સજીવ જીવન ચેતના ?!

0

..આપણી કદાચ એક તકલીફ એ છે કે આપણે માત્ર “સ્થાપિત સત્યો” ને જ ધ્યાનમાં લઈએ છીએ. પણ એવી ઘણી બાબતો છે જે ઘણાં જવાબો આપે છે, પ્રશ્નો પણ અને રહસ્યને વધારે ગુઢ બનાવે છે !!

આપણી આ ચામડી, હાડકાં, લોહી..માત્ર આમ જ હોઇ શકે ? યાર, આપણે લાખો-હજારો વર્ષોની મુસાફરી પછીથી અહીં પહોંચ્યા છીએ અને એ દરમિયાન આ બદલાવ આવ્યો છે. જો પૃથ્વીનું ગુરૂત્વાકર્ષણ બળ ઓછું હોત તો પણ આપણાંમાં એનો ફરક હોત, આ હવા-વાયુઓ, પાણીનું બંધારણ,પૃથ્વીનું ધરીભ્રમણ-પરિભ્રમણ, અંતર….વગેરે માં જો આજના હિસાબે કોઇ ફરક હોત તો એ ફરક આપણાંમાં પણ reflect થયો હોત. એટલે કે માત્ર, આપણાં જેવું બંધારણ હોય તો જ જીવન શક્ય હોય એમ મગજ નથી માનતું. થોડાંક “જીન્સ” ના બદલાઈ જવાથી પણ સજીવોમાં કેવા ધરખમ ફેરફાર થાય છે ?! તો જો સમગ્ર વાતાવરણ-પરિસ્થીતીઓ જ બદલાઈ જાય તો..?

બ્રહ્માંડ્માં બીજી કોઇ જગ્યાએ એવી જ, સાવ અલગ જ, પરિસ્થીતી હોય તો ? એક આપણાં કરતાં સાવ જ અલગ સજીવ-સૃષ્ટિ ના વિકસે ? પેલા A,C,T,G (એડેનાઈન, થાયામિન, સાઈટોસાઈન, ગ્યુનાઈન) આમ જ ગોઠવાવા જોઇએ , કે લોહીમાં અમુક જ પ્રમાણ હોવું જોઇએ હિમોગ્લોબીનનું કે ચામડીનું બંધારણ આમજ હોવું જોઇએ…આ બધું કોણે નક્કી કર્યું હતું ? સંજોગો અને પરિસ્થીતીઓએ !

..તો, જો બ્રહ્માંડમાં બીજી કોઇ જગ્યાએ બીજા કોઇ વાતાવરણમાં જીવન વિકસે તો એ આપણાં કરતાં અલગ જ હોવાનું ને ! બે આંખો હાથ, પગ,માથું આ બધું કોઇ નિયમ નથી, બલ્કે, જરૂરીયાત હતી-છે, માટે એ બદલાઈ શકે છે. ફરી એકવાર પૃથ્વી જો એક અપવાદ હોય તો પણ, બ્રહ્માંડનું કદ, વિસ્તાર અને પદાર્થનું પ્રમાણ જોતાં એ અપવાદો
પણ ઓછામાં ઓછા હજારો હોવા જોઇએ ! આપણે હકિકતે જીવન/ચેતન/સજીવ હોવાનો અર્થ જ નથી સમજ્યા. આપણે જીવનને પણ બહુ બંધિયાર પેરામિટર્સ વડે સમજ્યા કર્યું છે. લોહી/માંસ/હાડકાની એક સ્થુળ સમજને આપણે જીવન સમજીએ છીએ. પણ..કોણે એવા માપદંડો નક્કી કર્યા હતાં ? આપણે, કે જેમને પોતાને હજુ જીવનની કોઇ વ્યાખ્યા નથી મળી શકી !

પહેલાં એમ માનવામાં આવતું હતું ક સુર્ય એક જ છે, પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે, ગ્રહો માત્ર આપણાં જ સુર્યમંડળમાં છે, જમિન, માટી, ઘુળ ઢેંફાં, પાણી, પહાડો,ખીણો..માત્ર અહીં જ છે. પણ પછી ? પછી આપણને ખબર પડી કે આ બધું તો પૃથ્વી સિવાય પણ છે. અને આપણે એને અપવાદના બદલે નિયમ ગણી લીધાં ! અને એ ખોટું નથી જ. એવી જ રીતે જ્યારે આપણને જીવનનાં નવા પ્રકારો મળશે ત્યારે કદાચ આપણે એ પણ સ્વિકારી લઈશું કે જીવન અપવાદ નથી પણ નિયમ છે !

પુરાણો ,વેદો અને બીજા ગ્રંથો માં કહેવાયું ઘણુંબધું છે કે – અમુક “યોજન” દુર આમ છે, તેમ છે…આપણે નહોતા માનતાં પછી એ “યોજન” ને કીલોમીટરમાં (light year)માં ફેરવીને આપણે જોયું કે, એ સાચું છે. રામાયણ, મહાભારત…માં એવાં ઘણાં પાત્રો છે જે આપણાં જેવા નહોતાં, હવે એમને કોઇ થેરેપી/સર્જરી વડે એવા બનાવ્યાં કે વગેરે વાતોને ને બાજુ પર રાખીએ તો એમાંનાં ઘણાં પાત્ર મુળે તો આ પૃથ્વી પરનાં જ નહોતાં, એમ નહોતું લાગતું ?! તો શું એવું હશે કે એ વખતે ઇન્ટર પ્લેનેટરી કે ઇન્ટર ગેલેક્સી અવર-જવર કે વ્યવહારો હતાં !?

મુળ વાત એટલી જ કે જીવન “આમ કે તેમ” જ હોય એ વિચાર જ ભુલભરેલો છે. પાણી વગર જીવન ન સંભવે – બરાબર છે પણ એ તો પૃથ્વીના જીવન માટે, બીજા કોઇ પ્રકારના જીવન માટે પાણી એટલું મહત્વનું ન પણ હોય, ત્યાં કદાચ જરૂર ન પણ પડે. આપણે પાણી વડે તરસ છિપાવી શકીએ છીએ કેમકે, આપણૂં શરીર એવી રીતે વિકસ્યું છે, નહી તો કદાચ બીજા કોઇ પદાર્થ-તત્વ વડે આપણે તરસ છિપાવતાં હોત. અને…તરસ શું છે ? આ ભુખ શું છે ? તરસ લાગવી જરૂરી છે ? ભુખ લાગવી અનિવાર્ય છે ? આ ઉંઘવું અને જાગવું…જન્મવું -વિકસવું-જર્જરિત થવું અને મરી જવું..આ બધું શું છે, કેમ છે ?

હાં, બરાબર કે શરીરના અંગો અને આખી કાર્ય-પ્રણાલી માટે પાણી જરૂરી છે. શક્તિ માટે ખોરાક જરૂરી છે, અને શરીરના સ્મુધ ફંક્શનિંગ માટે ઉંઘ જરૂરી છે,પણ આપણે અહીં પૃથ્વી સિવાયના કોઇ બિલકુલ અલગ જ સજીવની વાત કરીએ છીએ. એમના માટે આ બધું આમ જ હોય એવા કોઇ નિયમ તો નથી ને ! કે પછી છે ? કોણે બનાવ્યા ? જો આપણાં કરતાં અલગ જ રીતે કોઇ સજીવોની શરૂઆત અને વિકાસ થયો હોય તો એમની બાયોલિજીક જરૂરીયાતો/લક્ષણો/બંધારણ પણ અલગ જ હોય ને !

આપણે માનતાં હતાં કે -“વૃક્ષને વિકસવા માટે ફળદ્રુપ જમીન ,પાણી અને હવા જોઇએ, પછી આપણને ખબર પડી હાઇડ્રોપોનિક્સ વિશે અને જાણ્યું કે…વૃક્ષ ખરેખરતો જમીન માંથી માટીનો બહુ ઓછો જથ્થો ગ્રહણ કરે છે, એને જરૂર હોય છે જે તે અમુક તત્વોની. અને એ તત્વો જો પાણી વડે આપી શકાત તો માટીનું કોઇ મહત્વ નથી રહેતું…” એવી જ રીતે
કોઇ બીજા પ્રકારના સજીવો કદાચ માટે ભુખ, તરસ, ઉંઘ….ની આપણાં કરતાં અલગ વ્યાખ્યાઓ હોય અને એની પુર્તિ પણ અલગ રીતે થઈ હોય તો એ સ્વાભાવિક છે.

..અને એટલે પાણી ન હોય ત્યાં જીવન ન હોઇ શકે એ વિધાન “અધુરું” છે, જીવન એટલે આપણાં જેવું જીવન ના હોઇ શકે, પણ આપણાં થી અલગ જીવન તો હોઇ શકે ને. એનો અર્થ એવો નથી કે બધે જ જીવન હોય..પણ જ્યાં થોડાં ઘણાં પણ અનુકુળ સંજોગો -જે વળી રિલેટિવ, વેરીએબલ છે – હોય તો ત્યાં જીવન નો વિકાસ સહજ ગણાય. અને જીવન પણ શું છે ? આપણાં જેટલી જ આયુષ્ય મર્યાદા, શારિરિક બાંધો હોય એ પણ ક્યાં જરૂરી છે ? જીવન માટે શ્વસન ક્રિયા પણ જરૂરી છે ? જો જે તે મુળ – જરૂરી તત્વ સહેલાઈથી મળતું હોય તો એને સાચવાની જરૂર જ નથી. આપણને હવા જરૂરી છે પણ જરૂરી પુરવઠો સહેલાઈથી મળી રહે છે માટે આપણાં શરીરમાં હવાને રાખવાની વ્યવસ્થા નથી, પણ પાણી એમ નથી મળતું માટે આપણું શરીર પાણીને અલગ-અલગ સ્વરૂપમાં સાચવે છે. બીજી બાજુ જ્યાં પાણી સહેલાઈથી મળે છે એવી જગ્યાઓએ (દરિયા, સરોવરો) માં એવા સજીવો છે જે પાણી નથી સાચવતાં પણ હવા ને ફેંફસામાં ભરી રાખે છે !

…તો, જીવન એક ખુબજ સાપેક્ષ/ચલાયમાન/પરિવર્તનશીલ બાબત છે. માટે એના અંગે વિચારતી વખતે કે શંશોધન કરતી વખતે આપણે મગજને બાંધી રાખીએ તો..હરીફરીને એક જ જગ્યાએ આવી જઈશું. નિરુત્તર થવા સુધી !

ઇલેક્ટ્રો મેગ્નેટિક ફ્રિકવન્સીના કેટલાય પુરાવાઓ/અખતરાઓ/બનાવો ને આપણે ભુત/પ્રેત/આત્મા જેવા શબ્દો અને વિભાવનાઓ વડે “બંધબેસતા” કરવા પ્રયત્ન કર્યો છે. પછી એને પેરેલલ યુનિવર્સ અને મલ્ટીવર્સ જેવા શબ્દો વડે ભૌતિકશાસ્ત્ર અને ક્વોન્ટમ નિકેનિક્સ પણ કામે લગાડીને જોયા છે. અને એ બધેથી શું તારણો મળે છે ? એ જ કે જીવનની આપણી સમજ ખામીયુક્ત છે. દુનિયા એક સુવ્યસ્થીત જેલ છે અને આપણે કોઇ અલગ જ આધુનિક સજીવોના ગુલામો છીએ જે એમની અમુક જરૂરીયાતો માટે છે, એમ માનનારો એક બુધ્ધીજીવીઓનો વર્ગ છે, વળી એવો પણ વર્ગ છે જે આ બ્રહ્માંડને કોઇ “મેટ્રિક્સ” જેવી રચનાનો ભાગ સમજે છે. વળી એમ પણ કે…આપણે પોતે કોઇ અખતરો છીએ કોઇ બિજી જ સજીવ પ્રજાતીનો. બ્રહ્માંડના વિરોધાભાસો અને એના પ્રમાણો પણ એ જ નથી બતાવતાં કે આપણે જીવનને ખોટી જગ્યાએ નહી બલ્કે, ખોટા અભીગમ થી શોધી રહ્યા છીએ ?!

ખૈર..અને ક્યાંક એક ચર્ચામાં મેં ગમ્મતમાં એક પ્રશ્ન કર્યો હતો કે…ચયાપચયની કોઇ હારમાળાને/એની રાસાયણિક પ્રક્રિયાને જ જૈવિક કોષ ગણીને સજીવ કહેવાતો હોય તો..ઉર્જા સાથે પ્રકાશ/ફોટોન આપીને ખતમ થઈ જતા અણુઓને કેમ સજીવ ના ગણાય ? એમની પણ એ એક પ્રકિયા-જીવન જ છે ને. જીવન-કાર્ય-કારણ-મૃત્યુ નો નિયમ તો એમાંય જળવાય છે ને ! ;)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: