો હરખ-શોક કરવાનો હોય, ચાલુ ગરબાએ આંખોના ઇશારે ખણખોદ-કુથલી જ કરવાની હોય,ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ના મહીનાઓના અવકાશ પ્રવાસ પછી થતાં કચરાં કરતાં વધારે કચરો નવ-દિવસોમાં કરી નાંખવાનો હોય, પોતે ઉછીના માંગેલા પૈસાથી જયાફતો ઉડાવીને ભિખારીઓ અને એમના બાળકોને હડધુત કરતાં રહેવાનું હોય, છેલ્લાં દિવસે મળનારી મફતની એક થાળી કે વાડકી કે પવાલી કે તપેલી માટે ઠેકડા મારવાનાં હોય, ચોરી-છુપીથી “ગ્રીન લેબલ, બ્લેક લેબલ” વ્હિસ્કી અને દારુની બોટલો ખાલી કરવાની હોય, કોઇપણ પ્રસ્તુતતા અને વિવેકને ધ્યાનમાં લીધા વગર સ્ત્રીઓ અને છોકરીઓની ખુલ્લી બેકસાઈડ વાળા બ્લાઊઝ અને ચણીયાચોળી જ જોયા કરવાનાં હોય તો એ બધું તો આપણે આમપણ રોજ કરતાં જ હોઇએ છીએ ને, તો નવરાત્રિમાં નવું શું છે !

ખૈર, ક્યાંક-ક્યાંક લોકો સમજદારી-જવાબદારી પુર્વક નવરાત્રી ઉજવશે એ પણ ખરું.

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: