Copy Right Act.

1

આજકાલ ઘણા સમજુ અને નાદાન લોકો કોપીરાઇટ બાબતે મંડ્યા છે તો, છે..ક ઇસવીસન ૨૦૧૦ ની શરૂઆતમાં લખેલી આ પોસ્ટ કદાચ કામ લાગે! ;) :)
———-

ઓરકુટ,યુટ્યુબ,ફેસબુક,યાહુ-ગુગલ ગ્રુપ્સ, બ્લોગ્સ વગેરે જગ્યાએ બધાં ઘણું લખે છે, ગમે ત્યાંથી કોપી કરીને ગમે ત્યાં પેસ્ટ કરી દે છે. ગમે તેના લેખ,કવિતા,લખાણ,વિચારો ને પોતાના નામે કરી દે છે પણ, આ બધું આટલું સહેલું છે, અથવા કહો કે આટલું જ છે ?! “કોપી રાઇટ એક્ટ” નામની એક વસ્તું હોય છે , એ ખબર છે કે નહી ?! વેલ, તો આજે થોડી એના વિશે વાત કરીએ.

એ કાયદો હોય , પાછો ભારતનો હોય.તો ચમત્કાર અને નવાઈઓ સહજ છે! કોપી રાઇટ એક્ટ મુજબ માત્ર “લખાણ” જ નહી, પણ બીજી પણ ઘણી બાબતો આવરી લેવાઈ છે. જેમકે, ચિત્રો, સંગીત, ધુન વગેરે. અને પછી એ સિવાય? મકાનોના બાંધકામ ને લગતા પ્લાન, કોઇપણ જાતના નવા મૌલિક ચાર્ટ/ગ્રાફ. ટેલિકમ્યુનિકેશન કે ઈલેક્ટ્રોનિક્સ વગેરે ની કોઇ મૌલિકતા અને એ સિવાય કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ, કોડ ટેકનિક્સ, અલગોરિધમ વગેરે પણ ખરું. ટેલિકમ્યુનિકેશનમાં કોઇ નવી રીત પણ આવરી લેવાય, પછી એ વાયરલેસ કનેક્ટીવીટીનો કોઇ ફંડા હોય તો પણ!
ટુંકમાં, તમારું કંઈપણ મૌલિક સર્જન કોપી રાઇટ એક્ટ હેઠળ આવરી લઈ શકાય. પણ, પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ;)

જો તમે “સરસ્વતિચંદ્ર”, ની એવી ને એવી જ કોમ્પ્યુટર કોપી/ઇ-કોપી બનાવો તો ?! વેલ, સરસ્વતિચંદ્ર ના મુળ લેખક તો “ગોવર્ધનરામ ત્રિપાઠી” જ ગણાય,પણ સરસ્વતિચંદ્રની ઇ-કોપીના કોપી રાઇટ તમારા ગણાય ! કઈ રીતે ગણાય ? according to Copy Right act 1957, “author” means— (VI) in relation to any literary, dramatic, musical or artistic work which is computer-generated, the person who causes the work to be (re)created. (Chapter 1, Section-2, sub Section-D – VI)

..આપણે જે કંઈ લખીએ છીએ એ બધુંજ આપોઆપ આપણા નામે થઈ જાય છે. પણ, જો બિજા કોઇએ કંઈ લખ્યું હોય (પોસ્ટ્સ, અપડેટ્સ,સ્ક્રેપ્સ,ફેન્સી ઇમેલ્સ, વગેરે) અને એ આપણે લઈએ તો અથવા તો એનાથી ઉલટું થાય તો ?! જો તમે એમાં કોઇ નવિનતા લાવો અથવા એના સ્વરૂપમાં (સ્વરૂપ માત્ર, વિગતો કે બાબતો નહી)”ધરખમ” ફેરફાર કરો તો,

(૧) મૂળ લખાંણ, સર્જન,વિચાર તો મૂળ સર્જક ને નામે જ રહે છે.

(૨) જે તે સર્જનના એના બદલાયેલા-સુધારેલા (કે બગાડેલા!) નવા સ્વરૂપના હકો તમારા છે. (ખુશિયાં..ફટાખેં..મિઠાઈયાં ;) )

ગુંચવાડો લાગતો હોય તો એક ઉદાહરણ આપું. એક પુરૂષ અથવા સ્ત્રિ,એકવાર લગ્ન કરે. પછી માનો કે છૂટેછેડા થાય છે અને બંને અથવા ગમે તે એક પાત્ર બીજા લગ્ન કરે છે, હવે જો એ બીજુ પાત્ર (જેણે બીજા લગ્ન કર્યાં છે , દા.ત. સ્ત્રી ધારી લો), પોતાના નવા(બીજા) ઘરમાં, બિજા પતિ માટે રસોઇ બનાવે અને દિવસમાં એકાદ વખત, પોતાના પહેલાં પતિની ખબર અંતર પણ પુછી આવે,નાનું મોટું ઘરકામ કરી આવે, અથવા પુરૂષ પોતાની બીજી પત્નિ સિવાય પણ પહેલી પત્નિને કંઇ સધિયારો આપે તો કેવુંક રહે?! બસ, કંઇક એવું! ;)

પ્રકાશન અથવા પબ્લીકેશન એટલે – For the purposes of this Act, “publication” means making a work available to the public by issue of copies or by communicating the work to the public. —(Chapter 1, Section-3)

અમુક ખાસ પરિસ્થિતિઓમાં “કોપી રાઇટ બોર્ડ” ને સિવિલ કોર્ટ સમકક્ષ સત્તા આપવમાં આવી છે, અને એ સત્તા હેઠળ એ બોર્ડ sections 345 and 346 of the Code of Criminal Procedure, 1973 માટે લઈ શકાય એવા ચુકાદા પણ આપી શકે છે. (sections 345 and 346 માટે પાછું મારે, થોથાં ઉથલાવવા પડશે એમાં મોડું થશે, એટલે અત્યારે આટલું જ, અતિલોભ તે પાપનું મુળ છે ;) )

જ્યારે એમ કહેવાય કે “જે તે સર્જન સૌથી પહેલાં ક્યારે અથવા જ્યારે પ્રકાશિત (અથવા જાહેર) થયું” ત્યારે..

(૧) ત્યારે એનો અર્થ એવો કરવાનો રહે છે કે, તે સૌથી પહેલા ભારતમાં જ પ્રકાશિત થયેલું હોવું જોઇએ, અને જો ભારતની બહાર સૌથી પહેલાં પ્રકાશિત થયું હોય તો, જે તે તારીખે એનો સર્જક ભારતનો નાગરિક હોવો જોઇએ તો અને માત્ર તો જ ભારત નો કોપી રાઇટ એક્ટ એને લાગુ કરી શકાય.

(૨) એ સિવાય જો સર્જન “અ-પ્રકાશિત” અને “મકાનો-સ્થાપત્યો” સિવાયનું હોય તો, જે તે સર્જક ભારતનો નાગરિક હોવો જોઇએ, અથવા ભારતો આશ્રિત હોવો જોઇએ, તો જ કાયદો લાગુ કરી શકાય.

(૩) અને, સ્થાપત્યો-બાંધકામ નો સર્જક ભલે ગમેતે હોય (ભારતીય- અભારતીય), પણ સ્થાપત્ય-માળખું ભારતમાં હોવું જોઇએ. (chapter 3, Section 13, sub section -2, I-III)

એક તરફ નવા સર્જન, રચના ની સાથે મૌલિક વિચારો ને પણ સર્જન ગણાય છે, તો બીજી તરફ, મકાનો-સ્થાપત્યોના મુદ્દામાં, જે તે મકાનો-સ્થાપત્યો ના “માળખાં” માં રહેલી “કલાત્મકતા” ઉપર જ “હક” આપી શકાય છે, તમે ગમે તે નવી રીત કે ઉપાયો શોધ્યાં હોય એને કોપી રાઇટ એક્ટમાં આવરી લેવાતું નથી !

( “In the case of a work of architecture copyright shall subsist only in the artistic character and design and shall not extent to processes or methods of construction.” —chapter 3, Section 13, sub section -5 )

ઓકે અને એ પછી? કોપી રાઈટ આખો જ હોય એમ પણ ન ધારી લેતાં, એ અડધો પણ હોઇ શકે છે ! વળી, એક જ વખતે એક જ સર્જન ઉપર નો હક બે કે વધારે વ્યક્તિઓનો સહિયારો પણ હોઇ શકે છે. વળી તમે કોઇના સર્જનને જે તે વ્યક્તિની આગોતરી મંજુરી સિવાય ઉપયોગ, અથવા જાહેર ન કરી શકો આ તો બરાબર છે, પણ તમે એને સાચવી પણ ન શકો ! હાં, કોઇના કંઇપણ લખાણ ને તમે કોઇપણ માધ્યમ અને કોઇપણ સ્વરૂપમાં સાચવી-સેવ ન કરી શકો.(સોશિયલ સાઇટ્સના ખેલંદાઓ આમાંથી કોને બાકાત રાખી શકીશું ?!)

કોઇ વ્યક્તિ જો કોઇ ન્યુઝપેપર,મેગેઝિન અથવા એવા કોઇ સામયિકમાં નોકરી અથવા તાલીમ અથવા ઉચ્ચક ધોરણે લખે તો, અને,જો કોઇ ચોક્કસ “કરાર” ન થયા હોય તો? જે તે સંસ્થાનો માલિક જ લખાણ નો હકદાર થયો ! અને કેટલે સુધી હકદાર થયો ? બીજા કોઇ સ્થાને (ન્યુઝપેપર, મેગેઝિન વગેરેમાં) છાપવા માટે, અને ફરી ફરીથી છાપવા માટે પણ. (નહીઈઈઈ યે નહી હો શકતા ! હાં લેખક મિત્રો કડવા હૈ, પર સચ્ચા હે). જો કે, એ સિવાય ની કોઇપણ પરિસ્થિતિમાં મૂળ લેખક જ તમામ રીતે હકદાર છે, અને છતાં પ્રકાશિત કરવાના પ્રકાશકના હકને પણ જાળવ્યો છે !–(chapter 4, sub section -17–a)

હજુ આગળ જઈએ તો, આપણાં અત્યારના પહેરેલાં કપડાં ઉપર આપણો હક છે, પણ એ કપડાં જ્યારે કપાસ હતાં ત્યારે ? કાગળ ઉપર આપણો હ્ક છે, પણ એ જ્યારે ઝાડ હતું ત્યારે કોનો હક હતો ? જે છે એ નથી, ક્યારેક નહોતું ,અને જે નથી એ પાછું છે, હોઇ શકે છે! આ આધ્યાતમ ની વાત છે ગુણીજનો.જરા ઉપર કે લેવલ કી હૈ..;)

સમસ્ત વિશ્વ પરિવર્તનશીલ છેઆ બ્રહ્માંડ, આ દુનિયા, આ ચહેરો.મોહ..માયા..લાગણી..સંબધો.અને..કોપી રાઇટ એક્ટ! આજે મારા નામ પર રહેલા કોપી રાઇટ, આવતીકાલે હું બીજા કોઇને આપી શકું છું.પણ..

“ડોક્ટર દીદી, મારી ઉંમર અમુક છે અને મારું મન મારી પડોશમાં રહેતાં બીજા કોઇને કોપી રાઈટ આપવાની બહુ ઇચ્છા કરે છે, પણ મને અંદરથી બીક લાગે છે તો શું કરવું ??”_લી. એક ભાઈ ;)

“સૌથી પહેલાં તો ચિંતા ના કરો. તમે એને “અડધો કોપી રાઈટ” આપી શકો છો, અને જો તમને છતાં પણ ભરોસો ન હોય તો એ અડધો કોપી રાઈટ પણ.થોડાંક જ સમય માટે અને એ પણ બહુ થોડી છુટછાટ સાથે આપી શકો છો. તમારે એ બધું લેખિતમાં જ આપવું પડશે અને કોઇ આધિકૃત એજન્ટ પાસે જ જવું પડશે. તમે “ભેટ” માં પણ આપી શકો છો, એમ કરવાથી તમારે કોઇ વધારે કાયદાકીય પળોજણ નહી કરવી પડે, પણ એ ભેટને પણ લેખિત સ્વરૂપ આપી દેવું હિતાવહ છે. એ સિવાય તમે એમ પણ કરી શકો કે તમારા “વસિયતમાં” પણ હકો આપી શકો છો, જે તમારા મૃત્યું બાદ અમલી બનશે. અને જો તમે મર્યા બાદ પણ સુધરવા ન માંગતા હોવ તો એ વખતે પણ તમામ હકો આપવા જરૂરી નથી. અને અંતમાં તમે પોતે જ “રજિસ્ટ્રાર” ને કાનુની નોટિસ મોકલીને તમારા હકો પાછા લઈ શકો છો, આખા અથવા અડધાં અથવા અમુક-તમુક, અને એ નવા હકો નોટિસની તારીખ થી અમલી થશે”(chapter 4, sub section -18 &19-1 & 20 & ‌21)

“જો કોઇ લેખક પોતાના મુળ નામ અથવા મુળ નામ સિવાયના અથવા ધારી લીધેલા અથવા..(ટુંકમાં ઉપનામ યાર!) વડે લખતાં હોય તો કોપી રાઈટ કયા નામે ગણવા? (પ્લેટો, સોક્રેટીસ, સવ્યસાચી, મનુ શેખચલ્લી, ચંદ્રગુપ્ત મૌર્ય વગેરે)” _લી. એક સર્જક

જો ઉપર જણાવ્યા મુજબનો બનાવ બન્યો હોય તો, તમારું લખાણ જ્યારે પહેલી વખત પ્રકાશિત થયું હોય એ વર્ષ પછીના વર્ષથી “૬૦” વર્ષ સુધી તમારા જાહેર નામ (સાચા અથવા ઉપનામ), સાથે કોપી રાઇટ રહેશે. અને જો લખાણ લેખકનાં મૃત્યુ પછી જાહેર થયું હોય તો પણ, ઉપર મુજબ જ નિયમો લાગુ. (chapter 4, sub section -23 & 24)

..અને હાં વાત હજુય બાકી છે પણ આટલુ પુરતું છે. પણ મહ્ત્વની વાત એ છે કે હેકીંગ કલ્ટ પાસે કોપી રાઇટની સામેનો એક “કોપી લેફ્ટ એક્ટ” પણ છે! અને એની વાત વધારે રોમાંચક છે, જે પછી ક્યારેક જોઇશું. ;) :)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

1 Comment

  1. આટ આટલું પિષ્ટપિંજણ ????? ભારતીય કોઈ કાયદો સિધો સાદો હોતો જ નથી ??? યાર આ તો હદ થઈ ગઈ.. પણ ચાલવા દ્યો.. પણ આભાર દોસ્ત માહીતી આપવા બદલ.

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: