ડરપોક મુર્ખ

3

ડરપોક મુર્ખ ! — આ નામે એક વાર્તા લખી હતી..ઠીક ઠીક સમય પહેલાં (2009/10ની આસપાસ) અને મને પોતાને જ આ વાંચવી / જીવવી ગમી છે. ખૈર…એ મારી સ્વપ્રશસ્તીને બાજુ પર રાખો અને તમે વાર્તા જોઇ જુઓ…ખામીઓ દેખાય તો…ચલાવી લેવી…એમ ખામીઓ હોત જ નહિ તો – અમે સાહિત્યકાર જ ના બનતે/થતે/હોતે ! ;) ;)

—————————-

hello, gleksi here. SW13 ?
ya, SW13 !

here is your country man , carry on with him, we’r here . SW13.
he’s not my country man, but my friend. gleksi.
.. .. ..

નિકુંજ ?!, કેમ છે તને ?, પાર્થે પુછ્યું.
જલ્સા છે, બોલ, તારે ત્યાં કેમ છે ! નિકુંજ્નો જવાબ.

“જો અમે બધાં અહીં છિએ જ, તું જરા ધીરજ રાખ, અને હાં બ્લડ પ્રેશરને વધવા ના દઈશ. એક ઇમરજન્સી કેપ્સ્યુલ તૈયાર કરીએ છીએ. ૧૫-૨૦ મિનિટ લાગશે એને launch કરતાં, તું આમ જ રહેજે યાર” પાર્થે આશ્વાસન આપ્યું

“હાં, હાં, અહીજ છું, અને જવા ઇચ્છીશ તો પણ તમે લોકો મારી લાશને પણ અહીં નહી છોડો એની મને ખાતરી છે “. નિકુંજ બોલી ગયો.

“બસ, બસ, હવે બહુ વાયડો ના થા, નહીતો ઝિરો-ગરેવેટીમાં ૫૦ ઉઠબેસ કરવાની પનિશમેન્ટ આપી દઈશ”. પાર્થ ખોટેખોટું હસીને બોલ્યો.

નિકુંજ એક એસ્ટ્રોનોટ છે. પાર્થ એનો સહયોગી-દોસ્ત છે. નિકુંજ રાહ જોવે છે. ઇમરજન્સી કેપ્સ્યુલ ના આવવાની. એના મનમાં છેલ્લાં થોડાંક સમયની વાતો યાદ આવી જાય છે. ૩ દિવસ પહેલાં એણે – એ લોકોએ પૃથ્વી છોડી હતી. સળંગ ૨૧ કલાક સુધી બધાંજ તબક્કાઓ વટાવીને છેક અહીં સુધી પહોંચ્યા છીએ. અહીં point DEC263814 સુધી. એ અને એક જર્મન એસ્ટ્રોનોટ એક નવા સ્પેસ-સ્યુટની ચકાસણી માટે શીપ ની બહાર નિકળ્યાં હતાં, એ લોકો પોતાના કામમાં મશગુલ હતાં પણ, નિકુંજ અચાનક જ શીપના સાઈડ બુસ્ટરની નજીક આવી ગયો, એ સહેજ ચોંક્યો, અને બીજી તરફ દુર થવા ગયો પણ, આ નવો સ્પેસ-સ્યુટ.જરા વધારેજ અળવિતરો છે.નિકુંજના માથા પર લગાવેલા સેન્સર વડે એણે નિકુંજ ની દુર જવાની ઇચ્છા ને “ડિટેક્ટ” કરી લીધી અને જાતે જ “રિવર્સ થ્રસ્ટ” આપ્યો, પણ.નિકુંજ આ અસર માટે તૈયાર નહોતો એ થોડો હલબલી ગયો, અને..અત્યારે એની અને સ્પેસ શીપ વચ્ચે લગભગ ૧૫૦૦ મિટર અંતર છે…

“નિકુંજનિકુંજ, જો યાર..તું સમજે છે ને.”
“તને હજુ શંકા છે એમ ને” . નિકુંજ.

“એમ નહી,, જો તને ખબર તો છે જ કે, આપણે કેટલાં આપણાં લોકોના કેટલાં રૂપિયા ખર્ચીને, કેટલાય અવરોધો, આંતરરાષ્ટ્રિય કકળાટ થી લડીને, આ એક નવું મિશન શરૂ
કર્યું હતું.. ”

“આટલી બધી પુર્વભુમિકા ?!” નિકુંજે વચમાં જ કહી દીધું.

“એમ નહી, પણ.છોડ યાર કંઈ નહી, તું ટકી રહેજે , અમે આવીએ છીએ.” પાર્થ.

“મેસેજ પુરો કર સાલા, હું કંઈ કિકલો નથી, છેક પ્રુથ્વી પરથી અહીં સુધી મમ્મિ-પપ્પા વગર આવ્યો છું અને બસમાં પણ મારી આખી ટિકિટ લાગે છે. શું છે ?” નિકુંજ એક સાથે
બોલી ગયો.

“જો..નિકુંજ, યાદ છે આપણે જ કેમ આવ્યા અહીં, આવા મિશન માટે, બીજાં પણ હતાં જે આવી શકે, આપણે અહીં છીએ પણ પૃથ્વી પરનો આપણો સંબધ થોડો ખલાસ થયો છે
?, એવું ઘણું છે જે અહીં હોવા છતાં આપ્ણે પૃથ્વિ પરથી મંજુરી…” પાર્થ શબ્દો ગોઠવે છે. “જો નિકુંજ કોણ મહત્વનું હોય છે. દેશ કે વ્યક્તિ, વિગ્નાન કે વૈગ્નાનિક …”

નિકુંજ ફરીથી વચ્ચે, “દેશ મહત્વનો હોય છે, વિગ્નાન હોય છે.”

“વિગ્નાન અને દેશ મહત્વના છે કે નિકુંજ મહત્વ નો છે ?” પાર્થ આંખો બંધ કરીને બોલી ગયો, અને ચુપ થઈ ગયો.

થોડિક સેકંડો ચુપકિદિ છવાઈ ગઈ, પછી નિકુંજ બોલ્યો. “મને કંઈક સમજા.પણ તુંચોક્કસ કર કે હું સાચો છું કે નહી..”

“તું..તુંસાચો છે, પણપણ.જો આમ જો નિકુંજ.અમે લોકોએ અમારો અંગત નિર્ણય નીચે પહોંચાડી દીધો છે કે..”

“એટલે કે.કમાન્ડ સેન્ટર મને બચાવવાના પક્ષમાં નથી એમને.” નિકુંજ પુછિ નાંખે છે.

“ના..ના, એમ નહી યાર..પણ.નિકુંજ જો દોસ્ત વિગ્નાન અને બલિદાન હંમેશા એકબીજાના પુરક રહ્યા છે. ” પાર્થ બોલ્યો.

“સાંભળું છું” નિકુંજે કહ્યું.

“કમાન્ડ સેન્ટર ને એની પોતાની તકલીફો હોય છે, અને આ નવું નથી આ પહેલાં પં..છોડ એ બધી વાત, અમે અહીં નક્કી કર્યું છે કે અમે તને પાછો લઈને જ જઈશું,
સહિસલામત” પાર્થ બોલ્યો.

“તો તમને કમાન્ડ સેન્ટર થી શું જવાબ મળ્યો ?” નિકુંજ ને ઈંતેઝારી હતી.

“તું એ બધું પછી જાણજે, પણ અત્યારે તું ટકી રહેજે, અમે આવીએ છીએ., તારા સ્ટેટસ બતાવ.” પાર્થે વાતને બીજી તરફ વાળી.

“હજુ મારી પાસે ૩૫ મિનિટ નો ટાઈમ છે. બીજું તો તમે લોકો “ઓનબોર્ડ કોમ્પ્યુટર” ને પુછિ લો” , નિકુંજે એકદમ સ્થિર અવાજે કહી દીધું.

એને(નિકુંજ) ને દુર એની શીપ દેખાય છે.અને ચારેબાજુ અચાનક જ નિકુંજ ચારેબાજુ જોવે છે , આ બધું તો ક્યારેય જોયું જ નહી, કામમાં જ મગજ પરોવાયેલું રહેતું હોય
છે. પણ દુરદુર શબ્દ પણ જ્યાં નાનો પડે એવું ખુલ્લાપણું અને એની પણ પાછળ અંધારું, પણ આ અંધારું પૃથ્વિ જેવું નથી લાગતું આ અંધકારની કાળાશ પણ જાણે ચમકે છે. બીજો બધો કચરો અને વાદળો , એકબાજુ અંધકાર અને ત્યાં સામે અને બધે જ દુરદુર સુધી પ્રકાશનો દરીયો ,ના પહાડ, એક તરફ મગજ વિચારવાનું છોડી દે એવા વિશાળ પદાર્થો અને બીજી બાજુ એની જ આસપાસ તરતાં સાવ ઝીણાં રજકણો..દુર, નજીક, અંધારું, ખુલ્લાપણું..આ બધાંજ શબ્દો પૃથ્વિના, અહીં નકામા લાગે છે. છાતી ઉપર આખી સુર્યમાળાનો ભાર લાગે એવો સુનકાર.

..પણ, પેલી કેપ્સ્યુલ ને કેટલી વાર લાગશે ?, નિકુંજ ને અચાનક જ પ્રશ્ન થયો. અને પછી બીજા પણ થયાં, કે ક્યાંક એવું તો નથીને કે મને માત્ર આશ્વાસન આપવા માટે જ આમ કહેવાયું હોય ? પણ, તો પછી એ લોકો શીપ લઈને જતાં કેમ નથી ? કે પછી એવું તો નથી ને કેશીપ ખરેખર આગળ જતી હોય અને પોતાને આ વિશાળ ના, આ અનંત પૃષ્ઠભુમીમાં એ વધતું અંતર જણાતું ના હોય ? એણે આંખો સ્થિર કરીને ફરી જોયું, તો શીપ ત્યાંજ હતી.

“હવે શું કરવું ?” નિકુંજે સ્વગત જ પ્રશ્ન કર્યો.

એકલતા ઘણીવાર આત્મચિંતન માટેની બહું વૈભવી તકો આપતી હોય છે. તમે વસ્તિમાં હોવ છો ત્યારે વિચાર તો કરી શકો છો પણ… નિકુંજ ના મગજમાં કંઈક અસ્તવ્યસ્ત વિચારોનું એક “ધ ગ્રેટ ડાર્ક સ્પોટ” જેવું વાવાઝોડું શરૂ થઈ ગયું. એને લાગ્યું કે એને હવે બીક લાગશે, મરવાની.

અહીં point DEC263814 ઉપર સાવ આવી નિઃસહાય રીતે મરવું પડશે એ ક્યારેય કલ્પના માં પણ..પણ આ મૌત ની બીક આજે કેમ લાગે છે ?, એણે નક્કી કર્યું કે આવા વિચારો કરીને એણે હેરાન ન થવું, પણ એમ કરી શકાય એમ નહોતું. કોઇ સોલિડ ફ્યુલ રોકેટની જેમ એના વિચારોએ ઝડપ પકડી લીધી.

શું કામ મરવું ? કોણ નક્કી કરશે કે એણે ક્યારે મરવું જોઇએ ? અને કેમ મરવું જોઇએ ? તમે જન્મો છો, પછી આખી જીંદગી કોઇ રાક્ષસ ની જેમ ગ્નાન, અનુભવો, કારણો, જવાબો, તારણો ભેગાં કરો છો, જીવનને એના બધાંજ આયામોમાં સમજવાની લાયકાત ધીમે ધીમે કેળવો છો, સફળતા-નિષ્ફળતા, સંબંધો, પ્રેમ, ગુસ્સો, કુટુંબ બધાંને એના લગભગ સાચાં સ્વરૂપમાં સમજો છો, એટલા તૈયાર થાઓ છો કે, જીવનની ગમે તે મુશ્કેલીઓ થી રૂબરૂ થઈ શકો છો અને અચાનક જ એક સેકંડ માં તમે ભુતકાળ થઈ જાઓ છો. આ કુદરત, પ્રકૃતિ માણસને ક્યારેય પોતાનાં આ બધાં ગ્નાન સાથે જીવવા કેમ નથી દેતી ?, કુદરતની મોનોપોલી તુટી જાય છે એમાં ?, કે પછી માણસ બધુંજ જાણી લે એ કુદરતને પસંદ નથી ? કેમ નથી ?

એ જોતો રહ્યો, આ વિશાળતા અને એમાં એક માણસનું સાવ “નજીવું” હોવું, પૃથ્વિ ઉપર આવી રીતે પોતાને જોવું શક્ય જ નથી. એ અંતરિક્ષમાં જ થોડો થોડો હાલતો હતો, એમાં એણે ઘણોજ પ્રયત્ન કરીને પોતાની પાછ્ળની બાજુ જોવા પ્રયત્ન કર્યો, એ એમ કરી શક્યો અને…

હું કોણ છું, એક માણસ માત્ર. પૃથ્વિ પરની ,કદાચ આસપાસના બ્રહ્માંડની સૌથી બુધ્ધિશાળી જૈવિક પ્રજાતિ. હું માણસ કુદરતનું સૌથી અદભુત તત્વ, જે પ્રશ્નો કરી શકે છે, જવાબો ખોળી શકે છે, પોતાની તમામે તમામ સીમાઓ હોવા છતાં , ખુદ બ્રહ્માંડનો પણ તાગ મેળવવા નીકળી શકે એવી, પોતાની જન્મજાત, કુદરતી સલામતી ને લાત મારીને સામે ચાલીને જોખમો લઈ શક્તો માણસ અને..છેવટે આવી રીતે મૌત ની રાહ જોતો માણસ.

નિકુંજ એક સેકંડ માં હલબલી ગયો. ના, એમ નથી. માણસ કદાચ કુદરતનું સૌથી “અળખામણું” સર્જન છે, એને સૌથી વધારે તકલીફો આપી છે, કુદરતે. શારિરિક ઢાંચો, એના જીવનની જરૂરીયાતો બધું જ એને મારી નાંખવા માટે પુરતું છે. પણ..આ પૃથ્વિસુંદર, કોઇ પ્રેમિકા જેવી, અને હેતાળ કોઇ વડિલ જેવી એ તો કુદરતે માણસને આપી છે. પણ નિકુંજ હવે ઇરાદા પુર્વક પ્રયત્ન કરે છે, આ વિચારોને દબાવી દેવા. એ પાર્થ ને બોલાવે છે.

“પાર્થ..પાર્થ..”

“હાં, શું થયું ?”  પાર્થ માઇક્રોફોનની બાજુ માં જ હતો.

“કંઈ નહી.  તું કંઈક વાત કર” નિકુંજ પોતાના વિચારોને અટકાવવા ના ઉપાયો કરવા લાગ્યો.

“જો તું વધારે બોલીશ નહી..નિકુંજ, તને અમે સાથે લઈને જ જઈશું પણ..નિકુંજ, મરવાની બીક લાગે છે તને ” પાર્થે પુછી લીધું

“..  બીક લાગતી હોત તો અહીં આવા કામ માટે હું આવત ? પણ મને લાગે છે કે મરવા માટેની તૈયારી કરવામાં થોડી વાર લાગશે.”

“તું વધારે ગંભિર ન થઈ જા” પાર્થે મલમ લગાડ્યો.

“પાર્થ..થોડીક વાર હું ચુપ રહેવા ઇચ્છું છું.” નિકુંજે વાત અટકાવી દીધી.

શું છે આ પૃથ્વિ ? એ કેમ છે ? એના હોવાનું કોઇ ખાસ કારણ છે કે પછી એ બસ છે જ, ગણિતના પ્રમેય ની જેમ સ્વિકારી લેવા માટે ? આ પુથ્વી અને એના રહેવાસી માણસો શું ખરેખર કુદરતનું અણમોલ સર્જન છે કે પછી આ પૃથ્વિને કોઇ અવળચંડા નબીરાની જેમ “ઘરનિકાલ” કરી છે ? માણસ પણ શું છે ?, કોઇ અદભુત સર્જન કે પછી કોઇ અદભુત સર્જન બનાવવા દરમિયાનનો કોઇ “નિષ્ફ્ળ અખતરો” ? હાં , કદાચ અખતરો હોઇ શકે.

નિકુંજ હવે એના જ વિચારોમાં અંટવાતો હતો. મર્યા પછી શું ? કદાચ કોઇ મોટો કે નાનો પથ્થર મારી સાથે અથડાશે અને..

આપણે કદાચ જીવનને એટલું બધું ચાહી લઈએ છીએ કે એનું વ્યસન થઈ જાય છે અને , જડ થઈ ગયેલા વ્યસનો છોડવા અઘરાં હોય છે. માણસને પણ કદાચ એ જ હોય છે, એ મૌત થી ગભરાતો ન હોય તો પણ જીંદગીને છોડવાનું મન નથી થતું. ખૈર, જીવન જીવન હોય છે અને મૌત મૌત હોય છે. પુનમની રાતની ચાંદનીથી કોઇ વાંધો નથી પણ દોસ્ત , અમાસની રાતનો અંધકાર પણ એની એક કાળી સુંદરતા ધરાવે છે. પ્રકાશથી ટેવાઈ ગયેલી માણસજાતને સનાતન એવા અંધકારથી બીક લાગે છે. નિકુંજ જાણે કે પોતેજ પોતાના વિચારોને જવાબો આપીને શાંત રહેવા પ્રયત્ન કરે છે….

કહેવાય છે કે ધર્મ માણસને મુશ્કેલીમાં ટેકો આપે છે. અને એ ધર્મ કહે છે કે આ બધું તો નિમિત્ત માત્ર છે, માયા છે, ક્ષણભંગુર છે.ધર્મ સાલો દરવખતે કંઈક અલગ જ ફ્રિકવન્સી માં વાતો કરે છે. નિકુંજ જરા હળવો થયો. પણ એનાથી તો એક નવું વાવાઝોડું..

“હું માણસ ક્ષણભંગુર છું. સમયના આ વિશાળ માપદંડો ઉપર કદાચ હું કોઇ અસર નહી મુકી શક્તો હોઊં ,પણ એનાથી મારું અલ્પકાલિન-ક્ષણભંગુર અસ્તિત્વ ખતમ થઈ જાય છે ? હું ગઈકાલે નહોતો, ભવિષ્યમાં નહિ હોઊં પણ..અત્યારે તો છું જ , સનાતન સત્યની જેમ. માણસ માત્ર સનાતન હોતો હોય છે એનું અસ્તિત્વ ક્ષણભંગુર હોઇ શકે છે, પણ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી તો સનાતન હોય છે. હું પોતે કોઇ વિશાળ માયાનો ભાગ છું કે નહી ખબર નથી પણ હું પોતે કોઇ માયા નથી. હું છું સનાતન સત્યની જેમ..”

નિકુંજના શરીરમાં એક રોમાંચનો ઉભરો આવી ગયો. માણસ મહાન હોય છે. થાકી જવું, ઉભા થવું, રડી પડવું, હસી પડવું,ગમગીન થવું અને ખુશી થી ફાટફાટ થવું, અનહદ પ્રેમકરવો અને બેહિસાબ નફરત કરવી, સલામતી ખોળવી અને જોખમો થી રૂબરૂ થવું આ બધાં એની મહાનતાનાં લક્ષણો અને પેરામિટર્સ છે.

મરી જવાથી શું ? કંઈ નહી. એક અંત. બ્રહ્માંડના અબજો-ખર્વો-નિખર્વો રજકણોમાંથી એક ની બાદબાકી માત્ર. પણ મૌત ની પણ એક એપ્લિકેબિલિટી/પ્રસ્તુતત્તા હોય છે. એ પણ એક ચમત્કાર છે કુદરતનો. અને એક રહસ્ય માણસના મગજનું. એ પણ એક અનુભવ હોય છે. એક જાહોજલાલી, એક સુંદરતા,ક્રુર સુંદરતા હોય છે એની અંદર. તમે મરો છો એટલે કે તમે વિશ્વની, બ્રહ્માંડની વિશાળતા સાથે એકરૂપ થઈ જાઓ છો. આપણું આખું અસ્તિત્વ અણુ-પરમાણૂં માં વિભાજીત થઈ જાય છે અને એમ છતાં બ્રહ્મમાં લીન, એકરૂપ થઈ જાય છે. મર્યા પછી આપણે પણ બ્રહ્મ થઈ જઈએ છીએ !

નિકુંજને એક તોફાની વિચાર આવી ગયો કે, હું અહીં આ ઝિરો-ગ્રેવિટી માં કોઇ “અન-આઇડેન્ટિફાઇડ ઓબ્જેક્ટ”ની જેમ ઘુમતો રહીશ અનંતકાળ સુધી, પૃથ્વિ ઉપર મારી ઠીકરા જેવી લાશના ફોટા પહોંચશે, હું કોઇ અંતરિક્ષમાં આવેલું પિકનિક સ્પોટ બની જઈશ, મારી લાશની ભ્રમણક્ષાઓ આંકવામાં આવશે, કોઇ ધુમકેતુની જેમ મારી લાશનો પણ મુલાકાતનો સમય ગણવામાં આવ્શે. હું એક દંતકથા બની જઈશ..પણ..પણ કદાચ એમ પણ બને કે એ પહેલાં જ કોઇ અવકાશિય ખડક મારી સાથે અથડાઈ જાય અને મને-મારી બરડ કાચ જેવી લાશને – રજકણોમાં ફેરવી નાંખે..બની શકે. એમ પણ બની શકે. અને એ પછીથી હું , અણુ-પરમાણુંમાં વિભાજીત થયેલો હું બ્રહ્માંડના ખુણેખુણે ફરતો હોઇશ, મારી વિભાજીત ચેતના લઈને..વાહ ! શું ભવિષ્ય હશે મારું ! નિકુંજ મનોમન હસી પડ્યો. હું ઈશ્વરની જેમ સચરાચરમાં વ્યાપી જઈશ. કેવી મજા આવશે. એ વખતે મારી અણુઓમાં વહેંચાયેલી ચેતના પણ કહી શકશે કે હું અત્ર તત્ર સર્વત્ર ફેલાયેલો છું..

..પણ, આ શું છે ? મૌતનો લગાવ કે જીવનથી અ-લગાવ ? કે પછી એવું તો નથી ને કે એણે પોતાની આ સ્થિતિ સાથે “સ્ટોકહોમ – અનુકુલન” સાધી લીધું છે ?! નિકુંજ થોડીવાર પોતના જ વિચારોનું એનાલિસિસ કરવા મંડે છે.

મરવું-મરી જવું, મૃત્યુ થી બચવાનો કોઇ સક્રિય પ્રયત્ન ના કરવો એ ક્યાંક માનસિક વિકૃતિ તો નથી ને ? પણ એમાં ખોટું શું છે ? એક માણસ તરીકે મારું જીવન મારું હતું અને છે, અને માટે જ મારું મૌત પણ મારું જ હોય.મારું જીવન મેં જીવ્યું છે, અને એટલે મારું મૌત પણ મારું તાબેદાર છે, મારા જીવન અને મૌત નો માલિક હું જ છું. મારી શરૂઆત મેં નક્કી નહોતી કરી, પણ મારો અંત નક્કી કરવાનો મને હક છે.બ્રહ્માંડિય-હક છે.કોઇ જ ફિલોસોફી, ધર્મ, નૈતિકતા , સારાસાર ની વાતો મારા મરવા ઉપરનો મારો હક ના છીનવી શકે. અને..

..મને જીવન આપીને કુદરતે , મારી નિયતિએ પોતાનું કામ પુરું કર્યું છે , હવે એ જીવન સાથે શું કરવું અને એનો અંત કેવી રીતે ક્યારે લાવવો એ હક મને મળવો જ જોઇએ. માણસ કુદરતનું સર્જન છે કે ગુલામ છે ? જીવનને લુટાવી દેવું કે વહેવા દેવું, એને પછાડી-પછાડીને ભુકો કરી નાંખવું કે એને એક આકાર આપવો, જીવનને ભડકે બાળી નાંખવું કે અંતિમ તાપમાનો ઉપર ઠારી નાંખવું, એને સાચવી રાખવું કે કોઇ મસ્તમૌલા ની જેમ છુટ્ટો ઘા કરવો એ કોણ નક્કી કરશે ? બેશક હું. મારા જીવન ઉપર આટલો હક તો મને હોવો જોઇએ..

નિકુંજ કંઈક અલગ અનુભવવા માંડ્યો. એક ખુશી, દરિયાના સુનામીની જેમ ઉછળવા લાગી. અને એને એ ગમ્યું.એને લાગ્યું કે એ અત્યારે પણ સંશોધન જ કરી રહ્યો છે, બ્રહ્માંડ અને માણસની જુગલબંધી નું !

કંઇ કેટલાય શંશોધનો થયાં છે અને એ દરવખતે કોઇ ને કોઇએ પોતાની ખુશી, પસંદગી, આઝાદી, પરિવાર ને કુરબાન કરી નાંખ્યા છે, સમાજનો વિરોધ અને એથીય વધારે સમસ્ત કુદરતનો વિરોધ કર્યો હોય છે. પણ કેમ ?

કેમકે, આ માણસ છે. એને જ્યારે પ્રશ્નો થાય છે ત્યારે એ બ્રહ્માંડની ઉંચાઈઓથી લઈને પૃથ્વિની ઉંડાઈઓ સુધી જંપતો નથી. આ એનો સ્વભાવ છે, સ્થિતિ-પરિથિતિઓને જેમ ની તેમ નહી સ્વિકારી લેવાની. આ એક પ્રાચિન અને જીવલેણ વળગણ છે માણસનું. અને એની હયાતિનો આધાર છે. જો એ શોધખોળો બંધ કરી દેશે તો આ બ્રહ્માંડ સાવ સુનુસુનુ થઈ જશે. છેવટે એક માણસ જ તો છે,જે કુદરતની સામે થાય છે. એ થાકે છે પણ હારતો નથી, પડે છે પણ અટકતો નથી એને જીવવું છે મનભરીને જીવવું છે અને એ..મૌત થી ડરતો નથી. બ્રહ્માંડના ખુણેખુણે નજર નાંખે છે અને પછી પોતાનો શિકાર નક્કી કરીને એની ઉપર પોતાના પગની છાપ પાડી આવે છે.

બ્રહ્માંડ હશે જો હશે તો કોઈ શેષનાગની ફેણ ઉપર પણ..આ નજીવા માણસના તો પગની નીચે છે. સ્થુળ વિશાળતાને મહાનતા સાથે કંઈજ સંબંધ નથી. બ્રહ્માંડની સ્થુળ-ભૌતિક વિશાળતા કરતાં માણસની સુક્ષ્મ વિશાળતા વધારે ઝળહળતી છે. નિકુંજ અચાનક જ એની શીપને જોવે છે. એ હજુ એમ જ છે. પછી એ પોતાના ઓનબોર્ડ કમ્પ્યુટરમાં , ઇમરજન્સી સ્ટેટ્સ જોવે છે. ૧૫ મિનિટ હજુ બાકી છે. એણે અચાનક જ પાર્થેને બોલાવ્યો

“પાર્થ સાંભળે છે ?”
“હાં..હાં, બોલ, કેમ છે ?” -પાર્થ તરજ બોલી પડ્યો.

“મને એક વિચાર આવે છે” નિકુંજ પાર્થના જવાબની રાહ જોવે છે.

“બોલ ને યાર..” પાર્થે થોડું મુંઝાઈને કહ્યું

નિકુંજ શબ્દોને ગોઠવે છે “..પાર્થ, આપણે કેટલો બધો ખર્ચો કર્યો છે, આ કામ માટે કેટલું બધું જતું કર્યું છે, છોડી દીધું છે, શોખ, ઉંઘ, રજાઓ, કેટલાંક સ્વજનો, આઝાદી.”

“મને કંઈ સમજાતું નથી” પાર્થ વચ્ચે બોલી પડ્યો.

અચાનક નિકુંજનો અવાજ બદલાઈ જાય છે એ જરા વધારે મોટા અવાજે બોલે છે “પાર્થ..મને બ્રહ્માંડ બની જવાની ઇચ્છા થાય છે..હું…હું મારા હેલ્મેટ ના હૂક ખોલી નાંખવાનું વિચારું છું..”

” ઓ સાલા..ગાંડો થયો છે ? આવી રીતની મજાક મને પસંદ નથી અને અત્યારે તો બિલકુલ નહી, તને ખબર છે, અહીં, બધાં કેટલી ચીતાંમાં છે, એમાં તું આવી મજાક…બકવાસ ના કર” પાર્થ એક્દમ આતંકિત થઈને ઘણૂં બોલી નાંખે છે.

“તમને એ ચિંતામાંથી આઝાદ કરવાની વાત કરું છું.” નિકુંજ સ્થિર અવાજે જવાબ આપે છે.

“જો નિકુંજ હવે બધી હોશિયારી રહેવા દે મને ગુસ્સો આવે છે.અત્યારે તારાથી પ્રભાવિત થવાની મારી કોઇ ઇચ્છા નથી, લવારા બંધ કર” પાર્થ મુંઝાય છે, ચિંતા, ગુસ્સો,
અકળામણ બધું ભેગું થઈ જાય છે.

“જો પાર્થ, મારી પાસે ૧૦ મિનિટ છે માત્ર.અને હું નથી ઇચ્છતો કે એક માણસ માટે આપણાં બધાંની આ મહેનત, મને બચાવવા માટે વપરાઈ જાય વિગ્નાન મહત્વનું છે, દોસ્ત, અને આખી જીંદગી મારમાર જીવ્યા પછી હું માત્ર મારા મૌતને દુર ખસેડવા મારા જ બનાવેલો નિયમો તોડું તો. એ અનુભવ આમપણ મારું જીવવું અઘરું બનાવી દેશે.”

પાર્થ વચ્ચે જ બોલે છે – “દોસ્ત, તને શું થાય છે, આમ કેમ બોલે છે, યાદ છે ને આપણે છેક છેલ્લાં બિંદુ સુધી પ્રયત્ન કરનારા માણસો છીએ. તું બસ, રાહ જો.”

“પાર્થ..દોસ્ત.એક માણસ તરીકે હું ધોધમાર જીવ્યો છું, બ્રહ્માંડની છાતી ઉપર મારા પગલાંની છાપ મુકી શક્યો છું, મારી નિયતિએ મને સાવ લાચાર અવસ્થામાં જીવન આપ્યું હતું અને અહીં જો.આ જો હું મારી નિયતિને મારી સાથે છેક ક્યાં સુધી ઢસડી લાવ્યો છું, હું જીવનને જીવ્યો છું અને સાબિત પણ કરી ચુક્યો છું અને આ આટલું બધું સરસ, સુંદર સ્મશાન કંઈ બધાનાં નસીબમાં નથી હોતું, અને પાર્થ, યાર.. હવે માત્ર ૫ મિનિટ છે. અને હું માઇક્રોફોન સ્વિચ ઓફ  કરું છું, આવજે દોસ્ત. ” નિકુંજ એકદમ ચુપ થઈ ગયો..

..એણે મહા મહેનતે પોતાનો હાથ ઉંચો કર્યો કે જેથી દુર પેલી શીપમાં બધાંને એ છેલ્લી વાર..અને પછી એણે જોયું કે હવે માત્ર ૪ મિનિટ બાકી છે.

અને એ ધીરેધીરે પોતાના ઉંચા કરેલા હાથને પોતાના ગળાની આસપાસ ફેરવીને હુક ખોળી લે છે. અને પછી હાથ ઉપર ની કમાન્ડ પેનલમાં ૪ મિનિટ પછી હેલમેટની “ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ” ને રિલિઝ કરવાનો કમાન્ડ આપી દે છે.એને થાય છે કે થોડું હજુ પણ જોઇલે આ બ્રહ્માંડને , પેલી પૃથ્વિને પેલા વિશાળ ખડકનેઅને સ્વગત વિચારે છે કે..હું ખરેખર નસિબદાર છું, છેવટે પોતાના હાથે મોત નક્કી કરવા મળે એવું કેટલાનું નસીબ હોય છે. બ્રહ્માંડની વિશાળતામાં એકરૂપ થઈ જવાનું પોતેજ બ્રહ્માંડ થઈ જવાનું કેટલાને મળે છે, આ કાતિલ સુંદરતા, આ ચમકતું અંધારું, આ વિશાળતા, આ રોમાંચ પહેલા પ્રેમ જેવો, આ ઝણઝણાટી કોઈને મારેલા પહેલા મુક્કા જેવી, આ અનુભવ પહેલીવારના લોહીનો , આ અનુભવ પહેલા, અદ્વિતિય , અકલ્પનિય, અવર્ણનિય… એક મૌત નો.અને એક..ઉઅઆઆહહ્હ્હ્હ્હ. _____

૪ મિનિટ પુરી થઈ ગઈ અને શીપમાં પાર્થ આંખોમાં પાણી લઈને બરાડા પાડતો રહ્યો… — “સાલો ડરપોક…સાલો નાલાયક…સહેજવાર રાહ ના જોઇ શક્યો..મુર્ખો સાલો..”.

——————-

[#saatatya – ડરપોક મુર્ખ – મારી વાર્તા નામના વિભાગમાંથી ]
http://saatatya.co.in/forum/topic/88 (currently not active !)

Share.

About Author

મોડીરાત્રીઓ, ધુમાડો, કોફી, કોડિંગ, એક્સપ્લોઇટ્સ, ગઝલો, બાઇકિંગ, જંગલો, પથ્થરો, લોકો, પુસ્તકો, રખડપટ્ટી, લાઈફની મઝા છે. એની દરેક અનુકુળતાઓ અને વિષમતાઓમાં. અને એ બધું અંગત નોટના પાનાઓમાંથી અહીં સુધી ફેલાયું છે. આ લખાણો મારા છે અને એક જ ડ્રાફ્ટમાં લખાયેલા છે, તો કોઇ માહીતીદોષ દેખાય તો ધ્યાન દોરશો. __નિખિલ શુક્લ. ;) :)

3 Comments

 1. કહ્યુ હતુ ને તમને નિખીલ કે તમે ખરેખર ખુબજ અદભુત લખો છો..

  યાર તમરું લખાણ રોમાંચ ઉપજાવે તેવું હોય છે..અને જે વાંચી ને વાહ ખુબ સરસ એવું દિલથી બોલી જવાય એવું હોય છે..

  હવે વધું નહીં લખું..

 2. શ્લોકા on

  નિખિલ ભાઈ ખુબ જ સરસ લખ્યુ,,,

  વાચી ને એવુ લાગ્યુ કે હુ નિકુંજ છુ,,, સાચિ વાત છે આપની કે ક્યારેક કયારેક જીવનમાં મોતના નાના

  અનુભવો થતાં રહેવા જોઇએ, માણસ ને કદાચ મરવાની બીક ન લાગે !!!

  મૌત ને પણ સુંદરતા બક્ષવી એ બધા ના હાથનિ વાત નથી અને તમે એ કરી બતાવ્યુ… સાચે જ રોમાંચ થયો આ વાચિ ને,, અને આ વિચારી ને ,,,

 3. નીખીલભાઈ..

  સૌ પ્રથમ તો બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે……

  ડરપોક મુર્ખ વાંચવાની મજા આવી.. વિગ્યાન સાથે આત્મગ્યાન જોડી દિધુ તમે તો……

  મોતની આ નાનકડી સફર કરવાની ખરેખર મજા આવી……….

Leave a Reply

Powered By Indic IME
%d bloggers like this: